પ્રશ્ન વિશેષ / વાર્તાળુ વડીલો નથી, તો વાર્તા કહે કોણ?

Who is not the story writer, who tells the story?

‘હું છું વાર્તા કહેનારો’ પ્રવૃત્તિ દ્વારા અધ્યાપક દાદા-દાદીની ખોટ પૂરે છે. મોબાઇલમાં બાળવાર્તા સાંભળવાનો ચસ્કો લાગી જાય તો બાળક રાજી!

ભદ્રાયુ વછરાજાની

May 20, 2019, 05:08 PM IST

વેકેશન પડે ને મામા મહિનો શરૂ થાય. બાળકોનો આનંદ શરૂ થાય, પણ વડીલોને ટેન્શન શરૂ થાય. નાના-નાની, દાદા-દાદીને બાળકો આવે એટલે તો ગોળનાં ગાડાં, પણ આ બાળકો પાસે આજે વડીલો ક્યાં? છે તે વાર્તાળુ વડીલો તો નથી! હવે આ બાળુડાંઓ ધીંગામસ્તી કે ઉતરચઢ કે તોડફોડ કરે નહીં તો પેલો એન્ડ્રોઇડ દાદો પોતાના ખોળામાં જકડી લે અને જન્મ્યા ભેગા આપણે આપણાં બાળકોને ‘મોબાઇલ શરણમ્ ગચ્છામિ’ કરી દીધાં છે, એટલે પછી ન પૂછો વાત. નહીં ખાવા-પીવાનાં, નહીં ગોષ્ઠી કરવાનાં, નહીં શારીરિક રમતો રમવાનાં. માત્ર ને માત્ર પોતાના મોબાઇલમાં આંગળાંની કુસ્તી કર્યા કરવાનાં!
મોબાઇલ સાધન છે. જોકે, સાધકને સાધનનો કેમ-ક્યારે-કેટલો ઉપયોગ કરાય એ જ જો ખ્યાલ ન હોય તો સાધન બિચારું શું કરે? અને મોબાઇલની ખૂબી એ છે કે એમણે તો વડીલો-માતા-પિતા-શિક્ષકો-બાળકો બધાંનો ભરડો લીધો છે. કોઇ કહે તો કિસકો કહે? કંઇક એવું થવું જોઇએ કે મોબાઇલનો લગાવ ક્રિએટિવ બને, એન્જોએબલ બને! આ વિચાર આવ્યો ભાવનગરના એક અધ્યાપકને. એમણે મોબાઇલ પરના સોશિયલ મીડિયામાં જઇને એલાન કર્યું: ‘હું છું વાર્તા કહેનારો.’
એકવીસમી સદીમાં બાળકને વાર્તા કહેવાવાળા હવે માત્ર આંગળીને વેઢે ગણી શકાય એટલાં બચ્યાં હોય તો નવાઇ પામવા જેવું નથી. વાર્તા કહેવી એ એક આવડત છે, જે ગળથૂથીમાં પીને વડીલો આપણી વચ્ચે હતા. છેલ્લા ઘણા સમયથી લાગી રહ્યું છે કે બેથી દસ વર્ષનાં બાળકો તો રેઢાં ઉછરી રહ્યાં છે. બાળકોને સાંભળનારાં ય નથી ને કશુંક રસપ્રદ સંભળાવનારાં ય નથી. દાદા-દાદી, માતા-પિતા કે શિક્ષકો પાસે પોતા માટે પણ હવે જાણે સમય બચ્યો નથી. ભાગદોડના આ સમયમાં બાળકનાં મન-હૃદયને ફળદ્રુપ કરનારાં ‘ઠેકાણાં’ આપણે ગુમાવતા જઇએ છીએ. એની પીડામાંથી જ ‘હું છું વાર્તા કહેનારો’ પ્રવૃત્તિ આરંભાઇ છે. પાછલા એક વરસથી દરરોજ સાંજે સાતથી દસના સમયગાળામાં સોશિયલ મીડિયાના માધ્યમ વોટ્સએપ-ગ્રૂપ, ટેલિગ્રામ ચેનલ, ફેસબુક પેજ, યુ-ટ્યૂબ ચેનલ વગેરે મારફત બેથી દસ વરસનાં બાળકોને સંભળાવી શકાય તેવી એક બાળવાર્તા ગુજરાતી ભાષામાં રેકોર્ડ કરીને તેનો ઓડિયો આ બાળકોના વાલીઓ, શિક્ષકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. દરરોજની એક વાર્તા લેખે 375થી વધુ બાળવાર્તાઓ ગુજરાતી ભાષામાં ધ્વનિમુદ્રિત થઇને દેશવિદેશમાં આજે આઠ હજારથી વધુ બાળદોસ્તોના કાને પહોંચેલ છે. ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના ઉત્સાહી ને સર્જનશીલ અધ્યાપક ડો. દિક્પાલસિંહ જાડેજા પોતે બાળકોને વાર્તાના લહેકાથી રોજ કહે છે: ‘બાળદોસ્તો, હું છું તમારો વાર્તા કહેનારો દોસ્ત...’
દિક્પાલસિંહ માને છે કે બાળક દરરોજની એક બાળવાર્તા કાને ધરશે તો આપણા સહુનું ભવિષ્ય આશાસ્પદ બનશે. ‘હું છું વાર્તા કહેનારો’ નિયમિત સાંભળતા કેટલાક એવા બાળશ્રોતાઓ છે કે જે કેન્સર, સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર બીમારીથી ગ્રસ્ત છે, પરંતુ નવાઇની વાત એ છે કે આવાં બાળકો દરરોજ એક બાળવાર્તા સાંભળ્યા પછી જ પોતાની દવાઓ સ્મિત સાથે લે છે. સુરતમાં પ્રજ્ઞાચક્ષુ મંડળનાં બાળકો નિયમિત રીતે આ બાળવાર્તાનો ઓડિયો સાંભળી કહે છે: એકસાથે આટલી બધી ને પાછી રોજેરોજ નવી એક વાર્તા અમને ક્યાંથી મળે? બ્રેઇન ટ્યુમર (મેડ્યુલા બ્લાસ્ટોમા)થી ગ્રસ્ત દીકરી જિયા ખાન આ ઓડિયો રોજ સાંભળતી સ્વસ્થ શ્રોતા છે! રાજકોટમાં સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળક કે બેંગ્લુરુમાં રહેતા મરાઠી દંપતીનું બાળક ‘હું છું વાર્તા કહેનારો’ના વ્યસની છે. ભૂજનું એક પ્રજ્ઞાચક્ષુ દંપતી તો પોતાની સોસાયટીનાં બધાં બાળકોને એકસાથે બેસાડીને રોજ બાળવાર્તાનો ઓડિયો સંભળાવે છે.
ફરિયાદ કરવાની જરૂર નથી કે વાર્તા ન આવડતી હોય તો? ગુજરાતી સિવાય ભારતની કોઇપણ ભાષામાં બાળવાર્તાનો આવો ભંડાર એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. અને હા, વાર્તાઓનું વૈવિધ્ય પણ ઉત્કૃષ્ટ છે. આ વાર્તાઓ સાંભળીને કોઇ કોઇ બાળકો વાર્તા લખતા થઇ રહ્યાં છે! દર રવિવારે બાળકેળવણીકારોની બાળઉછેરની વાતો મા-બાપ માટે તો દર સોમવારે તરુણો માટે કિશોરકથા પીરસવામાં આવે છે. બાળકના હાથમાં મોબાઇલ ભલે હોય, પણ તેમાં બાળવાર્તા સાંભળવાનો ચસ્કો લાગી જાય તો બાળક રાજી ને આપણે પણ રાજી. ‘હું છું વાર્તા કહેનારો’ મળી શકે મોબાઇલ નં. 75670 13999 પર. તમારા બાળક પાસે વાર્તાની લઢણ એક વખત મૂકી તો જુઓ, પછી રાહ જુઓ બાળકના કુદરતી સ્મિતની! ગુજરાતી, શિક્ષણ ને સમાજનો આમ થાય અનુબંધ.
[email protected]

X
Who is not the story writer, who tells the story?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી