ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

કામ અને જીવનનું સંતુલન

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

સ્માર્ટફોન અને ઇન્ટરનેટથી તમારા જીવન પર શી અસર થઈ છે? આ સવાલના બે જવાબ હોઈ શકે છે. આ બંને ટેક્નોલોજીથી એક તરફ આપણે સતત આખી દુનિયાના સંપર્કમાં રહી શકીએ છીએ અને બીજી બાજુ મોટી તકલીફ એ પણ છે કે આ બંનેથી દુનિયા આખીના લોકો આપણે ન ઇચ્છતા હોઇએ ત્યારે પણ આપણો સંપર્ક કરી શકે છે! તાજેતરમાં એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગરવાલે આ મુદ્દે પોતાની ટીમને એક ઇમેઇલ મોકલીને એક નવી જ ચર્ચા છેડી. તેમણે પોતાની ટીમને સલાહ આપી કે તેઓ સાંજના 6થી સવારના 8 દરમિયાન ઑફિસના કામકાજને લગતા ઇમેઇલ્સ કે ફોન કૉલ્સના જવાબ આપવાનું બંધ કરી દે અને કામ તથા જીવન વચ્ચે તંદુરસ્ત સંતુલન સાધવાનો પ્રયાસ કરે (ભગવાન આવા બોસ સૌને આપે!). અમિત એમેઝોનના સ્થાપક અને સીઇઓ જેફ બેઝોસના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. જેફ બેઝોસ પોતાની ટીમ પાસેથી બહુ આકરી રીતે કામ કઢાવવા માટે જાણીતા છે.

અમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગરવાલે એ હમણાં
એક વિચારવા જેવો મુદ્દો છેડ્યો છે

અમિત અગરવાલનો આ ઇમેઇલ ફક્ત તેમની ટીમ પૂરતો હતો પરંતુ તે લીક થયા પછી સોશિયલ મીડિયામાં જબરી ચર્ચા જાગી છે. એક તરફ ભારત આખી દુનિયા માટે સ્માર્ટ ટેક્નોલોજીસના સૌથી મોટા માર્કેટ તરીકે અને ડેવલપમેન્ટ હબ તરીકે વિકસી રહ્યું છે પરંતુ બીજી તરફ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો આ જ કારણે ભયંકર દબાણ અને તણાવ હેઠળ આવી રહ્યા છે. બેંગાલુરુના એક જાણીતા સાઇક્યિાટ્રિસ્ટે હમણાં કહ્યું હતું કે આજકાલ તેઓ માંડ ૨૫ કે ૨૮ વર્ષના લોકોને હાર્ટએટેકનો ભોગ બનતા જોઈ રહ્યા છે, જે તેમણે ચાર દાયકાની તેમની કારકિર્દીમાં ક્યારેય જોયું નથી.


થોડાં સમય પહેલાં ગૂગલના એક ઉચ્ચ અધિકારીએ પણ જીવન અને કામકાજ વચ્ચેનું સંતુલન જાળવવાના હેતુથી પોતાની નોકરી છોડી હતી અને પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતો એક ઓપન લેટર પણ તેમણે લખ્યો હતો.


વાત કદાચ માત્ર ટેક્નોલોજી જગત પૂરતી સીમિત નથી. આજે આપણે સૌ દિવસના ૨૪ કલાકમાં શક્ય એટલું વધુ અચિવ કરી લેવા માગીએ છે અને સ્માર્ટફોન કે ઇન્ટરનેટ એમાં આપણને ભરપૂર મદદ પણ કરે છે. અગાઉ કોઈ વ્યક્તિ ઇચ્છે તો પણ સહેલાઇથી પોતાના ઘેર કે ઓફિસમાં બેસીને ઓસ્ટ્રેલિયા કે કેનેડાના ક્લાયન્ટ્સ માટે કામ કરી શકતી નહોતી. હવે એવી કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. પરંતુ જીવનમાં ખુશાલી ટકાવી રાખવી હશે, તો આપણે ટેક્નોલોજીના ઉપયોગની એક નિશ્ચિત સીમા તો અચૂક બાંધવી પડશે. તમે બોસ હો કે કર્મચારી, તમારી ઓફિસમાં અમિત અગરવાલના વિચાર પર અમલ કરવાની કમસે કમ ચર્ચા તો જરૂર કરી શકો!

himanshu@cybersafar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP