રણમાં ખીલ્યું ગુલાબ / તું આવને જૂની વાતો થોડી તાજી કરીએ આ મુરજાયેલા દિલોને થોડા રાજી કરીએ

Let's revive the old things a little bit; let's relax the murals

રાજીએ છણકો કર્યો, ‘આ તમારું શહેર નથી, પણ મારું ગામડું છે. હોટલ તો શહેરમાં હોય. અહીં તો દિલની ધર્મશાળા હોય છે. એનાં બિલ નથી હોતાં.’

ડૉ. શરદ ઠાકર

May 20, 2019, 05:15 PM IST

75 વર્ષના ન્યાલચંદ કોઠારી વેપારીમંડળના સંમેલનમાંથી બહાર નીકળતા હતા ત્યાં સામેથી જૂના મિત્ર રિખવદાસ મળી ગયા. વર્ષો પછી મળ્યા છતાં રિખવદાસ ન્યાલચંદને ઓળખી ગયા. આત્મવિશ્વાસપૂર્વક પૂછી બેઠા, ‘અરે! ન્યાલ તું?! સાલા, તું હજી જીવે છે? મને ઓળખ્યો કે નહીં?’
ન્યાલચંદ 75મા વર્ષમાંથી ઊડીને 20મા વર્ષમાં જઇ પડ્યા. સામે ઊભેલા કોલેજકાળના મિત્રને ઓળખી ગયા. મિત્રના ચહેરા પરથી નહીં, પણ એના સવાલ પરથી ઓળખી ગયા. રિખવ મહેતાને દિવસમાં પચાસ વાર આવું પૂછવાની આદત હતી, ‘સાલા, તું જીવે છે?’
ન્યાલચંદે જૂના ભાઇબંધને છાતીએ વળગાડી દીધો, ‘કેમ ન જીવું? તારા કરતાં તો હું વધારે તંદુરસ્ત હતો અને અત્યારે પણ છું. ચાલ, ક્યાંક નિરાંતે બેસીએ.’ બંને મિત્રો કોલેજમાં હતા ત્યારે કેન્ટિનમાં બેસીને કલાકો સુધી ગપ્પાં મારતા હતા. હવે કેન્ટિનમાં બેસવાના દિવસો રહ્યા નથી.બંને બાજુમાં આવેલા મંદિરમાં એક સૂના બાંકડા પર બેઠા. શિયાળાની નમતી બપોર હતી. કુમળો તડકો હતો. પીપળાના ઝાડનો છાંયો હતો. બાંકડાને વાચા ફૂટી હતી અને પૂછપરછની કૂખમાંથી સહિયારા અતીતનો પ્રસવ થઇ રહ્યો હતો.
અચાનક રિખવદાસે પૂછ્યું, ‘રાજીને મળ્યો કે નહીં? એ આ શહેરમાં જ રહે છે.’
રાજીનું નામ સાંભળીને જ ન્યાલચંદના કાન ન્યાલ થઇ ગયા. અભાનપણે બબડી ગયા, ‘મને ક્યાંથી ખબર હોય? હું તો આ શહેરમાં પહેલી વાર આવ્યો છું. એ પણ મારા ત્રણ દીકરાઓમાંથી એક પણ દીકરો આજના સંમેલનમાં આવી શકે તેમ ન હતો માટે મારે આવવું પડ્યું.’ પછી કહે,‘રાજી! મારી રાજી! સાલા, એ જીવે છે હજી?’ મિત્રનો માનીતો સવાલ અત્યારે એમણે પૂછી લીધો.
જવાબમાં રિખવદાસે માહિતીનો ખજાનો ઠાલવી દીધો. રાજી ક્યાં રહે છે, એનું સરનામું, પોળ, ઘર નંબર બધું જ ચબરખીમાં લખી આપ્યું અને છૂટા પડતા પહેલાં માત્ર આટલું જ કહ્યું, ‘હા, તારી રાજી આ જ શહેરમાં રહે છે, પણ એ જીવે છે કે નહીં તે તું જાતે જ જોઇને નક્કી કરજે.’
રિખવદાસ તો ચાલ્યા ગયા, પણ પંચોતેર વર્ષનો એક વૃદ્ધ શ્રેષ્ઠી વીસ વર્ષનો પ્રેમી બનીને બાંકડા પર જ બેસી રહ્યો. આજથી પંચાવન વર્ષ પહેલાં રાજીની સાથે પ્રથમ મુલાકાત થઇ હતી. કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો અમદાવાદી યુવાન ન્યાલ કોઠારી એક મિત્રનાં લગ્નની જાનમાં ગયો હતો. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં લગ્ન હતાં. વરના બાપે ઉત્સાહમાં આવીને જાડેરી જાન જોડી તો હતી, પણ ગામડે પહોંચ્યા પછી ખબર પડી કે ત્યાં ઉતારા માટે પૂરતી વ્યવસ્થા ન હતી. વેવાઇ ભલો માણસ હતો, પણ ગામડા ગામમાં શહેરના જેવી ફાઇવસ્ટાર સગવડ તો ક્યાંથી હોઇ શકે? એટલે જાનૈયાઓને બબ્બે-ચાર ચારના ભાગમાં વહેંચીને અલગ અલગ ઘરોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ન્યાલને આ ગમ્યું તો ન હતું, પણ એ સિવાય બીજો વિકલ્પ પણ ક્યાં હતો? એ પોતાની બેગ ઊંચકીને એક અજાણ્યા મકાન તરફ ચાલ્યો ગયો. ખડકીમાં પગ મૂકતાં જ એક યુવતીના મીઠા ટહુકાએ એનો કચવાટ હણી નાખ્યો, ‘આવો! પધારો! અહીં બેસો. બાપુ આવતાં જ હશે.’ આટલું કહીને એણે ફળિયામાં ઢાળેલા ખાટલા તરફ ઇશારો કર્યો. થોડી જ વારમાં એ યુવતીના બાપુ આવી પહોંચ્યા, પણ એ આવે એની પહેલાં જ એમની દીકરીએ મોંઘેરા મહેમાનનું ગ્રામીણ આતિથ્ય કરી લીધું હતું. શીતળ જળનો લોટો, કડક મીઠી ચા, ઔપચારિક વાતો અને પછી ન્યાલની બેગ જાતે ઊંચકીને મેડી ઉપરની ઓરડીમાં મૂકી આવવી; આ બધું જ એણે કરી લીધું હતું. ન્યાલ એ ગામમાં માંડ ચોવીસ કલાક રોકાયો હશે અને એ ઘરમાં તો પાંચ-છ કલાક જ, પરંતુ આટલા ઓછા સમયમાં પણ એ યુવતી એના મનમાં વસી ગઇ. વાતવાતમાં એણે પૂછી પણ લીધું, ‘તમારા બાપુ તમને ‘રાજી’ કહીને બોલાવે છે. તમારું પૂરું નામ શું છે? રાજશ્રી?’
‘ના. મારું પૂરું નામ રાજસી છે. મારાં ફોઇ શહેરમાં પ્રોફેસર છે. એમણે પાડ્યું છે. રાજસીનો અર્થ થાય છે: રાજાને લાયક.’
દૂર ખાટલામાં બેઠેલા રાજીના પિતા સાંભળી ન શકે તેવા ધીમા અવાજમાં ન્યાલ બબડી ગયો હતો, ‘કાશ! હું રાજા હોત!’ બસ, આટલા જ શબ્દો. લાગણીની આટલી જ અભિવ્યક્તિ. ઢેલને ઇજન આપતા કળાયેલા મોરના ગહેકાટ જેવો એક તોફાની ઇશારો અને ઢેલના ગાલ પર રેલાઇ જતું શરમાળ કંકુ. બાપુના હુક્કામાં પ્રજ્વળી રહેલા અંગારાની સાક્ષીએ એક પ્રસંગ ઊજવાઇ ગયો. કદાચ આને જ શાસ્ત્રો ગાંધર્વવિવાહ કહેતા હતા.
મિત્રનાં લગ્ન ઊજવાઇ ગયાં. કન્યાવિદાય સમયે ન્યાલ પોતાની બેગ લેવા માટે રાજીના ઘરે આવ્યો. રાજી એકલી જ હતી. ન્યાલે તોફાની અંદાજમાં પૂછી લીધું, ‘મા વગરની દીકરી હોવા છતાં મારા જેવા અજાણ્યા યુવાનનું તમે એ રીતે ધ્યાન રાખ્યું, મારી સગવડ સાચવી એનો બદલો હું ક્યારે ચૂકવી શકીશ? જો ઘરને બદલે હોટલ હોત તો મેં પૂછ્યું હોત કે બિલ કેટલા રૂપિયાનું થયું? પાંચસો? હજાર કે પંદરસો?’
રાજીએ એની મોટી મોટી આંખોમાંથી છણકો, કૃત્રિમ ગુસ્સો અને વાગે એવો ટોણો ફેંક્યો હતો, ‘આ તમારું શહેર નથી, પણ મારું ગામડું છે. હોટલ તો શહેરમાં હોય. અહીં તો દિલની ધર્મશાળા હોય છે. એનાં બિલ નથી હોતાં.’
બસ, આ છેલ્લી મુલાકાત. અમદાવાદ પાછા આવીને ન્યાલ મહિનાઓ સુધી રાજીના વિચારોમાં જ ખોવાયેલો રહ્યો હતો. એના મિત્રો પણ એના દિલની હાલત જાણી ગયા હતા, પરંતુ 1960ના દશકમાં દૂર ગામડામાં બેઠેલી, નયનને ગમી ગયેલી, સાવ અજાણી યુવતીને મળવાની કે દિલની વાત પહોંચાડવાની કોઇ જ સગવડ શોધાઇ ન હતી. તે પછી આજે આટલાં વર્ષો બાદ રિખવ દ્વારા જાણવા મળ્યું હતું કે તારી રાજી આ જ શહેરમાં રહે છે. એ આખી રાત ન્યાલચંદ ઊંઘી ન શક્યા. રાજી શું કરતી હશે? કેવી દેખાતી હશે? કેવી હાલતમાં હશે? એનો પતિ? એનાં બાળકો? એને મળવા જવામાં કશું ખરાબ તો નહીં લાગેને? ન્યાલચંદના દિમાગમાંથી ઉત્તર સંભળાયો, ‘ના, ખરાબ નહીં લાગે. હવે તો અમારા બેયનાં શરીર ઉપર ઉંમરનું બખ્તર ચડી ગયું છે. હવે મળવા જવામાં કોઇ સામાજિક બાધ નહીં રહે.’
બીજા દિવસની સવારે નહાઇ-ધોઇને ચા-નાસ્તો કર્યા વગર જ ન્યાલચંદ નીકળી પડ્યા. એમની કાર જેમ જેમ મંજિલ તરફ આગળ વધતી રહી તેમ તેમ પહોળા રસ્તાઓ વધુ ને વધુ સાંકડા થતા ગયા. છેવટે એક જગ્યાએ ડ્રાઇવરે કાર થોભાવી દીધી. ‘શેઠજી, અહીંથી ગાડી આગળ નહીં જઇ શકે.’ ન્યાલચંદ ઊતરી ગયા. પંચોતેર વર્ષના પગમાં યૌવનનો હણહણાટ હતો. હાંફી ગયેલું હૃદય અચાનક જોરજોરથી ધડકવા માંડ્યું હતું. હાથમાં ચિઠ્ઠી હતી, ચિઠ્ઠીમાં સરનામું હતું અને એ સરનામાં પર રાજાને યોગ્ય એવી એક વૃદ્ધ રાણી રહેતી હતી.
પૂછતાં પૂછતાં પહોંચી જવાયું, પણ ન્યાલચંદે જે જોયું તે સ્તબ્ધ કરી મૂકે તેવું હતું. સડી ગયેલાં બારણાંવાળી એક ડહેલી, સાવ નાનકડી ઓસરી અને ત્યાં ઝાડુ મારતી એક ચીંથરેહાલ વૃદ્ધા. સાથે આવેલા ટેણિયાએ આંગળી ચીંધીને કહ્યું, ‘આ જ સરનામું.’ પછી એ બૂમ પાડીને જતો રહ્યો, ‘રાજીમા, કોઇ તમને મળવા આવ્યું છે?’ વૃદ્ધાએ તૂટેલી દાંડલીવાળાં ચશ્માં સરખાં કરીને ઉપર જોયું. ઓળખાણ ન પડી. પૂછ્યું, ‘કોણ? કોનું કામ છે?’
ન્યાલચંદના ગળામાંથી અશ્રુભર્યો અવાજ બહાર પડ્યો, ‘રાજી, તારું જ કામ છે. હું ન્યાલ. 55 વર્ષ પહેલાં એક જાનમાં તારે ગામડે આવ્યો હતો અને...’
હાથમાંથી ઝાડું પડી ગયું. તેની સાથે જ 55 વર્ષો પણ ખરી પડ્યાં. ‘આવો! પધારો! અહીં બેસો.’ એ જ મીઠો આવકાર, એ જ ભીની ભીની લાગણી. ન્યાલચંદ તે તૂટીફૂટી ઓરડીમાં ચાર-પાંચ કલાક રોકાયા. ચા-નાસ્તો અને બપોરનું ભોજન. બધું સાદું, પણ સેવનસ્ટાર કરતાં પણ શ્રેષ્ઠ હતું. વાતચીતમાંથી રાજીની દરિદ્રતાનો ઇતિહાસ નીકળી પડ્યો. દારૂડિયો પતિ, નિ:સંતાનપણું, ચાળીસમા વર્ષે આવેલું વૈધવ્ય અને પછી એક સંસ્કારી સ્ત્રીની જીવન જીવવાની મથામણ. દીવાલ પરનાં પોપડાં એની કંગાલિયતની ગવાહી પૂરતાં હતાં. બંને જણા છૂટાં પડતાં પહેલાં મન ભરીને રડી પડ્યાં. ન્યાલચંદ બોલી ઊઠ્યા, ‘રાજી, આજે મારો શબ્દ પાછો ન ઠેલીશ. આજના આતિથ્યનું બિલ હું ચૂકવીશ અને તારે એ લેવું જ પડશે. દર મહિને તને પંદર હજાર રૂપિયા મળી જશે.’
રાજીની આંખમાં આંસુનાં મોતી ચમક્યાં. એ કંપતા અવાજમાં બોલી ઊઠી, ‘ના. મારાથી ન લેવાય.’
‘લેવા જ પડશે. કેમ ન લેવાય? આ તારું ગામડું નથી. આ તો શહેર છે. અહીં સમય આવે ત્યારે દિલનું પણ બિલ ચૂકવવું પડે છે. જો તું ના પાડે તો તને મારા સમ છે!’ અને ન્યાલચંદ એ સાંકડી ગલીમાંથી પહોળા રસ્તા તરફ ચાલવા માંડ્યા.
[email protected]

X
Let's revive the old things a little bit; let's relax the murals

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી