‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે

  • પ્રકાશન તારીખ12 Aug 2019
  •  

રણમાં ખીલ્યું ગુલાબ- ડૉ. શરદ ઠાકર
આ વર્ષે પંદરમી ઓગસ્ટ આવે તે પહેલાં સારા સમાચાર આવી ગયા છે. દેશની આઝાદી વધારે ઘટ્ટ બની છે. કાશ્મીરનું કેસર વધુ કેસરી બન્યું છે. જેના નામમાં જ કાશ્યપ ઋષિ સમાયેલા છે, જે ભૂમિ ઉપર કાશ્મીરી શૈવ મતનો ઉદ્્ભવ થયો હતો, જ્યાં પૃથ્વી પરના સૌથી વધારે નિષ્પાપ પંડિતો વસતા હતા, જ્યાંની જમીન પર આદિ શંકરાચાર્યજીએ શિવમંદિરનું નિર્માણ કર્યું હતું, જ્યાં પૃથ્વીતત્ત્વની બનેલી ગુફામાં જલતત્ત્વ અગ્નિતત્ત્વના સ્તરને ઠારબિંદુની પણ નીચે લઇ જઇને શિવલિંગનું રૂપ ધારણ કરે છે અને હજારો વર્ષથી કરોડો હિન્દુઓનાં હૈયાંના પોલાણમાં રહેલા અવકાશતત્ત્વમાંથી હર હર મહાદેવનો જયઘોષ પ્રસરાવતી હોય તે ભૂમિ હવે સાચા અર્થમાં આપણી બની ગઇ છે. મારા જેવા પાગલ દેશભક્તો આ સમાચારથી આનંદિત અવશ્ય છે, પણ સંતુષ્ટ નથી.
પૂરો સંતોષ તો ત્યારે મળશે જ્યારે ભગવાન શ્રીરામના પુત્ર લવ દ્વારા સંસ્થાપિત લાહોર અને કુશ દ્વારા સ્થાપિત કસુર પણ આપણા બની જશે. પૂરો સંતોષ તો ત્યારે થશે જ્યારે જમીનનો એ ટુકડો હિન્દુસ્તાનમાં ભળી જશે જ્યાં ઇસવીસન પૂર્વે પાંચમી સદીમાં બેસીને પાણિનિ નામના એક સર્વકાલીન, સ‌‌ર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ વિદ્વાને 40,000 સૂત્રોમાં જગતની તમામ ભાષાઓની જનેતા સંસ્કૃતના વ્યાકરણની રચના કરી હતી.
એ બધું પણ થવાનું જ છે. હિન્દુસ્તાનના ગરજતા સૈનિકો અશ્વમેધનો ઘોડો લઇને પશ્ચિમ દિશામાં નીકળી પડ્યા છે. આર્ટિકલ 370 નાબૂદ થયો એ સાથે જ ઘણું બધું યાદ આવી ગયું. પ્રથમ વડાપ્રધાનની ભૂલ યાદ આવી ગઇ અને પ્રથમ નાયબ વડાપ્રધાનની દૂરંદેશી યાદ આવી ગઇ. મેજર સોમનાથ શર્મા અને ઉસ્માનની શહાદત યાદ આવી ગઇ. તિથવાલ મોરચા પર 1948ના જુલાઇ મહિનામાં રાજપૂતાના રાઇફલ્સના એક જાંબાઝ ક્ષત્રિયે દાખવેલી શૌર્યની અંતિમ પરાકાષ્ઠા યાદ આવી. આખા વિશ્વની વોર હિસ્ટ્રીના અભ્યાસુઓ એક અવાજે સ્વીકારે છે કે આવું અદ્્ભુત પરાક્રમ બીજા કોઇ એકલદોકલ સૈનિકે કરી બતાવ્યું નથી. એ પરમવીર ચક્ર વિજેતા પીરૂસિંહ શેખાવતની વાત આજે કરવી છે.
પીરૂસિંહનો જન્મ 1918માં રાજસ્થાનના ઝૂઝરુ જિલ્લાના રામપુરા બેરી ગામમાં થયો હતો. 1936માં માત્ર 18 વર્ષની ઉંમરે બ્રિટિશ હિન્દ સેનામાં એ ભરતી થઇ ગયો. સેનામાં જોડાવા માટે આજના ભારતના યુવાનોને આ ઉંમર કદાચ નાની લાગે, પણ પીરૂસિંહને તો આ બહુ મોડું થઇ ગયું હોય તેવું લાગતું હતું. આ પહેલાં પણ તે બે વાર આર્મીમાં જોડાવા માટે પહોંચી ગયો હતો, પણ અંગ્રેજ અફસરોએ તેને કાઢી મૂક્યો, ‘તારી ઉંમર ભણવાની છે, લડવાની નહીં.’
પીરૂસિંહે જવાબ આપ્યો હતો, ‘સ્કૂલમાં પણ હું તો લડતો જ હતો. બીજા વિદ્યાર્થીઓને મારતો હતો. મારા શિક્ષકે કારણ પૂછ્યું. મેં કહી દીધું કે ચાર દીવાલોની અંદર બેસી રહેવાનું મારા મિજાજને ફાવતું નથી. મને કુદરતના ખુલ્લા ક્લાસરૂમમાં ફાવશે. એટલે હું તમારી પાસે આવ્યો છું; આઉટડોર ગેમ ખેલવા માટે.’
પીરૂસિંહને મન સૌથી મોટી આઉટડોર ગેમ એટલે દુશ્મનો સાથેનો જંગ, પણ ઉંમર નાની હતી. મૂછનો દોરો ફૂટ્યો હતો, પણ એ દોરાના છેડા પર વીંછીનો આંકડો બનવાનો બાકી હતો. પીરૂસિંહે હોકી રમવાનું શરૂ કર્યું. એમાં પણ વિરોધીઓના છક્કા છોડાવી દીધા. જો તે યુદ્ધના મેદાનમાં ચાલ્યો ન ગયો હોત તો હોકીના મેદાનમાં પણ તેણે ઉત્કૃષ્ટ પ્રદાન નોંધાવ્યું હોત, પણ પીરૂને નિર્જીવ લાકડી કરતાં બોલતી રાઇફલ વધારે પસંદ હતી. 1947માં દેશ આઝાદ થયો. બ્રિટિશ હિન્દી ફોજનો બહાદુર જવાન હવે ઇન્ડિયન આર્મીમાં ભળી ગયો હતો. 1948નો જુલાઇ મહિનો. પાકિસ્તાને ભારતની પશ્ચિમ બોર્ડર પર ઓપરેશન શરૂ કર્યું. સ્થાનિક કબાઇલીઓ સાથે પાકિસ્તાનના સૈનિકો પણ ભળી ગયા. પંડિત નેહરુના શાંત અભિગમને કારણે અંધારામાં રહેલું લશ્કર ઊંઘતા ઝડપાયું. તિથવાલ સેક્ટરમાં શત્રુઓએ કરેલા ભીષણ અને અણધાર્યા આક્રમણ સામે ભારતીય સૈનિકોએ પીછેહઠ કરવી પડી. આપણી સેના કિશનગંગા નદી પર આવેલા મોરચાઓ છોડીને અંદર આવી ગઇ. આ સ્થિતિ મહદંશે કારગિલ યુદ્ધની સાથે સરખાવી શકાય તેવી હતી. દુશ્મનો ઊંચી પહાડી પર કબજો જમાવીને બેઠા હતા. એમને ત્યાંથી ખદેડવા માટે જાનમાલની ભયંકર ખુવારી વેઠવી પડે તેમ હતી. આર્મી ચીફે નિર્ણય લીધો: ‘આવું વિકટ કામ માત્ર રાજપૂતાના રાઇફલ્સના જવાંમર્દો જ કરી શકશે.’ રાજસ્થાનની ધરતી પુરુષોને જન્મ નથી આપતી, પણ વીરપુરુષોને જન્મ આપે છે. ત્યાંના ચંપાવતો અને શેખાવતો, પાતળી કમર અને પહો‌ળી છાતી, છાતીમાં ધગધગતું સીસું, આંખોમાં અંગારા અને ભુજાઓમાં ફોલાદ ભરીને સદીઓથી શત્રુઓ પર ત્રાટકતા રહ્યા છે. પીરૂસિંહ પણ આવો જ રણભૂખ્યો શેખાવત હતો. પહાડીઓ પર મોરચાબંધી કરીને બેઠેલા શત્રુઓને હરાવવા અને હટાવવા માટે 6-રાજપૂતાના રાઇફલ્સની આગેવાની પીરૂસિંહને સોંપવામાં ‌આવી. 18મી જુલાઇની રાત્રે ભીષણ યુદ્ધ ખેલાયું. પીરૂસિંહની કંપનીના અડધા કરતાંય વધારે સૈનિકો મૃત્યુ પામ્યા. પીરૂસિંહે જોઇ લીધું કે સામેની પહાડીઓ પરથી શત્રુઓ મીડિયમ મશીનગનની ધણધણાટી બોલાવી રહ્યા છે. આવી રીતે તો જીતવાની કોઇ શક્યતા જ નથી. એ ઊભા થઇને દોડી પડ્યા. શત્રુઓની ગોળીઓ એમના શરીરને અને વસ્ત્રોને વીંધી રહી હતી.
પીરૂસિંહ ખરાબ રીતે ઘાયલ થઇ ચૂક્યા હતા, પણ આ પરાક્રમી રાજપૂત લોહી નીંગળતા શરીર સાથે ધસી ગયો. એના ગળામાંથી નીકળતો એની કંપનીનો યુદ્ધઘોષ ‘રાજા રામચંદ્ર કી જય’ દુશ્મનોના કાળજા કંપાવી રહ્યો હતો. એ આગળ વધતા જ રહ્યા. બે દુશ્મન સૈનિકો પહાડીને રક્ષણ આપતા હતા. એમને પોતાની સ્ટેનગનથી મારી નાખ્યા અને બંકરમાં ઘૂસીને મશીનગન વડે છુપાઇને બેઠેલા તમામ કૂતરાંઓને વીંધી નાખ્યાં. શરીરમાંથી પુષ્કળ પ્રમાણ લોહી વહી ગયું હોવા છતાં પીરૂસિંહ એકલા જ બીજી પહાડી તરફ ધસી ગયા. એક પણ સાથી એમની સાથે ન હતો. સામેથી એક બોમ્બ ફેંકાયો. પીરૂસિંહનો ચહેરો જખ્મી થઇ ગયો. એક આંખમાંથી લોહી ટપકવા માંડ્યું. એકલા પીરૂસિંહ એક આંખે લડ્યા. બીજું બંકર તબાહ કર્યું. હવે લોહીના ફુવારા છૂટતા શરીર સાથે પીરૂસિંહ ત્રીજા બંકર તરફ ધસી ગયા. ત્યાં ઊભેલા બે સૈનિકોને હણી નાખ્યા. ગોળીઓ ખૂટી ગઇ હતી. એટલે પીરૂસિંહે સ્ટેનગનના ચાકુથી શત્રુઓને જહ્ન્નમ તરફ મોકલી આપ્યા. એ પછી પીરૂસિંહ એક મોટી છલાંગ લગાવીને ત્રીજા બંકરમાં ફંગોળાયા. આ એમની જીવિત સ્થિતિનું અંતિમ દૃશ્ય હતું. એમનાથી દૂર સી કંપનીના કમાન્ડર એમના માટે કવર ફાયર આપી રહ્યા હતા. એમણે આ આખી ઘટના એમની આંખના કેમેરામાં કેદ કરી લીધી હતી. એમણે નોંધ્યું છે કે મેં ઇન્ડિન આર્મીની વર્દી પહેરેલા એક લાલ ખૂનનો ગોળો બનેલા રાજપૂતને બંકરમાં છલાંગ મારતા જોયો હતો. પછી એક પ્રચંડ ધડાકો સંભળાયો અને હું સમજી ગયો કે પીરૂસિંહે બોમ્બ ફેંકીને એનું કામ પૂરું કર્યું હતું. રાજપૂતાના રાઇફલ્સને માત્ર બે પહાડીઓની જવાબદારી સોંપવામાં આવી હતી. પીરૂસિંહે એકલે હાથે ત્રણ પહાડીઓ ખાલી કરાવી આપી હતી. બદલામાં પ્રાણની આહુતિ આપવી પડી, પણ એનાથી શું થઇ ગયું? ‘દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે.’
પોતાની એકાકી વીરતા, દૃઢતા અને શૂરવીરતાનું આ અપ્રતિમ ઉદાહરણ વિશ્વના આજ સુધીના સૌથી સાહસિક કારનામાંઓનું એક માનવામાં આવે છે. આવા ઉત્કૃષ્ટ બલિદાન માટે 1952માં પીરૂસિંહ શેખાવતને સર્વોચ્ચ સેના મેડલ પરમવીર ચક્ર અર્પણ કરવામાં આવ્યો.
આર્ટિકલ 370ને દૂર કર્યા પછી કાશ્મીરના કેટલાક પેધા પડી ગયેલા નેતાઓ મનુષ્યના આકારમાં કાગડાનું કપટ અને શિયાળની લુચ્ચાઇ ભરીને નિવેદન કરી રહ્યા છે, ‘કાશ્મીર માટે અમે અનગિનત બલિદાનો આપ્યાં છે. અમને અમારી કાશ્મિરિયત અકબંધ રાખવા દો.’ ત્રણ-ત્રણ પેઢીઓથી કાશ્મીર નામના સ્વર્ગ ઉપર મજબૂત પક્કડ જમાવીને બેઠેલા અને માલમલીદો આરોગતા આ દેશના ગદ્દારોને કોણ સમજાવે કે બલિદાન કોને કહેવાય? બડગામના મોરચા પર લોહીના ખાબોચિયામાં પોઢી ગયેલા શહીદ મેજર સોમનાથ શર્માને પૂછો. ચુસુલની બર્ફીલી ઘાટી ઉપર ચીનની મબલખ ફોજ સામે ચટ્ટાનની જેમ ઊભા રહી ગયેલા મેજર શેતાનસિંહને પૂછો. કંપની હવાલદાર અબ્દુલ હમીદથી લઇને યોગેન્દ્રસિંહ યાદવ સુધીના હિન્દુસ્તાની સિંહોને પૂછો કે બલિદાન કોને કહેવાય? અને હજી પણ જવાબ ન મળે તો પોતાના જીવતાજાગતા દેહને લોહીનું પોટલું બનાવીને શત્રુના બંકરમાં ફંગોળાતા પીરૂસિંહ શેખાવતને પૂછો.
[email protected]

x
રદ કરો
TOP