વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ / નરેન્દ્ર મોદીને ડૉ. આંબેડકરના આશીર્વાદ કૉંગ્રેસને અાત્મહત્યાની ઉતાવળ શા માટે?

article by gunvant shah

Divyabhaskar.com

Sep 09, 2019, 11:47 AM IST

વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
એક વાત કબૂલ કરવી પડશે. રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખપદે ચાલુ રહે તેવા બધા ઘરડા પ્રયત્નો થયા છતાં પોતાની ‘ના’ ન છોડી તેમાં એમની દાનત સાફ હતી. એમણે મક્કમતાનું નાટક નહોતું કર્યું. તેઓ મક્કમ હતા. સોનિયાજી ઇન્ટરિમ પ્રમુખ ન બન્યાં હોત તો, કોંગ્રેસની પ્રતિષ્ઠામાં વધારો થયો હોત. જાગીરદારી માનસિકતા કોંગ્રેસનું કેન્સર છે. કોંગ્રેસને બચાવવાની જવાબદારી મોદીની ન હોઈ શકે. હવે કોંગ્રેસ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. દર્દી પોતે બચવા માટે તત્પર ન હોય, તો ડોક્ટર પણ લાચાર! ફ્યૂડલ માનસિકતાના કારણે કોંગ્રેસનો કાર્યકર્તા હજી પણ 10 જનપથને પગથિયે માથું ટેકવતો રહે છે. લાચારી એનું ભૂષણ છે અને સંપૂર્ણ લાચારીને એ કોહીનૂર ગણે છે. બાકી પદ પરથી ખસી જવાની રાહુલભૈયાની હઠમાં કોઈ મેલ ન હતો. હઠ સો ટચની હતી અને વળી સાત્ત્વિક પણ હતી.
ગાંધીજીના સુપુત્ર શ્રી રામદાસ ગાંધી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એક દિવસ એમને મળવા માટે એક વિચિત્ર માણસ પહોંચી ગયો. એણે રામદાસભાઈને કહ્યું, ‘હું નથ્થુરામ ગોડસેનો ભાઈ ગોપાળ ગોડસે છું. તમને વંદન કરવા અને તમારો આભાર માનવા માટે આવ્યો છું. તમે એકમાત્ર એવા સજ્જન છો, જેમણે મારા ભાઈને ફાંસીની સજા ન થવી જોઈએ એવી અપીલ જાહેરમાં કરી છે. બસ, મારે આભાર માનવા માટે જ તમને મળવું હતું. હવે મને રજા આપો.’ આ પ્રસંગની વાત રામદાસભાઈની સુપુત્રી સુમિત્રા કુલકર્ણીએ મને રાષ્ટ્રપતિ ભવનમાં કરી હતી. સાથે એમનો પુત્ર કૃષ્ણા પણ હતો. ગાંધીજી પર જે સાહિત્ય સર્જાયું તેમાં સૌથી શ્રેષ્ઠ એવાં ત્રણ પુસ્તકો: ‘અણમોલી વીરાસત’ મથાળે લખાયાં છે, જે સુમિત્રા કુલકર્ણીએ લખ્યાં છે. એ પુસ્તકોનું લોકાર્પણ અમદાવાદમાં સદ્્ગત મુ. શ્રી જયંત પંડ્યાએ મારે હાથે કરાવ્યું હતું. જયંતભાઈએ એ પુસ્તકોનો અનુવાદ કર્યો હતો. ગુજરાતના સૌ યુવાનો એ ત્રણ પુસ્તકો વાંચે, તો ગાંધીજીની નજીક જવામાં સરળતા રહેશે અને ધન્યતાનો અનુભવ થશે. સુમિત્રાબહેનનો દીકરો કૃષ્ણ(ક્રિશ્ના) નરેન્દ્ર મોદીનો જબરો પ્રશંસક છે. એ રોબોટિક્સના ઉદ્યોગ માટેની કંપનીમાં ઊંચો હોદ્દો છોડીને ભારત આવી ગયો છે. મુસ્લિમ સંત Mr. Mની પદયાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ તેમાં ક્રિશ્નાએ પદયાત્રામાં જોડાઈ જઈને સાથ આપ્યો. એ પદયાત્રા વડોદરામાં પ્રવેશી પછી સમય કાઢીને ક્રિશ્નાભાઈ મારે ત્યાં મળવા આવ્યા અને પૂરા ત્રણ કલાક વાતો ચાલી. આવો તેજસ્વી યુવાન મેં બીજો જોયો નથી. ક્રિશ્નાભાઈ માને છે કે મોદીજી ગાંધીજીનાં કામ કરી રહ્યા છે. આ અંગે એમણે રાજમોહન ગાંધી, ગોપાળદાસ ગાંધી સાથે પણ લાંબી ચર્ચા કરી છે. તુષાર ગાંધી પ્રત્યે એમનો આદર અત્યંત મર્યાદિત છે.
કલમ 370 નાબૂદ થઈ તેમાં સરદાર પટેલના આશીર્વાદ તો હોય જ એ બાબતે કોઈ શંકા નથી. ડો. બાબાસાહેબ આંબેડકર આ બાબતે નેહરુવિરોધી મત ધરાવતા હતા એ વાત ખરી? કેટલીક દસ્તાવેજી હકીકતો જ અહીં પ્રસ્તુત છે:
1. તા. 21 ફેબ્રુઆરી, 1948ને દિવસે બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીનો રિપોર્ટ ડો. આંબેડકરે બંધારણસભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદને વિધિવત્ સોંપ્યો. એ ડ્રાફ્ટમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપવાની અને શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવવાની વાત જ ન હતી.
2. ડો. આંબેડકર એવી કોઈ પણ વાત સાથે સંમત ન હતા, કારણ કે રાષ્ટ્રીય એકતાના તાણાવાણા ખોરવી નાખે એવી કોઈ બાબત એમને લગીરે મંજૂર ન હતી.
3. ડો. આંબેડકરે જોરદાર દલીલ કરી અને સંભળાવ્યું: ‘તમે ઇચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે, કાશ્મીરના લોકોને અન્ન પહોંચાડે અને વળી કાશ્મીરના લોકોને આખા ભારતથી પર એવો સમાન દરજ્જો પણ આપે? આમ કર્યા પછી પણ તમે ઇચ્છો છો કે ભારતના લોકોને કાશ્મીરમાં કોઈ જ અધિકાર ન મળે? હું ભારતનો કાયદાપ્રધાન છું. રાષ્ટ્રના હિતમાં આવી કોઈ પણ બાબતનો હું પક્ષકાર ન બની શકું.’
4. ડો. આંબેડકરના આવા સ્પષ્ટ અવરોધને કારણે પોતાના ખાસ વિશ્વાસુ (વચગાળાની સરકારમાં દફતર વિનાના પ્રધાન એવા) શ્રી એન. ગોપાલસ્વામી આયંગરને કાશ્મીરના મહારાજા હરિસિંહના દીવાન સાથે મળીને નવો ડ્રાફ્ટ ઘડવાની સૂચના આપી. શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય બંધુભાવને કારણે જ કાશ્મીરને જુદો ધ્વજ, જુદું બંધારણ અને જુદા વડાપ્રધાન જેવી ત્રણ ગંદી બાબતો પ્રાપ્ત થઈ. નેહરુનું વલણ કેવું હતું: ‘આ બૈલ મુઝે માર.’
5. ડો. આંબેડકરનો આવા ખાસ પ્રાવધાન સામેનો વિરોધ એટલો જોરદાર હતો કે એમણે આ ઠરાવો પસાર થવાના હતા, તે દિવસે એ સભામાં હાજર હોવાનો પણ ઇનકાર કર્યો હતો.
6. 1947-1952ના એ સમયગાળામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને ડો. આંબેડકર, એમ બે પ્રધાનો બિનકોંગ્રેસી હતા. બંનેનું વલણ કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેના સ્પષ્ટ વિરોધમાં હતું. (The Indian Express, તા. 20-8-2019ને દિવસે પ્રસિદ્ધ થયેલા અરુણ રામ મેઘવાલના લેખને આધારે.)
⬛ ⬛ ⬛
તા. 5મી ઓગસ્ટ, 2019નો દિવસ ઐતિહાસિક હતો. કાશ્મીર ભારતનો સહજ ભાગ બની ગયું, તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર અને ડો. શ્યામાપ્રસાદ મુખરજી જેવા ત્રણ મહાનુભાવોના અઢળક આશીર્વાદ પ્રાપ્ત થશે. ઊંધે માથે લટકીને દેશને જોનારા પ્રોગ્રેસિવ-લિબરલ અને અબૌદ્ધિક એવા મહામૂર્ખોને આ વાત ન સમજાય તેનું દુ:ખ શા માટે? તેવા લોકોની ટોળકી તો 2024ની ચૂંટણીમાં પણ ભાજપ ફરીથી સત્તા પર આવે એવા પ્રયત્નો કરવામાં જ મશગૂલ જણાય છે. એમની અવળમતિ નરેન્દ્રભાઈની સરકારને મજબૂત બનાવતી જાય છે. કોંગ્રેસ જાણે આત્મહત્યા કરવા માટે આતુર હોય એવી સ્થિતિ છે. વિરોધપક્ષ વેરવિખેર થઈ ચૂક્યો છે. તંદુરસ્ત લોકતંત્ર માટે આવી પરિસ્થિતિ ઉપકારક નથી જ. જે ટોળકી ભારતના ટુકડા પડે તેવા સૂત્રોચ્ચાર કરે તેને કોણ સમજાવે? એના વિરોધમાં ભાજપના એક મૂર્ખજને JNUનું નામ બદલીને મોદીનું નામ આપવાની વાહિયાત વાત કરી છે. મૂર્ખતા વહેંચતી વખતે ઈશ્વરે કોઈ એક જ રાજકીય પક્ષની તરફેણ કરી હોય એમ લાગતું નથી. મૂર્ખતા સ્વભાવે નિષ્પક્ષ હોય છે.
ભારતમાં તો મૂર્ખતા પણ સેક્યુલર, પ્રોગ્રેસિવ અને લિબરલ હોય છે. આવા મહામૂર્ખ લોકોની ટોળકી (ટુકડે ટુકડે ગેન્ગ) વડાપ્રધાન મોદીને હાનિ પહોંચતી હોય, તો પાકિસ્તાનનું તાણવા માટે પણ આતુર છે. પંડિત નેહરુની બ્રાહ્મણીય ઉદારતા દેશને ખૂબ જ મોંઘી પડી છે. કાશ્મીરની સમસ્યા એમના શેખ અબ્દુલ્લા પ્રત્યેના આંધળા પક્ષપાતનું દેખીતું દુષ્પરિણામ છે.
પાઘડીનો વળ છેડે
સ્ટોપ પ્રેસ
આ લખાણ તા. 1લી સપ્ટેમ્બરે રવાના થાય તે જ વખતે TV પર સમાચાર મળ્યા: દેશના સેક્યુલર મિત્ર શ્રી આરિફ મોહંમદ ખાન કેરળ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા છે. જ્યારે દિલ્હીના વિજય ચોકમાં દારા શુકોહના સ્મરણમાં પદયાત્રાનું આયોજન થયું ત્યારે આરિફભાઈને ફોન પર આમંત્રણ આપતી વખતે મેં કહ્યું, ‘ખાંસાહબ! આપ કો મૈં ઇક્કસવીં સદી કા દારા શુકોહ માનતા હૂં! આપ આયેંગે તો મુઝે આનંદ હોગા.’ સમય 8:30 વાગ્યાનો (સવાર)નો હતો. આરિફજી 8:15 વાગ્યે હાજર હતા.
પદયાત્રામાં તેઓ અમારી સાથે ચાલ્યા અને સૂફી કથાઓ સંભળાવતા રહ્યા. પદયાત્રા
પૂરી થઈ પછી અમે નિરાંતે એક ગેસ્ટહાઉસમાં બેઠા અને આરિફભાઈની વાતો પૂરા અઢી કલાક માટે સાંભળતા રહ્યા. શાહબાનો કેસમાં સેક્યુલર સ્ટેન્ડ લેવા માટે એમણે પ્રધાનપદું જતું કર્યું અને પોતાની પોલિટિકલ કરિયર ખતમ કરી નાખી, પરંતુ સેક્યુલરિઝમ કેવું હોય તેનો દાખલો બેસાડેલો.
સ્વજનો એમના ઘરે લગ્નપ્રસંગ માટે દાવત આપવા આવે ત્યારે કહે: ‘આપ પૂરે ખાનદાન કે સાથ શાદી મેં તશરિફ હોઅેંગે.’ પછી આરિફભાઈને જુદા ખૂણે લઈ જઈને ધીમા અવાજે કહે, ‘જનાબ! આપ તકલીફ મત ઉઠાના, ક્યૂં કિ વહાં હમારે લોગ કુછ હંગામા ખડા કર દેંગે, તો સબકો શરમિંદગી હોગી.’ આરિફભાઈ જવાનું માંડી વાળતા. એમને કેરળ રાજ્યના રાજ્યપાલ બનાવીને સરકારે ‘રાષ્ટ્રીય પ્રાયશ્ચિત્ત’ કર્યું છે. મોદી સરકારે બીજી ટર્મમાં લીધેલું આ શ્રેષ્ઠ પગલું છે. એમના મિત્ર જનાબ ગુલામ નબી આઝાદે મને કહ્યું હતું: ‘હમ ઇન્દિરાજી કી મિનિસ્ટ્રી મેં દો જુનિયર મિનિસ્ટર્સ થે! આરિફ પઢતા બહુત હૈ!’ મોદી સરકારે એક વિદ્વાનનું સન્માન કર્યું છે. પૂરા દેશ વતી ધન્યવાદ.
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી