‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં

  • પ્રકાશન તારીખ02 May 2019
  •  

આજે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. આ વિશેષ દિન નિમિત્તે અનાયાસ કેટલાક પ્રાત: સ્મરણીય ડોક્ટરોનું સ્મરણ દિમાગમાં ઝબકી જાય છે. સમગ્ર ગુજરાતની વાત કરવા બેસીએ તો પુસ્તકો ભરાય; એટલે માત્ર અમદાવાદના જ તબીબોની વાત કરીશું. આ એ તબીબો હતા અને છે, જેમણે આરોગ્યના ક્ષેત્રમાં અમદાવાદનું સ્થાન માનવતાના સર્વોચ્ચ શિખર પર મૂકી આપ્યું છે. તબીબી આલમની અલગ અલગ શાખાઓના એક-બે ડોક્ટરોને જ સમાવ્યા છે, પણ એનો અર્થ એવો નથી કે માત્ર આટલાં જ ડૉક્ટરોએ અમદાવાદને ગૌરવ અપાવ્યું છે. હરિ અનંત હરિ કથા અનંતા જેવો મામલો છે. અહીં તો માત્ર કાગળના ખોબામાં ઊજળા ઇતિહાસનો સાગર સમાવવાની ચેષ્ટા કરી છે.
હું સ્વયં ગાયનેકોલોજિસ્ટ છું માટે સૌથી પહેલાં મને એ જ શાખા યાદ આવે. 1960 પછીના ચાલીસથી પચાસ વર્ષનો સમય ડૉ. મિસ પંડ્યા, ડૉ. નાડકર્ણી અને ડૉ. રજ્જુ બેંકર જેવા વિશ્વસ્તરનાં નામોથી રોશન થયો હતો. ડૉ. મિસ પંડ્યાને જોયાં હોય તેમને મધર ટેરેસાની યાદ આવ્યાં વગર ન રહે. શ્રેષ્ઠ કક્ષાની સર્જરી અને ગરીબો માટે અનુકંપા આ એમની ઓળખ હતી. ડૉ. નાડકર્ણી ગાયનેક વિદ્યાના જિનિયસ હતા. એમને સામાન્ય જનતા ક્યારેય ઓળખી શકી નહીં. ડૉ. બેંકર સાહેબ રાહુલ દ્રવિડની જેવા કોપીબુક ખેલાડી હતા. તે ઓપરેશન કરતા હોય એ જોઈને પણ ઓપરેશન કરવાનું આવડી જાય. એમના તેજસ્વી પુત્ર ડૉ. મનીષ બેંકરે પિતાનો વારસો આગળ ધપાવ્યો અને ગુજરાતને આજથી ત્રણ દાયકા પહેલાં સૌપ્રથમ આઇવીએફ સેન્ટરની ભેટ આપી. આ ઉપરાંત ડાૅ. ગિરિશભાઈ અને ડૉ. તનુમતી શાહ, ડૉ. આર. જી. પટેલ અને ડાૅ. વિશાખાબહેન શાહ આ બધાંનો વિશેષ ઉલ્લેખ કરવો પડે તેવાં તબીબો હતાં. આ બધા વિશે અલગથી લખવું પડે તેવાં એ ધુરંધરો હતાં. (એમાંના ઘણાં આજે પણ વિદ્યમાન છે.)
જો ફિઝિશિયનની વાત કરીએ તો ડૉ. કૃષ્ણકાંત આર. શ્રોફનું નામ સૌથી પહેલાં યાદ આવે. એ પછી ડૉ. કિનારીવાલા, ડૉ. સુમંત શાહ. ડૉ. જી. બી. માંકડ, ડૉ. એચ. ડી. જોષી, ડૉ. પી. પી. મહેતા, ડૉ. આર. સી. પરીખ અને ડાૅ. ઓ. એમ. મોદી આ બધા સામાન્ય ડૉક્ટરો ન હતા, પરંતુ સાચા અર્થમાં અમદાવાદભૂષણો હતા. ડૉ. શ્રોફ સાહેબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના વડા હતા. જન્મથી જ શ્રીમંત હતા. પંચવટી વિસ્તારમાં સૌથી મોટો બંગલો એમની માલિકીનો હતો. આવા બંગલામાં તેમના જેવો વિનમ્ર અને સજ્જન મેડિકલ જિનિયિસ રહેતો હશે તેવું કોઈ માની ન શકે. ડૉ. શ્રોફ સાહેબ જ્યારે દર્દીને તપાસતા હોય ત્યારે એમને નિહાળવા માટે બીજા ડૉક્ટરોની ભીડ જામતી હતી. રોગનું નિદાન એમની સામે આપમેળે ખૂલી જતું હતું.
એક વાર એક સિનિયર જનરલ પ્રેક્ટિસનરે ડૉ. શ્રોફને તેમના પ્રાઇવેટ ક્લિનિકમાં એક પેશન્ટના નિદાન માટે બોલાવ્યા હતા. પેશન્ટની એકમાત્ર ફરિયાદ માથાનો અસહ્ય દુખાવો હતો. ડૉ. શ્રોફે દર્દીની આંખો જોઈને એક જટિલ નિદાન કર્યું અને સલાહ આપી, ‘આને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં ટ્રાન્ફર કરી દો. આ ત્રીસ મિનિટથી વધારે જીવશે નહીં.’ ખરેખર ત્રીસ મિનિટ પછી એ દર્દીનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમ દ્વારા જાણવા મળ્યું કે શ્રોફસાહેબનું નિદાન સો ટકા સાચું હતું. એમણે એ બીમારી વિશે જે પાંચેક વાક્યો કહ્યાં હતાં એનાથી એક પણ વધારે શબ્દ વિદેશી ટેક્સ્ટ બુકમાં પણ લખાયેલો નહોતો.
જનરલ સર્જરીની વાત કરીએ તો ત્રણ-ચાર નામો હીરાની જેમ ચમકી ઊઠે છે. ડૉ. રાહુલ ઠાકોર વી. એસ. હોસ્પિટલમાં પ્રોફેસર હતા. અમદાવાદના પ્રથમ ડબલ એફઆરસીએસ હતા. અદ્્ભુત સર્જરી, ભારોભાર વિનમ્ર. કોઈ ખાનગી ડૉક્ટર એમને ઓપરેશન કરવા માટે બોલાવે તો ચૂપચાપ જઈને કરી આવે. ફીનું પૂછો તો જવાબ આપે, ‘25,000 રૂપિયા લેવાના થાય છે, પણ જો દર્દી ગરીબ હોય તો 5,000 પણ ચાલશે.’ જરા પણ વિનંતી કર્યા પહેલાં જ આટલું મોટું ડિસ્કાઉન્ટ આપી દેતા હતા. થોડા વર્ષો પહેલાં એમનંુ અવસાન થયું ત્યારે હજ્જારો લોકોની આંખોમાં આંસુ હતાં.
આવા જ એક નમૂનેદાર સર્જન હતા ડૉ. સતીષ પટેલ. શારદાબહેન હોસ્પિટલમાં આજીવન સેવા આપતા રહ્યા અને રિલીફ રોડ ઉપર પોતાનું પ્રાઇવેટ નર્સિંગહોમ પણ ચલાવતા રહ્યા. અમદાવાદમાં સતીષકાકા તરીકે જાણીતા થયેલા આ સર્જન દેખાવમાં જરા પણ ડૉક્ટર જેવા લાગતા ન હતા. કદાચ જગતભરમાં તેઓ એકમાત્ર સર્જન એવા હશે જે પોતાના પ્રાઇવેટ ક્લિનિકમાં સાવ સાદો લેંઘો અને સદરો પહેરીને બેસતા હોય, પણ સર્જરીનંુ બધું જ જ્ઞાન એમના દિમાગમાં ઠાંસી ઠાંસીને ભરાયેલું હતું. મુંબઈના ખ્યાતનામ સર્જન ડાૅ. શાંતિલાલ કેટલાક અઘરા કેસોમાં સતીષકાકા જોડે ટેલિફોનિક ચર્ચા કરતા હતા. એમની ખાસિયત એ હતી કે મોટાં મોટાં ઓપરેશનોમાં પણ ટાંકા લેવા માટે તેઓ સાવ સસ્તા સાંકળ-8 દોરાનો ઉપયોગ કરતા હતા. આજના ડૉક્ટરો 250 રૂપિયાના એક એવા વાયક્રિલનો ઉપયોગ કરે છે. મજાની વાત એ છે કે સતીષકાકાના હાથે લેવાયેલો એક પણ ટાંકો ક્યારેય પાકતો ન હતો.
અમદાવાદના બાહોશ સર્જનોમાં ડૉ. અમરીશ પરીખ, ડૉ. વાદી, ડૉ. પી. એલ. શાહ અને ડૉ. એસ. એમ. પટેલનો સમાવેશ થાય છે. ડાૅ. અમરીષ પરીખ માટે એવું કહેવાય છે કે એમની પાસે સર્જરી કરવા માટે આવશ્યક એવી ત્રણ બાબતો હતી: ગરુડની આંખ, સ્ત્રીની આંગળીઓ અને વાઘની છાતી. અમદાવાદીઓના ભાંગેલાં હાડકાંઓ સરખાં કરી આપવાનું કામ દાયકાઓ સુધી ડૉ. દિનુભાઈ પટેલ, ડૉ. પ્રબોધ દેસાઈ અને ડૉ. કે. એમ. શાહ જેવા ઓર્થોપેડિક સર્જન કરતા રહ્યા હતા.
અત્યારે તો અમદાવાદમાં કાર્ડિયોથોરેસિક સર્જન્સની એક લાંબી યાદી બનાવી શકાય તેવું છે, પણ આ બધાના પાયામાં ડૉ. સત્તુભાઈ ત્રિવેદી અને ડૉ. યાજ્ઞિક સાહેબનું તપ ધરબાયેલું છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ઓપન હાર્ટ સર્જરી કરવાનું બહુમાન ડૉ. તુષાર શાહ લઈ જાય છે. વર્તમાન સમયમાં કાર્ડિયાક બાયપાસ સર્જરીમાં સૌથી યશસ્વી નામ ડૉ. અનિલ જૈનનું છે.
જો કાર્ડિયોલોજિસ્ટની વાત કરીએ તો પદ્મશ્રી ડૉ. તેજસ પટેલને યાદ કરવા જ પડે. સ્ટેન્ટ મૂકવાની પદ્ધતિમાં એમણે વિકસાવેલી તદ્દન નવી અને મૌલિક શોધ હવે તો આખા વિશ્વમાં સ્વીકૃતિ પામી છે. ડૉ. કેયૂર પરીખ દ્વારા અમદાવાદને સિમ્સ હોસ્પિટલની મહામૂલી ભેટ મળી છે.
બાળકોના વિભાગની વાત કરીએ તો કેટલાંક નામો યાદ કરવાં જ પડે. મહાન ક્લિનિશિયન ડૉ. મિસિસ એ. બી. દેસાઈ ગુજરાતના હાલના મોટા ભાગના બાળરોગ નિષ્ણાતોના પ્રાત: વંદનીય ગુરુ છે. ડૉ. શશીબહેન વાણીએ એડોપ્ટશન માટે સુંદર કામ કર્યું છે. ડૉ. મહેન્દ્ર પટેલ અને ડૉ. સોમાભાઈ પટેલ આ બંને માંધાતાઓ વીતેલા સમયના ખ્યાતનામ બાળરોગ નિષ્ણાતો હતા. ડૉ. એમ. વી. દૂધિયાસાહેબ માટે એક જ વાક્ય પર્યાપ્ત છે: એક તરફ રામ અને એક તરફ ગામ.
અમદાવાદનું સદ્્ભાગ્ય છે કે એને પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. પ્રણવ ખારોડ અને ડૉ. દુષ્યંત ચૌહાણ જેવા તેજસ્વી ન્યુરો ફિઝિશિયન્સ મળ્યા છે. નેફ્રોલોજીનું વિશ્વ ડૉ. જનક દેસાઈ, ડૉ. મહેશ દેસાઈ અને સ્વ. ડૉ. લલિતભાઈ શાહના તેજસ્વી પ્રદાનથી ઝળહળતું હતું. કેન્સરના ક્ષેત્રમાં ડૉ. પંકજ શાહ, ડૉ. ડી. ડી. પટેલ, ડૉ. શિલીન શુક્લ, ડૉ. ઉર્વીશ ચુડગર અને ડૉ. આર. આઇ. દવે વગેરેનું પ્રદાન ઉત્કૃષ્ટ રહ્યું છે. પીડિયાટ્રિક સર્જરીનો પાયો ડૉ. અનિલ શાહે નાખ્યો હતો અને પ્લાસ્ટિક સર્જરીના ક્ષેત્રમાં ડૉ. જાજુનું નામ ગાજતું રહ્યું હતું.
આયુષ્યના આઠ દાયકાઓ વટાવી ચૂકેલા ડૉ. રમેશ પારેખ યુવાનીમાં હિન્દી ફિલ્મના અભિનેતા જીતેન્દ્ર જેવા સોહામણા લાગતા હતા. આજથી 42 વર્ષ પહેલાં આ નિષ્ણાત સર્જને એક્ઝામિનર તરીકે મારી પરીક્ષા લઈને મને પાસ કર્યો હતો. અમદાવાદ જેવા ક્રાંતિકારી શહેરને વિશ્વસ્તરે ગાજતું રાખનાર ત્રણ મોટાં નામો આપણી વચ્ચે આજે પણ મોજૂદ છે. તેમાંના એક છે વયોવૃદ્ધ પદ્મશ્રી એચ. એલ. ત્રિવેદી સાહેબ. બીજા છે જ્ઞાનવૃદ્ધ ડૉ. અભય વસાવડા સાહેબ (ઓપ્થેલ્મોલોજિસ્ટ) અને ત્રીજા છે અનુભવવૃદ્ધ ડૉ. વિક્રમ શાહ (જોઇન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાત).
ઉપરની યાદી સમૃદ્ધ છે, પણ સંપૂર્ણ નથી. જાતજાતની બીમારીઓથી ગ્રસ્ત અને ત્રસ્ત રહેતા અમદાવાદના નાગરિકોને તંદુરસ્તી બક્ષનાર આ મસ્ત ધન્વંતરીઓને સાષ્ટાંગ વંદન.(શીર્ષક પંક્તિ: અદમ ટંકારવી)⬛
drsharadthaker10@gmail.com

x
રદ કરો

કલમ

TOP