મદિરાના મરીઝ મરીઝની મદિરા

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

યા ભૂંસાતો જાઉં, યા મશહૂર થાતો જાઉં છું,
ખાલી થાતો જાઉં છું, યા ભરપૂર થાતો જાઉં છું.
મહેરબાની રાખ સાકી, ના સૂરા ધરતો મને,
હું નશા વિના નશામાં ચૂર થાતો જાઉં છું.
- મનહર ‘દિલદાર’


મરીઝનો મદિરાપ્રેમ એ કાવ્ય વિખ્યાત છે. સામાન્ય રીતે એમની બિરાદરીમાં મદિરાસેવનની ટેવ બહુ ઓછી જોવા મળે છે, પણ તેય ગઝલની જેમ આવી ગઈ. મરીઝનું મુશાયરામાં જવાનું એકમાત્ર કારણ હતું કે, ‘શરાબ પીવા મળે’. એવી હતી એમની શરાબપ્રીતિ. કદાચ શબ્દપ્રીતિ બીજા ક્રમે આવે. માત્ર બે ચોપડી ભણનાર મરીઝની કૃતિઓ અનુસ્નાતક કક્ષાએ ભણાવાય છે. તે પુસ્તક કરતાં મસ્તકને આધારે લખતા હતા. બાલ્યાવસ્થામાં જ થયેલું માનું મૃત્યુ એમને હચમચાવી ગયું. આર્થિક કંગાલિયત મરીઝને ગઝલ લખવા સુધી દોરી ગઈ. અમીન આઝાદ પાસે ગઝલનો ‘ગ’ ઘૂંટ્યો, પણ થોડા સમયમાં તો અમીન કરતાં પણ આગળ નીકળી ગયા. અરે! એમનાથી શું, સૌ ગઝલકારોથી આગળ નીકળી ગયા હતા. તે અર્થમાં તેઓ ગુજરાતના ગાલિબ છે. સુરેશ દલાલ કહે છે કે, ‘જેમ ઉર્દૂનો કોઈ બીજો શાયર ગાલિબની પ્રતિભાની નજીક ફરકી શકે તેમ નથી એ જ રીતે ગુજરાતીના અન્ય શાયરો મરીઝની પ્રતિભા સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. મરીઝની પ્રતિભાને આપણે ગુજરાતી ગઝલ સુધી સીમિત ન રાખીએ તો એટલે સુધી પણ કહી શકાય કે ઉર્દૂ ભાષામાં અાપણે ગાલિબને બાદ કરતાં મરીઝની બરોબરીના શાયરો મળવા મુશ્કેલ છે.’

ગુજરાતી ગઝલમાં સાહજિકતા
અને સાહસિકતા મરીઝ સિવાય કોઈ લાવી શક્યું નથી

કાવ્યપઠનથી એક ઉદ્યોગપતિ ખુશ થઈ ગયો અને એણે મરીઝને મોંઘામાં મોંઘો વિદેશી દારૂ પીવડાવ્યો. છેલ્લે મરીઝે કહ્યું કે, ‘પીલુ પાની (દેશી દારૂ) પીવડાવશો તો જ મને ચડશે. રાવજી પટેલની જેમ જાતજાતના અને ભાતભાતના વ્યવસાય મરીઝે કર્યા, પરંતુ ક્યાંય ઠરીઠામ થયા નહીં. શરાબ પીવા માટે અનેક ગઝલકારોને ગઝલ લખી વેચી છે. આમ છતાં ઘર સમતોલપૂર્વક ચલાવ્યું છે. પ્રસિદ્ધિ અને પ્રશંસાથી હંમેશાં દૂર રહ્યા છે. 19-10-1983ના રોજ જીવનની ગઝલને અધૂરી મૂકી તેઓ ચાલ્યા ગયા. જિંદગીના રસને પીવામાં ઉતાવળ કરી એમણે જે લખ્યું એ જ જાણે જીવી બતાવ્યું.


એક મુશાયરામાં શરાબ પીને ગઝલ પઠન કરવાને કારણે બરાબર ઊભા નહોતા રહી શકતા ત્યારે એક શ્રોતાએ કહ્યું કે,


‘શરાબ પીવા આવો છો કે કાવ્ય વાંચવા?’
‘શરાબ પીવા’ એટલું કહીને ગઝલ પૂરી કર્યા વગર મરીઝ બેસી ગયા. મરીઝની ગઝલમાં છંદ ભૂલ નીકળશે, પણ સ્પંદ ભૂલ ક્યાંય નહીં જોવા મળે. ગુજરાતી ગઝલમાં સાહજિકતા અને સાહસિકતા મરીઝ સિવાય કોઈ લાવી શક્યું નથી. એમના કેટલાક શેર તો શ્લોકની કક્ષાના છે અને કેટલીક પંક્તિઓ કહેવત જેવી બની ગઈ છે. ગઝલ અને મરીઝ એક સિક્કાની બે બાજુ છે ત્યારે શરાબના શીશાની આરપાર એમણે અનેક ચિંતનો આપ્યાં છે, જે ગળે માદળિયાની જેમ લટકાવીને રાખવા જેવાં છે. મરીઝ કહે છે કે શરાબે સ્વર્ગમાં જગ્યા લીધી છે, અમે તો એના ભક્તો છીએ તો કેમ અમે બહાર રહીએ? પીવાની સાવ સરળ રીત બતાવે છે કે, ‘નથી કોઈ તારામાં વિધિ મદિરા, ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.’


એક વાર મિત્રો સાથે શરાબ પી રહ્યા હતા ત્યારે પોલીસની રેડ પડી. પોલીસને જાણવા મળ્યું કે આ બધા કવિ અને કલાકારો છે એટલે કોઈને પકડ્યા નહીં. અડધી શરાબની ભરેલી બોટલનું શું કરવું? તો ફોજદારે કહ્યું કે ‘એને ચોકડીમાં નાખી દો. ત્યારે મરીઝે કહ્યું કે, ‘મારા મોને તમે ચોકડી માની લ્યોને.’ મુંબઈમાં મરીઝની મદદ માટે એક પ્રોગ્રામ યોજાયો, એના પૈસા એમના સુધી ન પહોંચ્યા તો મરીઝે કહ્યું કે, ‘આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા.’
hardwargoswami@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP