Home » Rasdhar » હરદ્વાર ગોસ્વામી
હરદ્વાર ગોસ્વામી નીવડેલા કવિ અને સંચાલક છે

વેદનાની વાર્તા કચવાટની કવિતા

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

ડાળખીથી સાવ છુટ્ટા થઈ ગયેલા પર્ણમાં,
કેટલા નીચા તમે મૂક્યા અમોને વર્ણમાં.
કૂખ કુંતીની જ, કારણ દેહનું તોયે છતાં,
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં.
- ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’

‘ગા મડાનો તડકો બહુ આકરો હોં? શે’રના માણહથી ઈ નો વેઠાય.’
‘અહીંના તડકાથી હવે હું ટેવાઈ ગયો છું.’
‘જો જો આ તડકો તમને બાળી ન મૂકે.’


‘બાળી મૂકશે તોય વતનનો છે. શહેરના પોકળ તડકા કરતાં આ શું ખોટો છે ?’
મોહન પરમારની ખૂબ જાણીતી ‘નકલંક’ વાર્તાનો આ ઉઘાડ. પ્રેમભીની દલિત સંવેદનાનું હૃદયસ્પર્શી આલેખન છે.

હાંસિયામાં ધકેલાઈ ગયેલા વંચિતોની વેદનાની વાવ
એટલે દલિત સાહિત્ય

સાહિત્યની વિવિધ ધારાઓમાં નારીવાદી સાહિત્યએ કાઠું કાઢ્યું છે. વાસણ, કપડાં, કચરા-પોતાંમાંથી સ્ત્રી બહાર નીકળીને આજે કોર્પોરેટ કલ્ચર સાથે જોડાઈ છે. 15મી સદીમાં મીરાંબાઈએ રાજપાટ છોડીને જે લલકાર કર્યો હતો એ આજે રાજમાર્ગ બનીને રંગ લાવી રહ્યો છે. પોતાના અલગ વિશ્વમાં રાચનાર અને આધુનિકતાને ફારગતી આપનાર આદિવાસી સાહિત્ય પણ સર્જાઈ રહ્યું છે. જોકે, હજી એની પૂરી શક્યતાઓ જાણી શકાઈ નથી. આ બધા પ્રવાહોમાં દલિત સાહિત્યની પણ નોંધ લીધા વગર ચાલે એમ નથી. સંસ્કૃત दलધાતુમાંથી દલિત શબ્દની વ્યુત્પત્તિ થઈ છે. દલ એટલે ખંડિત થવું. તૂટીને પણ ઊભા થવાની તાકાત એમનામાં છે. ફિનિક્સ જેમ ઊભા થાય છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા વંચિતોની વેદનાની વાવ એટલે દલિત સાહિત્ય. જોકે, જ્ઞાતિગત અર્થ ન લેતાં જે કોઈ સામાજિક અસહિષ્ણુતા અને વિષમ વાસ્તવિકતાનો ભોગ બન્યા છે એ બધાનું આ સાહિત્ય છે. દલિત જ દલિત સાહિત્ય સર્જે એવું નથી.


જે વેઠ્યું છે એની દારુ(ણ) વેદના કાગળ ઉપર અવતરી છે. કરશનદાસ માણેક કહે છે તેમ ‘દેવડીએ દંડાય ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.’ ‘દલિત સાહિત્ય દશા ઔર દિશા’માં ગંગાધર પાનતાવણે લખે છે કે ‘ दलितत्व का निर्मूलन हमारे साहित्य का हथियार है| दलित वेदना से प्रतिबद्ध साहित्य अंतर्मुखी ही रहेगा|’ દલિત સાહિત્ય આપણા સમાજનું દર્પણ છે. 11મી સદીના મદેરા ચૈન્નેહા પ્રથમ દલિત સર્જકથી લઈ આજના હાસ્યદા પંડ્યા સુધીના સાહિત્યમાં મનુષ્ય તરીકે સ્થાપિત થવાની મથામણ છે. આધુનિક કાળમાં મહાત્મા ફૂલે અને આંબેડકરનું આગમન પ્રથમ અને પ્રખર રહ્યું. આજના સમયમાં જ્ઞાતિને નહીં પણ જ્ઞાનીને પ્રાધાન્ય આપવું જોઈએ.


સર્વધર્મ સમભાવ અને સર્વનો સ્વીકાર એ સનાતન હિન્દુ ધર્મ છે. મહારાષ્ટ્રની દલિત સાહિત્યની આંધી સમગ્ર ભારત વર્ષને હચમચાવી ગઈ. ગુજરાતમાં 1981ના અનામત આંદોલનથી દલિત સાહિત્ય વેગવંતુ બન્યું. આમ તો 1975થી અંકુરો ફૂટી નીકળ્યા હતા, જે 1985 સુધી પહોંચતાં વટવૃક્ષ બની ગયા હતા. કવિતા કરવા કરતાં પ્રાપ્ત તિરસ્કાર અને અપ્રાપ્ત પુરસ્કારનો રોષ વધુ હતો. હવે દલિત કવિતા માત્ર સમાજ પરિવર્તનનો જુસ્સો નથી, પણ સાહિત્ય સ્વરૂપ સિદ્ધ કરી રહ્યું છે. મહામાનવ આંબેડકરને એક જ્ઞાતિમાં સીમિત કરી અન્યાય કરીએ છીએ. તારસ્વરે કહેવાયેલી વાત ઘણીવાર મુખર બની જાય છે. કેટલીક વાર કેટલીક કવિતા માત્ર વિચાર બની રહી જાય છે. સદીઓનો સંતાપ શબ્દ બની અવતરે ત્યારે ફૂલની અપેક્ષા ન જ રખાય, ક્યાંક કાંટાઓ ભોંકાય એ સ્વાભાવિક છે.


લલિત સાહિત્ય સૌંદર્યવાદી છે અને દલિત સાહિત્ય જીવનવાદી છે. છેવાડાના મનુષ્યને પુરસ્કારતી કેટલીક ગુજરાતી વાર્તા તો રાષ્ટ્રીય સ્તરે પોંખાય એવી છે. દલિત સાહિત્યના હજી વધુ ચમત્કારોની પ્રતીક્ષા કરીશું?
hardwargoswami@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP