‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

કોઈના જીવનમાં ટાઢક પાથરે, આગ એવી કોઈ છે તો ચાંપીએ!

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

મેં જીવનમાં ક્યારેય ધાર્મિક કારણથી ઉપવાસ કર્યા નથી. આ વખતે પહેલી વાર આખો શ્રાવણ મહિનો માત્ર ફળો ઉપર રહેવાનું નક્કી કર્યું છે. ફરાળી વાનગીઓ જેવી કે બટાકાની વેફર્સ, રાજગરાનો શીરો કે સાબુદાણાની ખીચડી પણ નહીં ખાવાની. માત્ર ફ્રૂટ્સ જ અને ‘ઓમ્ નમ: શિવાય’નો મંત્રજાપ. રોજ સવારે થોડોક સમય કાઢીને શિવપુરાણ વાંચવાનું. અત્યારે શરીરથી, મનથી અને આત્માથી જે હળવાશ અનુભવાય છે તે અદ્્ભુત અને અલૌકિક છે. અત્યારે એવું થાય છે કે કિશોરાવસ્થાથી જ જો આપણાં હિન્દુ ધર્મશાસ્ત્રોનું અધ્યયન શરૂ કર્યું હોત તો અત્યાર સુધીમાં કેટલું બધું પામી ચૂક્યો હોત? વિશ્વના મોટાભાગના ધર્મોનો અભ્યાસ કર્યા પછી હું દાવા સાથે કહું છું કે હિન્દુ ધર્મના ગ્રંથો એટલા ગહન અને સંખ્યાતીત છે કે બધાનો અભ્યાસ કરવો હોય તો સો વર્ષનું એક આયખું પણ ટૂંકું પડે.


ઉપવાસથી મને તો ઘણા બધા ફાયદાઓ વરતાઈ રહ્યા છે. એમાં એક ફાયદો વાણી, વર્તન અને વિચારોનાં પરિવર્તનનો પણ છે. મારી રોજિંદી વ્યસ્તતાઓની વચ્ચે હું આજકાલ ‘ફૂલ’ રહી શકું છું, સમતાપૂર્વક વર્તી શકું છું અને ગમે તેવી વિષમ પરિસ્થિતિની વચ્ચે પણ હું સ્થિતપ્રજ્ઞ ભાવ સાથે રહી શકું છું.

દર્શનની વાત સાંભળીને આનંદ થયો, પણ વધારે ખુશી એની થઈ કે મેં રુચિની ફી ન લીધી એનો બદલો મારા નામથી બીજા કોઈ ડૉક્ટરે દર્શનને આપી દીધો હતો

આવા સાત્ત્વિક દિવસોમાં એક સુંદર ઘટના બની ગઈ. વડોદરાથી રુચિ નામની એક યુવતી મને મળવા માટે આવી. થેલીમાં ફાઇલો હતી, ફાઇલોમાં વંધ્યત્વની વેદના હતી અને હૈયામાં નિષ્ફળ સારવારની નિરાશા હતી.


મેં એની વાત સાંભળી, વિગત જાણી, શારીરિક તપાસ કરીને ફાઇલોમાં કેદ થયેલા બધા રિપોર્ટ્સ વાંચ્યા. પછી સલાહ આપી અને જે કંઈ પ્રોસિજર્સ કરવા જેવી હતી તેની સમજણ આપી.


હજુ તો હું વધારે કંઈ સમજાવું તે પહેલાં જ રુચિએ કહ્યું, ‘સર, મને આમાં કંઈ સમજ નહીં પડે, તમે મારા ભાઈની સાથે વાત કરો.’


‘ક્યાં છે તમારા બ્રધર? સાથે આવ્યા છે?’ મેં પૂછ્યું.
‘ના, એ તો વડોદરામાં છે. હું એનો નંબર જોડી આપું છું. તમે વાત કરશો ને?’ આટલું કહીને એણે...


‘જો તમને મારી વાત નથી સમજાતી તો તમારા ભાઈને કેવી રીતે સમજાશે?’ મારા પ્રશ્નમાં સહેજ કટાક્ષનો ભાવ હતો, એનું વાજબી કારણ પણ હતું. હું કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમને લગતી જટિલ બાબતને અઘરી શૈલીમાં રજૂ કરવાને બદલે મારા દર્દીઓને સરળ અને સાદી ભાષામાં સમજાવતો હોઉં છું. એટલે રુચિની વાતથી મને થોડીક અકળામણ પણ થઈ.
પણ એનો જવાબ અણધાર્યો હતો, ‘હા, સર. મારા ભાઈને તરત સમજાઈ જશે, કારણ કે એ પોતે ડૉક્ટર છે. તમારી જેમ એ પણ ગાયનેકોલોજિસ્ટ છે.’


‘ડૉક્ટર છે? તમારા બ્રધર? એમ? તો તમે મારી પાસે શા માટે આવ્યાં?’ મેં સ્વાભાવિક રીતે જ પૂછ્યું.


‘એ મારાથી નાનો છે... અને... હું... મારા ગાયનેક પ્રોબ્લેમ માટે મારા સગા ભાઈ પાસે તો... તપાસ ન જ...’


મને ક્ષોભ થઈ આવ્યો. મારે આવો સવાલ નહોતો પૂછવો જોઈતો હતો. રુચિને એના ભાઈથી શરમ આવે તે સમજી શકાય તેવું હતું.


રુચિએ ફોન લગાડી આપ્યો, પછી ઇન્સ્ટ્રુમેન્ટ મને આપ્યું. સામેથી રુચિના ભાઈનો અવાજ સંભળાયો.


‘ગુડ આફ્ટરનૂન ડૉ. સાહેબ!’ એણે ‘વિશ’ કર્યું, ‘આઇ એમ ડૉ. શેલત હિયર.
‘ગુડ આફ્ટરનૂન, માય ફ્રેન્ડ.’ મેં વળતો શિષ્ટાચાર દાખવીને મુદ્દાની વાત શરૂ કરી, ‘મેં હમણાં જ રુચિબહેનનો પૂરો ‘કેસ’ તપાસી લીધો છે. મને એવું લાગે છે કે એમને...’ લગભગ પંદેરક મિનિટ્સ સુધી અમારી વચ્ચે ચર્ચા ચાલતી રહી. એ પણ ક્વોલિફાઇડ ગાયનેકોલોજિસ્ટ હતા, એટલે મારું નિદાન અને મારી સૂચિત સારવાર તરત જ સમજી ગયા.


વાત પૂરી થવામાં હતી ત્યારે એમણે મને કહ્યું, ‘સર, એક વિનંતી છે. મારી બહેન પાસેથી તમારી કન્સલ્ટિંગ ફીના જેટલા રૂપિયા થતા હોય તે લઈ લેજો. મેં તમારું નામ સાંભળીને ખાસ તમારા નિદાન માટે એમને તમારી પાસે મોકલ્યા છે. બાકી હું વડોદરામાં જ બીજા કોઈ ગાયનેકોલોજિસ્ટ પાસે...’


મેં એમને વાત પૂરી કરવા ન દીધી. ફોન કાપી નાખ્યો. રુચિએ પણ વિદાય લેતા પહેલાં મને ખૂબ આગ્રહ કર્યો, ‘સર, તમારે ફી તો લેવી જ પડશે, નહીંતર હું બીજી વાર તમારી પાસે નહીં આવું. આ ફાઇલો જેમની છે એ ડૉક્ટરોએ મારી પાસેથી ફી લીધી જ હતી. તમે પણ...’


મેં જીદ કરીને રુચિને રવાના કરી દીધી. અંગત રીતે જણાવું તો મેં હંમેશાં મારા પરિવારના સભ્યોની સારવાર માટે બીજા ડૉક્ટરોને રૂપિયા ચૂકવ્યા જ છે. હું ડૉક્ટરની આવડત અને મહેનતનું શોષણ ક્યારેય કરતો નથી. હમણાં મારા પોતાના એક ઇન્વેસ્ટિગેશન માટે અમદાવાદના જાણીતા સેન્ટરમાં જવાનું બન્યું હતું, ત્યાંના ડૉક્ટરે મને વી.આઇ.પી. ટ્રીટમેન્ટ આપી. સ્ટાફના સભ્યો પણ મારા વાચકો નીકળ્યા. બધું કામ પતી ગયા પછી મેં પૂછ્યું, ‘મારે કેટલા રૂપિયા આપવાના છે?’


ડૉક્ટર ડઘાઈ ગયા, ‘સર, તમે ઊઠીને ફીનું પૂછો છો? અમારી પાસે તમે આવ્યા એ જ...’ પારાવાર રકઝક પછી મેં રામબાણ ઉપાય અજમાવ્યો.


‘પૈસા તો તમારે લેવા જ પડશે. જો તમે પૈસા નહીં લો તો હું સાંજે રિપોર્ટ લેવા માટે કોઈને નહીં મોકલું.’ મારી હઠ આગળ નમતું જોખીને એ સજ્જન ડૉક્ટરે પચાસ ટકા ફી સ્વીકારવી જ પડી.
પહેલાંના સમયમાં એવી આચારસંહિતા પાળવામાં આવતી હતી કે એક ડૉક્ટર બીજા ડૉક્ટર કે એના લોહીનાં સગાંઓની સારવારની ફી લેતા ન હતા, પણ હવે મોંઘવારી વધી ગઈ છે.

મેડિકલનો અભ્યાસ અત્યંત ખર્ચાળ બની ગયો છે. ક્લિનિક અને સાધનો પણ લાખો અને કરોડો રૂપિયાની કિંમતને આંબી ગયાં છે. ત્યારે મારો જાતભાઈ મારી પાસેથી ફી ન લે તો મને એ ન જ ગમે.


સવાલ એ છે કે તો મેં રુચિની પાસેથી ફી શા માટે ન લીધી?
બસ, એમ જ ન લીધી. કદાચ એ કારણ હશે કે રુચિના ડૉક્ટર ભાઈએ ડૉક્ટર હોવાનો અધિકાર ન બતાવ્યો. કદાચ એ કારણથી કે રુચિનું વર્તન ખૂબ શાલિન અને વિવેકપૂર્ણ હતું. કદાચ એ કારણથી કે હું ઉપવાસી હતો. ઉપવાસ એટલે ઈશ્વરની બાજુમાં બેસવું. વાસ કરવો. મારી ધૂન ગણો તો ધૂન અને આ ગણતરીબાજ દુનિયામાં મારી ભૂલ ગણો તો ભૂલ, પણ મેં પૈસા ન જ લીધા.


રુચિના ગયા પછી મને વિચાર આવ્યો, ‘આવું તો કેટલાયે ડૉક્ટરો કરતા રહે છે. અમારા ડૉક્ટરોના દાનની તકતીઓ ક્યારેય મંદિરો, કોલેજ કે ધર્મશાળાઓની દીવાલો પર જોવા નથી મળતી હોતી, અમારાં દાન દર્દીઓ જ જાણતાં હોય છે.’


બે-ચાર જ દિવસમાં મારા આ કાર્યની પહોંચ મળી ગઈ. મારો એક મિત્ર દર્શન મને મળવા માટે આવ્યો. દર્શન આમ તો મારો ખૂબ જૂનો વાચક હતો. પહેલી વાર મળવા માટે આવ્યો ત્યારે માત્ર એક ભાવક રૂપે જ આવ્યો હતો, પણ એની કક્ષા જોઈને મેં એને મિત્ર રૂપે સ્વીકારી લીધો.
‘બોલ, દર્શન! કેમ અચાનક આ તરફ?’ મેં પૂછ્યું.


દર્શન ઉત્સાહમાં હતો, ‘આજે તો એક વાત ‘શેર’ કરવા માટે આવ્યો છું.’ કહીને એણે એની સાથે બનેલી એક ઘટના જણાવવાનું શરૂ કર્યું.


દર્શન એના ધંધાર્થે બહારગામ ગયો હતો. બહારનું ખાવાપીવાના કારણે એને પેટની ગરબડ થઈ ગઈ. અજાણ્યા શહેરમાં એ એક જનરલ પ્રેક્ટિશનરની પાસે પહોંચી ગયો. ડૉક્ટરે તપાસીને ઇન્જેક્શન આપ્યું, પાંચ દિવસની ગોળીઓ આપી. અચાનક દર્શનનું ધ્યાન ડૉક્ટરના ટેબલ ઉપર પડેલા સમાચારપત્ર ઉપર પડ્યું. બુધવારનો દિવસ હતો, ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિનું પાનું વાળેલી હાલતમાં પડેલું હતું. સમજી શકાતું હતું કે ડૉક્ટર થોડી વાર પહેલાં શું વાંચી રહ્યા હતા!

જિંદગીમાં આવાં તો અનેક ચક્રોનો હું સાક્ષી રહ્યો છું. મારા અનુભવોએ મને શીખવ્યું છે કે તમે જ્યારે કોઈ સારું કામ કરો છો ત્યારે જગતને ભલે એની જાણ ન થાય

દર્શને માત્ર આપવા ખાતર પૂરક માહિતી આપી, ‘સર, તમે પણ ‘ડૉ.ની ડાયરી’ વાંચો છો?’
‘હા, પચીસ વર્ષથી. એના લેખકને હું ક્યારેય મળ્યો નથી, મેં એમને જોયા પણ નથી, પણ...’
‘સર, એ લેખકને હું અનેક વાર મળ્યો છું. મારા મિત્ર છે શરદભાઈ.’ દર્શને કહ્યું. ડૉક્ટરે અહોભાવપૂર્વક કેટલાક પ્રશ્નો પૂછ્યા, દર્શને જવાબો આપ્યા. પછી દર્શને ઊભા થતાં પૂછ્યું, ‘સર, આપની ફી?’


‘ફી નથી લેવી. આજે એક એવા દર્દી સાથે પરિચય થયો જેણે ‘ડૉ.ની ડાયરી’ના લેખકને પ્રત્યક્ષ જોયા છે, એમની સાથે વાતો કરી છે, એમની સાથે મિત્રતા હોવાની વાત કરી છે. ભાઈ, દુરાગ્રહ ન કરશો. મારી ફી કરતાં વધારે તો તમે મને આપી દીધું છે.’

દર્શનની વાત સાંભળીને મને માનવસહજ આનંદ થયો, પણ વધારે ખુશી એ વાતની થઈ કે મેં રુચિની ફી ન લીધી એનો બદલો મારા નામથી બીજા કોઈ ડૉક્ટરે દર્શનને આપી દીધો હતો.
આ ઘટનાચક્ર અહીં પૂરું નથી થતું. દર્શન પગ વાળીને બેસી રહે તેવો ન નીકળ્યો. એણે કહ્યું, ‘હું એ ડૉક્ટરને તો કંઈ આપી ન શક્યો, તમને પણ શું આપું? પણ મારી લેડીઝ ગાર્મેન્ટ્સની ફેક્ટરી છે. હું ત્રણસો જોડી સલવાર-કમીઝ તમે જ્યાં કહેશો ત્યાં ગરીબ દીકરીઓને...’


જિંદગીમાં આવાં તો અનેક ચક્રોનો હું સાક્ષી રહ્યો છું. મારા અનુભવોએ મને શીખવ્યું છે કે તમે જ્યારે કોઈ સારું કામ કરો છો ત્યારે જગતને ભલે એની જાણ ન થાય, પણ ઉપર બેઠેલી અદાલતમાં એની નોંધ અચૂક લેવાય જ છે.

(શીર્ષક પંક્તિ: પીયૂષ ચાવડા)
drsharadthaker10@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP