શ્રેષ્ઠ રસ નિંદારસ

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

ફક્ત દિલની સફાઈ માગે છે,
પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે.
જોઈએ સુખ બધાને પોતીકાં,
કોણ પીડા પરાઈ માગે છે.
- કિરીટ ગોસ્વામી

ગૌતમ બુદ્ધે એક નાના ગામમાં પ્રવચન આપ્યું. ગામલોકોએ ગાળો ભાંડી તો પણ બુદ્ધ શાંત રહ્યા. બુદ્ધને શાંત જોઈ લોકોને આશ્ચર્ય થયું ત્યારે એમને કહ્યું કે, ‘તમે મને ગાળો આપી છે, પણ મેં એ ક્યાં સ્વીકારી છે.’ લોકોને હજી સમજ નથી પડી એ જોઈ બુદ્ધે કહ્યું કે, ‘એક ગામના લોકોએ મારી સામે મીઠાઈની તાસક ધરી, મેં એમાંથી એક પણ વાનગી સ્વીકારી નહીં. એ પછી શું થયું એ જાણો છો?’

બધા એકસાથે બોલી ઊઠ્યા, ‘શું થયું?’
બુદ્ધે કહ્યું, ‘એ મીઠાઈ ગામલોકોએ અંદર અંદર વહેંચીને ખાઈ લીધી.’
કોઈની ટીકા કરીએ છીએ ત્યારે જો એ સાચી ન હોય તો બાઉન્સ થઈને બૂમરેંગ બને છે. પેલી વ્યક્તિના કાન ખરાબ થયા કે નહીં એની ખાતરી નથી, પણ ટીકા કરવાથી આપણી જીભ જરૂર ગંદી થાય છે. કોઈ પણ કાર્યની ટીકા કરવી બહુ સહેલી છે, અઘરી તો પ્રશંસા હોય છે.

કોઈની ટીકા કરીએ છીએ ત્યારે
જો એ સાચી ન હોય તો બાઉન્સ થઈને બૂમરેંગ બને છે

આમેય કોઈ પણ કાર્યમાંથી એક બે નાની ભૂલો તો શોધી જ શકાય છે. આવા વાંકદેખા વિવેચકો તમને પાનના ગલ્લે અને ચોરાના ટલ્લે બહુ બધા મળી જશે. જાણીતા હિન્દી શેરમાં કહેવાયું છે તેમ, ‘सबसे बड़ा रोग | क्या कहेंगे लोग || ટીકાકારોથી ડરીએ તો એક પણ કામ ન થઈ શકે. ‘who’s cares’વાળો મિજાજ રાખીએ તો આપણો ‘દાંડિયો’ વાગી શકે, બાકી તો દાખે દલપતરામ. માંહ્યલાને મોજ પડે એમ કરવું જોઈએ. બાકી પગલે પગલે પૂછ્યા કરીએ તો મંજિલ કદી મળે જ નહીં. શેક્સપિયરે કહ્યું છે કે, ‘મહાન માણસો તેમની ટીકા વડે, તેમની ભૂલો વડે ઘડાય છે.’ સાચું હોય તો વિનમ્રભાવે સ્વીકારે એ જ આગળ આવી શકે છે. ટીકાકારો આપણો અરીસો છે. મફતના સલાહકાર છે. વગર પગારના કામદારો છે. જોકે, કેટલાક અભાગિયાનાં વખાણ તો એના બેસણામાં જ થતાં હોય છે.


એમેટ ફોકસ કહે છે કે, ‘Criticism is an indirect form of self boasting’. આમેય સાચું તો મિત્રો જ કહે. વિશેષણોનાં વન ખડકીને વખાણ કરે એનાથી ચેતો અને નકારાત્મકતાનો નેહડો લઈ ફરતા હોય એનાથી વધુ ચેતો. કેટલાક લોકો હંમેશાં ‘બી’ સાઇડથી જ વિચારવાનું શરૂ કરે છે. ભોજન ગમે તેટલું ઉત્તમ હોય, પણ દાળમાં મીઠું ઓછું હતું એ તરફ જ એની જીભ અને જીવ જાય છે. તટસ્થ ટીકાકારથી સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે. દ્રોણાચાર્યએ પ્રારંભમાં અર્જુનની ટીકા કરી ન હોત તો એ મહાન બાણાવળી ન બની શક્યો હોત.


કેટલાકને નેગેટિવ પબ્લિસિટી ફળતી હોય છે. કામ કરે એની ટીકા થાય છે. અપજશની તૈયારી રાખીને જ સમાજસેવા કરવા નીકળવું જોઈએ. ન ગમે તો મૌન રહેવું જોઈએ, દરેક વખતે ક્રિટિક બનવું જરૂરી નથી હોતું. ઘણુંખરું જૂની પેઢી નવી પેઢીને કોસ્યા કરે છે. સર્વ રસમાં પ્રિય નિંદારસ રહ્યો છે. બહેનોને બહેનોની નિંદાકૂથલી કરવામાં બહુ મજા પડતી હોય છે. હાજરીમાં થાકે નહીં એટલાં વખાણ કરે અને જેવી પીઠ ફેરવે કે અવળચંડાઈનો એન્ડલેસ એપિસોડ શરૂ કરી દે છે. દ્રૌપદીની એક ટીકાથી મહાભારત સર્જાયું હતું. ઘણીવાર ઈર્ષાથી જ ટીકા થતી હોય છે. આજે લોકોની સહનશક્તિ ઘટી છે. ફેસબુકની નાનકડી કોમેન્ટથી તલવાર કાઢે છે. પ્રશંસાના પેંડા ખાધા કરીએ અને ટીકાનાં કારેલાં ન ખાઈએ એ મનદુરસ્તી માટે હાનિકારક છે. ‘અમરપ્રેમ’નું અતિ સુંદર ગીત આંખ સામે આવી જાય કે નહીં?, ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના.’
hardwargoswami@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP