‘બુધવારની બપોરે’ અને ‘એન્કાઉન્ટર’ જેવી કોલમોથી જાણીતા હાસ્યકાર અશોક દવે વરિષ્ઠ હાસ્યકારોમાં સમાવિષ્ટ છે.

હસબન્ડ મને પ્રેમ કરે છે કે નહીં, એ જાણવાની કોઈ ચાવી છે?

  • પ્રકાશન તારીખ12 Aug 2019
  •  

એન્કાઉન્ટર- અશોક દવે
⬛ શું ‘પબ્જી’ રમવી નુકસાનકારક છે?
- કછોટ દિવ્યેશ રમેશભાઇ, લોઢવા
- એનો આધાર તમે કેટલા નવરા છો, એના ઉપર છે.
⬛ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બનાવનારાઓએ ચોમાસામાં પાણી ટપકવાનો વિચાર કેમ કર્યો નહીં હોય?
- ધીમંત એ. ભાવસાર, બડોલી-ઇડર
- મોદીએ એટલું જ કહ્યું હતું કે, ‘ખાતો નથી ને ખાવા દેતો નથી’... એમાંનું અડધું તો સાચું પડ્યું ને?
⬛ ચારે બાજુ આડેધડ બંધાતાં મંદિરો-દેરાસરો પાછળ આટલો જંગી ખર્ચો?
- મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ
- એ બનાવનારાઓ પાસે દેશના સૈનિકો માટે એક રૂપિયો માંગો તો એક રૂપિયો આપે એવા છે. અલબત્ત, એ એક રૂપિયાના દાનવીર તરીકે તખ્તીમાં એમના પિતાશ્રીનું નામ કોતરાવવું જોઇએ.
⬛ બહુ ટેઅઁઅઁ...ટેઅઁ કરતું’તું એ નવજોત સિદ્ધુને ય એની જ પાર્ટીએ અપમાનિત કરીને કાઢ્યું...
- જસબીરસિંહ ગોયના, મુંબઇ
- એને એનો ડર નથી. ડર એને પાકિસ્તાનવાળા હવે કાઢી મૂકે એનો છે. બહુ ડાયું થતું’તું.
⬛ પરણેલો પિલાય, વાંઢો વિલાય, એ જાણીને તમારું દર્દ કયા શબ્દોમાં છલકાય?
- નિખિલ પટેલ, ધરમપુર-વલસાડ
- 25-30 વર્ષમાં તમે કવિ બની જશો.
⬛ પુરુષના જીવનમાં અહંકાર ને સ્ત્રીના જીવનમાં અલંકાર, તોફાન મચાવી દે, એ વાત સાચી?
- વિપુલ સુંઢેશા, માલગઢ-ડિસા
- સ્ત્રી અહંકારથી શોભે ય ખરી. પુરુષ અલંકારથી કેવો લાગે?
⬛ રાજ્યના કોઇ મંત્રીને મળવું છે. કોઇ ઓળખાણ ખરી?- ભીખાજી મારવાડી, ચમનપુરા
- હા. એ તમને મુખ્ય સચિવ પાસે મોકલશે. સચિવ તમને સ્ટાફમાં મિ. ચાવડાને મળવાનું કહેશે અને ચાવડા તમને બહાર લોબીમાં જઇને ડાબી બાજુ સીધી સીડી આવે છે, નીચે ઊતરી જવાની સલાહ આપશે. પ્રધાનશ્રીને મળવા કરતાં સ્ટાફના કોઇને મળી લો. પ્રધાનો સ્ટાફને રોજની બસ્સો આવી ચિઠ્ઠીઓ મોકલતા હોય. સ્ટાફોમાં ફરી ફરીને ગાંધીનગરથી અમદાવાદ આવતા ઇ.સ. 2024ની ચૂંટણી આવી જશે.
⬛ શ્રીમતી હકીમા સ્માર્ટ સેન્સ ઓફ હ્યુમર ખરી?
- ચૌલા ગિરિરાવ આપ્ટે, વડોદરા.
- એ વિના મને પરણી હશે?
⬛ વડાપ્રધાન ‘યોગ દિવસ’ની જેમ ખેડૂત-દિવસની ઉજવણી કેમ નથી કરાવતા?
- સંજય ચૌધરી, રાધનપુર
- જરૂરત ‘ખેતમજૂર દિન’ ઊજવવાની છે, જે સાચ્ચે જ તરછોડાયેલા છે.
⬛ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવાની ના પાડી, એવી ના વડાપ્રધાન બનવાની પાડી હોત તો?- મધુસૂદન સી. ઠાકર, રાજપીપળા
- દેશની પ્રજા એ ના સાંભળવા ય ક્યાં રોકાઇ?
⬛ મારી વાઇફ મારા બર્થ-ડે વખતે એવી કેક લઇ આવી જેના ઉપર આઠ છરી વળી ગઇ, પણ કેક ન કપાઈ!- કમલેશ બુલાખીવાલા, નડિયાદ
- એ કેકને બદલે આરસપહાણ લઇ આવ્યા હતા.
⬛ તમારા મતે ગુજરાતી ફિલ્મોનો આજ સુધીનો સર્વોત્તમ એક્ટર કોણ?
- પ્રકાશકુમાર કે. ઝાલા, કાલેસર-છીપડી, ખેડા
- એ નક્કી કરી શકું, એટલી સંખ્યામાં ગુજરાતી ફિલ્મો જોઇ નથી.
⬛ તમારી લાઇફમાં આંખો ખોલી નાંખતી કોઇ ઘટના બની છે?- જ્યોતિ સારાવાલા, જામનગર
- સવાર ઊંઘમાંથી ઊઠતા રોજ બને છે.
⬛ મને રોજ રાત્રે ઊંઘ નથી આવતી. શું કરવું?
- પ્રવીણભાઇ સુદેશરા, આણંદ
- તમે સૂઇ ગયા છો, એવું પેલીને લાગવા દો... પછી એને નહીં આવે!
⬛ તમને ફેમિલી સાથે કોઇ ભભકાદાર મોંઘી હોટલમાં અમારે જમાડવા છે.
- મનીષ જે. પટેલ, અમદાવાદ
- મુખવાસ આવી જાય પછી સીધું દોડવાનું ને?
⬛ પાણીપૂરીની લારીઓમાં ગ્રાહકને પાણી સાથે પીવડાવવાનું પાણી ક્યાંથી લાવતા હશે?
- સંગીતા જયમન પટેલ, અમદાવાદ
- ખૂબ ચાલતી લારી જ્યાં ઊભી રહેતી હોય, એની પાછળના બંગલાવાળા ટાંકામાંથી લેવા દે છે.
⬛ તમને પોતાને ચાલુ કારમાં મોબાઇલ વાપરતા જોયા...- કેતન જ. શાહ, મહેમદાવાદ
- ઓહ... એ તો વાઇફનો હતો!
⬛ હવે સાંડેસરા-બ્રધર્સનાં કૌભાંડો ફૂટ્યાં.
- સત્તારભાઇ જાલીવાલા, અમદાવાદ
- હાળા બહુ નસીબદાર છે. આપણું તો કશામાં નામ જ આવતું નથી.
⬛ તમે ગાર્ડનમાં ચાલવા જાઓ છો, ત્યાં તો તમને બધા ઓળખતા હશે ને?
- ભૂપતભાઇ મહેતા, અમદાવાદ
- અઢી વર્ષથી જાઉં છું. હજી સુધી એકે ય નું નામ જાણતો નથી. ચાલતી વખતે ચાલવાનું જ.
⬛ એના જન્મદિને પત્નીને કઇ ગિફ્ટ આપીએ તો એ રાજી થાય?- જે. ડી. પટેલ, ગોધરા
- હવે બિચારી 90-95એ પહોંચી હશે. ગુલાબનું ફૂલ ન અપાય, મારા વીરા!

⬛ બધી જ્ઞાતિઓવાળા પોતપોતાનો ચોકો બનાવીને બેસી ગયા છે, બ્રાહ્મણોનો ક્યારે?
- શિવાંગ જે. ત્રિવેદી, જામનગર
- બધું મળીને 84-જાતના બ્રાહ્મણો છે. એ 84માંથી સૌથી ઊંચા કયા, એ નક્કી કરવામાં હજી તો સાતેક હજાર વર્ષ ચાલશે. પછી વાત. સાત-આઠ હજાર વર્ષ પછી એકાદો બોલશે કે, અમારા કરતાં ફલાણા વધુ ઊંચા ત્યારે કંઇક શરૂઆત થશે.
⬛ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું.
- પ્રતાપરાય હીરવા, સુરત
- કોઇ માણસ પહેલી વાર પુણ્યનું કામ કરતો હોય તો એને ટોકવો ન જોઇએ.
⬛ તમે આત્મકથા ક્યારે લખશો?
- શનાયા ટી. છાયા, મુંબઇ
- મોટાભાગે તો હું રાત્રે જ લખતો હોઉં છું.
⬛ ‘નારી તું નારાયણી’, તો નર?
- શૈલેશ ગજુભાઇ રાવ, વલસાડ
- મને નરોમાં રસ નથી.
⬛ નવજોતસિંહ સિદ્ધુને હવે કોંગ્રેસ પણ સંઘરતી નથી.
- ચેતન આર. પંડ્યા, રાજકોટ
- આપણામાં ધોબીના કૂતરા માટે કોઇ કહેવત છે ખરી!
‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇમેલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: [email protected]

x
રદ કરો
TOP