બુધવારની બપોરે - અશોક દવે / સ્વ. મુકેશને ગાવા કરતાં સાંભળવો અઘરો હતો!

article by ashok dave

Divyabhaskar.com

Aug 28, 2019, 05:54 PM IST

બુધવારની બપોરે - અશોક દવે
અમેરિકાના મિશિગન સ્ટેટના ડિટ્રોઇટ શહેરમાં જવાનાં ત્રણ જ મુખ્ય કારણો હતાં. ત્રીજું કારણ, વિશ્વવિખ્યાત ફોર્ડ ગાડીઓ(Cars)નું અકલ્પનીય ‘હેનરી ફોર્ડ મ્યુઝિયમ’ જોવાની લાલચ. બીજું કારણ, મારા (ફર્સ્ટ) કઝિન દેવાંશુ દવેના વિશાળ બંગલે દુનિયાભરની મોંઘી વ્હિસ્કીઓ પીવાની તાલાવેલી અને પહેલું કારણ, મારા પ્યારા ગાયક મુકેશનું અચાનક અવસાન અહીં થયું હતું, એ બદનસીબ હોટેલ કેડિલેક અને જ્યાં એનો અંતિમ પ્રોગ્રામ થવાનો હતો એ ફોર્ડ ઓડિટોરિયમ હોલ, બંને જગ્યાઓ ઉપર રૂબરૂ જઈને જીવ બાળવો હતો, પરમેશ્વરને ફરિયાદ કરવી હતી મારા લાડકા મુકેશને છીનવી લેવા બદલ! મુકેશે ગાયેલાં તમામ 900 ગીતોમાંથી મારાં સૌથી વધુ લાડકાં બે ગીતો ‘ફરિશ્તોં કી નગરી મેં, મૈં આ ગયા હૂં મૈં...’ અને ‘પુકારો મુઝે નામ લેકર પુકારો, મુઝે તુમસે અપની ખબર મિલ રહી હૈ...’ એ બંને ગીતો એ સ્થળો પર પહોંચીને, મનમાં કોઈ સાંભળે નહીં એમ ગાઈને શ્રદ્ધાંજલિ આપવી હતી. એ મનમાં ય મેં બહુ ખરાબ ગાયું હશે, કારણ કે જવાબમાં મુકેશનું કોઈ ગીત જ નહીં, એમની હેડકી પણ આકાશવાણી સ્વરૂપે સંભળાઈ નહોતી. મુકેશ તો હેડકી ખાય એ પણ મીઠડી લાગે.
સાયગલ કે પંકજ મલિકની માફક મુકેશ પણ ખરજના ગાયક હતા. મુકેશે ગાયેલા ‘દિલ જલતા હૈ તો જલને દે...’ માત્ર એટલી જ પંક્તિ ગાઈ જુઓ. હું તમારા ખભે હાથ મૂકવા આવીશ જો આટલી પંક્તિમાંથી ફક્ત પહેલો શબ્દ ‘દિલ...’ પણ તમે ગાઈ શકો, એટલે ખરજનો સૂર કયો કહેવાય તેની ખબર પડી જશે. એણે ગાયેલો જ સૂર પકડવા જાઓ તો, બેસૂરા લાગવાના અને થોડો ઊંચો સૂર લેવા જાઓ તો અધવચ્ચે ખરડાઈ જવાના, કારણ કે ગીતના અંતે મુકેશ સૂરને ઊંચે લઈ જઈને ગીત પૂરું કરે છે, ત્યાં આપણે રાજીનામું આપી દેવું પડે. ફરિયાદ હતી કે, તીવ્ર સૂરોમાં (High pitchમાં) મુકેશ બેસૂરો થઈ જતો હતો. મનોજ કુમારની ફિલ્મ ‘શોર’ના ‘પાની રે પાની...’ ગીતના અંતરામાં મુકેશ ‘કહીં પે દેખો છત ટપકતી જીના હુઆ હરામ’ની જેમ જ્યાં સૂર ઊંચો લઈ જવો પડે ત્યાં એ બેસૂરો થઈ જતો, એવું જાણકારો કહે છે, પણ મારા જેવા એના ડાયહાર્ડ ચાહકોને એની પરવાહ નથી. મુકેશને સાંભળવો હોય તો કાનને હૃદય પાસે લઈ જવા પડે, મગજ પાસે નહીં!
મુકેશને બેસૂરો કહેનારા ઘણા ફિલ્મી લોકો પણ હતા. એ કોઈ સંગીતકારનો પરમેનન્ટ ગાયક ન હતો. સલિલ ચૌધરીને એ ખૂબ ગમતો, પણ ગમવાથી વાત બહુ આગળ ન વધે. શાસ્ત્રીય સંગીતનું (સ્વર પકડવા સિવાયનું) જ્ઞાન ન હોવાથી સંગીતકારોએ દરેક ગીતનાં ઘણાં રિહર્સલો કરાવવાં પડતાં. ફિલ્મ ‘અંદાઝ’માં મુકેશે ગાયેલાં છ ગીતો હતાં. 1. ઝૂમઝૂમ કે નાચો આજ. 2. તૂ કહે અગર જીવનભર, મૈં ગીત સુનાતા જાઉં. 3. તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છૂટે ના. 4. હમ આજ કહીં દિલ ખો બૈઠે (સાયગલની પરફેક્ટ કોપી લાગે.) 5. ક્યંૂ ફેરી નઝર, ઢાઓ ના સિતમ ઐસે અને 6. સુનાઉં ક્યા મૈં ગમ અપના ઝુબાં પર લા નહીં સકતા. ફિલ્મની લંબાઈ વધી જવાને કારણે આ છેલ્લાં બે ગીતો ફિલ્મમાં લઈ શકાયાં નહોતાં.
નૌશાદને મુકેશે આહ્્લાદક ગીતો આપ્યાં છે, ‘અંદાઝ’, ‘મેલા’, ‘અનોખી અદા’ અને ‘સાથી’માં મુકેશ છવાઈ ગયો હોવા છતાં અન્ય સંગીતકારોની જેમ નૌશાદ પણ નછૂટકે જ મુકેશ પાસે ગયા, એનું એમણે આપેલું કારણ એ હતું કે, મુકેશ પાસે (‘અંદાઝ’ના) એક-એક ગીતનાં સરેરાશ 25-25 રિહર્સલો કરાવવાં પડતાં. મુકેશ વરલી-સી ફેસ પર રહે અને નૌશાદ બાન્દ્રા. રોજ સવારની લોકલ ટ્રેન પકડીને મુકેશ બાન્દ્રા જાય અને કલાક-બે કલાક એક-એક ગીતનું રિહર્સલ થાય. નૌશાદને સમયની આ લક્ઝરી પોસાતી, કારણ કે એક વર્ષમાં એ એક જ ફિલ્મ કરતા. જ્યારે મુકેશ શંકર-જયકિશનનો માનીતો હોવા છતાં, એક-એક ગીત માટે આટલાં રિહર્સલો ધંધાની રીતે ન પોસાય.
પણ ધેટ્સ અપાર્ટ... પંડિત રવિશંકરથી માંડીને અનિલ બિશ્વાસ અને જયદેવ જેવા સંગીતકારોએ મુકેશનો લાજવાબ ઉપયોગ કર્યો જ છે. જેમનાં નામો ય કોઈને યાદ નથી, એ ભુલાયેલા ગ્રેટ સંગીતકારો દાનસિંઘ (પુકારો મુઝે નામ લેકર પુકારો... જિક્ર હોતા હૈ જબ કયામત કા... વો તેરે પ્યાર કા ગમ, એક બહાના થા સનમ), શ્રીનાથ ત્રિપાઠી (નૈન કા ચૈન ચુરાકર લે ગઈ), ઇકબાલ કુરેશી (દર પે આયે હૈં કસમ લે, દિલ હથેલી પર હૈ સુન લે), બાબુલ (મૈં દીવાના મસ્તાના, મુશ્કિલ ભેદ મેરા પા જાના) સુધીર ફડકે (તુમસે હી ઘર કહલાયા) કનુ ઘોષ (દો રોજ મેં વો પ્યાર કા આલમ ગુઝર ગયા), હંસરાજ બહેલ (નૈન દ્વાર સે મન મેં વો આકર, તન મેં આગ લગાયે) કે સ્નેહલ ભાટકર (ફરિશ્તોં કી નગરી મેં મૈ આ ગયા હૂં.) ઓહ! આવા ઇવન અજાણ્યા સંગીતકારોએ મુકેશ પાસે સૂરસમ્રાટનું કામ લીધું છે, એ બધું લખવા જઈએ તો આ લેખ 50 હપ્તામાં ચલાવવો પડે.
ઘણા જૂના વાચકો સવાલ તો ઊભો કરશે કે, તમારા આજન્મ ફેવરિટ ગાયક તો મુહમ્મદ રફી છે, એનું શું? આમાં મારે કોઈ ચોખવટો ન કરવાની હોય. હેમંત કુમાર કે તલત મેહમૂદનાં 25-50 ગીતો કાઢી આપવાનાં હોય તો શક્ય છે એ રફી કે મુકેશ કરતાં ય વધુ મીઠાં લાગે. સંગીતને સર્વોત્તમ ઊંચાઈ પર માણવાની મજા ત્યાં છે કે, કોઈની સરખામણી કોઈની સાથે કરાય નહીં. બધા ગાયકોનાં જોનર અલગ-અલગ હતાં. મુહમ્મદ રફીની સરખામણીમાં મુકેશને ગાઈ નાખવાનો તો એકદમ ઇઝી લાગે. રફીની માફક ઉપર ખેંચવા-બેચવાનું નથી, એટલે મુકેશ ગળાવગો લાગે, પણ ‘નૈન દ્વાર સે મન મેં વો આયે, તન મેં આગ લગાયે’ ગાઈ બતાવવામાં એકલું ‘નૈન’ ગાઓ તો સાયગલ કે પંકજ મલિકની યાદ અાવશે. (ગવાશે નહીં!) મુકેશે શરૂઆત એકદમ ખરજના સૂરથી કરી છે. ખરજ એટલે એકદમ નાભિમાંથી સ્વર કાઢવો. તીવ્ર એટલે રફીના ઊંચેથી ગાયેલા ‘તુમને મુઝકો હંસના સિખાયા, રોને કહોગે રો લેંગે હમ.’ સ્વરને કહેવાય. આપણું બેયમાં કામ નહીં. એ વાત જુદી છે કે, રફી સિવાય આટલા ઊંચા સૂરમાં ગાવું એ મુકેશ તો જાવા દિયો, હેમંત, કિશોર, તલત કે અમારી પોળના જીવતે જીવતા સ્વર્ગસ્વ મુકેશ ગણાયેલા બેન્કમેન પરવીણભઈનું ય કામ નહીં! મુકેશ વહેલો મરી કેમ ગયો, એનું કારણ અમારા આ પરવીણ ચડ્ડીની જેમ દેશભરના લાખો મુકેશો આપી રહ્યા છે. મુકેશના મધુરા કંઠને ન્યાય બહુ ઓછા ગાયકોએ આપ્યો છે. સ્ટેજ પર મુકેશનાં ગીતોને બિલકુલ મુકેશ જેવા ગાનારા ડૉ. કમલેશ આવસત્થી, મુખ્તાર શાહ અને સલીમ મલિકનો આભાર માનવો પડે કે, આ લોકોએ મુકેશને ભુલાવા દીધો નથી, અમર કર્યો છે. સુરતના મુકેશપ્રેમી હરિશ રઘુવંશીએ જે કામ મુકેશ માટે કર્યું છે, તે કદાચ હવે કોઈ કરી નહીં શકે. મુકેશનાં તમામ ગીતોનો સંગ્રહ જોડણીની એક પણ ભૂલ વગર એમણે વર્ષો પહેલાં બહાર પાડ્યો હતો.
મુકેશના પિતા જોરાવરચંદ માથુરનું ભારત દેશને ખૂબ મોટું પ્રદાન હતું, કે મુકેશને 9 ભાઈ-બહેન હતાં. (પિતાના નામ પ્રમાણે ગુણ કહેવાય.) પિતાના નામની અડધી લાજ રાખવા મુકેશને પોતાને ય પાંચ સંતાનો હતાં. એ પાંચમાંથી ચારે પૂરા દેશની અને સંગીતની લાજ રાખી, જિંદગીભર ગાવાનું માંડી વાળીને, પણ સાહેબશ્રી જોરાવરચંદ જ નહીં, પૂરા દેશના ધી ગ્રેટ સન મુકેશે ફિલ્મોમાં ગાઇને રફી જેવી ‘બુગાટી’ કાર ન મળે તો પોતે ‘ફેરારી’ બનીને દેશભરના સંગીતપ્રેમીઓને 35-35 વર્ષ સુધી મધુરાં ગીતોના દરિયાની સહેલ કરાવી. ઇંગ્લેન્ડને 1971ની સિરીઝમાં બી.એસ. ચંદ્રશેખરે બીજા દાવમાં છ વિકેટો લઈને લંડનમાં સિરીઝ વિજય અપાવ્યો હતો, તે બી.એસ. ચંદ્રશેખર પાસે મુકેશે ગાયેલાં લગભગ બધાં ગીતો હતાં. પાકિસ્તાનની હત્યા પામેલી વડાંપ્રધાન બેન્ઝીર ભુટ્ટોની કારમાં કેવળ મુકેશની કેસેટો વાગતી હોય તો ઇસ્લામિક દેશ ઇજિપ્તના પ્રેસિડેન્ટ નાસર મુકેશના પ્રચંડ ચાહક હતા. મારા જામનગરના રિક્ષાવાળા અણદૂ ભા શરત મૂકીને ગ્રાહક પાસેથી આઠ આના ઓછા લે, પણ મુસાફરીમાં ગીતો મુકેશનાં જ વગાડે. વચમાં કોક મળ્યો હશે કે તલત મેહમૂદનાં બે-ચાર હંભળાવોને અદા... (આંઈ અમદાવાદમાં જેને ડોહા કિયે, એને જામનગરમાં ‘અદા’ કિયે.) મુકેશને બદલે તલતની ફરમાઇશ કરી, એમાં તો અદાએ પેલાને શત્રુશલ્ય ટોકીઝ પાસે ઉતારી દીધો. પેલો કહે, ‘પણ મારે તો હવાઈ ચોક જાવું છે. મને આંઈ કાં ઉતાઇરો?’ અદાએ ઝણઝણાવીને કીધું, ‘રાંઇંડનાવ, ગીતું તલતનાં હાંભળવાં છે ને બેહવું છે મહારાજાધિરાજ મુકેશના છકડામાં? હાઇલતો થા, ભા’આય...’
સિક્સર
સિક્સર
પાકિસ્તાન સામે ’65ની વોરમાં પાકિસ્તાનની છ ટેન્કો એકલે હાથે ઉડાવી મારીને શહીદ થયેલા વીર અબ્દુલ હમીદના પુત્રએ તાજા ટીવી ઇન્ટરવ્યૂમાં, 370 અનુચ્છેદ રદ કરવાથી બોખલાયેલા પાકિસ્તાનને ખુલ્લમખુલ્લા પડકાર આપ્યો છે કે, ‘તું ભારતના મુસલમાનોને ઉશ્કેરવાનું બંધ કર. અહીંનો મુસલમાન સંપૂર્ણ સલામત છે અને ખુશ છે. પૂરા પાકિસ્તાનની વસ્તી કરતાં ભારતમાં મુસલમાનો વધારે છે. અમારો એક-એક મુસલમાન પાકિસ્તાની બોર્ડર પર એક-એક લોટો પાણી ઢોળી આવશે તો ક્યાંય તણાઈ જશો,
એની ખબરે ય નહીં પડે.’પાકિસ્તાન સામે ’65ની વોરમાં પાકિસ્તાનની છ ટેન્કો એકલે હાથે ઉડાવી મારીને શહીદ થયેલા વીર અબ્દુલ હમીદના પુત્રએ તાજા ટીવી ઇન્ટરવ્યૂમાં, 370 અનુચ્છેદ રદ કરવાથી બોખલાયેલા પાકિસ્તાનને ખુલ્લમખુલ્લા પડકાર આપ્યો છે કે, ‘તું ભારતના મુસલમાનોને ઉશ્કેરવાનું બંધ કર. અહીંનો મુસલમાન સંપૂર્ણ સલામત છે અને ખુશ છે. પૂરા પાકિસ્તાનની વસ્તી કરતાં ભારતમાં મુસલમાનો વધારે છે. અમારો એક-એક મુસલમાન પાકિસ્તાની બોર્ડર પર એક-એક લોટો પાણી ઢોળી આવશે તો ક્યાંય તણાઈ જશો,
એની ખબરે ય નહીં પડે.’

[email protected]

X
article by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી