‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

શબ્દોથી ના બાંધો મને હું બેફામ છું, કોઈની યાદોમાં રડતી હું એક સાંજ છું

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

એક દિવસ સાવ નવરો બેઠો હતો. અનિલ યાદ આવી ગયો. ડૉ. અનિલ. એ સૌરાષ્ટ્રના એક ટાઉનમાં પ્રેક્ટિસ કરે છે. (પ્રેક્ટિસ કરતો હતો, હવે લગભગ કામ બંધ જેવું જ કરી દીધું છે. પત્નીનાં અવસાન પછી જે કારમો આઘાત લાગ્યો એને, આ એનું જ પરિણામ.) મારો તો એ જિગરજાન મિત્ર. રાત્રે બે વાગ્યે પણ હું એને ફોન કરી શકું. આ તો સમી સાંજ હતી. પૂછવાનું શું હોય? મોબાઇલનું રમકડું લીધું હાથમાં અને કોન્ટેક્ટ લિસ્ટમાં એનું નામ હતું તે શોધીને અંગૂઠો દબાવી દીધો.


સામેથી એનો અવાજ સંભળાયો, ‘બોલ ભાઈ!’ મને સહેજ આંચકો તો લાગ્યો, કારણ કે એના અવાજમાં કાયમનો ઘુઘવતો અરબી સમુદ્ર ગાયબ હતો. એની જગ્યાએ ઉદાસી, કંટાળો અને થાક વરતાતો હતો.

સ્ત્રી જ્યારે વિધવા થાય છે ત્યારે એની દયનીય સ્થિતિને સહુ કોઈ સમજી શકે છે. પુરુષ જ્યારે વિધુર બને છે ત્યારે એના હૃદયનો ખાલીપો અને મનનો ઝુરાપો કોઈ સમજી શકતું નથી

મેં પૂછ્યું, ‘શું કરે છે?’, ‘ઘરમાં બેઠો છું. એકલો એકલો બીડીઓ ફૂંકું છું.’ ડૉ. અનિલે બેફિકરાઈથી જવાબ આપ્યો. મને ખબર હતી કે ભૂતકાળમાં એ સ્મોકિંગ કરતો હતો, જે મારી સમજાવટ બાદ (અને વધારે તો અેના ખુદના સંકલ્પ)થી એણે છોડી દીધું હતું. હવે એણે પાછું શરૂ કર્યું?
‘તું ડૉક્ટર છે કે ગધેડો? ‘સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ’ એ નથી જાણતો? એમાંય વળી ધોળી સિગારેટને બદલે ફિલ્ટર વગરની ખાખી બીડી? તેજ તમાકુનો ધુમાડો સીધો તારા શ્વસનતંત્રમાં જઈને તને કેન્સર...’


‘જો એવું થાય તો તારા મોઢામાં ઘી-સાકર! અહીં કોને જીવવું છે? મોત વહેલું આવે એની તો હું રાહ જોઈને બેઠો છું.’ મારા આઘાતનો પાર ન રહ્યો, ‘મરવાની આટલી ઉતાવળ કરવાનું કોઈ કારણ?’


‘તું તો જાણે જ છે.’ એના અવાજમાં પકડી શકાય તેવી ઉદાસી ઊભરી આવી, ‘જ્યારથી એ ગઈ છે ત્યારથી જીવવામાં કોઈ રસ નથી રહ્યો. હજુ એ ઝાઝી દૂર નહીં ગઈ હોય, ત્યાં હું એની સાથે થઈ જાઉં ને!’


આપણા દેશમાં પુરુષોની આ સૌથી મોટી કરુણતા છે. સ્ત્રી જ્યારે વિધવા થાય છે ત્યારે એની દયનીય સ્થિતિને સહુ કોઈ સમજી શકે છે. પુરુષ જ્યારે વિધુર બને છે ત્યારે એના હૃદયનો ખાલીપો અને મનનો ઝુરાપો કોઈ સમજી શકતું નથી. ન તો એ રડી શકે છે, ન કોઈની આગળ મન ઠાલવી શકે છે. ડૉ. અનિલની પત્ની અમોલા પણ ડૉક્ટર હતી. ખૂબ મિલનસાર સ્વભાવની અને મહેનતુ સ્ત્રી. પતિની સાથે ખભેખભો મેળવીને એણે કામ કર્યું. પિયર પૈસાવાળું હતું અને સાસરિયું સાવ ખાલી, પણ અમોલાએ પતિની સાથે એની ગરીબીને પણ સ્વીકારી લીધી.


મારે વર્ષમાં ચાર-પાંચ વાર એમનાં ઘરે જવાનું થાય જ. દર વખતે ડૉ. અમોલાનો હસતો ચહેરો અને ભર્યા મોંનો આવકાર મને અનેરી હૂંફ આપતો હતો.


એક વાર મારે અગત્યના કામથી એ તરફ જવાનું બન્યું. મારે જવાનું હતું આગળ, પણ માર્ગમાં ડૉ. અનિલ, ડૉ. અમોલાનું ટાઉન આવતું હતું. રાતના બે વાગ્યા હતા. મેં ડ્રાઇવરને કહ્યું, ‘ગાડી ડાબી તરફ વાળી લે. હું કહું ત્યાં ઊભી રાખજે. આપણે ચા-પાણી પીને આગળ વધીશું.’
ડ્રાઇવરના મનમાં એમ કે કોઈક ચા-નાસ્તાની જગ્યા પર ઊભા રહેવાનું હશે, ડૉ. અનિલનો બંગલો જોઈને એને નવાઈ લાગી. ‘સર, આટલી મોડી રાતે? કોઈના ઘરે?’ એણે મને પૂછ્યું.


‘આ ક્યાં કોઈનું ઘર છે? મેરે યાર કા ઘર હૈ!’ કહીને મેં ડોરબેલ ધણધણાવી. શિયાળુ રાતના સન્નાટામાં અડધું ટાઉન ઊંઘમાંથી જાગી જાય એવો ધમાકો બોલાવી દીધો.


અનિલ આંખો ચોળતો મને ભેટી પડ્યો. અમોલાએ હસીને મને આવકાર આપ્યો. પહેલી વાર અમોલાનું સ્મિત મને જરાક ફિક્કું લાગ્યું. હું અને અનિલ ડ્રોઇંગરૂમમાં બેસીને અમારા કોલેજના દિવસોના તોફાની કિસ્સાઓ વાગોળતા રહ્યા. કિચનમાંથી આદુંવાળી ચા ઊકળવાની સોડમ આવતી રહી.


અમે ચા પી લીધી. અમોલા ખાલી કપ-રકાબી ટ્રેમાં મૂકીને લઈ ગઈ. અચાનક એનું શરીર લથડ્યું. ટ્રે ડગમગી ઊઠી. કપ-રકાબી પડવા જેવાં થઈ ગયાં. ડૉ. અમોલાએ બારસાખ ઝાલી લીધી. ડૉ. અનિલ દાેડી ગયો. ટ્રે લઈ લીધી અને રસોડામાં મૂકી આવ્યો. અમોલાને ટેકો આપીને બાજુમાં આવેલા બેડરૂમ તરફ દોરી ગયો.


પાછો આવીને મને કહે, ‘આજે એની તબિયત સારી નથી. એટલે જરાક ચક્કર...’


‘સોરી, અનિલ. મને ખબર ન હતી, નહીંતર હું ન આવત.’ હું ખરેખર ક્ષુબ્ધ હતો. ત્યારે તો અનિલે મને વધુ માહિતી ન આપી, પણ પછીથી ફોન પરની વાતચીતમાં જણાવ્યું, ‘તારી ભાભીને મોટા આંતરડાનું કેન્સર થયું છે. તે દિવસે સાંજથી જ એની તબિયત ખરાબ હતી. તાવ પણ હતો. અશક્તિ પણ ખૂબ હતી. એટલે જ એના પગ લથડી...’


હું શું બોલું? જગતમાં એવાં ‘ઘર’ કેટલાં હશે જ્યાં રાતના બે વાગ્યે હું જઈ ચડું અને કેન્સરના થર્ડ સ્ટેજમાં પહોંચી ગયેલી મિત્રપત્ની મારા માટે, મને ભાવતી આદુંવાળી ચા બનાવવા માટે લથડતા પગે ઊભી થાય?


અમોલાભાભીની ‘હેલ્થ’ બહુ ઝડપથી કથળતી ગઈ. અમદાવાદમાં એમનું ઓપરેશન કરવામાં આવ્યું, જે આઠ-દસ કલાક સુધી ચાલ્યું. પછી કોમ્પ્લિકેશન્સ ઊભા થયા. અનિલે પાણીની જેમ પૈસા ખર્ચ્યા. રેડિએશન ટ્રીટમેન્ટના કારણે માથાના વાળ ઊતરી ગયા. ડૉ. અમોલાએ વિગ પહેરવાની ના પાડી દીધી. કોઈ મળવા આવે ત્યારે એ માથા પર સ્કાર્ફ બાંધી રાખતાં હતાં.


મારી સાથે એમને સારો મનમેળ. ડૉ. અનિલને હું ફોન કરું ત્યારે જો અનિલ હાજર હોય તો અમારી વાતચીત દસેક મિનિટ્સ સુધી ચાલે, પણ જો અનિલ હાજર ન હોય તો અમોલાભાભી મને અડધા કલાક સુધી ફોન મૂકવા ન દે. વાતમાં તો બીજું શું હોય? પતિની ફરિયાદો અને સાચવણીની ભલામણો.


‘ભાઈ, હું તો હવે જવાની, તમે તમારા મિત્રનું ધ્યાન રાખજો. એ બહુ જિદ્દી છે. કોઈનું સાંભળે તેવા નથી. તમારું કહેવું સાંભળશે.’, ‘એ સાંભળશે ખરો, પણ માનશે નહીં.’ હું હળવાશમાં સાચું બોલી નાખતો હતો.


આવી શારીરિક સ્થિતિમાં પણ તે બંને બે વાર અમદાવાદ આવીને મને મળી ગયાં. હું અને મારી પત્ની પણ એક દિવસ. ડૉ. અનિલના ઘરે જઈ ચડ્યાં. જતાં તો હતાં મહુવા, પણ રસ્તામાં એમનું ટાઉન પડતું હતું. મારી સાથે જાણીતા હાસ્યલેખક નિરંજન ત્રિવેદી (‘અવળી ગંગા’ અને ‘સરવાળે ભાગાકાર’ના લેખક) પણ હતા. એ અમારું ડૉ. અમોલા સાથેનું આખરી મિલન. ઘરમાં ડૉ. અનિલનાં માતા, દીકરો-વહુ વગેરે હાજર હતાં. હું અત્યંત વ્યથિત હતો, જાણતો હતો કે અમોલાભાભીને છેલ્લી વાર જોઈ રહ્યો છું. મેં કેમેરા કાઢીને નિરંજનભાઈને વિનંતી કરી, ‘અમારા બધાંનો ગ્રૂપ ફોટો પાડી લો.’ પછી મેં ધીમેથી અમોલાભાભીને કહ્યું, ‘તમે વચ્ચે બેસો, ક્યાંક તમારો જ ફોટો કપાઈ ન જાય.’


એમણે એટલા જ ધીમા અવાજમાં જવાબ આપ્યો, ‘જાણું છું ભાઈ, કે તમે મારો ફોટો પાડવા માટે જ આ ગ્રૂપ ફોટાનું ઊભું કર્યું છે. મને ખરાબ ન લાગે ને એટલા માટે. બાકી હુંયે જાણું છું કે હવે ફરી ક્યારેય...’ એ પછી બહુ થોડા દિવસો બાદ અમોલાભાભી આથમી ગયાં.
ડૉ. અનિલ અંદરથી સાવ તૂટી ગયો. તમે કહી શકો કે એ પાગલ થવાના આરે પહોંચી ગયો હતો, પણ અંતે મર્દ હતો ને! ઉપર-ઉપરથી સ્વસ્થ ચહેરો રાખીને જીવી રહ્યો હતો. પ્રેક્ટિસ લગભગ નહીંવત્ કરી દીધી. દીકરો-વહુ બંને ડૉર્ક્ટ્સ હતાં. એટલે કમાણીનો પ્રશ્ન ન હતો, પણ માત્ર અડતાળીસ વર્ષની ઉંમરે ચાલી ગયેલી જીવનસાથીનો આઘાત અસહ્ય હતો.


‘દુ:ખનું ઓસડ દહાડા’ એ કહેવતને સ્મરણમાં રાખીને મેં થોડાક દિવસો જવા દીધા, પછી એક વાર ડૉ. અનિલને ફોન કર્યો. પૂછ્યું, ‘શું કરે છે?’ અને જે જવાબ મળ્યો તે આંચકાજનક હતો. મારો મિત્ર બીડીના ધુમાડામાંથી નિકોટીન નામનું ઝેર ગળામાં, ફેફસાંમાં ઉતારી રહ્યો હતો અને કારણમાં જણાવતો હતો, ‘જીવવું નથી. જલદી મરી જઉં તો એની હારે થઈ જાઉં ને?’


એ પછી એક-દોઢ વર્ષ સુધી હું અનિલને સમજાવતો રહ્યો. આ ઇચ્છામૃત્યુ ન કહેવાય, એક પ્રકારનો આપઘાત જ ગણાય. આવતા જન્મે મનુષ્યાવતાર નહીં મળે, કીડી-મંકોડા, કૂતરા-બિલાડાનો અવતાર મળશે.
દલીલમાં એને કોણ પહોંચે? એ કહેવા લાગ્યો, ‘જે અવતાર મળે તે માન્ય છે, શરત માત્ર એટલી કે મારી જીવનસાથી એ જ હોવી જોઈએ.’


મેં આસમાનની દિશામાં જોયું, ‘અમોલાભાભી, તમે કહેતાં હતાં ને કે એ ભારે જિદ્દી છે, મારા સિવાય બીજા કોઈની વાત નહીં સાંભળે અને મેં કહ્યું હતું, ‘એ સાંભળશે પણ મારું કહ્યું માનશે તો નહીં જ.’ તમે જોઈ લીધું ને? હું સાચો પડ્યો.’


અમોલાભાભીએ કદાચ આસમાનની અદાલતમાં જજશ્રી ભગવાનદાસ સમક્ષ રજૂઆત કરી હશે. છએક મહિના પછી ડૉ. અનિલનો ફોન આવ્યો, ‘દીકરાના ઘરે દીકરો જન્મ્યો છે. તું અહીં આવ તો પેંડા ખવડાવું, નહીંતર ત્યાં બેસીને તારા પૈસાથી પેંડા ખરીદીને ખાઈ લેજે.’
દીકરો-વહુ એમની પ્રેક્ટિસમાં રોકાયેલાં હતાં એટલે પૌત્રને ઉછેરવાની જવાબદારી દાદા પર આવી ગઈ. નાનકડા જીવની સાથે માયા બંધાતી ગઈ. ચારેક મહિના પછી મેં ફોન કર્યો, ‘અનિલ, બીડી પીવી હોય ત્યારે ઢીંગલાથી દૂર જઈને પીજે ભાઈ! નહીંતર નિકોટીનનો ધુમાડો એનાં ફેફસાંમાં પણ...’


મારું વાક્ય કાપીને એ બોલી ઊઠ્યો, ‘શેની બીડી ને શેની વાત? આ ફૂલડું આવ્યું છે ત્યારથી બીડી પીવાનું બંધ છે. હવે મારે જીવવું છે. આ રમકડાને રમાડવો છે. એને ઊછેરવાનું સુખ માણવું છે. એને દસ-પંદર વર્ષનો કરીને પછી શાંતિથી જવું છે. હૂં પૂર્વજન્મ અને પુનર્જન્મમાં માનું છું. મને શ્રદ્ધા છે કે તારી ભાભી અત્યાર સુધીમાં નવો જન્મ લઈ ચૂકી હશે, પણ આવતા જન્મે હું એને શોધી લઈશ. એ ભલે મારા કરતાં પંદર વર્ષ મોટી હશે, તો પણ હું લગ્ન તો એની સાથે જ કરીશ. એવું કરતા મને વિધાતા પણ રોકી નહીં શકે.’
હું પ્રસન્નચિત્તે બોલી ગયો, ‘ભારે જિદ્દી છો ભાઈ!’

drsharadthaker10@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP