ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

ફેસબુકમાંથી ગૂગલમાં

  • પ્રકાશન તારીખ09 Dec 2019
  •  
ટેક બુક- હિમાંશુ કીકાણી
જો મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક થઈ શકતા હોય, તો સાયબરવર્લ્ડમાં એપલ, ફેસબુક, ટ્વીટર, ગૂગલ વગેરે એક કેમ ન થઈ શકે?
આમ તો, વાડાબંધી પર માત્ર રાજકારણીઓ અને સાહિત્યકારોનો જ ઇજારો છે એવું નથી. ટેક્નોલોજી કંપનીઓ પણ વર્ષોથી પોતપોતાના ચોકા માંડીને બેઠી હતી, પણ હવે આ વાડાબંધી ધીમે ધીમે તૂટી રહી છે.
અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક કંપનીની સર્વિસનો લાભ લઈ રહ્યા હોઈએ અને તેમાંનો ડેટા બીજી સર્વિસમાં લઈ જવો હોય તો ખાસ્સી મગજમારી કરવી પડતી. જેમ કે, જો તમે વિવિધ ટુ-ડુ લિસ્ટ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે કોઈ એક સર્વિસમાં આપણે મોટા પ્રમાણમાં ટાસ્ક્સનાં લિસ્ટ તૈયાર કર્યાં હોય, પછી બીજી કોઈ સર્વિસ વધુ સારી લાગે તો તેમાં એકડેએકથી શરૂઆત કરવી પડે. હવે વિવિધ સર્વિસ આપણા ડેટાને એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ કરવાની સગવડ આપવા લાગી છે.
એ જ રીતે, છેલ્લા થોડા સમયમાં ગૂગલ અને માઇક્રોસોફ્ટ એકમેકની ખાસ્સા નજીક આવ્યાં છે. ગૂગલ ડ્રાઇવમાં આપણે વર્ડ કે એક્સેલની ફાઇલ સેવ કરી શકીએ અને ત્યાં એડિટ પણ કરી શકીએ. થોડા સમયમાં આપણે માઇક્રોસોફ્ટની આઉટલૂક સર્વિસમાં જીમેઇલ, ગૂગલ કેલેન્ડર વગેરેનો ડેટા પણ ઇન્ટિગ્રેટ કરી શકીશું.
એ જ દિશામાં હમણાં તાજા સમાચાર છે કે આપણે ફેસબુકમાંના આપણા ફોટોઝ સહેલાઈથી ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર કરી શકીશું. આમ તો, જો તમે તમારા ફોનમાં ગૂગલ ફોટોઝનો ઉપયોગ કરતા હો અને તમારા ફોટોઝ તેમાં આપોઆપ બેકઅપ થાય તેવું સેટિંગ રાખ્યું હોય તો આવી સગવડની તમને બહુ જરૂર ન પડે, તેમ છતાં, અન્ય યૂઝર્સ માટે ફેસબુકે આ સુવિધાની ટ્રાયલ શરૂ કરી છે. હાલમાં માત્ર આયર્લેન્ડના યૂઝર્સ માટે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને આવતા વર્ષે આપણને પણ તે સુવિધા મળી જશે.
ફેસબુકના કહેવા મુજબ, આ રીતે ટ્રાન્સફર થતો ડેટા એન્ક્રિપ્ટેડ રહેશે અને ટ્રાન્સફર કરતા પહેલાં ફરી આપણો પાસવર્ડ પણ પૂછાશે.
આ ફેરફાર ‘ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટ’ નામના એક મોટા ગજાના પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યા છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, ટ્વીટર વગેરે કંપની આ પ્રોજેક્ટમાં જોડાઈ ગઈ છે અને હવે એપલે પણ તેમાં સાથ આપ્યો છે. આથી આઇક્લાઉડમાંના તમારા ડેટાને બીજી સર્વિસમાં લઈ જવાનું હવે સહેલું બનશે. અત્યાર સુધી આ કામ થઈ તો શકતું હતું, પણ એ માટે આપણે પહેલાં ડેટાને એક સર્વિસમાંથી ચોક્કસ ફોર્મેટમાં ડાઉનલોડ કરવો પડતો અને પછી બીજી સર્વિસમાં અપલોડ કરવો પડતો હતો, હવે એ કામ વધુ સહેલાઈથી થશે.
ફેસબુકમાંથી ગૂગલ ફોટોઝની ટ્રાન્સફર સર્વિસ આવતા વર્ષે મળે ત્યાં સુધી તમે રાહ જોવા માગતા ન હો, તો અત્યારે ફેસબુકના સેટિંગ્સમાં ‘ડાઉનલોડ યોર ઇન્ફર્મેશન’ વિકલ્પ શોધીને તમારા તમામ ફોટોઝ ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી ફોટોઝ એપમાં લઈ જઈ શકો છો.
[email protected]
x
રદ કરો

કલમ

TOP