Home » Rasdhar » હરદ્વાર ગોસ્વામી
હરદ્વાર ગોસ્વામી નીવડેલા કવિ અને સંચાલક છે

આ શ્રાવણ ઝીલ્યો સરવડે...

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

હું તો તળેટી ઇચ્છું, ઊંચું શિખર ન યાચું,
હળવો રહું હંમેશાં કોઈ ફિકર ન યાચું.
તારું વજૂદ મારું જીવન બની ગયું છે,
પ્રત્યેક શ્વાસ મારા તારા વગર ન યાચું.
- સ્નેહલ જોશી

રવિવારની રંગત સોમવારની સવાર પડતાં જ ઓગળી જાય છે. સપ્તાહનો સૌથી અપ્રિય દિવસ સોમ છે. ઓફિસમાં જાતને ગોઠવવી મુશ્કેલ બને છે, પણ શ્રાવણનો સોમ હોય તો ચિત્ત ચૈતન્ય આહ્્લાદક અનુભૂતિમાં રમમાણ થાય છે. આ વર્ષે શુભ સંયોગ છે કે રવિવારે પ્રારંભાઈ રવિવારે જ શ્રાવણ સંપન્ન થાય છે. આશુતોષ અવઢરદાનીને ભજવા આ પાંચ રવિવાર અને ચાર સોમવાર નવનીત અવસર સર્જે છે. શ્રાવણ પંચેન્દ્રિયનો પંચામૃત સમો ઉત્સવ છે. શિવને પાંચ પ્રિય છે. આમ તો કોઈ પણ દિવસે શિવને ભજી શકાય છે, પણ સોમવારે ભજવાથી બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવસ્મરણથી આરંભાયેલું કાર્ય કદી અટકતું નથી. શિવ શૂન્યમાંથી શિખરનું પ્રતીક છે.

મહાદેવ ઉત્તુંગ શિખર પર બિરાજમાન હોવા છતાં કદી અભિમાન નથી કરતા

કૈલાસે કંકોતરી લખવાનો અને હૈયામાં હિમાલય સંઘરવાનો આ મહિમ્ન મહિનો આખો શિવના નામે અને જગતપિતા, જગદ્્ગુરુના સરનામે. આ મહિનામાં ભક્તિનું ભાથું ભરી લઈએ એટલે આખું વર્ષ સ-રસ પસાર થાય છે. શિવની સૌમ્યતા સામે દરેક દેવે પણ નમવું પડે છે. શિવને ખબર હતી કે ભસ્માસુરને વરદાન આપીશ એટલે એના પર જ પ્રયોગ કરશે, પણ તપ કર્યું એટલે વરદાન તો આપવું જ રહ્યું. અમીરોની હેલી અને ગરીબોના બેલી છે. એને પામવા કોઈ વિધિવિધાનોની ગલીકૂંચીઓની જરૂર નથી. સીધી, સરળ અને સહજ ક્રિયા મહાદેવને સ્પર્શે છે. ઉત્તુંગ શિખર પર બિરાજમાન હોવા છતાં કદી અભિમાન નથી કરતા અને સ્મશાનમાં વસતા હોવા છતાં કદી નાનપ નથી અનુભવતા. સ્થિતપ્રજ્ઞતાનો સમાસ શિવ પાસે આવીને અટકે છે. નારદજીને વિશ્વસુંદરીનો મોહભંગ થાય છે ત્યારે શિવ પાસે જાય છે. સબ રોગો કી દવા શિવબાબા છે. સમુદ્રમંથન વખતે ઝેર નીકળ્યું ત્યારે શિવે પીધું હતું. ગણેશનું શિરચ્છેદ કર્યા પછી ભૂલને સુધારી લેવામાં નાનપ અનુભવી ન હતી. એમનો ગુસ્સો પાણીના ટીપા જેવો છે, જે કદી ડાઘા પાડતો નથી.


સોમનાથ સ્વરૂપે ગુજરાતમાં વસીને ગુર્જર અસ્મિતાનું રક્ષણ કરતા રહ્યા છે. દૂરથી શિવમંદિરની ધજાનો ફરકાટ જોતાં જ આંખ અને અંતરને શાતા વળે છે. ગર્ભગૃહ સુધી પહોંચતાં તો આખું અસ્તિત્વ તેજોમય થઈ જાય છે. જુદા ચિત્ત ચૈતન્ય વ્યોમમાં વિલસવા લાગે છે. આપના સંસ્કાર ઘડતરનું કામ રામાયણ, મહાભારત, શિવપુરાણ ઇત્યાદિ ગ્રંથો કરે છે. આ ગ્રંથો માનવતાનો બોધપાઠ છે. સંકટ સમયની સાંકળ છે. શૌનકજીના સાધના વિષયક પ્રશ્નના જવાબમાં સૂતજીએ શિવપુરાણના ઉત્કૃષ્ટ મહિમાનું શ્રવણ કરાવ્યું. भवाब्धिमग्नं दिनं मां समुद्धर भवार्णवात् | कर्मग्राहगृहीतांगं दासोडहं तव शन्कर || શિવમહિમા સાંભળવો એ કાન માટે રસાયણ છે. શ્લોકના પઠનથી શોક દૂર થાય છે. ચોવીસ હજાર શ્લોકમાં કસ્તૂરીની સુગંધ આવતી હોય તો એ ગ્રંથ શિવપુરાણ છે. સાત સંહિતા જાણે સાત જન્મારાનું સૂચન કરે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ આ પુરાણમાં છે.


પરબ્રહ્મ પરમાત્મા અને ઓજસ્વી આત્માના મિલન માટે શિવ નામની ઔષધી અનિવાર્ય છે. માત્ર વિધિ માટે વાંચી જવાથી કોઈ ફાયદો થતો નથી. શિવગાથાનું અંતરના ઊંડાણથી અધ્યયન કરવાથી સંસારનાં સર્વ અને સંપૂર્ણ સુખ સાત્ત્વિકતાપૂર્વક ભોગવી શકાય છે. અશુભ આશય સાથે થયેલું વાંચન કદી ફળ આપતું નથી. આવો, શ્રાવણના સરવડે ભીતરને પણ ભાવ સાથે ભીંજવીએ.
hardwargoswami@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP