રણમાં ખીલ્યું ગુલાબ- ડૉ. શરદ ઠાકર / સંભળાવી અમસ્તી ગઝલ, જરા કર્યું થોડું હૃદય હલકું ઘણી મળી વાહ વાહ અને આંખે પૂછ્યું, હવે છલકું?

article by dr.sharad thakar

Divyabhaskar.com

Dec 02, 2019, 12:03 PM IST
રણમાં ખીલ્યું ગુલાબ- ડૉ. શરદ ઠાકર
કાર્તિકભાઇ અત્યારે ભલે 80 કે 85 વર્ષના થયા હશે, પણ ક્યારેક તો યુવાન હશેને? કોઇ માણસ જન્મથી વૃદ્ધ નથી હોતું. યુવાની એટલે સાહસમાં ઝંપલાવવાની ઉંમર. કંઇક નવું કરવાની વય. કોઇ રૂપયૌવનાની આંખમાંથી વરસતા ગુલાબી વરસાદમાં ભીંજાવાની મોસમ અને વૃદ્ધાવસ્થા એટલે એ બની ગયેલી ઘટનાઓને વાગોળવાની અવસ્થા. કાર્તિકભાઇ પણ ઉંમરના આ પડાવ પર ઊભા રહીને, વીતેલા સમય પર નજર ફેંકે છે તો કેટલાંક વાગોળવા જેવાં દૃશ્યો કળાય છે. રોમાંચ જન્માવે તેવાં દૃશ્યો. પીડા આપે તેવાં દૃશ્યો. હૃદયની ગતિ વેગીલી બનાવી દે તેવી ઘટનાઓ અને પછી એ જ હૃદયમાં એન્જાઇનાનો દુખાવો પેદા કરી દે તેવાં દૃશ્યો.
કાર્તિકભાઇ યુવાનીમાં તેજસ્વી હતા. અત્યંત મેધાવી. પછી તો જિનિયસ ગણાવાની કક્ષા સુધી પહોંચી ગયા. યુવાનીમાં દિવસ આખો વ્યસ્તતામાં પસાર થઇ જતો હતો. અઘરાં અઘરાં પુસ્તકોનું વાંચન કરવું, જાણીતા-અજાણ્યા લોકો સાથે પણ વાતો કરવી, સતત શૂન્યમાં તાકી રહેવું, નરી આંખે દેખાતા આ જગતને પેલે પાર ન જોઇ શકાતા વિશ્વને જોવાની મથામણ કરવી અને પારભૌતિક અને અાધિભૌતિક શક્તિઓને સમજવાના પ્રયત્નો કરવા. જો મૂડ આવે તો થોડી ઘણી કમાણી પણ કરી લેવાનો વિચાર કરવો. આ યાદીમાં એક જ કામ ખૂટતું લાગે. બીજા બધા જ યુવાનોની પેઠે છોકરીઓની પાછળ-પાછળ ભટકવું, ફ્લર્ટિંગ કરવું અને જો કોઇ છોકરી બહુ ગમી જાય તો એની સાથે લગ્ન કરવાના વિચારો કરવા.
કાર્તિકભાઇને આવું કશું જ થતું ન હતું, પણ અચાનક એક રાતે એમને એક સપનું આવ્યું.
સપનામાં એક સુંદર યુવતીનો ચહેરો દેખાયો અને પછી તરત એક ગેબી અવાજ સંભળાયો. ‘આ યુવતી તારા માટે પૃથ્વી પર અવતરી છે. આ જ તારી જીવનસાથી બનશે. ધ્યાનથી નિહાળી લે એને. આ છોકરી સિવાય તારા માટે વધારે યોગ્ય બીજું કોઇ પાત્ર તને નહીં જડે.’
કાર્તિકભાઇ એ યુવતીને ધારી ધારીને નિરખવા માંડ્યા. સુંદર ઘાટીલું મોં, નમણાશભર્યું નાક, સાત્ત્વિકતાભરેલી આંખો, લિસ્સી ગોરી ત્વચા, જમણા ગાલ પર ઊડીને આંખે વળગે તેવો કાળા રંગનો તલ, કાચની સુરાહી જેવી ડોક. સપ્રમાણ દેહ અને જીતી લેવાનું મન થાય તેવી દેહ પરની ટેકરીઓ. કાર્તિકભાઇને આ સ્વપ્નસુંદરી ગમી ગઇ. સ્વપ્નસુંદરી એટલા માટે નહીં કે એ સપનામાં જોવા મળી હતી; સ્વપ્નસુંદરી એટલા માટે કે એને મળવા માટે રોજ રોજ સપનાં જોવાનું મન થાય.
કાર્તિકભાઇએ સપનામાં જ પૂછી લીધું. ‘મને તો તું ગમી ગઇ છે. તને હું...?’
જવાબમાં સુંદરીએ પાંપણો ઝબકાવી દીધી. પોપચાં ઢાળી દીધાં. ગાલ ઉપર સંધ્યાની રંગછટા ઊભરી આવી. મધના પ્યાલા જેવા બે હોઠ સહેજ ઊઘડ્યા. અસ્પષ્ટ હકાર ફૂટ્યો-ન ફૂટ્યો અને એ ધીમે ધીમે દૂર સરકવા લાગી. ઇશ્વરે બક્ષેલી આ મહામૂલી સોગાદને હાથમાંથી સરકી જતી જોઇને કાર્તિકભાઇએ એને પકડવા માટે છલાંગ લગાવી. એક ધબાકો થયો. કાર્તિકભાઇ ખાટલામાંથી નીચે. સપનું હવામાં અને કાર્તિકભાઇ જમીન પર. મળસકું થઇ ગયું હતું. પાછા ખાટલામાં પડવાને બદલે કાર્તિકભાઇ કપડાં ખંખેરીને ઊભા થઇ ગયા અને દાતણ કરીને ચા પીવા લાગ્યા. થોડી થોડી વારે તપાસી લેતા હતા કે ક્યાંય ચોટ તો નથી વાગીને!
બાહ્ય અંગો તો બધાં સલામત હતાં, પણ છાતીના પોલાણમાં ક્યાંક અગત્યના ટાર્ગેટ ઉપર પ્રેમનું તીર વાગી ચૂક્યું હતું.
આ સપનાવાળી ઘટનાને પાંચ-છ મહિના થઇ ગયા. કોઇ કારણ સબબ કાર્તિકભાઇને વેરાવળ જવાનું થયું. બસમાં બેસીને ગયા. એકાદ કલાકનું કામ હતું. પતી ગયું. પછી કાર્તિકભાઇએ ભગવાન સોમનાથનાં દર્શન કરવાનો વિચાર કર્યો. વિચારમાંથી આચાર જન્મેલો. પહોંચી ગયા સોમનાથદાદાના શરણમાં.
નમતી બપોર હતી. અરબી સમુદ્રનાં ઊછળતાં મોજાં પરથી વહી આવતો ખારો પવન તડકાની ઉષ્માને ઓસરાવી દેતો હતો. બપોરના સમયે દર્શનાર્થીઓની ભીડ પ્રમાણમાં ઓછી હતી. કાર્તિકભાઇ ગર્ભગૃહની બહાર જમીન પર પલાંઠી લગાવીને બેસી ગયા. ૐ નમ: શિવાયનો મંત્રજાપ કરવા લાગ્યા. આંખો બંધ હતી, પણ કાન ખુલ્લા હતા. ખુલ્લા કાને ખબર આપ્યા કે પાંચ-સાત કાબરોનું કલબલતું ટોળું મંદિરમાં પ્રવેશી ચૂક્યું છે. હાથની બંગડીઓ અને પગની ઝાંઝરીઓ ગવાહી આપી રહી હતી. એ બધી યુવતીઓ કાર્તિકભાઇની પાછળ આવી અને ગોઠવાઇ ગઇ.
મંત્રજાપ પૂરો કરીને કાર્તિકભાઇ ઊભા થયા. જવા માટે ફર્યા. ઉઘાડી આંખોએ જે દૃશ્ય દેખાડ્યું એ ખુલ્લા કાન દ્વારા મળેલા સમાચાર કરતાં વધુ સુંદર હતું, વધુ રોમાંચપ્રેરક હતું અને સામાન્ય તર્ક દ્વારા સમજાવી ન શકાય તેવું હતું. યુવતીઓના સમૂહમાં સૌથી મોખરે પેલી સ્વપ્નસુંદરી બિરાજમાન હતી. કાર્તિકભાઇથી બોલાઇ ગયું. ‘તું?! અહીં?’ પ્રશ્ન પૂછ્યા પછી તરત જ એમને સમજાઇ ગયું કે એમણે કોઇ મોટી ભૂલ કરી નાખી હતી. પોતે તો એને સપનામાં જોઇ હતી એટલે ઓળખી ગયા, પણ એ યુવતી કેવી રીતે ઓળખવાની હતી? એના મનમાં થયું કે આ કોઇક લેભાગુ યુવાન એની સાથે લાગુ થઇ જવાની કોશિશ કરી રહ્યો છે. કાર્તિકભાઇ ‘સોરી’ બોલીને ચાલવા માંડ્યા. એમના આશ્ચર્ય વચ્ચે તે યુવતી પણ ઊભી થઇને તેમની પાછળ ચાલવા લાગી. પગથિયાં ઊતરી ગયા પછી વાતચીતની શરૂઆત થઇ. કાર્તિકભાઇ જ્યાં અટકી ગયા હતા ત્યાંથી જ યુવતીએ શરૂ કર્યું, ‘હા, હું કેમ સોમનાથદાદાનાં દર્શને ન આવી શકું?’
‘જરૂર આવી શકો, પણ તમે મારા સપનામાં કેમ આવ્યાં હતાં?’
‘જો તમે મારા સપનામાં આવી શકતા હો તો હું પણ તમારા સપનામાં આવું જ ને?’ યુવતીએ હૃદયના ઊંડાણમાંથી સત્યના પાશમાં વીંટાળેલો જવાબ આપ્યો. બંને સ્તબ્ધ થઇ ગયાં. ઘણું બધું સમજાઇ રહ્યું હતું. આ વડીલો દ્વારા ગોઠવાયેલો પરિચયનો પ્રસંગ ન હતો. આ તો કોઇ અગોચર શક્તિએ બંનેનો મેળાપ કરાવી આપ્યો હતો. બાકી સપનામાં જોયેલા ચહેરાઓ કોને યાદ રહે છે? અને એ પછી એક જ દિવસે, એક જ સમયે, એક જ સ્થાન પર બંનેનું હાજર હોવું એ બુદ્ધિ સ્વીકારે નહીં તેવી વાત હતી. માનવું પડે કે ત્યાં કોઇક ત્રીજું પણ હાજર હતું. એ સોમનાથદાદા તો નહીં હોય?!
સોમનાથ પરિસરની પાળ પર બેસીને બંનેએ ઘણી બધી વાતો કરી. એનું નામ નિશા હતું. એકબીજાનાં સપનાંમાંની આપ-લે પણ કરી લીધી. કાર્તિકભાઇએ છૂટા પડતાં પહેલાં કહ્યું, ‘આજથી બરાબર 30 દિવસ પછી હું તને પરણવા માટે આવીશ. જો તારાં મા-બાપ હા પાડશે તો વાજતેગાજતે જાન જોડીને આવીશ. જો ના પાડશે તો એકલો આવીશ.’
બરાબર 30 દિવસ પછી કાર્તિકભાઇ રાજકોટ પહોંચી ગયા. નિશાનું ફેમિલી રાજકોટમાં રહેતું હતું. કાર્તિકભાઇ એ જાણીને આવ્યા હતા કે નિશાનાં મમ્મી-પપ્પા આ લગ્ન માટે રાજી નથી થયાં. રેસકોર્સ પાસેની એક રેસ્ટોરાંમાં બંને મળ્યાં. કાર્તિકભાઇએ પૂછ્યું, ‘તું આવે છે ને મારી સાથે? હું તને લેવા આવ્યો છું.’
નિશાની આંખોમાં આંસુ હતાં. એ કંપતા અવાજમાં આટલું બોલી શકી, ‘મારી મમ્મીએ આત્મહત્યા કરવાની ધમકી આપી છે; તેમ છતાં જો તમે કહેતા હો તો હું તૈયાર છું. અત્યારે જ મને તમારી સાથે...’
‘ના, એવું નથી કરવું. તારી જન્મદાત્રીની ભસ્મમાંથી મારે તારા સેંથામાં સિંદૂર નથી ભરવું. આપણે સપનામાં ભેગાં થયાં અને વાસ્તવિકતામાં અલગ થઇશું. જે અગોચર શક્તિએ આપણને બંધ આંખે ભેગાં કર્યાં હતાં, એ જ શક્તિ આપણને ઉઘાડી આંખે ના પાડી રહી છે. આપણે એના એક સંકેતનો સ્વીકારીએ અને બીજા સંકેતને અવગણીએ તે ન ચાલે. ચાલ, આવજે!’
નિશાના હાથનો સ્પર્શ પણ કર્યા વગર કાર્તિકભાઇ પાછા ફરી ગયા. યુવાન આજનો હોય કે 60-70 વર્ષ પહેલાંનો હોય, એના મનમાં રહેલું વિજાતીય આકર્ષણ તો એકસરખું જ હોવાનું, પણ આવી નાજુક પરિસ્થિતિમાં આટલો સંયમ કેટલા યુવાનો રાખી શકે? એટલે તો કાર્તિકભાઇ એ કાર્તિકભાઇ છે. એમની બુદ્ધિના ચમકારાએ અનેક ક્ષેત્રોમાં અજવાળું ફેલાવ્યું છે. આખી જિંદગી તેઓ અપરિણીત જ રહ્યા. નિશા સ્ત્રી હતી. એટલે પરણવા માટે મજબૂર હતી. એણે લગ્ન કરી લીધાં. એ પછી એક વાર ફરીથી તે કાર્તિકભાઇને ક્યાંક જાહેર સમારંભમાં મળી ગઇ. ચાર આંખોમાંથી નેહનો મેહ વરસ્યો અને જીવનભરની અધૂરપ, વિયોગ, સ્મરણો, સ્વપ્નો, ઝંખનાઓ બધું જ એ વરસાદમાં વહી ગયું.
[email protected]
X
article by dr.sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી