ટેક બુક / ઓનલાઇન રિટર્નમાં ફ્રોડ

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Apr 21, 2019, 04:59 PM IST

હમણાં એક વેબસાઇટ પર નોંધાયેલો એક કિસ્સો સાચો હોય, તો ઘણા માટે ચિંતાજનક બની શકે તેવો છે. એ સાઇટના દાવા મુજબ, આ કિસ્સા વિશે મુંબઈના બોરિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે.
બન્યું એવું કે એક મહિલાએ એક ઓનલાઇન શોપિંગ પોર્ટલ પરથી એક સાડી ખરીદી. સાડીની કિંમત રૂ. 1,100 હતી. એ મહિલાએ કેશ-ઓન-ડિલિવરીને બદલે ઓર્ડર સાથે જ પેમેન્ટ કરી દીધું હતું. જ્યારે ઓર્ડર મુજબ સાડી આવી, ત્યારે મહિલાનું ધ્યાન ગયું કે સાડીમાં તો કંઈક નુકસાન હતું. આવા કિસ્સામાં આપણામાંના મોટા ભાગના લોકો જે કરે, એ જ એ મહિલાએ કર્યું. તેણે સાડી રિટર્ન કરવાનું નક્કી કર્યું.
હવે એક આડવાત. માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ઓનલાઇન શોપિંગ સાઇટ્સ માટે ખરીદેલી ચીજ રિટર્ન કરવાની સુવિધા માથાનો દુખાવો બની રહી છે. રોજિંદી દુકાનોમાંથી ખરીદેલી વસ્તુ પાછી આપવી સહેલી હોતી નથી. મોટા ભાગે તેના બદલે બીજું કંઈક ખરીદવું જ પડે, એટલે લોકો ત્યાં વસ્તુ રિટર્ન કરવાનું ટાળે, પણ ઓનલાઇન સાઇટ્સ રોજિંદી દુકાનોની હરીફાઈમાં આગળ રહેવા માટે પ્રમાણમાં ઠીક ઠીક ઉદાર રિટર્ન પોલિસી ઓફર કરતી હોય છે. વાસ્તવમાં, આ રિટર્ન પોલિસી વસ્તુમાં ખરેખર કંઈક ખરાબી હોય કે સાઇટ પર દર્શાવેલી વિગતો કરતાં આપેલી વસ્તુ જુદી હોય તો તે પાછી મોકલવા માટે હોય છે. જોકે, ઘણા લોકો તેનો ‘ન ગમે તો પાછું’ એવો મનગમતો અર્થ પણ કરી લેતા હોય છે. આ કારણે ઓનલાઇન સાઇટ્સનું નુકસાન વધતું જાય છે અને છેવટે તેમણે પોતાની રિટર્ન પોલિસીને થોડી કડક બનાવવી પડે છે.
પેલી મહિલાના કિસ્સામાં કદાચ સાડીમાં ખરેખર નુકસાની હશે એવું માની લઈએ. તેણે સાઇટના કસ્ટમર કેર સેન્ટરમાં ફોન કર્યો. સામે છેડે કોઈ મહિલાએ કોલ રિસીવ કર્યો. તેણે તરત જ સાડી પરત લેવાનું સ્વીકારી લીધું અને મહિલાની રકમ પરત જમા કરાવવા તેનું બેન્ક એકાઉન્ટ, આઇએફએસઆઇ કોડ વગેરે વિગતો માગી. ‘નુકસાનીવાળી સાડી માથે પડી હોત, માંડ બચી’, એવું વિચારીને મહિલાએ વિગતો આપી.
એણે ચોક્કસ કઈ કઈ વિગતો આપી અને તેની સાથે ખરેખર કેવી રીતે છેતરપિંડી થઈ તેની સ્પષ્ટતા નથી, પણ પછી એ મહિલાને તેની બેન્ક તરફથી નોટિફિકેશન મળ્યું કે તેના ખાતામાંથી રૂ. 75,000 ઉપડ્યા છે. પછીની તપાસમાં બહાર આવ્યું કે બેન્કના એટીએમમાંથી આ રકમ ઉપાડવામાં આવી હતી, મતલબ કે તેનું બનાવટી ડેબિટ કાર્ડ બનાવવામાં આવ્યું હશે.
આ કિસ્સાની પૂરતી વિગતો પ્રકાશમાં આવી નથી, પણ પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલાઓને કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાના બેન્ક ખાતાની વિગતો આપવા સામેનાં
જોખમો સમજાવવા જેવાં છે. બધાં ઓનલાઇન શોપિંગ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ જોખમી નથી, પણ આપણે પોતે અજાણતાં વધુ પડતી વિગતો આપીને મુસીબત વહોરી લઈએ એવું બની
શકે છે.
[email protected]
X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી