સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

તમારી જાતને નવેસરથી મળવાની કળા

  • પ્રકાશન તારીખ22 May 2019
  •  

‘ડોક્ટર, ઈશ્વરે મને બધું જ આપ્યું છે અત્યારે બાવન વર્ષની ઉંમરે હવે જાણે એવું થાય છે કે મારા જીવનમાં કંઈ બાકી રહ્યું નથી. એક પ્રકારનો ખાલીપો અનુભવાય છે. ઑફકોર્સ, આ ડિપ્રેશન તો નથી, પણ બંને સંતાનોને ઉછેર્યાં, પરણાવ્યાં અને સેટલ કર્યાં. બધી જવાબદારી પૂરી કરી. હવે જાણે કોઈ વિચિત્ર થાક અનુભવાય છે. મેં આખી જિંદગી બીજા પાછળ ખર્ચી નાખી. હવે જાણે મને સેકન્ડરી રહેવાની ટેવ પડી ગઈ છે. હસબન્ડથી માંડીને ‘બધાને શું ગમશે અને શું નહીં ગમે’ બસ એ જ પરિબળ મારા જીવનમાં મોટું થઈ ગયું છે. કદાચ હું મારી પાસેથી જ ખોવાઈ ગઈ છું. આઇ એમ લોસ્ટ...’ સ્મિતાબહેન શૂન્યમનસ્ક જણાતાં હતાં.
ઘણાના જીવનમાં એવો તબક્કો આવે છે જ્યારે બધી જ વસ્તુઓ અને ગમતી વ્યક્તિઓ હોય છતાં પણ ખાલીપો લાગતો હોય. આ માનસિક સ્થિતિ આજકાલ બહુ સામાન્ય થતી જાય છે. થોડું મનોવિશ્લેષણ કરતા ખ્યાલ આવે છે કે આંતરમનમાં ઘણી ફરિયાદો અને ઇચ્છાઓ દમિત થયેલી પડેલી હોય છે. ઘણીવાર પોતાના ભયનો સામનો કરવાનું આપણે ટાળીએ છીએ. જીવનનાં ધ્યેયોની સ્પષ્ટતા કરી શકતા નથી. શારીરિક, માનસિક, સામાજિક અને વ્યાવસાયિક સમસ્યાઓને ઓળખવાથી ગભરાઈએ છીએ. પોતાની જાતને હંમેશાં પાછળ રાખવાની ટેવ પડી ગઈ હોય છે. કરિયર, કુટુંબ, બાળકો, પતિ, પ્રેમી, પ્રતિષ્ઠા, આર્થિક બાબતો બધામાં પોતાને સેકન્ડરી રાખવાની ટેવ પાડેલી હોય છે. ક્યાંય ઓપિનિયન વ્યક્ત નહીં કરવાનો. જીવનમાં લગ્નસાથી સિવાય અન્ય પ્રત્યે પણ લાગણી કે સન્માન હોય તો એ વાતને પણ પાપજનક માનવાની અને હંમેશાં સમાજે પરંપરાગત રીતે નક્કી કરેલા ‘બોક્સ’માં જ જીવવાનું. આ બધી ખતરનાક બાબતો ‘સારા સ્વભાવના’ મહોરા નીચે ખદબદતી જતી હોય છે. સમાજના ઢાંચાની કાલ્પનિક ચિંતામાં આપણે આપણા જ મોરલ પોલીસ બનીને કુદરતી રીતે અભિવ્યક્ત થઈ શકતા નથી.
કેટલીક બાબતો સમજવી જરૂરી હતી. જેમ કે, પોતાની ખુશીને હવે બાકીના જીવનમાં પ્રાયોરિટી આપવાની ટેવ પાડવી. જો તમે ખુશ નહીં હો તો તમારી આસપાસના કે અંગત લોકો ખુશ નહીં રહી શકે. મોબાઇલે આપણને એટલિસ્ટ એક વાત સારી શીખવાડી છે, ડિલીટ કરતા. ‘પ્રયત્ન કરીને પણ’ જે લોકો કે વિચારો તમને અપસેટ કરે છે તેમને ડિલીટ કરવાનું શીખો. કાઉન્સેલિંગથી આ શીખી શકાય છે. શરૂ શરૂમાં અઘરું લાગે, પણ વખત જતાં આ શીખી શકાય છે. પોતાની જાતને વધુ સમજવા માટે પોતાનો માઇન્ડ-સેટ સમજવો અનિવાર્ય છે. પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહો પાછળનાં કારણો ઉછેર, અભ્યાસ, સંજોગો અને વાતાવરણમાં પડેલાં હોય છે. આ કટુ ભૂતકાળ હવે ખાસ નિસ્બત નથી ધરાવતો એ બાબત સ્વીકારો. પોતાનાં સામાજિક મૂલ્યોની ફરી વ્યાખ્યા કરો, શક્ય છે કે પેલાં કટાઈ ગયેલાં મૂલ્યો અત્યારે ખાલીપો લાવતાં હોય. પોતાના લાગણીતંત્રને વધુ સમજવાની કોશિશ કરો. અનિયંત્રિત લાગણીઓ દુઃખી થવાનો રાજમાર્ગ છે. તમારી અંદરની લાગણીઓના છટકામાં ફસાવાથી બચવાનું શીખી શકાય છે. ઇમોશનલ ટ્રેપ સરકણો હોય છે. બધા લોકો માટે માત્ર લાગણીથી જ કામ લીધું હોય તો આપણું મન આપોઆપ સામે લાગણીની અપેક્ષા રાખતું થઈ જાય છે. ત્યાં જ આપણી ટેવવશાત્ ભૂલ થઈ શકે છે. જેના માટે તમે જીવનભર લાગણી (બિનશરતી રીતે) દર્શાવી હોય એવું માનતા હો તો એ તમારી ભૂલ છે. બહુ જૂજ કિસ્સાઓમાં જ સામેની વ્યક્તિ તમારી નિ:સ્વાર્થ લાગણીને સમજી વિચારીને બરાબરનો ઇમોશનલ પ્રતિભાવ આપી શકે છે. જે આવું નથી કરી શકતા એમનો પણ વાંક નથી. તમારા અને બીજી વ્યક્તિઓના લાગણીતંત્રના તફાવતોનો બુદ્ધિપૂર્વક સ્વીકાર કરો.
રૂટિન જીવનમાં સિરિયસ થયા વગર હસી નાખતા શીખો. મોટે ભાગે હાસ્ય અને હેપિનેસના એડિક્ટ થાવ. આ બાબત તમારી ન્યૂરલ સર્કિટ પર પોઝિટિવ પ્રભાવ પાડશે અને બદલામાં શાંતિ અને આનંદ વધતા જશે. બીજાઓના લીધે જ તમારું અસ્તિત્વ છે એ પાયાવિહોણી વાતને ફગાવી દો. તમારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ તમારા આધારે છે. આટલું સમજીએ તો આપણે પોતાને નવેસરથી મળી
શકીએ.
વિનિંગ સ્ટ્રોક : તમારું નિયંત્રણ તમે પોતે જ્યારે હાથમાં લો છો ત્યારે શૂન્યાવકાશમાં પાંખો સર્જાય છે અને તમારી ઊંચાઈ અને ઉડાન તમને વ્યક્તિગત આનંદના શિખરે લઈ જઈ શકે છે.drprashantbhimani @yahoo.co.in

x
રદ કરો

કલમ

TOP