Home » Rasdhar » ગુણવંત શાહ
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

વૈતરું ઘટે, તો કર્મ શોભે, પ્રસન્નતા વધે, તો કર્મ કોળે!

  • પ્રકાશન તારીખ19 Aug 2018
  •  

રામકૃષ્ણ પરમહંસ એક ટુચકો કહેતા. એક જ્ઞાની પુરુષ પત્ની સાથે જંગલમાં ચાલી રહ્યા હતા. જ્ઞાન અને ભક્તિ હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યાં હોય એવું એ દૃશ્ય હતું. એવામાં બંનેની નજર સામેથી ચાલી આવતા વાઘ પર પડી. બંને તરત થોભી ગયાં. જ્ઞાની પતિએ કહ્યું: ‘પ્રભુ આપણો રક્ષણહાર છે. એ જરૂર આપણું રક્ષણ કરશે.’ પત્ની બોલી: ‘આપણે ઝટ નાસી જઇએ, કારણ કે જે કર્મ આપણાથી થઇ શકે એમ હોય તેને માટે પ્રભુને તકલીફ આપવાની જરૂર નથી.’ બંને ભાગી છૂટ્યાં અને બચી ગયાં!

શું એકવીસમી સદીમાં પ્રવેશેલી માનવજાતે કોઇ જ પ્રગતિ નથી કરી? વાત એમ છે કે માનવી યંત્રવત્ બનતો જાય છે અને યંત્ર માનવવત્ બનતું જાય છે. ગીતામાં આવા માનવીને ‘યંત્રારૂઢ’ કહ્યો છે

માણસ સિવાયનું કોઇ પણ પ્રાણી કાર્ય કરતું નથી, સિવાય કે તે માણસને પનારે પડ્યું હોય. કર્મની ગર્દભમુદ્રા, શ્વાનમુદ્રા, અશ્વમુદ્રા અને સિંહમુદ્રા સમજવા જેવી છે. ગર્દભમુદ્રા કેવળ વૈતરું કરનારી છે. શ્વાનમુદ્રા ગળચટી ગુલામીમાં રાચનારી અને માલિકની મહેરબાનીમાં રાજી રહેનારી છે. અશ્વમુદ્રામાં રહેવા-જમવાની સગવડ છે તેની સાથોસાથ અર્થવિહીન દોડાદોડી છે. કર્મની સિંહમુદ્રા કેવી હોય? વનરાજ ખપ પૂરતો શ્રમ કરે છે અને ખાવાનું મળી જાય પછી ભરપૂર અવકાશ માણે છે. વનરાજ નથી વૈતરું કરતો, નથી લોભ કરતો. આ ચાર મુદ્રાઓમાં શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણની વૃત્તિઓ થોડીક થોડીક પ્રગટ થતી જણાય છે. કર્મની માનવમુદ્રા કેવી હોય? ભક્તિને કારણે લાકડું ડાળી ગણાય છે, મીઠું સબરસ ગણાય છે, મકાન ઘર ગણાય છે.
ભોજન પ્રસાદ ગણાય છે, સડક આંગણું ગણાય છે, નિશાળ વિદ્યામંદિર બની રહે છે, ઓફિસ યજ્ઞશાળા બની જાય છે અને બીજો માણસ પરમ ચેતનાનો પ્રતિનિધિ બની રહે છે. બીજો માણસ આત્મસ્વરૂપ જણાય તેવી અનુભૂતિને માટે ગીતામાં શબ્દ છે: ‘આત્મૌપમ્ય.’ ભક્તિથી છલકાતું હૃદય પરમાત્માનું ખરું સ્થાનક છે. આપણને તરસ લાગે ત્યારે પાણી પીવાથી પ્રાપ્ત થતી તૃપ્તિનો પરિચય થાય છે, પરંતુ કોઇ તરસ્યાને પાણી પિવડાવ્યા પછી મળતી પરિતૃપ્તિનો પરિચય ભાગ્યે જ થાય છે. ખાવા કરતાંય ખવડાવવામાં મળતી પ્રસન્નતા મૂઠી ઊંચેરી હોય છે. બસમાં કે ટ્રેનમાં ઊભા થઇને કોઇ અજાણ્યા વડીલને બેઠક આપવામાં તસ્દીને બદલે તૃપ્તિનો અનુભવ નાસ્તિક હોય એવા યુવાનને પણ થતો હોય છે. આવી ‘માતાનુભૂતિ’ વધારતાં રહેવું, એ જ માણસની સહજ સાધના ગણાય. એ માટે સંસાર છોડવાની જરૂર ખરી? સંસારથી વધારે વિશાળ એવી કોઇ યુનિવર્સિટીનું કેમ્પસ જોયું છે? અરે! ‘યુનિવર્સિટી’ શબ્દ પણ મૂળે ‘યુનિવર્સ’ પરથી બન્યો છે. સંસાર એ જ યુનિવર્સિટી!
ન્યૂઝિલેન્ડમાં એક સંશોધન થયું છે. એક મોટી કંપનીએ પોતાના કર્મચારીઓને સપ્તાહના પાંચ દિવસને બદલે ચાર દિવસ માટે કામે આવવાનો પ્રયોગ કર્યો. પરિણામે ઉત્પાદન વધ્યું અને નફામાં પણ વૃદ્ધિ થઇ. કંપનીએ એ પ્રયોગને કાયમી બનાવી દેવાનો નિર્ણય કર્યો. વૈતરું ઘટ્યું અને અવકાશ વધ્યો તેથી કર્મની સિંહમુદ્રા પ્રગટ થઇ. બે સંતાનોની માતાનું જીવન આનંદમય બન્યું. એણે સંતાનો પાછળ વધારે સમય ગાળવાનો નિર્ણય કર્યો. નગરમાં રસ્તાઓ પર ફરતી મોટરગાડીઓની સંખ્યા ઘટી અને ટ્રાફિક જામ ઘટ્યો તેથી પ્રદૂષણ પણ ઓછું થયું. વિચાર કરો કે મુંબઇમાં મોટે પાયે આવું ગોઠવાય, તો જીવનની ગુણવત્તા બદલાઇ જાય. તાણ ઘટે અને તુષ્ટિ વધે!
ન્યૂઝિલેન્ડમાં આવો પ્રયોગ કરનારી કંપનીને જણાયું કે કામના દિવસો અને કલાકો ઘટ્યા તેથી કર્મચારીઓ સમયસર આવતા થયા, કામચોરીનું પ્રમાણ ઘટ્યું. કંપનીના સંચાલકોએ કહ્યું: ‘જે કોન્ટ્રાક્ટ થાય તેમાં શરત ઉત્પાદકતાની હોવી જોઇએ, કલાકોની નહીં.’ કંપનીનું વીજળી બિલ પણ ઘટવા પામ્યું. 40 કામના કલાકો 32 થાય, તો જીવનમાં પતિ-પત્ની-બાળકોને સહજીવનનો સમય પણ વધારે મળે. જે સમયાવકાશ મળે તેથી મોકળાશના સમયમાં સંગીત સાંભળવાનો સમય વધારે મળે, પુસ્તકો વાંચવાની તક વધારે મળે અને રમતગમત માટે વધુ સમય મળે. જરા તો વિચારો. કોમ્પ્યુટરની શોધ થઇ તે પહેલાં અને શોધ થઇ પછીના માનવજીવનમાં કામના કલાકો તેટલા ને તેટલા જ રહેવાના હોય, તો પછી માણસે ધાડ શી મારી! વૈતરા તરફથી કર્મ તરફની અને કર્મ તરફથી કર્માનંદ તરફની દિશામાં પ્રગતિ ન થાય તો માનવજાત વિજ્ઞાન પાસેથી પામી શું? વિચારી જુઓ.
હજી પણ દેશમાં ‘આઠ કલાકનો દિવસ’ નિયમ મુજબ નોકરી ચાલે છે. શું એકવીસમી સદીમાં પ્રવેશેલી માનવજાતે કોઇ જ પ્રગતિ નથી કરી? ઓવરટાઇમ કામ કરનારો કામદાર હોંશપૂર્વક ઓવરટાઇમ કરે છે, જેથી થોડાક રૂપિયા વધારે મળે. વાત એમ છે કે માનવી યંત્રવત્ બનતો જાય છે અને યંત્ર માનવવત્ બનતું જાય છે. ગીતામાં આવા માનવીને ‘યંત્રારૂઢ’ કહ્યો છે.
ઓસ્કર વાઇલ્ડ લંડનના વેસ્ટમિન્સ્ટરમાં જ્યોર્જ બર્નાર્ડ શોનું પ્રવચન સાંભળવા ગયો. એ પ્રવચન ‘સમાજવાદ’ પર હતું, જેનું મથાળું હતું: ‘The Soul of Man Under Socialism.’ એ પ્રવચનથી પ્રભાવિત થઇને ઓસ્કર વાઇલ્ડે વર્ષ 1891માં એક નિબંધ લખ્યો જેનો માત્ર સાર જ અહીં પ્રસ્તુત છે:
- જે ઉપયોગી હોય, તે રાજ્ય બનાવે અને જે સુંદર હોય તે વ્યક્તિ બનાવે.
- શારીરિક શ્રમના ગૌરવ વિશે ઘણી વાહિયાત વાતો થઇ છે. ઘણું ખરું તો શારીરિક શ્રમ અપમાનજનક જ હોય છે.
- જેમાં માણસને આનંદ પ્રાપ્ત ન થાય,
તેવો શ્રમ માનસિક તથા નૈતિક દૃષ્ટિએ નુકસાનકારક જ હોય છે.
- કાદવકીચડથી ભરેલા રસ્તાનો ચોક સાફ કરવાનું કામ તો ચીતરી ચડે તેવી જ નોકરી ગણાય.
- માનવીય ગુલામી અયોગ્ય છે. શ્રમ એવી ગુલામીનો જ સંકેત છે.
- દુનિયાનું ભવિષ્ય માનવીની જગ્યાએ યંત્રો ગુલામ બને તે વાત પર અવલંબે છે.
પરાયા માણસનો મળોત્સર્ગ કોઇ માનવી શા માટે માથે ઉપાડે? યંત્ર જો માનવમિત્ર બને તો જ નવા યુગનો ઉદય થઇ શકે. કદાચ એવો ઉદય થઇ ચૂક્યો છે.
જે જે કામો પુરાતન યુગમાં શૂદ્રો કરતા હતા, તેવાં સઘળાં કામો હવે યંત્રો દ્વારા જ થવાં જોઇએ. હવે ખાળકૂવામાં કોઇ દલિત મનુષ્ય શા માટે ઊતરે?
પાઘડીનો વળ છેડે
જો કોઇ માણસ ફળિયાનો
ઝાડુવાળો હોય, તો તેણે
માઇકલ એન્જેલો ચિત્રકામ કરે તે રીતે,
બિથોવન સંગીત-રચના કરે તે રીતે,
કે પછી
શેક્્સ્પિયર કવિતા રચે, તે રીતે
ફળિયું એવી રીતે સાફ કરવું જોઇએ
કે પૃથ્વી અને સ્વર્ગના નિવાસીઓ
થોભી જઇને
એવું કહેવા પ્રેરાય કે અહીં
એક મહાન ઝાડુવાળો રહેતો હતો,
જે પોતાનું કામ સુંદર રીતે કરતો હતો.
- માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)
નોંધ: આ વાત સાથે ઓસ્કર
વાઇલ્ડ સહમત નહીં થાય.
Blog:http://gunvantshah.wordpress.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP