Home » Rasdhar » હિમાંશુ કીકાણી
ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

ઉચ્ચ અભ્યાસની તૈયારી માટે...

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

સાયન્સ અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમની વાત નીકળે ત્યારે વૈશ્વિકસ્તરે એક નામ અચૂકપણે આદર સાથે લેવાય - મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી. ઈ.સ.1861માં સ્થપાયેલી આ યુનિવર્સિટીનો મોટો એટલે કે કાર્યમંત્ર છે ‘માઇન્ડ એન્ડ હેન્ડ’. અમેરિકાની આ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા 90 જેટલા નિષ્ણાતો નોબેલ પારિતોષિક જીતી ચૂક્યા છે. સાયન્સ કે એન્જિનિયરિંગમાં ઉચ્ચ અભ્યાસનું સપનું ધરાવતા કોઈ પણ વિદ્યાર્થી માટે પસંદગીની યુનિવર્સિટીઝની યાદીમાં આ યુનિવર્સિટી ટોપ પર રહે છે.


આપણા માટે કામની વાત એ છે કે આ યુનિવર્સિટી, તેમાં અભ્યાસ કરવા ઇચ્છતા જગતભરના વિદ્યાર્થીઓને તેઓ એમઆઇટી પહોંચે તે પહેલાં એમઆઇટીના સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરે છે. એટલે જ એમઆઇટી કે-12 એટલે કે કેજીથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સ્ટેમ લર્નિંગ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)માં ઊંડો રસ લેતા કરવા માટે પ્રયત્નશીલ છે.
આપણા માટે હજી કામની વાત એ છે કે આ પ્રયાસોના ભાગરૂપે એમઆઇટી દ્વારા એમઆઇટીએક્સ અને ઓસીડબલ્યુ (ઓપન કોર્સ વેર) એવી બે પહેલના ભાગરૂપે વિવિધ વિષયોના ઓનલાઇન કોર્સીસ ઓફર કરે છે, જે સૌ માટે તદ્દન ફ્રી છે.

સાચાં-ખોટાં કારણસર આપણે ત્યાં બારમા ધોરણમાં પરીક્ષામાં ઊંચા ટકા લાવવાનું વિદ્યાર્થી પર એટલું બધું દબાણ હોય છે કે પોતાની પરીક્ષાના સિલેબસ સિવાય આજુબાજુનું કશું જોવાનો તેની પાસે સમય રહેતો નથી.

એમઆઇટી સ્પષ્ટતા કરે છે કે આ બધા ઓનલાઇન કોર્સીસમાં જે કંઈ કન્ટેન્ટ શીખવવામાં આવે છે તેમાં અને યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચીને રૂબરૂ કોર્સીસમાં જોડાનારા વિદ્યાર્થીઓ જે કન્ટેન્ટ શીખે છે તેમાં કોઈ જ પ્રકારનો ફેર નથી. ખરેખર તો કેમ્પસમાં આ કોર્સીસ કન્ડક્ટ કરતા પ્રોફેસર્સનો આગ્રહ હોય છે કે વિદ્યાર્થીઓ એડમિશન લેતા પહેલાં
આ ઓનલાઇન કોર્સીસ કરી લે તો તેઓ જે તે વિષયમાં પહેલેથી ખાસ્સા તૈયાર થઈ શકે છે અને એમઆઇટીના કોર્સમાં તેમને અમુક વિષયોની ક્રેડિટ પણ મળી શકે છે.


ટૂંકમાં, મુદ્દાની વાત એ છે કે તમે 11-12 ધોરણમાં હો ત્યારે તમારું બધું લક્ષ્ય દેખીતી રીતે 12મા ધોરણની બોર્ડ એક્ઝામમાં વધુમાં વધુ માર્ક લાવવાનું હોય, પરંતુ જો તમે નવમા-દસમા ધોરણમાં હો ત્યારથી તમારા અભ્યાસનો મજબૂત પાયો તૈયાર કરવા ઇચ્છતા હો તો આ કોર્સીસ પર અચૂક નજર નાખવા જેવી છે. એ માટે તમારે


https://openlearning.mit.edu/beyond-campus/first-year-stem-classes-mit વેબ પેજ પર જવાનું રહેશે. અહીં તમને બાયોલોજી, કેલ્ક્યુલસ, કેમિસ્ટ્રી, કમ્પ્યૂટર સાયન્સ અને ફિઝિક્સ સંબંધિત જુદા જુદા કોર્સની યાદી જોવા મળશે.


આ બધા કોર્સનો આપણે બે પ્રકારે લાભ લઈ શકીએ છીએ. અમુક પ્રકારના કોર્સ એડએક્સ (www.edx.org)ના સાથમાં ઓફર થાય છે એટલે આપણે તેના પર ફ્રી એકાઉન્ટ ખોલાવીને જે તે કોર્સમાં જોડાઈ શકીએ છીએ. જ્યારે અમુક કોર્સ એમઆઇટીની પોતાની ઓપન કોર્સ વેર વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે, તેમાં આપણે ફક્ત ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરીને આગળ વધવાનું રહે છે. આવા કોર્સમાં એમઆઇટી ફેકલ્ટી દ્વારા લેક્ચર્સના વિડિયો અેસાઇનમેન્ટ્સ ઇન્ટરએક્ટિવ ક્વિઝ, પ્રોબ્લેમ સોલ્વિંગ વિડિયો અને જવાબો સાથેની એક્ઝામ્સનો લાભ લઈ શકાય છે.


સાચાં-ખોટાં કારણસર આપણે ત્યાં બારમા ધોરણમાં પરીક્ષામાં ઊંચા ટકા લાવવાનું વિદ્યાર્થી પર એટલું બધું દબાણ હોય છે કે પોતાની પરીક્ષાના સિલેબસ સિવાય આજુબાજુનું કશું જોવાનો તેની પાસે સમય રહેતો નથી. એ ધ્યાનમાં રાખતાં વિદ્યાર્થી આખા કોર્સમાં ઊંડા ઊતરવાને બદલે તેના પર ફક્ત નજર ફેરવીને જે વિષયમાં થોડી ગૂંચવણો રહેતી હોય તેના વિડિયોઝ કે અન્ય મટીરિયલ ચેક કરવાની પ્રેક્ટિસ રાખે તો પણ તેના કન્સેપ્ટ્સ ક્લિયર થવાથી બોર્ડની પરીક્ષામાં તે બહેતર પરિણામ જરૂર લાવી શકશે.
www.cybersafar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP