તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાનનું નામ જ કેવું? ‘કૃષ્ણની પાસે’ ને ‘અતિસુખ ભુવન’!

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શ્રી દ્વારિકાધીશનું જગતમંદિર. તેના પ્રવેશદ્વારની સામે સાંકડી ગલી અને એ ગલીના છેડે બે માળિયું જૂનું પુરાણું મકાન. એ મકાનમાં સાંકડો દાદર ચડો એટલે એક જન્મજાત કલાકારનું સામ્રાજ્ય. કાંઈ જાહોજલાલી નહીં, પણ કલાની ખુશબૂ ચોતરફ મહેકતી. પાંત્રીસ વર્ષો સુધી નગરના ચોકમાં કાચનો ધંધો કરનાર જીવ છાયા-ચિત્રકાર છે તેવું કોઈ સ્વીકારે નહીં અને હા, આજે ય કેન્સરની કાતિલ સર્જરી પછી બોલતા પહેલાં મોઢે માસ્ક બાંધીને માત્ર ડોટ-ડોટ-ડોટથી અદ્્ભુત છાયાચિત્રો કરનાર એ સવજી છાયાને મળો તો તમે ય એને કલાકાર તરીકે ન સ્વીકારી શકો! પણ આપણે એ સવજી છાયાની વાતો નથી કરવી, પણ આપણે તો તેના સ્ટુડિયોની અગાશીમાંથી ફરકતી દ્વારિકાધીશની ધજાને સલામ ભરવી છે.

 • દ્વારિકા હોય કે નડિયાદ, ત્યાં વસતી ચેતના પોતાનાં સ્પંદનો ચોતરફ પ્રસરાવતી જ રહે છે...

દિવસમાં પાંચ વાર ધજાજી ચઢે ને ઊતરે એ પોતાની મોજમાં પળેપળ માણવા હોય તો સવજી છાયાની અગાશી જેવું રૂડું કોઈ સ્થાન નહીં અને એ ફરકતી-ચઢતી-ઊતરતી ધજાને નિહાળવામાં સવજીના પડોશીના ઘરનું નામ વચ્ચે ગજબ હાજરી પૂરે. શા માટે, ખબર છે? ધજાજી સામે નજર એકસ્થ થઈ હોય ને જ્યાં જરાક ગરદન ઝૂકે ત્યાં વંચાય ‘કૃષ્ણની પાસે’! બે ઘડી થયું કે આ ચિત્ત પર શબ્દો આવીને યાદ આપે છે કે આપણે ‘કૃષ્ણની પાસે’ છીએ? ના, આપણે હજુ એ કક્ષાએ પહોંચ્યા નથી. એ તો સવજી છાયાના પડોશીના ઘરનું નામ છે! જ્યાં દ્વારિકાધીશની ધ્વજા ફરકે છે ત્યાં જ બે શબ્દો: કૃષ્ણની પાસે! ઉપર જતી ધજા પણ ‘કૃષ્ણની પાસે’ને નીચે ઊતરતી ધજા પણ ‘કૃષ્ણની પાસે.’

ઉપર ગગન વિશાળમાં લહેરો તોય કૃષ્ણની પાસે જવાનું ને નીચે જગતમંદિરના શિખર પર ઊતરો ત્યારે પણ કૃષ્ણની પાસે રહેવાનું. ઉપર સૂક્ષ્મ તો નીચે સ્થૂળ. આમ જુઓ તો ક્યાં નથી એ? કદાચ આ તત્ત્વદર્શન પામી ગયેલો જ પોતાના ઘરનું નામ ‘કૃષ્ણની પાસે’ રાખી શકે ને! હા, આપણને આ સંકેત છે કે હરપળ યાદ રાખો-પ્રતિ પળ સ્મરણમાં રાખો કે તમે કૃષ્ણની પાસે જ છો, તો દુ:ખ-દર્દ-નિરાશા-હતાશા નજીક ક્યાંથી ફરકશે?
સાક્ષરનગરી નડિયાદ
નડિયાદનો નાગરવાડો. ગુજરાતમાં સાક્ષરવર્યોની યાદી બનાવીએ તો તેમાં નવ સાક્ષરો મોખરે રહે. એ નવેનવ આ નાગરવાડામાં નડિયાદ વસનારા! આ પણ કેવો સુભગ સમન્વય. જ્ઞાની પંડિતોનું ઠેકાણું ગણાતા નાગરવાડામાં આપણી વિરલ નવકથા ‘સરસ્વતવચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીનું ઘર કે જે આજે ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ તરીકે સચવાયું છે. ઓગણીસમી સદીનાં આ ઘરોમાં એક તે જૂનાગઢના દીવાન છગનલાલ પંડ્યાનું તો વળી એક મસ્તકવિ બાલાશંકર કંથારિયાનું ને આપણા ધર્મચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી પણ અહીં જ વસતા, પણ આ સૌમાં મહામુત્સદી ગણાતા મનસુખરામ ત્રિપાઠી તો ગોવર્ધનરામની બાજુમાં જ રહેતા. આજે પણ એમનાં મકાનો જેમનાં તેમ છે, પણ એ સૌમાં ધ્યાન ખેંચે એક મકાન, કે જેનું નામ છે: ‘અતિસુખ ભુવન’! સંશોધકો કહે છે કે અહીં ગોવર્ધનરામના ભાણિયા રહે છે. તેમના કુટુંબમાં ‘સુખ’ ધારી વ્યક્તિત્વો ઘણાં થયાં. મનસુખરામ, તનસુખરામ, પ્રસન્નસુખરામ વગેરે. આથી એ મકાનનું નામ જ રાખી દીધું ‘અતિસુખ ભુવન’! જૂનો પ્રાચીન સ્મૃતિ તાજી કરતો ઇલાકો ને એમાં કોઈ મકાન પર લખ્યું હોય ‘અતિસુખ ભુવન’ તો અકારણ જ દિલ પુલકિત થઈ જાય કે નહીં? જ્યાં અતિસુખનો જ નિવાસ હોય ત્યાં વળી ગમગીની કે ગ્લાનિ ક્યાંથી ફરકી પણ શકે? સાક્ષરો અહીં વસતા હતા તેની સાબિતી આથી વિશેષ કઈ હોઈ શકે? પોતાના ઘર પર ‘કૃષ્ણની પાસે’ કે ‘અતિસુખ ભુવન’ લખનાર પરમ સંતોષ વ્યક્ત કરી પોતાને અને તે વાંચનારને એક ઊંચાઈ સુધી લઈ જાય છે એ નક્કી. દ્વારિકા હોય કે નડિયાદ, ત્યાં વસતી ચેતના પોતાનાં સ્પંદનો ચોતરફ પ્રસરાવતી જ રહે છે!
કવયિત્રી પન્ના નાયક ‘આપણું દુ:ખ’ અને ‘આપણું સુખ’ એ પરિમાણ આમ વ્યક્ત કરે છે: ‘આપણું દુ:ખ એટલે એક ઓરડો, જેમાં ઓતપ્રોત થઈ દીવાલોને વળગી વળગી
આપણી જ ફૂટપટ્ટીથી એને માપ્યા કરતા આપણે. ને આપણું સુખ એટલે એ જ ઓરડાની બહાર પગ દેતાં ભુલાઈ ગયેલા એના બધા જ
Measurements અને બધા જ Dimensions!!’

bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો