તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામયુગમાં ભયંકર આતંકવાદ હતો રામે સીતાને ઉપાય બતાવ્યો: ‘ક્ષાત્રધર્મ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે આતંકવાદથી ત્રાસેલી પૃથ્વી રામના સમયમાં આતંકવાદથી જરાય ઓછી પરેશાન ન હતી. આતંકવાદીઓ માટે થોડાક શબ્દો પ્રચલિત હતા: આતતાયી, રાક્ષસ, દૈત્ય, અસુર, અનાર્ય, દસ્યુ ઇત્યાદિ. આતંકવાદીઓનો રોલમોડેલ રાવણ હતો. એણે ષડ્યંત્ર રચીને પંચવટીમાંથી સીતાનું અપહરણ કર્યું હતું. વાલ્મીકિ રામાયણમાં સીતા અને રામ વચ્ચે આતંકવાદ અંગે લાંબી ચર્ચા ચાલે છે. સીતા રામને શસ્ત્રત્યાગ કરવાની સલાહ આપે છે. સીતાની દલીલો શ્રમણ પરંપરાને ટેકો કરનારી છે. સંસ્કૃતિપુરુષ રામ વૈદિક પરંપરાના મહામાનવ હતા. સીતાની લાંબી દલીલો ધીરજપૂર્વક સાંભળી લીધા પછી રામ સીતાને જે જવાબ આપે છે, તે આજે પણ વિચારણીય છે. વનગમન વખતે રામની પાછળ પાછળ ચાલી રહેલી સીતા રામને અહિંસાનો ઉપદેશ આપીને કહે છે: ‘હે આર્યપુત્ર! વનમાં રહો તે દરમિયાન તમે સંપૂર્ણ શસ્ત્રત્યાગ કરો અને તપસ્વી જેવું જીવન સ્વીકારો. તમને હિંસા શોભતી નથી.’
વનમાં બે વર્ગો સાથોસાથ રહેતા હતા, ઋષિઓ અને રાક્ષસો. ઋષિઓ સ્વાધ્યાય અને તપમાં રમમાણ હતા. તેઓ તપોવનમાં રહીને વેદાભ્યાસ કરવામાં મગ્ન હતા. એ જ વનમાં કેટલાક માનવભક્ષી રાક્ષસો વનના તપસ્વીઓને મારી નાખતા હતા અને એમને રંજાડતા હતા. તપસ્વીઓ મર્યાદાને કારણે શસ્ત્ર ધારણ કરીને રાક્ષસોને મારતા ન હતા. એક બાજુ વેદજ્ઞાનમાં રત રહીને સ્વાધ્યાય-પ્રવચન દ્વારા તપ કરનારા નિર્દોષ અને નિરુપદ્રવી ઋષિઓ હતા અને બીજી બાજુએ હત્યાનો આશરો લઈને નિર્દોષ તપસ્વીઓનું લોહી વહેડાવનારા નિર્દય રાક્ષસો હતા.

  • વનમાં જે આતંકવાદ ચાલુ હતો, તેનો સામનો કરવો એ રામનો ક્ષાત્રધર્મ હતો. રાક્ષસો અહિંસાને ગાંઠે ખરા? રામ અને સીતા વચ્ચેનો સંવાદ આજે પણ પ્રસ્તુત છે. રામે જે શબ્દો ઉચ્ચાર્યા તે સાંભળવા જેવા છે

વનની વાટે સંચરનારાં રામ-સીતા-લક્ષ્મણ દંડકારણ્ય ભણી ડગલાં માંડી રહ્યાં હતાં. શરભંગ મુનિના આશ્રમમાં તપસ્વીઓ અનુનયપૂર્વક રામને કહે છે: ‘હે રામ! તમે આ હત્યારા રાક્ષસોથી અમારું રક્ષણ કરો.’ શરભંગ વિદાય લઈને આગળ જતાં સુતીક્ષ્ણ મુનિના આશ્રમમાં નિવાસ કરે છે. ગોસ્વામી તુલસીદાસે સુતીક્ષ્ણ મુનિ અગસ્ત્યના શિષ્ય હતા એમ જણાવ્યું છે. ચાલતી વખતે સીતા રામને અહિંસાનો મહિમા સમજાવે છે. સીતા અને રામ વચ્ચે થયેલો એ સંવાદ મહાકવિ વાલ્મીકિએ અરણ્યકાંડમાં નવમા સર્ગમાં નિરૂપ્યો છે. સીતા રામને કહે છે: ‘હે આર્યપુત્ર! તમે મહાન છો છતાં અત્યંત સૂક્ષ્મ રીતે વિચારવામાં આવે, તો અધર્મ કરી રહ્યા છો. આ જગતમાં કામનાથી ઉત્પન્ન થનારાં ત્રણ વ્યસનો છે: 1. જૂઠું બોલવું 2. પરસ્ત્રીગમન 3. બીજા જીવોની હિંસા.’ રામ ધીરજપૂર્વક સીતાની વાતો સાંભળી રહ્યા હતા. સીતા રામને કહે છે: ‘પ્રથમ બે વ્યસનો અંગે તો મને કોઈ જ સંદેહ નથી, પરંતુ જીવહિંસાથી તમે મુક્ત નથી.’ લક્ષ્મણ રામના જવાબની પ્રતીક્ષા કરી રહ્યો હતો. સીતા વાત આગળ ચલાવે છે. સીતા કહે છે: ‘હે આર્યપુત્ર! ક્યાં શસ્ત્રધારણ અને ક્યાં વનવાસ? ક્યાં ક્ષાત્રધર્મ અને ક્યાં તપ?’ સીતા બોલતી રહી અને રામ સાંભળતા રહ્યા. સીતા રામને સમજાવે છે: ‘હે રામ! શસ્ત્રના સેવનને કારણે મનુષ્યની બુદ્ધિ કંજૂસ માણસની બુદ્ધિ જેવી કલુષિત થઈ જાય છે. માટે તમે અયોધ્યા પાછા ફરો પછી જ ક્ષાત્રધર્મનું અનુષ્ઠાન કરજો.’ રામ મૌનપૂર્વક સીતાની વાતો સાંભળી રહ્યા હતા. સીતાની વાત હજી પૂરી થઈ ન હતી. સીતા રામને આગળ કહે છે: ‘હે આર્યપુત્ર! તમે નાનાભાઈ સાથે વિચારવિમર્શ કરીને (વિચાર્ય બુદ્ધયા તુ સહાનુજેન) જે યોગ્ય લાગે તે પ્રમાણે કરો. આ સંસારનો સાર જ ધર્મ છે. સ્ત્રીસહજ ચંચળતાને કારણે મારાથી આવી બધી વાતો કહેવાઈ ગઈ, બાકી તમને ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ છે?’ સીતાએ પોતાની લાંબી વાત પૂરી કરી. લક્ષ્મણ રામ શો જવાબ આપે તેની રાહ જોઈ રહ્યો હતો.
થોડીવાર સુધી રામ કશું ન બોલ્યા. સીતાની વાતોમાં ધર્મનો ધ્વનિ સંભળાતો હતો, પરંતુ વનની વિકરાળ વાસ્તવિકતા સાવ જુદી હતી. એક બાજુ નિ:શસ્ત્ર એવી સજ્જનશક્તિ હતી અને બીજી બાજુ હિંસાપ્રેમી દાનવતાનો હાહાકાર હતો. ઋષિઓ અહિંસક હતા અને અરક્ષિત હતા. લક્ષ્મણનું મન ગોટાળે ચડી ગયું.
થોડી વારના મૌન પછી રામે બોલવાનું શરૂ કર્યું. એમણે જે કહ્યું તે આજના આતંકવાદનો સામનો કરવા માટે અત્યંત ઉપયોગી છે. આતંકવાદ પ્રત્યે આજના લોકતાંત્રિક સમાજનું વલણ કેવું હોય? આચાર્ય કૃપાલાનીએ 1946-47ના અરસામાં કહ્યું હતું કે ગાંધીજીને ‘શહાદતની મોહિની’ વળગી છે. આજે પણ ઘણા પ્રોગ્રેસિવ લોકો ગાંધીજીની ભાષામાં બકવાસ કરતા ફરે છે. હિંસા અને અહિંસા વચ્ચેનો કયો માર્ગ આજે પણ પ્રસ્તુત ગણાય? રામનો જવાબ કાન દઈને સાંભળવા જેવો છે.
સીતાએ પોતાની વાત પૂરી કરી. આસપાસનાં વૃક્ષો શાંત હતાં. રામ મૌન હતા. લક્ષ્મણને સીતાની વાત ગળે ઊતરતી ન હતી. ભાભીની આમન્યા જાળવવા માટે એણે બોલવાનું ટાળ્યું હતું. એ હવે મોટાભાઈ શું કહે છે તે સાંભળવા આતુર હતો. હવે રામ શું બોલે એની પ્રતીક્ષા તીવ્ર બની રહી હતી. રામે બોલવાનું શરૂ કર્યું:
હે સીતા!
ક્ષત્રિય લોકો ધનુષબાણ એટલા માટે
ધારણ કરે છે કે
કોઈને પણ દુ:ખી થઈને
આર્તનાદ કરવો ન પડે.
આટલી વાત કહીને રામજી સહેજ અટકી ગયા, પરંતુ બીજી ક્ષણે એમણે સીતાને સ્પષ્ટ શબ્દોમાં એક કડવી વાત કહી જ દીધી:
હે જનકનંદિની!
હું મારો પ્રાણ ત્યજી શકું,
હું તારો અને લક્ષ્મણનો ત્યાગ કરી શકું,
પરંતુ ઋષિઓના રક્ષણ માટેની
પ્રતિજ્ઞા ન ત્યજી શકું.
(વાલ્મીકિ રામાયણ, અરણ્યકાંડ સર્ગ-10 શ્લોક-18)
વનમાં જે આતંકવાદ ચાલુ હતો, તેનો સામનો કરવો એ રામનો ક્ષાત્રધર્મ હતો. રાક્ષસો અહિંસાને ગાંઠે ખરા? રામ અને સીતા વચ્ચેનો સંવાદ આજે પણ પ્રસ્તુત છે. અહિંસાવાદીઓ જો આતંકવાદીઓ સામેના સત્યાગ્રહમાં ખપી જાય તો એમનું બલિદાન ઓછું ગૌરવવંતુ ન ગણાય. એવો કોઈ માઈનો પૂત દેખાય છે ખરો? આજની પરિસ્થિતિમાં રામે જે શબ્દો ઉચ્ચાર્યા તે જ સાંભળવા જેવા છે. જેઓ સીતાની વાત સાથે સહમત છે તેઓ પણ મરવાની ઉતાવળમાં નથી. તેઓ બધી સલામતી ભોગવીને રાતે ઊંઘે છે અને સેમિનારોમાં પ્રવચનો કરે છે. આવા દંભી શાંતિવાદીઓ સરહદ પરના ગામમાં જઈને વસે અને સરહદ પરથી વછૂટતી ગોળીથી વીંધાઈને મરે તો જરૂર મહાત્મા ગાંધીના આશીર્વાદ પામે. આજે રામનવમી છે. આતંકવાદનો સામનો કરવા માટે રામે સીતાને જે શબ્દો કહ્યા તે આજે પણ પ્રસ્તુત છે. વાહ વાહ રામજી!
પાઘડીનો વળ છેડે
સાધારણતયા મૌન અચ્છા હૈ,
કિન્તુ મનન કે લિએ!
જબ શોર હો ચારોં ઓર
સત્ય કે હનન કે લિએ,
તબ તુમ્હેં અપની બાત
જ્વલંત શબ્દો મેં કહની ચાહિયે
સિર કટાના પડે યા ન પડે
તૈયારી તો ઉસકી હોની ચાહિયે||
- ભવાનીપ્રસાદ મિશ્ર
Blog:http://gunvantshah.wordpress.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser