તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃતજ્ઞતા મહાપુણ્ય અને કૃતઘ્નતા મહાપાપ! જીવન: એક કૃતજ્ઞતાયોગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કર્ણ મહાભારતનું વિશિષ્ઠ પાત્ર છે. તે માતા કુંતીનો સૌથી મોટો પુત્ર હોવા સાથે અર્જુનથી પણ વધુ કુશળ બાણાવળી હતો. સૂર્યદેવની કૃપાથી કૌમાર્યવસ્થામાં કુંતીમાતાને દૈવી સંતાન થયું. લોકલાજના ભયે તેમણે બાળકનો ત્યાગ કર્યો. જે સારથિના ખોરડે રાધા નામની સ્ત્રીની ગોદમાં મોટું થાય છે. સૂર્યની દૈવી ઊર્જાથી ભરપૂર કર્ણ સૂતપુત્ર તરિકે ઉછરે છે. તેની ક્ષમતા જોઇને કૌરવ યુવરાજ દૂર્યોધન તેને પોતાની પડખે લઇ લે છે. તે કર્ણને અંગદેશનો રાજા પણ બનાવે છે. મહાભારતના યુદ્ધની પૂર્વસંધ્યાએ ભગવાન શ્રીકૃષ્ણ તેને જ્યેષ્ઠ પાંડવ હોવાનું યાદ અપાવી પાંડવોના પક્ષે આવી જવા સમજાવે છે. તેને પાંડવોના યુવરાજપદનું પણ વચન આપે છે. કર્ણ એ પણ જાણાતો હતો કે શ્રીકૃષ્ણની છત્રછાયામાં રહેલા પાંડવોનો વિજય નિશ્ચિત છે. આમ છતાં તે શ્રીકૃષ્ણને કહે છે કે જ્યારે જગ આખું સૂતપુત્ર તરિકે તિરસ્કારતું હતું ત્યારે તેને ગૌરવ અને સન્માન બક્ષનાર દૂર્યોધનનો તે દ્રોહ નહીં જ કરે, ભલે તે માર્ગે મોત સામે ઉભું હોય! જો કે એ સ્પષ્ટતા જરુરી છે કે દૂર્યોધનના ષડ્યંત્રોમાં આજીવન ભાગીદાર બનવાના દોષને કર્ણ કેવળ કૃતજ્ઞતાના પુણ્યથી ધોઇ શક્યો નહીં. જો કે આપણને આ કથાનકમાંથી કૃતજ્ઞતાબોધનો ખપ છે!
વાતનો છેડો જાત સુધી લંબાવીએ. કોઇ વ્યક્તિનો હાથ ઝાલવા કોઇ તૈયાર ન હોય ત્યારે તમે વહારે દોડી ગયા હો અને ઉગારી લીધી હોય. આવી વ્યક્તિ તમારો ઉપકાર ભૂલી જાય તો તમને કેવો આઘાત લાગે? તેને બદલે તમારા નાનકડા ઉપકારને યાદ રાખી કોઇ તમારી કસોટીની ક્ષણે મદદે દોડી આવે તો કેવું સારું લાગે? તમે માનશો? કૃતજ્ઞતા અને કૃતઘ્નતા માણસના ચારિત્ર્યને વ્યાખ્યાયિત કરતાં સૌથી અગત્યનાં બે પાસાં છે. ગીતાકારે કૃતજ્ઞતાને ખૂબ મહત્ત્વ આપ્યું છે. માણસ જન્મે ત્યારથી તેના પર ઉપકારનું મીટર ફરતું થઇ જાય છે. જન્મ આપનાર માતાપિતા, પાલનપોષણ અને શિક્ષણ આપનાર વડીલો અને ગુરુજન તો પ્રત્યક્ષ દાતા છે. તમે એ વિચાર્યું છે કે પ્રત્યેક શ્વાસે તમે તમારા આંગણામાં ઉભેલા વડદાદા કે પીપળાના આભારી છો? સાગરના ખારા જળમાંથી નેચરલ ડીસેલિનેશન ક્રિયા દ્વારા મીઠું જળ વરસાવતા સૂરજદાદા કે વનસ્પતિમાં રસકસ સિંચનાર ધરતીમાતાનો ઉપકાર ઓછો છે? લોહીપસીનો એક કરી અનાજ, ફલફૂલ, શાકભાજી કે ગોરસ પેદા કરતા ‘ધરતીના લાલ’ની મહેરબાની કદાપિ જાણી-પીછાણી છે? થોડી દૂરની વાત કરીએ.  વીજળી, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર અને જીવનરક્ષક દવા જેવી શોધખોળમાં આયખું ખરચી નાંખનાર વૈજ્ઞાનિકો તરફ આદરથી વિચાર્યું છે? આવી તો બહુ મોટી યાદી બની શકે, ખરું ને?
કોઇ દલીલ કરે કે સૂરજચંદ્ર કે ધરતી અને જળવાયુ માટે હું શું કરી શકું? અથવા હું પૈસા ચૂકવીને સગવડ લઉં છું! અરે સાહેબ! તમે આંબાના ખામણામાં પાંચસો પાંચસોની પાંચસો થોકડી મૂકી દો, તો કેરી વહેલી બેસી જશે? રૂપીયા પૈસાથી તમે કુદરતનો બદલો વાળી ન શકો! દરેક વ્યવહારની ખાસ કરન્સી હોય છે. માતાપિતાને સેવા કે નમ્રતાનો અર્ઘ્ય આપી શકાય, તે રીતે નિસર્ગની કૃપાનું વળતર વાળવાના ઉપાયો આ રહ્યા. તમારા ઘરની છતે સોલર પેનલ છે? રેઇન વૉટર રીહાર્વેસ્ટિંગ વિષે વિચાર કર્યો છે? ખાનગી વાહનને બદલે જાહેર ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ ન થઇ શકે? કચેરીમાં રીસાઇકલ્ડ કાગળનો વપરાશ કરીએ તો કેવું? આવા તો અસંખ્ય દાખલાઓ આપી શકાય. ‘પરસ્પરં ભાવયન્ત: શ્રેયમ્ પરમ્’ (ગીતા, ૩/૧૧)ને કૃતજ્ઞતા અને પર્યાવરણ સંવેદનાનો મહામંત્ર કહી શકાય. કૃતજ્ઞતા તો વખત આવ્યે પાછું વાળવાનું દર્શન છે. કશું નક્કર કરવાને બદલે ઠાલા મંત્ર ગોખવા કે ગણગણવાને દંભ કહેવાય ધર્મ નહીં. ગીતાકારને આવો ‘અ’ધર્મ જરાયે ખપતો નથી!

holisticwisdom21c@gmail.com  

 

અન્ય સમાચારો પણ છે...