તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેન્ડવિથનું બખડજંતર

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેક બુક- હિમાંશુ કીકાણી
બહુ નજીકના ભવિષ્યમાં આપણા દેશમાં પણ ઇન્ટરનેટ, ટીવી અને મોબાઇલ નેટવર્કની જબરી ભેળસેળ થઈ જવાની છે અને તેને કારણે આપણને એક શબ્દ વધુમાં વધુ સાંભળવા મળવાનો છે - બેન્ડવિથ.  આમ તો બેન્ડવિથનો અર્થ ઘણો વિશાળ છે. કોઈ બે વ્યક્તિ વચ્ચે મનમેળ ન હોય તોપણ આપણે કહેતા હોઇએ છીએ કે બંનેની બેન્ડવિથ મળતી નથી! વાસ્તવમાં ડિક્શનરીમાં પણ બેન્ડવિથનો એક અર્થ એવો જ આપેલો છે કે બેન્ડવિથ એટલે કોઈ સ્થિતિને સંભાળવા માટે જોઇતી ઊર્જા કે માનસિક ક્ષમતા! જોકે, આપણે તો તેના ટેક્નોલોજી સંબંધિત અર્થ સાથે પનારો છે. ઇન્ટરનેટના સંદર્ભમાં બેન્ડવિથ એટલે નિશ્ચિત સમયગાળામાં, કોઈ નિશ્ચિત માધ્યમમાંથી, નિશ્ચિત પ્રમાણમાં ડેટા કે ઇન્ફર્મેશનને ટ્રાન્સમિટ કરવાની ક્ષમતા.
સામાન્ય રીતે, ઇન્ટરનેટના સંદર્ભમાં આપણે બેન્ડવિથને સ્પીડ ગણી લેવાની ભૂલ કરીએ છીએ, પણ તે આપણા ઇન્ટરનેટ કનેક્શનની વાસ્તવિક સ્પીડ દર્શાવતી નથી. બેન્ડવિથ માત્ર એટલું દર્શાવે છે કે આપણો કેબલ વધુમાં વધુ કેટલો ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. આપણા ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ દરેક ક્ષણે બદલાતી રહે છે તેનું કારણ એ છે કે મૂળ બેન્ડવિથ પોતે બદલાતી નથી, પરંતુ તેના ઉપયોગની સ્થિતિ કે ઉપયોગ કરનારા યૂઝર્સ બદલાતા રહે છે. 
બેન્ડવિથનો પહેલો આધાર કેબલના પ્રકાર પર છે. આપણી કંપનીનું નેટવર્ક ફાઇબર ઓપ્ટિક્સનું બની ગયું હોય, પરંતુ છેવટે, છેક આપણા ઘરના રાઉટર કે પીસી સુધી થોડા પ્રમાણમાં કોપરના કેબલનો ઉપયોગ થતો હોય તો આપણા ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. આપણા ઇન્ટરનેટ નેટવર્કમાં વધુ ને વધુ લોકો જોડાતા જાય તેમ તેમ દરેક વ્યક્તિને મળતી સ્પીડ ઘટતી જાય છે, કારણ કે નેટવર્કની મૂળ બેન્ડવિથ નિશ્ચિત હોવા છતાં, તેમાંથી વહેતા ડેટાનો ઉપયોગ કરનારા વધવાથી દરેકને ભાગે મળતી સ્પીડ ઘટવા લાગે છે.
‘ડાયલ અપ’ કનેક્શનના જમાનામાં ફોન લાઇન મારફતે જ ઇન્ટરનેટનો ડેટા પણ વહેતો હતો. એટલે આપણે પીસીમાં ઇન્ટરનેટ ચાલુ કરીએ ત્યારે ફોનનો ઉપયોગ થઈ શકતો નહોતો. સમય સાથે ટેક્નોલોજી બદલાઈ ને એક જ કેબલમાં બે પ્રકારના ડેટાનું વહન શક્ય બન્યું અને એ સાથે નેટવર્કની બેન્ડવિથ પણ વધતી ગઈ. એ જ કારણે વિડિયો અને મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસીસ પણ શક્ય બની, કારણ કે તેમાં ઘણા વધુ પ્રમાણમાં ડેટાનું વહન કરવાની ક્ષમતા જરૂરી હતી.
ભારતમાં બેન્ડવિથ અને ઇન્ટરનેટ સ્પીડ વચ્ચેનો તફાવત આપણે લગભગ રોજેરોજ અનુભવીએ છીએ. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની કે મોબાઇલ કનેક્શન આપતી કંપની નોંધપાત્ર બેન્ડવિથના પ્રોમિસ સાથે આપણને જુદા જુદા પ્લાન વેચે છે અને પછી આપણે નિશ્ચિત પ્રમાણમાં ડેટાનો ઉપયોગ કરી લઇએ એ પછી કંપની આપણા કનેક્શનની સ્પીડ ઘટાડી નાખે છે. આને બેન્ડવિથ થ્રોટલિંગ કહે છે. આનો અર્થ એ થયો કે નેટવર્કની બેન્ડવિથ તો ઘટતી નથી, માત્ર નિશ્ચિત નંબર કે આઇપી એડ્રેસ પર જઈ શકતા ડેટાનું પ્રમાણ કંપની ઘટાડી દે છે. 
himanshu@cybersafar.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો