અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

આત્મા અને સ્ફટિક, એક રસપ્રદ તુલના

  • પ્રકાશન તારીખ12 Jul 2019
  •  

- મેનેજમેન્ટ ગીતા - અશોક શર્મા
અધ્યાત્મરામાયણની રામગીતાનો આનંદ લઇ રહ્યા છીએ. શરીર શું છે? જીવાત્મા શું છે? પરમાત્મા શું છે? શરીર અને આત્માનો કે આત્માનો અને પરમાત્માનો શો સંબંધ? આ સવાલોનો ઉત્તર કોષમિમાંસામાં જડી આવે છે. શરીર પાંચ કોષોનું બનેલું છે. જેને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ કહે છે. હકિકતમાં આ બધી શરીરની કાર્યપ્રણાલીઓ છે. જેમ કોઇ કંપનીમાં ફાઇનાન્સ, પ્રોડક્શન, લોજિસ્ટિક્સ, એચ.આર., માર્કેટિંગ અને ક્વૉલિટિ એશ્યોરન્સ વગેરે શાખાઓ હોય તે રીતે. ધારો કે કોઇ કંપનીના બૉર્ડ ઓફ ડિરેક્ટર્સ નાદારી જાહેર કરે તો? પેલા ફંક્શનલ ડિપાર્ટમેન્ટ્સ શું કરી શકે? આ વાત શરીર અને આત્માને સમજવા ઉપયોગી છે. જીવન દરમ્યાન શરીરના કોષો ચેતનવંતા હોય છે અને મૃત્યુ સાથે જ બધા કોષો બંધ પડે, શરીર મૃત્યુ પામે છે. ગીતાકાર (૨/૧૬) કહે છે, ‘નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સત:’ આત્મા એ જ સત્ય! આત્મા અમર છે. શરીર પરિવર્તનશીલ (નાશવંત નહીં!) છે. આ વાતને સમજાવવા ભગવાન રામચંદ્ર સ્ફટિકમણિનું ઉદાહરણ આપે છે.
સ્ફટિક બહુ જ રસપ્રદ રચના છે. સ્ફટિક અથવા ક્રિસ્ટલમાં અણુઓ ખાસ ભૌમિતિક આકારમાં ગોઠવાયેલા હોય છે. સામાન્ય રીતે તેના સાત પ્રકાર છે. મીઠું અને ખાંડ પણ સ્ફટિક સ્વરૂપમાં હોય છે. ઉત્તમ પ્રકારનો સ્ફ્ટિક તેને કહેવાય કે જેની આણ્વિક સંરચના ચોક્કસ અને એકરસ હોય. આવા શુદ્ધ સ્ફટિક ખૂબ મોંઘા હોય છે. સ્ફટિકના નામે વેંચાતા શિવલિંગ કે શ્રીયંત્ર મોટેભાગે કાચના બનેલા હોય છે. તમે કોઇ શુદ્ધ સ્ફટિકને લાલ રંગના કપડા પર મૂકશો તો એ ધીમે ધીમે લાલ રંગને ગ્રહણ કરશે અને એવું લાગશે કે જાણે સ્ફટિક પોતે લાલ રંગનો છે. જ્યારે તમે તેને કપડા પરથી હઠાવી દેશો ત્યારે એ ધીમે ધીમે રંગ છોડી દેશે અને મૂળ રંગહીન સ્વરૂપમાં આવી જશે.
આત્મા અને શરીરના રૂપકને સમજવા સ્ફટિકને કામે લગાડીએ. આત્મા સ્ફટિક છે અને શરીર લાલ કપડું છે. શરીરમાં પ્રવેશ કરે ત્યારે આત્મા શરીરનો રંગ-આકાર ધારણ કરી લે. જ્યારે શરીર છોડે ત્યારે રંગરૂપ છોડી દે છે. આત્મા ચેતનતત્ત્વ છે. તેના કદ કે આકારની ચર્ચા નકામી છે. એટલે જ તેને ગુણાતીત કહે છે. જો આત્મા પોતે ધારણ કરેલા શરીરના બધા ગુણ છોડી દેતો હોય તો પછી પુનર્જન્મ કે અગાઉના જન્મોના કર્મો કઇ રીતે જીવને ફળ આપી શકે? એવો પ્રશ્ન થાય છે. તેનો ઉત્તર ગીતાકાર આપે છે. કોઇ પદાર્થ પરથી પોઅસાર થતો વાયુ તે પદાર્થની વાસ/સુવાસ સાથે લઇ જાય છે. એ જ રીતે જીવ શરીર છોડી દે છે ત્યારે શરીરની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો મારફતે કરેલ સંવેદનાઓ સાથે લઇ જાય છે. જે જીવને સારાં નરસાં ફળ આપે છે. જો કર્મો સારાં તો સુગંધ સારી. એ દૃષ્ટિએ ચિત્તશુદ્ધિ અને કર્મશુદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો છે. એરફોર્સના એક નિવૃત્ત અધિકારી સાથે સેનામાં ભરતી માટેના સ્ટાફ સિલેક્શન બૉર્ડની પદ્ધતિ અંગે રસપ્રદ વાતો થઇ. તેમાં સ્પર્ધકની ‘મનસા વાચા કર્મણા’ એમ ત્રણેય દૃષ્ટિએ સજ્જ અને પ્રામાણિકતાની કસોટિ કરવામાં આવે છે. તમે જુઓ, આધ્યાત્મિક લાગતી વાતનું વ્યવહારમાં પણ કેટલું મહત્ત્વ છે?
કદ, આકાર, રંગ કે અન્ય બાહ્ય તફાવતો પરથી નજર હઠાવીને શુદ્ધ સ્ફટિક સમાન આત્મા પર નજર ઠરે ત્યારે નરસૈંયો ગાઇ ઊઠે ‘અંતે તો હેમનું હેમ હોયે’! વિચાર કરો કે આ ભાવનાનો એક નાનકડો અંશ પણ વિચાર, વાણી અને વર્તનમાં ભળે તો માણસની ક્ષમતા કેટલી વધી જાય? સંબંધો કેવા પારદર્શક અને નક્કર બને! વિશ્વાસ અને વફાદારીના ઉપવનમાં સર્વગ્રાહી સફળતાનો રાજમાર્ગ આપોઆપ કંડારાઇ જાય!
[email protected]

x
રદ કરો

કલમ

TOP