Home » Rasdhar » હરદ્વાર ગોસ્વામી
હરદ્વાર ગોસ્વામી નીવડેલા કવિ અને સંચાલક છે

ગર્ભોત્સવ

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

તું આજના બાળકને ના કોઈ નકામા પ્રશ્ન કર,
જો એ બગડશે તો તને પણ રોકડું પરખાવશે.
તારે જ ઈશ્વર આવવું પડશે ફરી ધરતી ઉપર,
નહીંતર બધા ગીતાને પોતાની રીતે સમજાવશે.
- વિપુલ માંગરોલિયા
માણસની ઉંમરની ગણતરી કરીએ ત્યારે ગર્ભગૃહના નવ મહિના પણ ગણાવા જોઈએ. એવું કહેવાય છે કે માતાના ઉદરમાં જ વધે છે અને જન્મ બાદ તો ઉંમર ઘટતી જાય છે. પેટમાંથી મારેલી એક કિક ગોલ માટે કરેલી કિક જેટલી જ થ્રિલ આપે છે. વોમિટને ઓમિટ ન કરી શકાતી ક્ષણમાં પરિવારમાં એક નવા સભ્યના આગમનનો આનંદ અદકેરો છે. આમ તો માતૃ-પિતૃઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકાતું નથી, પણ બાળકના જન્મ સાથે થોડા મુક્ત થવાય છે.

અભિમન્યુ પણ સાત કોઠાનું યુદ્ધ ગર્ભમાં જ શીખ્યો હતો

આદિવાસીની એક જાતિના Educating the unbornના વિચારોને વિચારશીલ યુગલે વધાવી લેવા જેવો ખરો. બાળક માટેનું પ્લાનિંગ કરે ત્યારે યુગલ ગામની બહાર આવેલા વૃક્ષ નીચે જઈ ગોઠડી કરી નક્કી કરે કે બાળક કેવું જોઈએ! એ જ સુંદર સપનાં અને કલ્પનાને ઉજાગર કરતું એક ગીત પણ રચે. ઘરે પાછા ફરી નવ મહિના એ જ ગીતનું સતત રટણ કરી ગર્ભમાં રહેલા બાળકને સંભળાવે. જન્મ્યા પછી એ જ ગીત સાંભળતા બાળક તરત પ્રતિભાવ આપે. ગર્ભમાં સતત માનો અવાજ સાંભળતું હોવાથી જ બાળક જન્મ પછી માનો અવાજ ઓળખીને હરખાય છે. અભિમન્યુ પણ સાત કોઠાનું યુદ્ધ ગર્ભમાં જ શીખ્યો હતો. મહર્ષિ વ્યાસના દેદીપ્યમાન તેજથી અંજાઈને અંબિકા આંખો મીંચી ગઈ એટલે એના પેટે ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. પ્રહ્્લાદ અને અષ્ટાવક્ર પણ 16 સંસ્કારનું ઉત્તમ પરિણામ છે. ‘પેટમાં પોઢી સાંભળે રે, શિવો રામ-લખમણની વાત...’ ગર્ભાધાન દરમ્યાન જીજાબાઈએ શૌર્યની વાતો સંભળાવી હતી એથી વીર શિવાજીનો જન્મ થયો હતો. દુહામાં કહ્યું છે તેમ ‘જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીંતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.’ નવ મહિનાની સંભાળ બાળકનું નવ વર્ષ સુધી રક્ષણ કરે છે. ગર્ભવતીની પ્રાર્થના ઈશ્વર તરત સાંભળે છે, કારણ કે એ બે જીવે કરેલી પ્રાર્થના છે. છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે છે, પણ ગર્ભાધાનના છઠ્ઠા દિવસથી માતા બાળકનું ભવિષ્ય લખે છે.
‘अथातः खुडडीकां गर्भावक्रान्तिं शारीरं व्याख्यास्यामः’ સાથે ચરક સંહિતાના આ અધ્યાયમાં ગર્ભની ઉત્પત્તિ સાથે તેમાં આત્મા, ઓજ તથા ભાવોનું અવતરણ બતાવ્યું છે. માતા થવા ઇચ્છતી સ્ત્રીની શરીરશુદ્ધિ આવશ્યક છે. એના માટે આયુર્વેદમાં પંચકર્મની ચિકિત્સા બતાવી છે. આપણી ઉત્તમ પરંપરા ગર્ભસંસ્કાર દ્વારા આનુવંશિક રોગને પણ દૂર કરી શકાય છે. આ ધાર્મિક વિધિ નથી. ‘સુપ્રજા જનન’ના સિદ્ધાંતની આપણી 10,000 વર્ષ પુરાણી પરંપરાને વિજ્ઞાને પણ અનુમોદન આપ્યું છે. માત્ર જાતીય આવેગ માટે સંતાનપ્રાપ્તિ યોગ્ય નથી. ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે આ અવસ્થા દરમિયાન પતિ-પત્નીમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. માતા મોડા સૂએ તો બાળકમાં પણ એવી ટેવો પડવાની. નાની વસ્તુ ખરીદવા પણ ત્રણ દુકાને પૂછીએ છીએ અને બાળક માટે કોઈ પ્લાનિંગ નહીં? અબ્રાહમ લિંકને કહ્યું છે કે, ‘માતા-પિતા બનવા પણ લાયકાત કેળવવી પડે.’ આડેધડ બાળક પેદા કરતાં દંપતી સામે બાલમજબૂરી નામનો કાયદો હોવો જોઈએ.
hardwargoswami@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP