લેખક ચપટીમાં વંચાઈ જાય અને વિચારતાં કરી મૂકે તેવી માઈક્રો-વાર્તાઓ સર્જવા માટે જાણીતા છે.

અનેરું રોકાણ

  • પ્રકાશન તારીખ16 Oct 2019
  •  
લઘુકથા- હેમલ વૈષ્ણવ
કાર ઊભી રહેતાં ભિખારણ આવીને ઊભી રહી. ‘અનેરી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ’ના શેઠ અશોકભાઈએ સો રૂપિયાની એક નોટ આપી દીધી.
‘તમે સાહેબ, ઇન્વેસ્ટમેન્ટમાં પણ સો ગળણે ગાળીને પાણી પીવો છો અને આ ભિખારણને આમ પૈસા આપી દો?’ નાગેશભાઈએ અશોકભાઈને પૂછ્યું.
‘આ પૈસા આપવામાં એવું જ સમજવું.’
‘અરે સાહેબ! એક વાત તમે સમજો, આ ભિખારાઓ કોણ જાણે પૈસાનું શું કરતા હશે, આપવું જ હોય તો દુકાનમાંથી લઈને ખાવાનું આપી દેવું.’
‘આપણે ઇન્વેસ્ટમેન્ટમાં ઘણી વાર અમુક સ્કીમમાં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સમજીને પૈસા લગાડીએ છીએને?’ આ પ્રતિપ્રશ્ન નાગેશભાઈની સમજમાં આવ્યો નહીં.
‘જુઓ, એ અહીં આવી ત્યારે પોતાનાં બચ્ચાંને સામે છેડે છોડીને આવી હતી. જો તમે એને ખાવાનું લઈને એને અને બચ્ચાંને આપ્યું હોત તો, એ બહેનને હીનતાનો અનુભવ થયો હોત. આ પૈસાથી હવે એ દુકાનદાર પાસેથી ખાવાનું લેશે, ત્યારે એનું બચ્ચું એની માને એક ઓશિયાળી તરીકે નહીં, પણ પૈસા આપીને ખરીદતી અન્ય માની જેમ જ જોશે. ખોટું તો ખોટું, પણ બચ્ચાંની નજરમાં એની માનું માન સચવાઈ જશે. શક્ય છે, આવી રીતે એક બચ્ચાને પોતાની માનું ઓશિયાળાપણું જોવાથી વંચિત રાખી શકાય તો, ભવિષ્યમાં એનામાં સન્માનવૃત્તિ જાગૃત થાય.’
‘સાહેબ, તમને લાગે છે કે, એવી રીતે સુધારો આવી શકે?’ નાગેશભાઈ હજી પણ દલીલના મૂડમાં હતા.
‘એટલો ફેર તો આવ્યો જ છે કે, આ બાઈને હું સો રૂપિયા આપું છું, પછી ત્રણ દિવસે પૈસા ખતમ થાય ત્યારે જ એ પાછી આવે છે. આપણે ઘણી સ્કીમમાં પૈસા ગુમાવવાનું રિસ્ક હોવા છતાં રોકાણ કરીએ છીએ, તો આ તો માત્ર ત્રણ દિવસે સો રૂપિયાનો જ સવાલ છે ને?’ અનેરી ઇન્વેસ્ટમેન્ટ ફર્મના માલિકની અનેરી વિચારસરણીને નાગેશભાઈના મનમાં મંથન શરૂ કરી દીધું હતું. ⬛[email protected]
x
રદ કરો

કલમ

TOP