તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારી નિંદા કરવામાં જ મજા લૂંટનારો માણસ તમારો ફુલટાઇમ સર્વન્ટ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે ક્યારેય નિસ્તેજ શિક્ષકની નિંદા ટીચર્સ રૂમમાં થતી જોઈ છે? તમે ક્યારેય અતિ નમ્ર અને સુષ્ઠુ સુષ્ઠુ લખનારા તથા બંને પક્ષને જાળવી લેનારા સાહિત્યકારની ઈર્ષ્યા થતી જોઈ છે? માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવા રાજકીય નેતાની ઝાઝી નિંદા નથી થતી. જો તમારે નિંદાકૂથલીથી બચવું જ હોય તો એક સરળ ઉપાય છે. તમે ખીલવાનું અને ખૂલવાનું માંડવાળ કરો. સમાજને સરેરાશ ગમે છે. સરેરાશ મનુષ્ય નિરુપદ્રવી જણાય છે. સરેરાશ મનુષ્ય કોઈની સામે નથી પડતો. એ પોતાને જડેલી કોઈ વાત આગ્રહપૂર્વક નથી કરતો. સમાજને ખપે છે- નમ્ર, નિર્વીર્ય, નિરુપદ્રવી અને નિરાગ્રહી એવો સરેરાશ મનુષ્ય. સમાજને પરાક્રમ વિનાનો નપુંસક ખપે, પરંતુ પરાક્રમ દ્વારા કશુંક નવું કહેનારો કે કરનારો તેજસ્વી મનુષ્ય ન ખપે. બળ અને ગતિથી શોભતો ઘોડો પણ તેજસ્વી અસવાર ઝંખે છે.
યહૂદી પ્રજામાં ધર્મગુરુને ‘રબ્બાઈ’ કહે છે. લગભગ બધા જ રબ્બાઈ પરણેલા હોય છે. યહૂદીઓ પાસેથી આ પ્રથા લેવા જેવી છે. સાધુ તો પરણેલા જ સારા! એક યહૂદી લોકકથામાં એક અફવાપ્રેમી અને કૂથલીખોર આદમીની વાત જાણવા મળે છે. એ આદમીને અફવાનું અથાણું અને કૂથલીનું કચુંબર બહુ ભાવતું. એ આદમીએ પોતાની સઘળી નવરાશ ગામમાં પોંખાતા રબ્બાઈની નિંદા કરવામાં જ હોમી દીધી. એણે રબ્બાઈ વિરુદ્ધ અસંખ્ય જુઠ્ઠાણાં વહેતાં મૂક્યાં અને રબ્બાઈની પાછળ પડી જઈને ગામ આખાને માથે લીધું. વર્ષો વીતી ગયાં પછી એ નિંદાવીરને પસ્તાવો થયો. દુ:ખીહૃદયે એ રબ્બાઈ પાસે ગયો અને બોલ્યો: ‘રબ્બાઈ! મને તમે પ્રાયશ્ચિત્તનો માર્ગ બતાવો.’
રબ્બાઈને આશ્ચર્ય થયું. તેઓ એ નિંદાખોર આદમીની ગંદી હરકતોથી ટેવાઈ ગયા હતા. રબ્બાઈએ ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું: ‘એક કામ કર. તારા ઘરેથી બે ઓશીકાં લઈને બજારમાં પહોંચી જા. બજારમાં જઈને ઓશીકાના ગલેફ ચપ્પુથી ફાડી નાખજે પછી એમાંથી રૂનાં પૂમડાં નીકળે, તેને હવામાં ફંગોળી દઈને પાછો આવી જજે.’
પેલો પંચાતિયો ઘરે ગયો. બે ઓશીકાં લઈને એ પહોંચ્યો બજારમાં. ત્યાં જઈને એણે રૂનાં પૂમડાં હવામાં ફંગોળવાનું શરૂ કર્યું. રબ્બાઈની સૂચના પ્રમાણે પોતાનું કામ પતાવ્યા પછી એ પાછો રબ્બાઈ પાસે પહોંચી ગયો. રબ્બાઈએ એ પંચાતિયાને પ્રેમથી આવકાર્યો. પંચાતિયો બોલ્યો: ‘સર! તમે કહ્યું તે પ્રમાણે બધું કામ પતાવીને હું આવી ગયો છું.’ રબ્બાઈએ એને કહ્યું: ‘બહુ સુંદર. કૂથલીથી કેટલું નુકસાન પહોંચે છે, તે જોવા માટે તું ફરીથી બજારમાં જા.’ પંચાતિયાને આશ્ચર્ય થયું. ‘સર! બજારમાં જઈને મારે કરવાનું શું?’ રબ્બાઈએ એને કહ્યું: ‘બજારમાં જઈને તેં હવામાં જે પૂમડાં ફંગોળ્યાં હતાં, તે વીણવા માંડજે.’ રબ્બાઈએ વાત પૂરી કરી.
  • ટનબંધી અદેખાઈ અને અનેક ક્વિન્ટલ જેવી વજનદાર નિંદા માણસને મફતમાં નથી મળતી. બધા વાળ સફેદ થઈ જાય અને બધાં ગાત્ર ઢીલાં પડી જાય, પછી ઉપરવાળો કશુંક ભેટરૂપે ધરતો હોય છે
નવરાશ એ આપણા દેશનો સ્થાયીભાવ છે. ગામને પાદરે આવેલા ચોરા પર ગામલોકોની નવરાશ ગરબા ગાતી હોય છે. એક વાર વર્ષો પહેલાં જયપ્રકાશ નારાયણ મહુવા ગયેલા. એ દિવસોમાં મહુવા આદરણીય મોરારિબાપુને કારણે વિખ્યાત ન હતું. મહુવાના સમાજવાદી યુવાન શ્રી યશવંત મહેતાએ મહુવા સુધરાઈનું સુકાન સંભાળ્યું હતું. એ સુધરાઈનો કારભાર સમાજવાદી રંગ ધારણ કરી રહ્યો હતો. મને યશવંતભાઈએ એક વાત કહી તે હજી યાદ છે. જયપ્રકાશજી યશવંતભાઈ સાથે નાની મોટરગાડીમાં ફરવા નીકળ્યા ત્યારે એમની નજર ગામના ચોરા પર બેસીને બીડી ફૂંકનારા નવરા ગામલોકો પર પડી. જયપ્રકાશજીએ પૂછ્યું: ‘યશવંત! આ લોકો શું કરે છે? તેઓ એક પૈસો પેદા કરે, તે પહેલાં તો એક રૂપિયાની બીડીમાંથી ધુમાડો કાઢે છે. આખો દિવસ ચોરા પર બેસીને એ લોકો તડાકા મારે છે. દેશનો આ જ ખરો પ્રોબ્લેમ છે.’ ભારતની કોઈ અયોધ્યાનગરી (જેને મૈથિલીશરણ ગુપ્તએ ‘અવનિ કી અમરાવતી’ ગણાવી છે) ધોબીઘાટ પર થતી નિંદાકૂથલી વિનાની નથી હોતી. શું રામરાજ્યનો ધોબી ઈર્ષ્યાખોર હતો? એ યુગમાં રાજાની અદેખાઈ કરવાનો પ્રશ્ન જ નહતો. ધોબી અદેખો ન હતો, એ તો ‘ખાટસવાદિયો’ હતો. ગામમાં ક્યાંક સારું બને અને રૂડાં વાનાં થાય ત્યારે જેના પેટમાં તમોગુણી ચૂંક ઊપડે તે ‘ખાટસવાદિયો’ ગણાય. રામ અને સીતા વનવાસ પછી અયોધ્યામાં પાછાં ફર્યાં હતાં. રાજમહેલમાં બધું આનંદમંગલ હતું અને સીતાને મહિના જતા હતા. આવું આનંદમંગલ ખાટસવાદિયા મનુષ્ય માટે ખાસું પીડાજનક બની જતું હોય છે. આવું બને તે માનસિક રોગનું પરિણામ છે. આવો મનોરોગ જો રાજા રામને પણ ન છોડે, તો આપણા જેવા સામાન્ય મનુષ્યોને છોડે? જે મનુષ્ય પોતાનું કામ બાજુ પર રાખીને કેવળ તમારી નિંદા કરવામાં જ રમમાણ રહે, તે તો તમારો ફુલટાઇમ સર્વન્ટ ગણાય. એવા મનુષ્યનું તો અભિવાદન જ હોય.
તમને જીવનમાં ક્યારેક કોઈ ‘ધોબી’ મળે, તો તેમાં બહુ દુ:ખી થવા જેવું નથી. એ મહાન ધોબી તમારી પાછળ પડી જાય, તે તો તમારું સદ્્નસીબ ગણાય. સીતા સૌંદર્યવતી ન હોત તો? તો રામ-રાવણ યુદ્ધ ન થયું હોત. વાલ્મીકિ જેવા મહાકવિએ સીતાની સુંદરતા માટે બે શબ્દો પ્રયોજ્યા છે: 1. સુમધ્યમા અને 2. વરારોહા. આ જ વાત તેજસ્વિની, ઓજસ્વિની અને મનસ્વિની એવી ગુણસુંદરી દ્રૌપદી માટે પણ કહી શકાય. જો દ્રૌપદી કદરૂપી હોત તો? તો મહાભારતનું યુદ્ધ ન થયું હોત. અત્યંત રૂપાળી સ્ત્રી માટે સૌંદર્ય અનેક સમસ્યાઓ સર્જે છે. એ બધી જ સમસ્યાઓ સ્થૂળ આંખે દેખાતી નથી. રૂપાળી વિધવાની સમસ્યાઓ રૂપાળી નથી હોતી. એ સમસ્યાઓ જીવનમરણના ખેલ સર્જનારી હોય છે. પીંછાંને કારણે મોર શોભે છે. પીંછાં વિનાના મોરને કોઈ ઈર્ષ્યાજન્ય સમસ્યા સતાવતી નથી. શું મોર પોતાનાં પીંછાંને દૂર કરીને સમસ્યામુક્ત જીવન પસંદ કરે ખરો? રૂપાળા મોરની નિંદા રૂપાળી નથી હોતી.
ટનબંધી અદેખાઈ અને અનેક ક્વિન્ટલ જેવી વજનદાર નિંદા માણસને મફતમાં નથી મળતી. બધા વાળ સફેદ થઈ જાય અને બધાં ગાત્ર ઢીલાં પડી જાય, પછી ઉપરવાળો કશુંક ભેટરૂપે ધરતો હોય છે. એ દિવ્ય ભેટ પ્રાપ્ત થાય, ત્યાં સુધીમાં તો હાંફી જવું પડતું હોય છે. ખાટસવાદિયાને તો કેવી નિરાંત? નિંદા કરીને છૂટી જવાનું! કેવળ નસીબદાર માણસને જ ખબર હોય છે કે કેટલો પરસેવો પડે પછી કશુંક ઉપરથી પ્રાપ્ત થતું હોય છે. એ કશુંક એટલું તો મૂલ્યવાન હોય છે કે બધી નિંદા અને બધી કૂથલી જખ મારે છે! ⬛
}}}
પાઘડીનો વળ છેડે
એક સાધુ જંગલનાં વૃક્ષો વચ્ચે
ઝૂંપડી બાંધીને રહેતો હતો.
એક નગરવાસીને એના પ્રત્યે પૂજ્યભાવ
થયો. એ થોડેક દૂર આવેલા ઝાડ નીચે
સાધુની સમીપે રહેવા લાગ્યો.
સાધુના મૌનમાં એ ખલેલ પહોંચાડતો ન હતો.
વર્ષો વીતી ગયાં પછી એણે સાધુને એક પ્રશ્ન પૂછ્યો.
‘ગુરુજી! મને એક પ્રશ્ન પજવે છે. મને એ પ્રશ્ને
આપનું માર્ગદર્શન આપવાની કૃપા કરો.’
સાધુએ મૌન ન તોડ્યું. દસ-પંદર વર્ષ વીતી ગયાં.
વર્ષો પછી એ નગરવાસીએ ફરીથી વિનંતી કરી.
ગુરુએ મૌન ન તોડ્યું...
બીજાં દસ વર્ષ વીતી ગયાં!
ત્રીજી વાર વિનંતી થઈ ત્યારે ગુરુજીએ કહ્યું:
પ્રશ્ન શું છે? ટૂંકમાં વાત પતાવ.
નગરવાસીએ પૂછ્યું: ‘જીવનધર્મનો સાર શો છે?’
સાધુએ ટૂંકમાં જવાબ આપ્યો:
સાંભળ: હું અહીં આ બધાં
વૃક્ષો વચ્ચે વર્ષોથી રહું છું. હજી સુધી મેં કોઈ વૃક્ષને
એવું પૂછતું નથી સાંભળ્યું:
પેલા વૃક્ષની ઊંચાઈ કેમ વધારે છે?
અરે! આ સામેના વૃક્ષ પર મધુર ફળ કેમ બેસે છે?
પેલા વૃક્ષની લીલાશ મારા કરતાં વધારે કેમ છે?
સામેના વૃક્ષની ઘટા મારા કરતાં વધારે ગાઢ કેમ છે?
તું આ વૃક્ષોની માફક જીવવાનું રાખ. એ જ જીવનધર્મનો સાર છે.’
નગરવાસી શાંત થઈ ગયો અને પછી શહેરમાં ચાલી ગયો.
}}}
Blog:http://gunvantshah.wordpress.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser