Home » Rasdhar » ગુણવંત શાહ
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

સીધી લીટીનો માણસ એટલે અડધો સાધુ!

  • પ્રકાશન તારીખ11 Aug 2018
  •  

કોઈ આપણી વાત ન માને તેથી શું? જે સરકારી કર્મચારી પોતાના જીવન દરમિયાન એક પણ રૂપિયાની રુશવત લીધા વિના લોકોનું કામ કરતો હોય, તેણે બદરિકેદાર કે મક્કા કે જેરુસલેમની જાત્રાએ જવાની જરૂર નથી. પ્રામાણિક કમાણી એ જ ખરી જાત્રા. એ માણસે ગીતા, કુરાન અને બાઇબલ કંઠસ્થ કરવાની પણ જરૂર નથી. હરામની કેલરી અને હરામની સેલરીથી બચીને જીવનારા માણસે સંસાર છોડવાની જરૂર નથી. એવો સજ્જન સંસારી જ દેશની ખરી થાપણ છે.

જેમ જેમ પાપના રૂપિયા વધે, તેમ તેમ માણસને છીછરી ધાર્મિકતા તરફ વળવાનું મન થાય છે. પછી ગુરુ ઘંટાલને શરણે જાય છે

આજકાલ ઘણા લોકો વજન ઘટાડવા માટે જિમમાં જાય છે. જિમ કદી સસ્તું નથી હોતું અને એમાં જનારા લોકો ગરીબ નથી હોતા. આજકાલ લોકો રાતે આઠ-નવ-દસ પછી ડિનર લેવાનું શરૂ કરે છે. આ એક એવું અનિષ્ટ છે, જે મોંઘીદાટ હોટેલોમાં રિવાજ બનીને થીજી ગયું છે. બાબા રામદેવના શિષ્યનો વાર્તાલાપ કોઇ કોન્કલેવમાં ગોઠવાયો હતો. ત્યાં બેઠેલા સુખી સદ્્ગૃહસ્થોએ પ્રશ્ન પૂછ્યો: ‘વજન ઘટે તેનો કોઇ ઉપાય ખરો?’ જવાબમાં બાબા રામદેવના શિષ્યે કહ્યું: ‘સાત કે આઠ વાગ્યા પછી ખાવાનું ટાળો અને સવારે ઊઠ્યા પછી હૂંફાળું પાણી પીઓ.’

આવી સલાહ મફત મળે, તો ઝટ નથી પચતી, પરંતુ કોઇ ડાયટેશિયન રૂ. 1000/-ની ફી લઇને સલાહ આપે તો તરત પચે છે. આજનો બેઠાડુ સુખી ગૃહસ્થ તેલમાં તળેલા લથપથ એવા ચાર બટાકાવડા ઝાપટી જતી વખતે વિચારતો નથી કે આ સ્વાદિષ્ટ બટાકાવડા જઠરમાં પહોંચીને વજન નહીં વધારે, તો બીજું શું વધારશે? મોટામસ પેટવાળો કોઇ બંધકોશ મુખરજી કે પછી બ્લડપ્રેશરકુમાર બનારસીલાલ લિફ્ટ છોડીને સીધો પોતાની કારમાં ગોઠવાય છે. એનું પેટ જુઓ, તો એ પેટનો ઘેરાવો સાતમો મહિનો જતો હોય એવી સગર્ભા સ્ત્રી જેવો જણાય. આવા ખાઉધરા લોકોની સંખ્યા વધતી જાય છે. તેઓ સુખી ગણાય છે અને જણાય છે.

આવા સુખી લોકોના પ્રિય રોગનું નામ ડાયાબિટીઝ છે. લગે રહો મુન્નાભાઇ! ગૃહિણીઓના શરીર પર જે ચગુ ઠરે છે, તે રોગની પ્રસ્તાવના તૈયાર કરે છે. સુખી ગૃહિણી એટલે જ પીપસ્વરૂપા એવી જાડીભમ અને વજનદાર સ્ત્રી. એને એક કિલોમીટર ચાલવાનું પણ ન ગમે. પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલે! સવારે નાસ્તામાં ગરમ ગરમ કચોરી અને બપોરે પેટીસ! જે કેલરી પેટમાં પધરાવી, તે કમ્મર પર ફૂટી નીકળી! આજકાલ લોકોને ફાસ્ટ ફૂડનું ઘેલું લાગ્યું છે. ઝટપટ ખાઓ અને ઝટપટ જાઓ! જાણી રાખવા જેવું છે કે ફ્રાન્સ, નોર્વે, જાપાન, મેક્સિકો જેવા ઘણા દેશોમાં ખાંડ અને ચરબીનું ઊંચું પ્રમાણ ધરાવનારી વાનગીઓ પર વધારે કરવેરા નંખાયા છે. ઑસ્ટ્રેલિયામાં પણ આવી ઝેરથી ભરેલી વાનગીઓમાં 20 ટકા જેટલી સ્યુગરનું પ્રમાણ ઘટાડવાના કાયદાની વિચારણા ચાલી રહી છે. આવું જ ઝેરી પીણાં અંગે પણ વિચારવું રહ્યું. આવાં પીણાં વળી વધારે જોખમકારક જણાયાં છે. આપણી થાળીનું ઓડિટ રોજ થવું જોઇએ. થાળીમાં રોજ આગ્રહ કરીને હૃદયરોગ પીરસાય છે!


હરામની કમાણી ભારે ગળચટી લાગે છે. પગાર ગૌણ બની જાય છે અને પાછલે બારણેથી પ્રવેશી જતો બે નંબરનો પૈસો પરિવારમાં પાપનો વધારો કરતો રહે છે. જેમ જેમ પાપના રૂપિયા વધે, તેમ તેમ માણસને છીછરી ધાર્મિકતા તરફ વળવાનું મન થાય છે. એ પૂજામાં બેસે છે, મંદિરે જાય છે અને એક ગુરુ ઘંટાલને શરણે જાય છે. આવી પોલી ધાર્મિકતાને કારણે એની પાપગ્રંથિનો ઉત્પાત સખણો રહે છે. ઉત્તર ગુજરાતમાં ચંદુભાઇ નામે એક ગ્રામજન સીધી લીટીના માણસ હતા. એમણે ભાડાનું ઘર રાખ્યું હતું. માંદા પડ્યા ત્યારે હોસ્પિટલમાં મકાનમાલિકે જઇને કહ્યું: ‘ચંદુભાઇ! ઘર ખાલી કરી આપશો, ત્યારે તમને આપવાની રકમ અંગે જરૂર સમજી લઇશું.’ ચંદુભાઇને મકાનમાલિકની વાતમાં સમજ ન પડી. હું ભાડે રાખેલું ઘર ખાલી કરું, તેમાં મને પૈસા મળે કે? દીકરાએ બાપને મૂર્ખ ગણીને કહ્યું: ‘પેલો સામેથી આપવાની વાત કરે છે અને તમે નવાઇ પામો છો? તમે તે કેવા માણસ છો?’ ચંદુભાઇએ મકાનમાલિક પાસે પૈસા ન લીધા, તે ન જ લીધા! બોલો, ચંદુભાઇ જેવા સીધી લીટીના માણસને જાત્રાએ જવાની જરૂર ખરી? આ છે ગાંધીયુગનું નવું અધ્યાત્મ! રથયાત્રાની કે કુંભમેળાની ભીડ પરથી ધર્મનું માપ ન નીકળે.

સવારે નાસ્તામાં ગરમ કચોરી અને બપોરે પેટીસ! જે કેલરી પેટમાં પધરાવી, તે કમ્મર પર ફૂટી નીકળી! આજકાલ લોકોને ફાસ્ટ ફૂડનું ઘેલું લાગ્યું છે

કબાટમાં પચાસ સાડી હેંગર પર લટકતી હોય, તોય નવી સાડી લાવવા માટે ઘણાબધા અજ્ઞાનની જરૂર પડે છે, પરંતુ ગરીબ કામવાળીને એક સાડી ભેટમાં આપવા માટે થોડાક જ વિવેકની જરૂર પડે છે. દેરાણી અને જેઠાણી વચ્ચે જે ઠંડું યુદ્ધ ચાલે, તેમાં કદી ગુમાવવાની હરીફાઇ નથી હોતી. અન્ય માટે ઘસાઇ છૂટવામાં જે હિંમત જોઇએ, તે ન હોય ત્યારે વ્યક્તિની પર્સનાલિટી નથી ખીલતી. બાકી પર્સનાલિટી ખીલે કે ખીલી ઊઠે, ત્યારે જે સુગંધ પ્રગટે તે પુષ્પના કુળની હોય છે. લોકો એને ચારિયની સુગંધ કહે છે. આવી દિવ્ય સુગંધના માલિક હતા, પૂજ્ય રવિશંકર મહારાજ. પૂરા છ મહિના સુધી એમની સાથે પદયાત્રામાં ગામડે ફરવાની તક પ્રાપ્ત થઇ હતી. મેં પૂજ્ય મહારાજને ગાંધીજીને ચશ્મે નથી નિહાળ્યા, પરંતુ પૂજ્ય મહારાજને ચશ્મે દૂરથી ગાંધીજીને નિહાળ્યા છે. પરિણામે ગાંધીજીને જોવા ન પામ્યાનો વસવસો નાશ પામ્યો!


પ્રભુની પ્રાર્થના કરવાની ઉત્તમ રીત કઇ? ભીના હૃદયે એનો આભાર માનવો, એ જ ઉત્તમ પ્રાર્થના ગણાય. તમે અત્યાર સુધીમાં કેટલીવાર મરતાં બચી ગયાં એની ગણતરી શક્ય છે કે? તમે હાઇવે પર તમારી કારમાં અમદાવાદથી સુરત કે જામનગર પહોંચો, ત્યારે ઓછામાં ઓછા એકાદ હજાર વાર બચી ગયા! પ્રત્યેક મિનિટે ગમખ્વાર અકસ્માત થઇ શક્યો હોત. ભગવાન વિષ્ણુનું એક નામ છે: ‘અનુકૂલ.’ જો ભગવાન પાધરો (અનુકૂલ) ન હોય, તો તમે વિમાનમાં અમદાવાદથી અમેરિકા નિર્વિઘ્ને ન જઇ શકો. આવી હજારો-લાખો અનુકૂળતા કરી આપનારનો આભાર માનવામાં રહેલી પ્રાર્થના માટેનો મંત્ર છે: ‘અનુકૂલ: શતાવર્ત:!’


પાઘડીનો વળ છેડે
મૈં છિપાના જાનતા તો,
જગ મુઝે સાધુ સમજતા!
શત્રુ મેરા બન ગયા હૈ,
છલરહિત વ્યવહાર મેરા!
- હરિવંશરાય બચ્ચન

Blog:http://gunvantshah.wordpress.comતમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP