‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

કોઇ ચલણી નોટ જેવી જિંદગી જીવી ગયો હું બધાના હાથમાં ફરતાં હવે ફાટી ગયો

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  

‘મને લાગે છે હવે માલ લઈને નીકળી જવું જોઈએ.’ રઘાએ કહ્યું.


‘હા, મને પણ એવું જ લાગે છે. બે કલાકથી આપણે આ ઘરમાં ખાંખાંખોળા કરીએ છીએ. નસીબમાં લખ્યું હશે એટલું મળી ગયું. હવે વધારે રોકાશું તો પકડાઈ જઈશું.’


અમાસની રાત ઢળી. નાનકડા શહેરથી અડધો કિલોમીટર દૂર આવેલો એકાંત બંગલો. રઘો અને નથુ એ પંથકના નામીચા ચોર. ઘરફોડ ચોરી કરવી એ એમનો વારસાગત ધંધો. બાહ્ય દેખાવ ખેતમજૂરીનો. ગામડા ગામમાં લોકોને બનાવવા ખાતર થોડી ઘણી ખેતરમાં પાળી કરે. બાકી ખરી મહેનત તો રાતપાળીની. રોજ તો ક્યાંથી માલ નસીબમાં લખાયો હોય? પંદર-વીસ દિવસ સુધી તપાસ કરે.

બંને ચોરીના માલનો થેલો
ઊંચકીને રસ્તા પર ચાલતા
જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી પૂરપાટ વેગે આવતી એક ટ્રક
તેમની પર ધસી આવી

કોઈ મકાનમાલિક, કોઈ ફેમિલી બહારગામ ગયું હોય એવી માહિતી મળે એટલે એની રેકી કરવાનું શરૂ. સાત-આઠ દિવસ રેકીમાં જાય. રઘો ભારે ઉસ્તાદ. જે ઘરમાં ઘૂસવાનો હોય એની આસપાસની રજેરજ માહિતી મેળવી લે. પછી શુકન જોઈને સંચરે. મોટા ભાગે અમાસની રાત્રિ જ પસંદ કરે. પાંચ-દસ કિલો મીટર પગપાળા ચાલીને મંજિલ પાસે પહોંચી જાય. સાથે પાંચ-દસ ચાવીઓ, લોખંડના પાતળા તાર, લોખંડની વાંકીચૂકી ખીલીઓ વગેરે ભરેલી થેલી હોય. આ રઘાનો સરંજામ. રઘાને તમે ત્રણ-ચાર ખિલ્લીઓ આપો એટલે જગતના કોઈ પણ તાળાને બોલતું કરી દે.


આજે આવો જ એક શિકાર હાથમાં આવી ગયો હતો. બંગલો શહેરથી દૂર હતો ને ઘરધણી ફેમિલી સાથે લગ્નપ્રસંગે મુંબઈ ગયા હતા એટલે રઘો અને નથુ રાત્રે અઢી વાગ્યે તાળું ખોલીને બંગલામાં પેઠા. બે-ત્રણ કલાક ખાંખાંખોળા કર્યા. બે-ચાર હજારની રોકડ રકમ હાથમાં આવી. સોનાનાં ઘરેણાં તો સ્ત્રીઓ પહેરવા માટે સાથે લઈ ગઈ હતી. બે ઘડિયાળો, થોડાં તાંબાનાં વાસણો અને થોડી રોકડ. હવે વધારે લેવામાં જોખમ હતું એટલે બંને નીકળી ગયા.


બહાર આવી ગયા પછી રઘાએ નિરાશાભર્યા સૂરમાં કહ્યું, ‘નથુ, આજનો ફેરો માથે પડ્યો. ત્રણ કલાકની મજૂરીમાં ઓછો માલ મળ્યો. બીજી વાર ધ્યાન રાખવું પડશે.’


એ દિવસ ખરેખર ખરાબ નસીબ લઈને જ આવ્યો હશે, કારણ કે મોંસૂઝણું થવા આવ્યું હતું. બંને ચોરીના માલનો થેલો ઊંચકીને રસ્તા પર ચાલતા જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી પૂરપાટ વેગે આવતી એક ટ્રક તેમની પર ધસી આવી. ડ્રાઇવરે કદાચ શરાબ ઢીંચ્યો હશે એટલે વાહન પર કાબૂ ન રહ્યો. નથુ તો બચી ગયો, પણ રઘો ઝપટમાં આવી ગયો. ટ્રકનું એક વ્હીલ એના જમણા પગ પર ફરી વળ્યું. એક મોટો કડાકો થયો. ટ્રક તો દોડી ગયો.

રઘો ચાલી ન શકે એવી હાલતમાં છોડી ગયો. નથુ દોડી આવ્યો. ચોરીના માલનો થેલો તો ક્યાંય ફેંકાઈ ગયો હતો. રોકડ રૂપિયા પણ એ થેલામાં જ મૂક્યા હતા, એ પણ ગયા, પણ અત્યારે એ બધું શોધવાનો સમય રહ્યો ન હતો. પહેલી પ્રાથમિકતા રઘાનો જીવ બચાવવાની હતી. અસહ્ય દર્દ અને બ્લીડિંગના કારણે રઘો બેભાન થવાની હદ સુધી પહોંચી ગયો હતો. સદ્્ભાગ્યે સામેથી આવતો દૂધના કેન ભરેલો એક છકડો દેખાયો. નથુએ હાથ ઊંચો કરી અને રોકવા માટે વિનંતી કરી. ગામડાના માણસોમાં હજુ સુધી માનવતા જીવે છે. ડ્રાઇવરે છકડો ઊભો રાખ્યો. શહેર નજીકમાં જ હતું. એક પણ પૈસો લીધા વગર ડ્રાઇવર રઘાને અને નથુને એક સાર્વજનિક હોસ્પિટલ સુધી પહોંચાડી ગયો. આ એ જ હોસ્પિટલ હતી જ્યાં હું ગાયનેકોલોજિસ્ટ તરીકે નોકરી કરતો હતો.
***


વહેલી સવારના છ વાગ્યા હતા. અડધી રાતના ઉજાગરા પછી હું મીઠી નીંદર માણી રહ્યો હતો અને ત્યાં મારા આવાસની ડોરબેલ વાગી. મેં ઊંઘરેટી આંખે અને નારાજ પગલે જઈને ડોર ખોલ્યો. સામે વોર્ડબોય ઊભો હતો.
મેં આંખો ચોળતાં પૂછ્યું, ‘ડિલિવરીનો કેસ છે?’


તેણે માથું ધુણાવ્યું, ‘ના, અકસ્માતનો કેસ છે. આદમી છે.’, ‘તો મારી પાસે કેમ આવ્યો?’, ‘સાહેબ, ભૂલી ગયા? સર્જન સાહેબ ચાર દિવસની રજા પર છે. એમના કોલ્સ તમારે એટેન્ડ કરવાના છે.’ આ સાંભળીને મારી ઊંઘ ઊડી ગઈ. મને યાદ આવી ગયું. હું નાઇટ ડ્રેસમાં જ ચંપલ પહેરીને નીચે ઊતરી ગયો. રઘુની હાલત કટોકટીભરી હતી. મેં તાત્કાલિક તેને ઇન્ટ્રાવિનસ ફ્લ્યુઇડ્સ શરૂ કરી દીધાં. ઇન્ફેક્શનને કાબૂમાં લાવવા માટે એન્ટિબાયોટિક્સ આપી દીધી.

ટિટનસનું ઇન્જેક્શન આપી દીધું. રઘો હોંશમાં આવવા લાગ્યો. પછી ડ્યુટી પરની સિસ્ટરની મદદથી તેના જમણા પગને એન્ટિસેપ્ટિક લિક્વિડથી ધોઈ સાફ કર્યો. એ સાથે જ મને ખ્યાલ આવી ગયો કે ગોઠણથી નીચેના બે હાડકાં તૂટી ગયાં હતાં. આ ઓર્થોપેડિક સર્જનનો કેસ ગણાય અને એ હોસ્પિટલમાં કોઈ ફુલ ટાઇમર ઓર્થોપેડિક સર્જન હતા નહીં. મેં જરૂરી સારવાર આપીને રઘાની સ્થિતિ સ્ટેબલ કરી દીધી. દર અઠવાડિયે એક ઓર્થોપેડિક સર્જન બહારગામથી એક દિવસ અમારી હોસ્પિટલમાં આવતા હતા અને એમનો દિવસ શુક્રવાર હતો. રઘો દાખલ થયો. એ દિવસે બુધવાર હતો.


મેં નથુને કહ્યું, ‘મારાથી જેટલું થઈ શકે તેટલું મેં કરી આપ્યું છે. હવે બે દિવસ સુધી અમે બીજું કંઈ નહીં કરી શકીએ. તારે આ દર્દીને બચાવવો હોય તો મોટા શહેરમાં લઈ જા.’ નથુ કરગરી પડ્યો, ‘સાહેબ, તમે જ અમારા ભગવાન. અમારે ક્યાંય જવું નથી.’
મારું ટેન્શન વધી ગયું. એક તો અકસ્માતનો કેસ, બીજો રઘાના તૂટેલાં પગમાં ધૂળ અને કચરો જવાથી ચેપ લાગુ પડવાનો ડર. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. ઇશ્વરની કૃપાથી બે દિવસ સુખદુ:ખ પસાર થઈ ગયાં.


આખરે શુક્રવારે ડૉ. ગાંધી આવ્યા. હું એમની જ રાહ જોતો બેઠો હતો. સૌથી પહેલાં હું એમને રઘા પાસે લઈ ગયો. એને રઘાને એક્ઝામિન કર્યો. પછી કેસ પેપરમાં લખેલી સારવારની વિગતો વાંચી. પછી મારી સામે જોઈને બોલ્યા, ‘વેલ ડન! યુ આર ડન યોર બેસ્ટ.’
પછી નર્સને સૂચના આપી, ‘રઘાને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરો.’ બાકીનું કામ ડૉ. ગાંધીએ પૂરું કર્યું. પૂરા બે કલાક સુધી રઘાના ભાંગેલાં હાડકાં નોર્મલ સ્થિતિમાં ગોઠવવા માટે મથતા રહ્યા. પછી બીજા દર્દીઓ તરફ વળ્યાં.


સાર્વજનિક હોસ્પિટલ હતી. ઓપરેશનનો ચાર્જ સાવ નજીવો લેવામાં આવતો હતો. દવાઓ લગભગ મફતમાં પૂરી પાડવામાં આવતી હતી. દર્દી અને એના એક સગાને ભોજન પણ હોસ્પિટલ તરફથી પૂરું પાડવામાં આવતું હતું. નથુએ અકસ્માતમાં એવું લખાવ્યું હતું કે ખાડામાં પડી જવાથી વાગ્યું છે. ટ્રક વિશે એક શબ્દ પણ લખાવ્યો નહોતો. મને અંગત રીતે સાચી વાત કરી હતી, પણ પોલીસથી બચવા માટે કેસ પેપરમાં જૂઠી માહિતી લખાવી હતી.

પૂરો એક મહિનો રઘો અને નથુ હોસ્પિટલ પર બોજ બનીને મથતા રહ્યા. આખરે એમનો જવાનો દિવસ નજીક આવી ગયો.
બિલ વિભાગના ક્લર્કે બિલ બનાવ્યું. કલ્પના કરો કે કેટલી રકમનું બિલ બન્યું હશે! માત્ર 350 રૂપિયા! એ સમયે પણ કોઈ ખાનગી હોસ્પિટલમાં આ સારવારનું બિલ 10,000થી 20,000ની રૂપિયાની વચ્ચે તો થતું જ હતું, પણ હોસ્પિટલના ટ્રસ્ટીઓ વણિક શ્રેષ્ઠીઓ હતા અને ખૂબ દયાળુ હતા. અમને ડૉક્ટરોને પણ કામ કરવામાં અને વહીવટ કરવામાં પૂરેપૂરી આઝાદી આપી હતી. ટ્રસ્ટીઓ વહીવટમાં વચ્ચે માથું મારતા ન હતા.


બિલની રકમ વાંચીને નથુ ફરીથી કરગરી ગયો, ‘અરે સાહેબ! અમો તો સાવ ગરીબ માણસ. ખેતરમાં મજૂરી કરીએ. અમારી પાસે આટલા રૂપિયા ક્યાંથી હોય?’

મેં કહ્યું, ‘સાડા ત્રણસો રૂપિયા તો આપવા જ પડે. આમાંથી એક પણ રૂપિયો ઓછો કરવાની સત્તા મને નથી.’ અમારી વચ્ચેનો સંવાદ સાંભળી રહેલો રઘો મારા અવાજમાં રહેલી સખ્તાઈ પારખી ગયો. એણે નથુને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. પછી મારી સામે જોઈને બોલ્યો, ‘સાહેબ, અમને એક દિવસનો સમય આપો. અમે બિલ ભરી દઈશું. ગામડેથી પૈસા મંગાવવા માટે એક દિવસ જોઈએ છે.’


મને એની દાનત પર જરા પણ શંકા ન પડી. હકીકતમાં રઘાએ બિલ ભર્યા વગર હોસ્પિટલમાંથી નાસી છૂટવાની યોજના વિચારી લીધી હતી.


રાત પડી. મધરાત પણ વીતી ગઈ. વોર્ડમાં તમામ દર્દીઓ અને એના સગાઓ ઘોર નિદ્રામાં પોઢી ગયા હતા. ત્યારે રઘો પથારીમાંથી ઊભો થયો. નથુ જાગતો જ હતો. બંને ચોરપગલે વોર્ડમાંથી બહાર આવ્યા. વોર્ડબોય ફ્લોર પર આડો પડ્યો હતો. તેને પણ ઊંઘ આવી ગઈ હતી. બંને જણાં દબાતાં પગલે વોર્ડમાંથી નીકળી અને હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલા બગીચામાં અદૃશ્ય થઈ ગયા. ત્યાંનો ઝાંપો મોટાભાગે બંધ રહેતો હતો. બંને જણાં ઝાંપા પર ચડી અને બીજી બહારની તરફ ઊતરી ગયા. એ ઝાંપા આગળનો ચોકીદાર જાગતો બેઠો હતો. તે મામલો પારખી ગયો.
એણે જોરથી બૂમ પાડી, ‘એય, ઊભા રહો. ક્યાં જાવ છો?’


એ સાથે જ રઘાએ અને નથુએ દોટ મૂકી. ચોકીદાર પાછળ પડ્યો. નથુ તો ખાસ્સો આગળ નીકળી ગયો. રઘો દુખતા પગને લીધે સહેજ પાછળ રહી ગયો. ચોકીદાર અને એની વચ્ચેનું અંતર ઘટતું જતું હતું. બંને જણા રોડની બહાર વચ્ચે દોડી રહ્યા હતા. અચાનક સામેથી એક ટેમ્પો પૂરપાટ વેગે ધસી આવ્યો. રઘો કંઈ સમજે કે વિચારે કે બાજુમાં ખસવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ ટેમ્પોએ તેને અડફેટમાં લઈ લીધો. રઘો એક ચીસ પાડીને હવામાં ઊછળ્યો અને પછી બાજુમાં આવેલા ખાડામાં પટકાયો.


આ વખતે એક નહીં પણ બે કટકા થયાનો અવાજ આવ્યો. રઘાના બંને પગનાં હાડકાંઓ તૂટી ગયાં હતાં અને આ જોઈને આગળ નીકળી ગયેલો નથુ પાછળ ફર્યો. રઘાની આંખ સામે બે ચહેરા ઝળુંબી રહ્યા હતા. એક નથુનો અને બીજો ચોકીદારનો અને બંને ચહેરા બોલ્યા વગર રઘાને પૂછી રહ્યા હતા કે હવે ટ્રીટમેન્ટ કઈ હોસ્પિટલમાં જશો?

( શીર્ષકપંક્તિ: પીયૂષ ચાવડા)
drsharadthaker10@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP