તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદનું કામ તો આજે પહેલા દિવસે જ પૂરું થઈ ગયું હતું, પણ રોહિત સુષમાને વલસાડથી ત્રણ દિવસનું કહીને નીકળ્યો હતો. કોણ જાણે કેમ પાછા જવાની ઇચ્છા જ થતી ન હતી. દાંપત્યજીવન પર બે દાયકા જેટલો કાટ ચડી ગયો હતો. છેલ્લા કેટલાય વખતથી છત તો એક હતી, પણ બન્ને જણ અલગ હતાં. સાંજ પડ્યે રોહિત ફોન પર બિઝી રહેતો ને સુષમા ટીવી જોવામાં. સાંજ પછી ઉષ્માવિહીન આલિંગન સાથે બેડરૂમમાં રાત ઢળી જતી.
‘બસ, બાકીના બે દિવસ અહીં જ રહેવું છે, પરાગને ત્યાં, મોજીલો માણસ છે.’ દોસ્તના ઘરે જતાં રોહિતે વિચાર્યું.
‘તને વાંધો ન હોય તો આટલામાં જ મારા સગા રહે છે એમને મળી આવીએ.’ મોડી સાંજે પરાગે કહ્યું.
શશિભાઈના ઘરે જતાં સુધીમાં પરાગે એમના વિશે જે વાત કરી એનાથી રોહિત સમૂળગો હચમચી ગયો, પણ જ્યારે એણે શશિભાઈ અને વિદ્યાબહેનને જોયાં ત્યારે તો શું બોલવું એ એને સૂઝ્યું પણ નહીં. બન્ને પતિ-પત્ની કેન્સરની બીમારીથી ક્ષીણ થઈ ગયાં હતાં, પણ બન્નેનાં મોઢા પર કોઈ ગમગીની ન હતી. નબળા શશિભાઈ મજાક કરે રાખતા હતા અને વિદ્યાબહેન પણ માંદલું સ્મિત ફરકાવતાં હતાં.
‘રોહિતભાઈ, એવું છેને કે હું ઓફિસેથી આવતો ત્યારે વિદ્યા બધું તૈયાર રાખતી, પણ આ બીમારીમાં તો ડોક્ટરે અમને બન્નેને લગભગ છ મહિના આપ્યા છે, કોણ પહેલા જાય એ નક્કી નહીં, પણ હું જો પહેલો જાઉં તો ફોર અ ચેઇન્જ આ વખતે  વિદ્યા માટે ઉપર બધું તૈયાર રાખું.’
‘ભગવાનનો પાડ માનો, અહીં તો જિંદગી સાથે ભોગવી લીધી, પણ ઉપર પણ સાથે જશું.’ વિદ્યાબહેનનાં સ્વરમાં દુનિયા છોડવા કરતાં પતિની સાથે ને સાથે જ રહેવાનો ઉમંગ હોય એવું લાગતું હતું.
‘તું યાર, અત્યારે જ મને સ્ટેશન પર છોડી જા.’ બહાર નીકળીને રોહિતે રીતસરની જીદ કરી. વલસાડ જતી ટ્રેનમાં બેઠેલા રોહિતને લાગતું હતું કે દાંપત્યજીવનનો બધો કાટ એકસાથે ખરી ગયો હતો. henkcv12@gmail.com
અન્ય સમાચારો પણ છે...