Home » Rasdhar » ગુણવંત શાહ
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

ખિસકોલી મારી ગર્લફ્રેન્ડ છે, જે ઊર્ધ્વમૂલ ખલેલ પહોંચાડે છે!

  • પ્રકાશન તારીખ05 Aug 2018
  •  

સવાર પડે ત્યારે પંખીઓનો કલરવ સંભળાય છે એ તો અર્ધસત્ય છે. ખરી વાત એ છે કે પંખીઓનો કલરવ શરૂ થાય ત્યારે સવાર પડે છે. એ કલરવ શરૂ થાય ત્યારે એમાં ખિસકોલી પણ પોતાનો સૂર પુરાવે છે. ખિસકોલીના સૂર સાથે તાલપૂર્વક એની પૂંછડી ઊંચીનીચી થતી રહે છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી હું આ ખેલ પ્રાર્થનામય ચિત્તે નિહાળતો રહ્યો છું. આવો ખેલ નિહાળવામાં મારી અાસ્તિકતા સમાઇ જાય છે. આવું રોજ બને ત્યારે ઉપનિષદ અને ગીતા પણ ગૌણ બની જાય છે.


પુનરાવર્તનનો દોષ વહોરીને કહું છું કે ખિસકોલી મારી ગર્લફ્રેન્ડ છે. આજે સવારે સામે દોડાદોડી કરતી ખિસકોલીને મૌનપૂર્વક નીરખી રહ્યો હતો ત્યારે એક વિચિત્ર વિચાર મનને ખલેલ પહોંચાડતો ગયો. મને થાય છે કે થોડીક ખલેલ વહેંચી જ લઉં! ખલેલ પણ પામવા જેવી અને વહેંચવા જેવી એક દિવ્ય ચીજ છે. આ દુનિયામાં કેવળ કમનસીબ અને વિચારહીન મનુષ્યો જ ખલેલ નથી પામતા. ખલેલ પામવા માટે અને વળી ઊર્ધ્વમૂલ ખલેલ પામવા માટે તો ભાગ્યોદયની જરૂર પડે.

આજના મનુષ્યને સૌથી વધારે પજવે છે: કંટાળો. ખિસકોલી કંટાળામુક્ત છે તેનું રહસ્ય શું? એક જ શબ્દમાં જવાબ જડે છે: ‘નિજાનંદ’. માણસને આનો પત્તો લાગે તો એ ખિસકોલી જેવો નિજાનંદ પામી શકે

ખિસકોલી નથી દ્વેષ કરતી. એ નથી કોઇની ઇર્ષ્યા કરતી. એ કદી કોઇની નથી નિંદા કરતી. ખિસકોલીની નાતમાં હરીફાઇ હોઇ શકે ખરી? ખિસકોલી ક્રોધમુક્ત, લોભમુક્ત અને ઉતાવળમુક્ત જણાય છે. એ તેજ ગતિથી દોડે છે તોય તેમાં ઉતાવળ નથી જણાતી. એની ગતિમાં પણ લય હોય છે. એની દોડાદોડીમાં પણ હાંફ ગેરહાજર જણાય છે. એનો ગતિયુક્ત લય સાવ સહજ જણાય છે. ખિસકોલી માટે જરૂર કહી શકાય કે એ રાજકારણથી પર છે. એ કદી પણ રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીની વાતમાં રસ નથી લેતી. એ કામ તો એણે કમનસીબ માનવીઓ પર છોડી દીધું છે. ખિસકોલીની જ્ઞાતિમાં ચૂંટણી જેવું કશુંય હોતું નથી. પરિણામે કોમવાદ, જ્ઞાતિવાદ, જૂથવાદ અને સેક્યુલરિઝમની સમસ્યાઓથી ખિસકોલી પર હોય છે. જ્યાં પક્ષાપક્ષી ન હોય ત્યાં પરમેશ્વર હોય એવી વાત નરસૈંયાએ કહી રાખી છે.


મને જે વિચાર પજવી ગયો તેની વાત હવે કરું? જો ખિસકોલી દ્વેષમુક્ત, ઇર્ષ્યામુક્ત, હરીફાઇમુક્ત, રાજકારણમુક્ત, નિંદામુક્ત અને ઉતાવળમુક્ત હોય, તો એનો વખત શી રીતે જતો હશે? એ જો આવી બધી બાબતોથી સર્વથા મુક્ત હોય તો એને કંટાળો નહીં આવે? આજના મનુષ્યને સૌથી વધારે પજવનારી કોઇ બાબત હોય તો તે છે: કંટાળો (બોરડમ). આજનો મહારોગ કેન્સર નથી, પણ કંટાળો છે. એકબીજાંમાંથી કંટાળી ગયેલાં પતિ-પત્નીને નજીકથી જોવાનું બને ત્યારે ખિસકોલીની અદેખાઇ આવે એવું નહીં બને?


ખિસકોલી કંટાળામુક્ત છે તેનું રહસ્ય શું? એક જ શબ્દમાં જવાબ જડે છે: ‘નિજાનંદ’. જો માણસને નિજાનંદનો પત્તો લાગી જાય, તો એ ખિસકોલી જેવો નિજાનંદ પામી શકે. અબ્રાહમ મેસ્લો જેવો મહાન મનોવિજ્ઞાની જેને ‘self-actualization’ કહે છે, તેનો સાર છે નિજાનંદ. માણસનું આયખું પૂરું થવા આવે તોય એને નિજાનંદની ભાળ નથી મળતી. પછી એ શરાબ ન ઢીંચે, તો બીજું શું કરે? પછી એ જુગાર ન રમે તો શું કરે? પછી એ ડ્રગને પનારે ન પડે તો બીજું શું કરે? આવા નિજાનંદની તોલે આવે એવો એક શબ્દ આપણી પરંપરા તરફથી મળ્યો છે: ‘ભક્તિ’. નરસૈંયા જેવો કોઇ અલગારી જ ગાઇ કે:


ભૂતળ ભક્તિ પદારથ મોટું
બ્રહ્મલોકમાં નાહિ રે...


આવી ભક્તિને આપણે અંધશ્રદ્ધામાં ઝબોળીને વેવલી બનાવી મૂકી છે. નિજાનંદની ચરમસીમા પર ભક્તિ જેવો પદારથ વિરાજમાન છે. મારી દૃષ્ટિએ ખિસકોલીને સમજવી હોય તો નરસિંહ, મીરાં અને કબીરને સમજવાં રહ્યાં. બોલો! કબીર અને અંધશ્રદ્ધાને તે વળી શી લેવાદેવા? ભૂલી જાઉં તે પહેલાં કહી દઉં, ખિસકોલી દ્વેષમુક્ત, ઇર્ષ્યામુક્ત, હરીફાઇમુક્ત, નિંદામુક્ત અને ઉતાવળમુક્ત છે તેની સાથોસાથ અંધશ્રદ્ધામુક્ત પણ છે. આવું લખવા માટે મારે ખિસકોલીનો ઇન્ટરવ્યૂ લેવાની જરૂર ખરી? ગર્લફ્રેન્ડનો ઇન્ટરવ્યૂ ન લેવાય, એને તો પ્રેમ જ કરવો પડે. ખિસકોલી પાસે વાણી નથી અને તેથી એણે સાચું બોલવાની પ્રતિજ્ઞા પણ લેવી પડતી નથી. એના જીવનમાં વ્યભિચાર નથી, તેથી એણે બ્રહ્મચર્યનું વ્રત લેવું પડતું નથી. સામે ઊભેલી નારિયેળી પર એ ચડ-ઊતર કરે છે, જાણે એક્સ્પ્રેસ વે પર સરકતી કાર ન હોય!


કોઇ ખિસકોલી સ્થિતપ્રજ્ઞ નથી હોતી, કારણ કે એની પ્રજ્ઞા સહજપણે સ્થિર જ હોય છે. ઋષિ વાલ્મીકિએ શ્રીરામને ‘સ્થિરપ્રજ્ઞ’ કહ્યા છે. વનમાં જતી વખતે અને રાજમહેલ ચૌદ વર્ષ માટે છોડતી વખતે પણ એમની પ્રજ્ઞા સ્થિર હતી એવું મહાકવિ વાલ્મીકિએ નોંધ્યું છે. સાગર પર સેતુ બંધાયો ત્યારે ખિસકોલી મદદરૂપ થઇ હતી. મારી દૃષ્ટિએ સ્થિતપ્રજ્ઞ ખિસકોલીએ ભક્તિભાવથી સ્થિરપ્રજ્ઞ એવા રામને મદદ પહોંચાડી હતી. આવી ગાંડી કલ્પના પણ મને વહાલી છે.

આ લેખ પૂરો થવામાં હતો ત્યાં ઘરના બાગમાં ટિટોડી આવી પહોંચી. એ પણ મારી ગર્લફ્રેન્ડ! એ બાગમાં ટહેલવા ન આવી હોય એવો એક પણ દિવસ જતો નથી.

થોડાક દિવસો પર દીકરીને ત્યાં સુરત રહેવાનું થયું ત્યારે પારસી નાટ્યવિદ યઝદી કરંઝિયા પ્રેમથી મળવા આવ્યા. મારો આ પ્રવાસ સર્વથા પ્રવચનમુક્ત હતો તેથી મોકળાશ હતી. એમની દીકરી ગુજરાતી નથી જાણીતી, પરંતુ મેં એને ઘણા વખત પહેલાં ટિટોડી માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે તે વિશે પૂછેલું. ફોન પર એણે કહેલું: ‘Lopwing’. યઝદીભાઇ મને જ્યારે મળે, ત્યારે હું એ દીકરીના ખબર અવશ્ય પૂછું. આ વખતે વાત નીકળી ત્યાં તો યઝદીભાઇએ મને એમની દીકરીએ લખેલી ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી તો અંગ્રેજીમાં જ હતી, પરંતુ પત્રને અંતે ગુજરાતીમાં લખ્યું હતું: ‘ટિટોડી.’


આ લેખ પૂરો થવામાં હતો ત્યાં ઘરના બાગમાં ટિટોડી આવી પહોંચી. એ પણ મારી ગર્લફ્રેન્ડ! એ બાગમાં ટહેલવા ન આવી હોય એવો એક પણ દિવસ જતો નથી. ખિસકોલી થોડીક દૂર હતી. એ સામે ન આવી તે ન જ આવી. મેં એનો મહિમા કર્યો તોય એણે થેંક્સ કહેવાની પરવા ન કરી! ખિસકોલી સ્વભાવે જ અકૃત્રિમ હતી. એ શિવસ્વરૂપા ખિસકોલીને મેં વંદન કર્યાં કારણ કે ભગવાન શિવનું એક નામ છે: ‘અકૃત્રિમ.’ (શિવસહસ્રનામ) જ્યાં કૃત્રિમતા ન હોય, ત્યાં થેંક્સ ક્યાંથી?પાઘડીનો વળ છેડે
ખિસકોલી ગર્લફ્રેન્ડ છે.
ટિટોડી પણ ગર્લફ્રેન્ડ છે.
તો પછી કોયલનું શું?
એ તો વસંતમાં જ મળે છે ને?
ચેતન ભગતની ક્ષમાયાચના સાથે
મેં કોયલને મારી
‘Half Girlfriend’ ગણવાનું રાખ્યું છે!
Blog:http://gunvantshah.wordpress.comતમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP