લેખક ગુજરાતી ભાષા, સાહિત્ય અને સમાજના મર્મજ્ઞ છે.

ભગવાન આપણી પ્રાર્થના કેમ સાંભળતા નથી?

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

ભોળો ભક્ત: જયશ્રી કૃષ્ણ, જયશ્રી રામ, જય માતાજી, હે મારા ભગવાન, તમે જે હો એ, તમને પાય લાગું.
ભગવાન: (નિ:શબ્દ, અવાચક, મૌન)
ભોળો ભક્ત: કેમ કંઇ પ્રતિભાવ નથી આલતા? હું તમને ભજું છું, વારંવાર ભજું છું, તમે સાંભળો છો ને? હું તો તમને મારા નાથ ને મારા તારણહાર ગણું છું હો...


ભગવાન: (નિ:શબ્દ, અવાચક, મૌન)
ભોળો ભક્ત: મને લાગે છે કે મારે આજીજી બંધ કરવી પડશે. ભગવાન, કદાચ તમે હવે અમારી લાગણી સમજતા નથી. તમે વ્યસ્ત થઇ ગયા છો. શું હું તમારી સાથે ઊંચા અવાજે વાત કરું? તો તમે સાંભળશો ને? તમે ય હવે અમારા રાજકારણીઓ જેવા થતા જાવ છો.
ભગવાન: (દિગ્મૂઢ, સ્થિર, મૌન)

એને કાને બહેરાશ અને
આંખે અંધારું તો આપણે જ
આણ્યું છે ને...!

ભોળો ભક્ત: (આક્રોશ સાથે...) કંઇ વાંધો નહીં તો હું ય હવે તમારા જેવો મૂઢ બની જઇશ. હું તો તમને મારો જીવ સમજતો હતો ને તેથી વહાલથી પોકાર કરતો હતો... કેટલા પૂજાપાઠ! કેટલા શણગાર? કેટલો ઠાઠ-ઠઠારો તમારા જન્મદિવસે? કેટલા પૈસા ખર્ચું છું ખબર છે તમને? કેટલો શ્રમ કરું છું તમને વહાલા કરવા? પ્રેમથી-સમજથી ને જરૂર પડે તો ધાકધમકીથી ફંડ-ફાળો ઉઘરાવું છું ને તમારી મૂર્તિઓ ગોઠવી-કમાન નાખી-રસ્તા ઝળાંહળાં કરી-મસમોટાં સ્પીકરો ગોઠવી તમારાં ગુણગાન ગવાય તેવાં આયોજન કરું છું. અરે નોકરી-કામધંધામાં રજા પાડી ને કે ગૂટલી મારીને પણ આ બધું કરું છું, તોય તમને ક્યાં કદર છે અમારી?
ભગવાન: (અવાક્, સ્થિતપ્રજ્ઞ, ચૂપચાપ)


ભોળો ભક્ત: (કંટાળીને, અકળાઇ ઊઠીને...) તમને ગણાવું. રામનવમીએ રામનો જન્મ કરાવીએ. શિવરાત્રિએ મહાદેવની પ્રસાદી ગણી, ન પીવાય તોય, ભાંગ ઢીંચી તેમને રાજી કરીએ. અરે, જન્માષ્ટમીએ તો ઠેરઠેર કાનાને ભરચક્ક ટ્રાફિક વચ્ચે ય ઝુલાવીએ. ગણેશ ચતુર્થીએ તો કરોડોનો ધુમાડો કરી દાદાને પધરાવીએ. નવરાત્રીમાં ભણવામાં રજા પડાવીને ગરબે ભટકીએ. અમે તારા માટે આટઆટલું કરીએ ને તું ખરે ટાણે અમને સાથ નથી આપતો...? ગરીબી-મોંઘવારી-ગુંડાગીરી-બેકારી તો તું વધારતો જ જાય છે! તું કંઇક તો બોલ, બકા! તને સંભળાય તો છે ને કે પછી...? (મોટેથી ને રડતાં રડતાં...) હે ભગવાન, અમારો કાંઇ વાંકગુનો? અમારો કંઇ દોષ? અમે તારું શું બગાડ્યું છે કે તું આમ મોઢું સીવી ને આંખો મીંચીને બેસી ગયો છો? બોલ, મોટા, બોલ, બોલ...


ભગવાન: (સળવળીને-દબાતા અવાજે) હે દંભી ભક્ત, હે દેખાડાપ્રિય, હે શોષણખોર, હે દ્વિમુખી વ્યક્તિત્વ, હે શોમેન, હે ધર્મધંધાર્થી... બોલ, કેટલાં વિશેષણ લગાડીને તને સંબોધન કરું? મારે તો તને ‘મારા વહાલા-મારા પ્રિય’ કહીને જ વાત કરવી છે પણ પોતે કોઇનો વહાલો થઇ શકે એવો રહ્યો છો ખરો? તારો માહ્યલો તો દંભ-દેખાડા-ભભકાનો ઉકરડો બની ગયો છે... તેં જે જે ગણાવ્યું ને તે બધું મે ધીમા અવાજે સાંભળ્યું છે ને આછી નજરે જોયું છે, કારણ તારાં તોતિંગ સ્પીકરોમાં મારી પાસે જે ત્રાસદાયક ઘોંઘાટ તું ઠાલવે છે ને તેથી હું બહેરો થઇ ગયો છું.

તું ગરીબના ઘરમાં દીવો કરવાની ફરજ ચૂકીને મારી મૂર્તિને-મારા મંડપ આગળ જે ચકાચાંૈધ લાઇટ સજાવે છે ને તેથી મારી દૃષ્ટિ ઝાંખી થઇ ગઇ છે! મારે તો તારા અંતરનો અવાજ સાંભળવો છે ને તારા દિલનો દીવો નિહાળવો છે,... એ તો તું કરતો જ નથી! હું કૃષ્ણ તો ગામડા ગામમાં ગોચર ચરતી ગાયોની વચ્ચે વસનારો ને તું તો મને શહેરમાં તાણી લાવ્યો ને મારી ગાયોને પ્લાસ્ટિક ખવરાવી તેં શહેરની શાનને રફેદફે કરી નાખી અને તું મને ત્યાં શોધે છે?
મારા કાને બહેરાશ અને મારી આંખે અંધારું તો તેં જ આણ્યું છે ને? બોલ, હું તારી પ્રાર્થના કેમ સાંભળું?
bhadrayu2@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP