‘બુધવારની બપોરે’ અને ‘એન્કાઉન્ટર’ જેવી કોલમોથી જાણીતા હાસ્યકાર અશોક દવે વરિષ્ઠ હાસ્યકારોમાં સમાવિષ્ટ છે.

ઋષિદાની હળવી કોમેડી : કિસી સે ના કહેના

  • પ્રકાશન તારીખ10 May 2019
  •  

ઋષિકેશ મુખર્જીએ પોતાના સ્ટાફ માટે બનાવેલી આ ફિલ્મ ‘સ્ટાફ’ના કમનસીબે ટિકિટબારી ઉપર કોઈ સારો બિઝનેસ ઉતારી ન શકી, પણ ફિલ્મનગરીના કદાચ આ પહેલા નિર્માતા-દિગ્દર્શક હતા, જેમણે પોતાના કાયમી સાથી કલાકારો, ટેકનિશિયનો કે કામદારો માટે પૈસેટકે કાંઈ વિચાર્યું. એમની બ્લેક-એન્ડ-વ્હાઇટ જમાનાની ફિલ્મોથી લગભગ અંત સુધી એમની ફિલ્મોના કેમેરામેન જયવંત પાઠારે, હોય, એ જ જયવંતભાઈનેે નિર્માતા બનાવીને ફિલ્મથી જે કાંઈ નફો થયો, એ સ્ટાફમાં વહેંચ્યો. દરેક ફિલ્મ દિગ્દર્શકોની જેમ ઋષિકેશ મુખર્જીની પણ ઓલમોસ્ટ એક કાયમી ટીમ હતી. જેમ કે દેવકિશન, જે ઋષિ દાની લગભગ બધી ફિલ્મોમાં હીરોના રસોઇયાના રોલમાં જ હોય. દા.ત. ફિલ્મ અાનંદમાં અમિતાભનો રસોઇયો. આ ફિલ્મમાં દેવકિશનને બદલે ગિરીશ ગોસ્વામી નામના પતલા ડોસાને ઘરના ફૂલ-ટાઇમ નોકર બનવાનો ચાન્સ આપ્યો છે. ગિરીશ હોય કે દેવકિશન, આ બંને ડોસાઓના વ્યક્તિત્વો જ એવા હતા કે, એ કાયમ માટે ગરીબગુરબા જેવા રસોઇયા જ લાગે. જીવનભર પોતાની ટીમ સાથે ફિલ્મો બનાવીને ઋષિદા બે પૈસા કમાયા હતા, એટલે ખાસ કરીને આ ફિલ્મમાં પોતાના સ્ટાફ પાસે થોડું ઘણું રોકાણ કરાવ્યું. ખોટ જાય તો એમની અને નફો થાય તો બધાનો એમાં ભાગ.
આ ફિલ્મ ‘કિસી સે ના કહેના’ય કોઈ ગ્રેટ ફિલ્મ નહોતી, પણ ન જુઓ તો અફસોસ રહી જાય. એક તો એમની ફિલ્મો હેતુલક્ષી હોય, કોમેડીનો પ્રવાહ સતત વહે જાય અને તે પણ મોટાભાગની કોમેડી ફિલ્મો જેવી જુગુપ્સાપ્રેરક નહીં. આપણા ઘરમાં બનતી વાતોની એ ફિલ્મો બનાવે. ફિલ્મ આપણા ઘરની લાગે.
ઉત્પલ દત્તને મા વિનાનો એકનો એક દીકરો ફારૂક શેખ છે, જે ડૉક્ટર થયેલી દીપ્તિ નવલના પ્રેમમાં પડે છે. ઉત્પલ દત્ત પોતે ‘એમ.એ. વિથ ઇંગ્લિશ છે’ પણ ભારતીય સંસ્કૃતિના પૂજક હોવાને કારણે અંગ્રેજી ભાષા કે કલ્ચરના પૂર્ણત: વિરોધી છે. સઇદ જાફરી જેવા દોસ્તોની મદદથી ફારૂક અને દીપ્તિ જુઠ્ઠું બોલે છે કે, દીપ્તિ ગામડાની અશિક્ષિત પણ ભારતીય સંસ્કારોવાળી ‘બહુ’ છે. સ્વાભાવિક છે, ‘જુઠ્ઠું લાંબુ ચાલે નહીં અને બે-ચાર મિનિટના દુ:ખદર્દ પછી ઉત્પલ ડૉક્ટર થયેલી ‘બહુ’ને સ્વીકારી લે છે.
સાચું પૂછો તો ફિલ્મની વાર્તા ગળે ઉતરે એવી નથી. ઋષિ દાની રેગ્યુલર ફિલ્મો જેવી અસરકારક કોમેડી આ ફિલ્મની વાર્તા કે સંવાદોમાં નથી. હસવું આવે, એ સિચ્યુએશન કોમિક અને દેવેન વર્મા કે એસ.એન. બેનર્જી જેવા પીઢ કલાકારોની સુંદર કોમેડીને કારણે!
પણ હૃદયની જેમ મનને પણ ખુશહાલ કરી આપે એવો અભિનય દીપ્તિ નવલ અને ઉત્પલ દત્તે કર્યો છે. દીપ્તિ માની ન શકો એટલી મોહક લાગે છે. આવી અણમોલ સુંદરતા હિન્દી સ્ક્રીન ઉપર જવલ્લે જ આવી છે. હું કવિ નથી એટલે દીપ્તિની આંખોની સરખામણી કોઈ કમળ-બમળના ફૂલની પાંદડી-ફાંદડી સાથે નહીં કરી શકું કે એના વાળનો જથ્થો અથવા એનું સંપૂર્ણ કક્ષાએ ખીલેલું રૂપ આ ફિલ્મમાં વર્ષો પહેલાં જોયા પછી આજે એ જ દીપ્તિને જોઈને જીવો તો બળતા નથી, પણ વાસ્તવિક્તાનો સ્વીકાર કરતાં બગલ બળી જાય છે કે, એ જ દીપ્તિ આજે કેવી સામાન્ય દેખાવની થઈ ગઈ છે, જાણે એક જમાનામાં પેલું રૂપ જ નહોતું અર્થાત્ આજે જે રૂપ-સ્વરૂપ છે, તે કાલે રહેવાનું નથી.
મને યાદ છે, અમદાવાદની સ્પોર્ટ્સ-ક્લબમાં 70ની સાલમાં જે ધડકધડક સુંદર સ્ત્રીઓ જોઈને એમના ગોરધનોની ધાંયધાંય ઈર્ષા થતી, એ જ બંને જણાંને આજે દાયકાઓ બાદ જોયાં પછી પેલીની નહીં, પેલાની દયા આવે છે. ‘હલવઈ ગયો બિચારો!’ અને આવા કોઈ બે-ચાર યુગલો નહીં, અનેક કપલ્સ છે, જેમાં સ્ત્રીઓ યુવતીઓ હતી ત્યારે શહેર આખાના જીવો બાળતી, પણ ઉંમર કોઈને છોડતી નથી, એમ દીપ્તિ નવલ આજે ઉંમરના પ્રમાણમાંય વધારે ઘરડી લાગે છે. દીપ્તિ અમેરિકન નાગરિક છે અને આજે તો ઘણી સામાન્ય અને વૃદ્ધ પણ લાગે છે. યાદ એટલું જ રાખવાનું કે, ઉંમર અને તબિયત કોઈને છોડતી નથી.
ફારૂક શેખ કેવો હેન્ડ્સમ હતો! કમનસીબે, શરીરનું ભાન-ધ્યાન એણેય ન રાખ્યું અને કોથળા જેવો તો થઈ ગયો, પણ એક આંખ પણ વક્ર થઈ ગઈ હતી. દીપ્તિના પક્ષે જાય એવી વાત એ છે કે, આ ફિલ્મ ‘કિસી સે ના કહેના’ સાથે જોડાયેલા અનેક લોકો જેમ કે ખુદ ઋષિકેશ મુખર્જી, ઉત્પલ દત્ત, ફારૂક શેખ, સઇદ જાફરી કે દેવેન વર્મા ગૂજરી ગયા છે. દીપ્તિ આજેય થોડી ઘણી કાર્યરત છે.
ઋષિદાની મોટાભાગની ફિલ્મોમાં વૃદ્ધ-મંડળ હોય, જે સ્વાભાવે તોફાની અને થોડું રંગીન પણ હોય! સઇદ જાફરી આમ તો હોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે, પણ ખબર નહીં કેમ, હિન્દી ફિલ્મોમાં એણે હંમેશાં લાઉડ એક્ટિંગ કરી છે. ઋષિદાની લગભગ બધી ફિલ્મોમાં બંગાળની લલિતા કુમારી હોય (જે ફિલ્મ ‘અભિમાન’માં અડધી રાત્રે, સુહાગ રાત મનાવી રહેલા બચ્ચન-જયાને ફેન-કોલ કરે છે. ઋષિદાએ એની પાસે ઉત્તર પ્રદેશની હિન્દી બોલાવી છે, પણ એ લહેજો ત્યાંથી લાવવો?) અભિનયમાં સ્વાભાવિકતા જોવી હોય તો જોઈ લો ઉત્પલ દત્તને. આપણા ડ્રોઇંગ રૂમમાં બેસીને વાતો કરતો હોય એવો સ્વાભાવિક એક્ટર. કોમેડીનું ટાઇમિંગ પરફેક્ટ કે, એ બોલે (કે કંઈ પણ કરે, તમને હસવું આવે જ!) દીપ્તિ વર્ષોથી સાફસૂફી થયા વિનાનો એના મામીનો રૂમ ઝાટકે છે, પણ કાચી ધૂળ ઊડતીય ક્યાંય દેખાતી નથી. નોર્મલી, ઋષિદાની ફિલ્મોમાં આવી બારીક ભૂલો પણ ન જ હોય!
મોટેભાગે તો પોતાની ફિલ્મોનું સંગીત સલિલ ચૌધરીને જ આપતા ઋષિદાએ કઈ કમાણીના લોસ ઉપર આ ફિલ્મના ઘટિયા ગીતો બનાવનાર બપ્પી લાહિરીને સંગીતનો ચાર્જ સોંપ્યો હશે! એક જમાનામાં રાહુલદેવ બર્મનના ફુલ-સ્પીડમાં આવતા સંગીતરથને રોડ ઉપરના બમ્પની જેમ માત્ર બપ્પી લાહિરી આડે આવતો હતો. પોતાની ફિલ્મોની ધૂનો સરેઆમ ઉઠાંતરીના દાખલા હોય. આ ફિલ્મમાં બધા ગીતો આશા ભોંસલે પાસે ગવડાવ્યા પછી અને એકેય ગીતમાં નામનુંય ઠેકાણું નથી.
મૂળ વાર્તા ડી.એન. મુખર્જીની, પણ ફિલ્મની પટકથા સચિન ભૌમિકે લખી છે (જે ફિલ્મ ‘પ્રોફેસર’ની હિરોઇન સ્વ.કલ્પનાનો એક જમાનાનો પતિ હતો.) ડોરાહી માસુમ રઝાના એક પણ સંવાદમાં હાસ્ય તો જાવા દિયો, ચમત્કૃતિ પણ નથી. આપણને ગુજરાતીઓને ગર્વ થાય, એવી સ્વાભાવિક કોમેડી સાવ નાના કિરદારમાં કેતકી દવેએ કરી છે. એકાદ ડાન્સ માટે નારાયણ પણ આવે છે. દેવેન વર્મા એક અલગ પ્રકારનો સ્વચ્છ કોમેડિયન હતો અને ઋષિદા એને ઘણો ખીલવતા. આ ફિલ્મ કેટલેક અંશે ‘નીઓ સ્ક્રૂ બોલ કોમેડી’ કહેવાય. પ્રકાર તો એ રોમેન્ટિક કોમેડીનો જ, પણ એમાં મેહમુદ કે રાજીન્દર નાથ છાપની કોમેડી ન હોય. રાજ કપૂર, નરગીસની ફિલ્મ ‘ચોરી ચોરી’ આ જોનરની ફિલ્મ હતી. જુઓ તો ગમે અને ન જુઓ તો ખાસ કાંઈ ગુમાવવાનું નથી, એવી ફિલ્મ ‘કિસી સે ના કહેના.’
ફિલ્મ : કિસી સે ના કહેના (83)
નિર્માતા : જયવંત પાઠારે
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
સંગીત : બપ્પી લાહિરી
ગીતકાર : યોગેશ ગૌડ
રનિંગ ટાઇમ : 15 રિલ્સ : 2 કલાક 10 મિનિટ્સ.
થિયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : દીપ્તિ નવલ, ફારૂક શેખ, ઉત્પલ દત્ત, દેવેન વર્મા, સઇદ જાફરી, પ્રેમા નારાયણ, એસ.એન.બેનર્જી, લલિતા કુમારી, આશા શર્મા, કેતકી દવે, નીલુ અરોરા, હરિશ મગન, યુનુસ પરવેઝ, અનુરાધા શર્મા, સુજાતા બેનર્જી, રોમુ એન.સિપ્પી, ગિરીશ ગોસ્વામી અને બપ્પી લાહિરી.
ગીતો:
1. ઢૂંઢે જશોદા ચાહું. - આશા ભોંસલે
2. કાહે ઝટકે ઇતને મારે. - આશા - બપ્પી લાહિરી
3. કિસી સે ના કહેના. - આશા ભોંસલે
4. ફૂલોં તુમ્હેં પતા હૈ મન ક્યું ખીલા. - આશા ભોંસલે
5. તુમ જબ જીવન મેં ખુશ્બૂ કી તરહ. - આશા ભોંસલે

x
રદ કરો

કલમ

TOP