Home » Rasdhar » ગુણવંત શાહ
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

દલાઈ લામાનો સોલિડ બફાટ! નેહરુને એમણે મોટો અન્યાય કર્યો

  • પ્રકાશન તારીખ26 Aug 2018
  •  

દેશની પ્રજા ભારતના વિભાજન માટે પંડિત નેહરુ અને સરદાર પટેલનો જેટલો આભાર માને તેટલો અોછો છે. આ બંને મહાનુભાવો વચ્ચે અનેક બાબતો અંગે સ્પષ્ટ અને પ્રામાણિક મતભેદ હતા, પરંતુ ભારતના ભાગલા અનિવાર્ય છે, એ બાબતે સંપૂર્ણ સહમતી હતી. પ્રભુનો અાભાર માનો કે બંને મહાનુભાવોએ મહાત્માની સલાહ ન માની. ગાંધીજી મહાત્મા હતા, પરંતુ કદીય ભૂલ ન કરે તેવા મહાત્મા ન હતા. જેઓ કદી પણ ભૂલ ન કરે એવા મહાત્મા આપણને શા કામના? ગાંધીજી આખરે માણસ હતા. એમની પાસેથી એમનું ‘માણસપણું’ છીનવી લેવાનો કોઇ ગાંધીભક્તને અધિકાર નથી.

ગાંધીજીએ ઝીણાને અવિભાજિત ભારતના વડાપ્રધાન બનવાની ઓફર કરી હતી. આવું કહેવાની સત્તા ગાંધીજીને કોણે આપી હતી? સારું થયું કે ઝીણાએ ના પાડી, નહીં તો...!!!

દલાઇ લામાએ ઝાઝું વિચાર્યા વિના એવું કહી નાખ્યું કે ગાંધીજીએ અવિભાજિત ભારતના પ્રથમ વડાપ્રધાન ઝીણા બને એવું સૂચન કર્યું, તે જો નેહરુએ સ્વીકારી લીધું હોત, તો ભારત અખંડ રહ્યું હોત. અરે! એ કહેવાતું અખંડ ભારત આજે પણ રક્તરંજિત હોત અને આજે પણ હુલ્લડગ્રસ્ત જ હોત. નેહરુ-સરદારે બાપુની ઇચ્છા અવગણીને જે રીતે ભાગલા સ્વીકાર્યા, તેથી આજનું બચેલું ભારત લોકતંત્ર અને સેક્યુલર રાજવટમાં જીવે છે. એ બચેલા ભારતમાં આજે જે શાંતિમય સમાજજીવન અનેક સ્ખલનો વચ્ચે ટકી રહ્યું છે, તે સમગ્ર અખંડ ભારત કદાચ આજના જેહાદી અને લશ્કરી આતંકવાદના ઓછાયામાં જીવતા પાકિસ્તાન જેવું હોત. દુલા કાગે એક દોહામાં મૌલિક વાત કરી છે. જ્યારે ઘાસનો ઓઘો સળગી ઊઠે ત્યારે કરવું શું? એ વખતે જેટલા પૂળા બચાવી લેવાય તેટલા બચાવી લેવા રહ્યા. પંચશીલ પદયાત્રાઓ દરમિયાન આ પંક્તિઓ હું કાયમ પ્રવચનમાં ઉદ્્ગારતો રહ્યો. આજે પંક્તિઓ યાદ નથી. એ વખતે સડેલી યુવાનીને બચાવી લેવાની તાલાવેલી હતી.


ભાગલા પહેલાં ગાંધીજીના અનુયાયીઓમાં જે મનોમંથન ચાલ્યું, તેનું દસ્તાવેજી વિવેચન ગાંધીજીના સુપુત્ર દેવદાસના દીકરા રાજમોહન ગાંધીએ પોતાના ગ્રંથમાં કર્યું છે. એ ગ્રંથનો સરળ શૈલીમાં અનુવાદ આપણા વડીલ એવા 98 વર્ષની વયે પહોંચેલા મુ. નગીનદાસ સંઘવીએ કર્યો છે. સત્યને ક્યાંય ગોબો ન પડે એ રીતે શ્રી રાજમોહનભાઇએ આ ગ્રંથ લખીને ભારતની પ્રજા પર મોટો ઉપકાર કર્યો છે. વાચકો એ ગ્રંથ ખરીદીને વાંચે એવી મારી અંગત ભલામણ છે. એમ બને તો મારે ‘સરદારનંુ તાણતી વખતે નેહરુની મર્યાદા બતાવવાની ગુસ્તાખી’ કરવી નહીં પડે. પુસ્તકનું મથાળું છે:

‘સરદાર પટેલ: એક સમર્પિત જીવન’ (નવજીવન પ્રકાશન). બને તો એક ટંક ખાવાનું જતું કરીને પણ આ ગ્રંથ ખરીદવો રહ્યો. (કિંમત માત્ર રૂપિયા 500/- છે). ગ્રંથ વંચાઇ રહે પછી સરદાર પટેલ કોણ હતા, તે આપોઆપ સમજાઇ જશે. પછી સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઑફ યુનિટી) પાછળ થયેલો ખર્ચ નહીં કઠે એ નક્કી! હવે હકીકતના ક્ષેત્રમાં પ્રવેશીને દસ્તવેજી હકીકતો સમજી લઇએ. ભાગલા શા માટે ઉપકારક હતા? ચાલો મારી સાથે.


શ્રી એચ.એમ. પટેલે શું કહ્યું? સાંભળો: ‘વલ્લભભાઇએ બાપુ પાસે ચોખ્ખી અને ચટ વાત કરી. આંતરવિગ્રહ થાય અગર ભાગલા પડે. આંતરવિગ્રહ ક્યાં શરૂ થઇને ક્યાં પૂરો થાય તે કોઇ કહી શકે તેમ નથી. વાત સાચી છે કે હિંદુઓ જ આખરે જીતી જાય, પણ તે માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે, તે અત્યારે કહી શકાય તેમ નથી. અને બાપુએ નમતું મૂક્યું.’


રામમોહનજી આગળ લખે છે: ‘નેહરુ, રાજાજી, રાજેન્દ્રપ્રસાદ, કૃપાલાણી અને બીજાઓએ પણ મહાત્માજી પાસે આવી જ વાત કરી અને વલ્લભભાઇના ઉકેલને લોકોએ પણ ટેકો આપ્યો. પૂર્વ પંજાબના હિંદુઓ અને શીખો તેમજ પશ્ચિમ બંગાળના હિંદુઓ ખુલ્લી રીતે ભાગલાની માગણી કરતા હતા. જૂનની દસમી તારીખે પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું કે હું લોકમત પર જબરદસ્તી કરી શકું નહીં અને બિનમુસલમાનો પણ ઘણા ખરા વિભાજનની તરફેણમાં છે. જુલાઇની 21મી તારીખે તેમણે ‘જવાહર અને સરદાર સાથેના પ્રેમબંધનની’ અને તેમણે મને પ્રેમની સાંકળે બાંધ્યો છે’, તેવી જાહેરાત કરી.


રામમનોહર લોહિયા ખાસ આમંત્રિત તરીકે મહાસમિતિમાં (કારોબારીમાં) હાજર રહ્યા હતા. એમણે નોંધ્યું છે: ‘કારોબારીની બેઠક ચાલી તે બે દિવસ અમે બધા ખીચોખીચ ભરાઇને બેઠા હતા, તે નાના ઓરડામાં એક ખૂણે મૌલાના (આઝાદ) ખુરશીમાં બેસી રહ્યા અને સતત એક પછી એક સિગારેટ ફૂંકતા રહ્યા, પરંતુ એક અક્ષર પણ બોલ્યા નહીં. લોહિયાના કહેવા મુજબ જયપ્રકાશ, ગફારખાન અને ગાંધીજી સિવાય બીજા કોઇએ ભાગલાની વિરુદ્ધમાં એક અક્ષર પણ કહ્યો નહીં.’ આ વર્ણન ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે.


અસંખ્ય મતભેદો છતાં ભાગલાને મુદ્દે જવાહર અને સરદાર કેટલા નજીક આવી ગયા હતા તેનો અણસાર રાજમોહનભાઇએ એક જ વાક્યમાં આપી દીધો છે. તેઓ લખે છે: ‘સન 1947ના પહેલા આઠ મહિના દરમિયાન જવાહર અને વલ્લભભાઇ વચ્ચે જેવી એકતા હતી, તેવી અગાઉ કે પછી કદી પણ જોવા મળી નથી.’ આ એક જ વિધાન આપણી સમક્ષ છાબડીમાં સત્યનું
પુષ્પ લઇને આવ્યું છે. આ એકતા અત્યંત મૂલ્યવાન હતી.


સ્વરાજ મળ્યું પછી શું બન્યું? ગાંધીજીએ વલ્લભભાઇને જણાવ્યું: ‘રજવાડાંની સમસ્યા એટલી વિકટ છે કે માત્ર તમે જ તેનો ઉકેલ આણી શકશો.’ રાજમોહન નોંધે છે: ‘પણ રજવાડાંનું કામ સરદારે સંભાળવું, તે નિર્ણય નેહરુ અને સરદારે સાથે મળીને લીધો હતો તે આપણે યાદ રાખવું જોઇએ.’


આદરણીય દલાઇ લામાએ પોતાના વિધાન અંગે માફી માગવામાં ઝાઝો વિલંબ ન કર્યો, એ બાબત એમની ભગવાન બુદ્ધ પ્રત્યેની આસ્થાના સંકેત સમાન ગણાય. આપણા દેશમાં તેજસ્વી અને સમર્થ માણસ સામે આપોઆપ શત્રુઓની લાંબી કતાર લાગી જતી હોય છે. સરદાર પટેલ, મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદીના સંદર્ભે આ વાત સાચી પડતી જણાય છે. આપણા સમાજના સામાન્ય માણસને સફળતા અને સામર્થ્ય અંગે થોડોક ખાનગી દ્વેષ રહેતો હોય છે. વળી ડાબેરી અને લિબરલ એવા બુદ્ધિખોર લોકોને રાષ્ટ્રહિત પ્રત્યે ગુપ્ત દ્વેષભાવ પણ રહેતો હોય એવી છાપ પણ પડે છે.

ઝીણાએ પ્રથમ છ મહિના માટે કોલકાતા પર ભારત-પાકિસ્તાનની સંયુક્ત હકૂમત હોય એવી માગણી કરી હતી. વલ્લભભાઇનો જવાબ વાઇસરોયએ નોંધ્યો છે: ‘છ કલાક માટે પણ એ નહીં મળે.’

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તીખાં તીર છોડનારા બૌદ્ધિકોના અંગત જીવનની તપાસ કરવાની જરૂર છે. તેઓ પ્રોગ્રેસિવ હોય તો તીન તલ્લાક જેવી નારીવિરોધી પરંપરાને સ્પષ્ટપણે વખોડી કાઢવામાં વિલંબ કેમ કરે છે? એક ગ્રામ સેવા અને એક ટન જૂઠના એ કોન્ટ્રાક્ટરો માનવ-અધિકારના નામે જીવનભર ચરી ખાતા જણાય છે. ભારતીય લશ્કરની વગોવણી કરવામાં તેઓ પોતાના આદર્શવાદને ચગાવતા ફરે છે. જો તેઓ ખરેખર જેન્ડર જસ્ટિસમાં માનતા હોય તો તેઓ તીન તલ્લાક અને નિકાહે હલાલા જેવી નારીવિરોધી પ્રથા સામે બંડ કેમ ઉઠાવતા નથી? જવાબ છે: ‘સેક્યુલર સનેપાત’ શશિ થરૂર ‘હિંદુ પાકિસ્તાન’ જેવો શબ્દપ્રયોગ કરી શકે છે. રાહુલ ગાંધી મુસ્લિમ બૌદ્ધિકોની મિટિંગમાં કોંગ્રેસને ‘મુસલમાનોની પાર્ટી’ ગણાવી શકે છે. શું હિંદુઓને કદી ખોટું નહીં લાગે? ધ્રુવીકરણ કોણ કરે છે? ઇતિહાસ બડો બેશરમ અને બેરહમ હોય છે.

એ મહાત્માને પણ નથી છોડતો. ગાંધીજીએ ઝીણાને અવિભાજિત ભારતના વડાપ્રધાન બનવાની ઓફર કરી હતી. આવું કહેવાની સત્તા ગાંધીજીને કોણે આપી હતી? સારું થયું કે ઝીણાએ ના પાડી, નહીં તો...!!! કોઇપણ જાતના ઉશ્કેરાટ વિના વિચારવા જેવું છે. ભાગલા અનિવાર્ય હતા, એટલું જ નહીં ઇચ્છનીય પણ હતા.


ઝીણાએ પ્રથમ છ મહિના માટે કોલકાતા પર ભારત-પાકિસ્તાનની સંયુક્ત હકૂમત હોય એવી માગણી કરી હતી. વલ્લભભાઇનો જવાબ વાઇસરોયએ નોંધ્યો છે: ‘છ કલાક માટે પણ એ નહીં મળે.’ ભાગલા પડ્યા તે ખૂબ સારું થયું નહીં તો આજનું લોકતાંત્રિક ભારત પણ પાકિસ્તાન જેવું વિચિત્ર અને પછાત હોત એ નક્કી. ઇતિહાસ તો કાલદેવતાનું આજ્ઞાંકિત બાળક ગણાય. {

પાઘડીનો વળ છેડે
મહાન ક્ષણો દરમિયાન
ઇતિહાસ
કેવળ એવા જ માણસોને
સત્તાની ટોચ પર
બેસાડે છે, જેઓ બનાવોને
દિશા પૂરી પાડી શકે.
- ચાર્લ્સ દ ગોલ
નોંધ: ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખે લખેલા ગ્રંથ ‘War Memoirs’માંથી સાભાર.

Blog:http://gunvantshah.wordpress.comતમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP