વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ‘પદ્મશ્રી’ ભાવના સોમૈયા દર શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’માં ‘ચાલો સિનેમા’ નામની કોલમ લખે છે.

બિમલ રોય : જમાનાથી આગળના ફિલ્મમેકર

  • પ્રકાશન તારીખ12 Jul 2019
  •  

- ચાલો સિનેમા ભાવના સોમૈયા

આ વતા શુક્રવારે ‘સુજાતા’, ‘બંદિની’ અને ‘મધુમતી’ જેવી સંવેદનશીલ ફિલ્મોના ડિરેક્ટર બિમલ રોયને 110 વર્ષ પછી 110 વર્ષ થશે. તાજેતરમાં દિલીપકુમારની ઓટોબાયોગ્રાફી વાંચવા મળી અને તેમાં એક આખું પ્રકરણ બિમલ રોયની ફિલ્મોને સમર્પિત કરેલું હતું. દિલીપકુમારે સ્વીકાર્યું કે એમણે પહેલાં દેવદાસનો રોલ કરવાની ના કહી હતી કેમ કે એ નહોતા ઇચ્છતા કે તેમના પ્રશંસકોને ખોટો સંદેશો મળે આથી બિમલ રોયે એમને દેવદાસનું અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક વાંચવાનું કહ્યું. દિલીપકુમારે એ વાંચ્યું અને પછી તો જે બન્યું તે સૌ જાણે છે.
રોયનો જન્મ પૂર્વ બંગાળમાં જમીનદાર પરિવારમાં થયો હતો અને તેમની પ્રારંભિક મોટા ભાગની ફિલ્મોમાં તેની અસર જોવા મળે છે. તેઓ ઢાકામાં જગન્નાથી કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને દુર્ભાગ્યે તેમની વડીલોપાર્જિત મિલકત માટે થઇને તેમના એસ્ટેટ મેનેજરે તેમની સાથે છેતરપિંડી કરી. બિમલદા પોતાની કમનસીબી પર આંસુ સારવાને બદલે પોતાની વિધવા માતા અને નાના ભાઇઓને લઇ કલકત્તા આવતા રહ્યા. તેમણે અભ્યાસ અધૂરો જ છોડી દીધો અને કોઇ પ્રકારના વ્યવસાયનો તેમને ખ્યાલ તો નહોતો, તેથી કલકત્તા આવ્યા પછી થોડાં અઠવાડિયાં બાદ તેમને ફિલ્મમેકર પીસી બરુઆ પાસે ફોટોગ્રાફર આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી. બરુઆ તેમની કામ પ્ર્ત્યેની નિષ્ઠાથી ખૂબ પ્રભાવિત થયા અને બીજી ફિલ્મમાં તેમણે બિમલદાને કેમેરામેનની કામગીરી સોંપી.
થોડા જ સમયમાં તેમણે ‘મુક્તિ’, ‘માયા’ અને ‘બારી દીદી’ નામની ટૂંકી ફિલ્મો બનાવી અને પોતાની ડેબ્યૂ ફીચર માટે તૈયાર થઇ ગયા.
તેમણે અજાણ્યા કલાકારોને લઇને ફિલ્મ ‘ઉદેયર પાથે’ (હમરાઝ) બનાવી. કલકત્તા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પતન સાથે રોયને ફરી એક વાર શહેર બદલવાની ફરજ પડી અને આ વખતે તેઓ મુંબઇ આવ્યા. કદાચ એ એકમાત્ર એવા ફિલ્મમેકર હતા, જેઓ પોતાની આખી ક્રિએટિવ ટીમ સાથે મોટા શહેરમાં આવ્યા, જેમાં હૃષિકેશ મુખર્જી, નબેન્દુ ઘોષ, કમલ બોઝ, આસિત સેન અને તે પછી સલિલ ચૌધરી હતા. આ તમામ પોતપોતાની રીતે મહાન હતા.
એવું કહેવાય છે કે ટ્રેનમાં ચડતા પહેલાં રોેયે તેમની ટીમને કહ્યું હતું કે જો તેમને કામ મળશે, તો તેઓ બોમ્બે (હાલના મુંબઇ)માં રહેશે અન્યથા એક સપ્તાહમાં ઘરે પાછા ફરશે.
એક વર્ષથી ઓછા સમયમાં બિમલ રોયે તેમની પ્રથમ ફિલ્મ ‘મા’ (1952) શૂટ કરી જે પહેલાં બોમ્બે ટોકિઝ માટે હતી. એક વર્ષ પછી તેઓ પોતાના બેનર હેઠળ ‘દો બીઘા જમીન’ લોંચ કરવા માટે તૈયાર હતા, જેમાં એક ખેડૂતની વાત છે, જે ઔદ્યોગિક ક્રાંતિથી બચવા માટે ઝઝૂમે છે. શંભુ (બલરાજ સહાની)નો સંઘર્ષ રોયના પોતાના બાળપણની સ્મૃતિઓ થકી વ્યક્ત થયો હતો. આ ફિલ્મ ભારતની નોન-રિઅલિસ્ટિક ફિલ્મ ગણાઇ અને ફિલ્મે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવ્યા જેમાં કાન અને કાર્લોવી વેરી ફેસ્ટિવલ એ જ વર્ષમાં (1955 અને 1956માં) પણ સામેલ છે.
રોયના સહકર્મચારીઓએ કહ્યું કે એ ઝડપી રચનાકાર હતા. એક ફિલ્મ પૂરી થાય તે સાથે બીજી ફિલ્મ શરૂ કરવા માટે તત્પર રહેતા. જો અશોકકુમાર-મીનાકુમારી અભિનીત ‘પરિણીતા’ ફિલ્મમાં મૌન અને ત્યાગની વાત હતી, તો ‘બિરાજ બહૂ’ સંપન્ન સમાજમાં ગૂંગળામણ અનુભવતી મહિલાની વાત રજૂ કરતી હતી. જ્યારે ‘પરખ’ અને ‘પ્રેમપત્ર’માં પ્રેમની વાત હતી.
શરતચંદ્રની દેવદાસ કેટલાક ફિલ્મમેકર્સને વર્ષો સુધી લલચાવતી રહી, પણ બિમલ રોયની માફક કોઇએ તેને વાચા આપવાની હિંમત ન કરી. બિમલ રોયમાં અલગ અલગ વિષયોને પ્રસ્તુત કરવાની અનોખી આવડત હતી. ‘મધુમતી’ ફિલ્મ ભારતીય સિનેમામાં પહેલી પુનર્જન્મની વાત જણાવતી ફિલ્મ હતી. તેમની ફિલ્મમાં તેમની ટીમ અને કલાકારો વચ્ચેની ખાસ કેમેસ્ટ્રી જોવા મળતી અને કલાકારો આ મહાન ફિલ્મમેકર સાથે કામ કરવા માટે તત્પર રહેતા. તેમણે ‘સુજાતા’ ફિલ્મમાં અધીરના પાત્રમાં સુનીલ દત્તને લીધા જે સુનીલ દત્તની ઇમેજ કરતાં એકદમ અલગ અને પડકારરૂપ પાત્ર હતું. આ ફિલ્મમાં એક અછૂત યુવતીની વાત છે, જેનો ઉછેર બ્રાહ્મણ પરિવારમાં થાય છે, એવી જ રીતે ‘બંદિની’ ફિલ્મમાં કલ્યાણી (નૂતન) ખૂન કરવા માટે તેહાર જેલમાં કેદીનું જીવન જીવે છે.
માત્ર 45 વર્ષની વયે બિમલ રોયનું અવસાન ગળાના કેન્સરને લીધે થયંુ, કદાચ એ જાણતા હતા કે એમની પાસે સમય ઓછો છે અને તેથી જ એ જેટલી ઝડપથી બની શકે એટલી ઝડપથી અને વધારે ફિલ્મો બનાવવા માગતા હતા.
[email protected]

x
રદ કરો

કલમ

TOP