‘બુધવારની બપોરે’ અને ‘એન્કાઉન્ટર’ જેવી કોલમોથી જાણીતા હાસ્યકાર અશોક દવે વરિષ્ઠ હાસ્યકારોમાં સમાવિષ્ટ છે.

‘કારવાં’ની સક્સેસમાં આર.ડી., આશા, અરૂણાનો હિસ્સો છે

  • પ્રકાશન તારીખ19 Jul 2019
  •  

ફિલ્મ ઈન્ડિયા - અશોક દવે
નાસિર હુસૈનની ફિલ્મો ચાલતી એના બેનમૂન ગીતોને કારણે. ફિલ્મ બુદ્ધિ વગરની જ હોય, પણ બીજી ફિલ્મો કરતાં નાસિરની ફિલ્મોમાં મનોરંજન અને કોમેડી ભરપૂર. એની ફિલ્મ ‘ફિર વોહી દિલ લાયા હૂં’થી એણે કલર-ફિલ્મો બનાવવાની શરૂઆત કરી અને બધી ફિલ્મો મજા પડી જાય એવી. મોટાભાગે શૂટિંગ આઉટડોર કર્યું હોય અને એય બરફાચ્છાદિત પહાડી ઇલાકાઓમાં. વાર્તા-ફાર્તા સાથે નાસિરને કોઇ લેવા-દેવા નહોતી. એ એક માત્ર નિર્માતા-દિગ્દર્શક છે, જેણે ફક્ત એક જ વાર્તા(!) પરથી ઘણી ફિલ્મો બનાવી. ‘દિલ દેકે દેખો’, ‘તુમ સા નહીં દેખા’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘ફિર વો હી દિલ લાયા હૂં’, ‘પ્યાર કા મૌસમ’ સુધી તો મને યાદ છે, આ બધી ફિલ્મોમાં હીરો એની ગરીબ મા સાથે રહેતો હોય, હીરોઇનનો બાપ ધનવાન હોય, એના ખોવાયેલા પુત્ર તરીકે વિલન કાવાદાવા કરે અને છેલ્લે હીરો વિલનની ધોલાઇ કરીને સાબિત કરી આપે કે ખોવાયેલો પુત્ર પોતે છે અને હીરોઇનને પાલક પુત્રી તરીકે એટલા માટે ઉછેરી હોય કે એક્સિડેન્ટમાં એનો બાપ મરતા મરતા ધનવાનને પુત્રી સોંપતો ગયો હોય! છેલ્લે હીરો-વિલનની મારામારી અને ફિલ્મ પૂરી.
બધી ફિલ્મોમાં કોમન વાતો ઘણી નીકળે. હીરો સુંદર છોકરીની શોધમાં (ખાડિયામાં એ જમાનામાં આવા સંકલ્પકારો માટે ‘ઝાંખું’ શબ્દ વપરાતો) ખભે ગિટાર લઇને નીકળી પડે અને છોકરીઓ માટે ગીત ગાય, ‘જવાનિયાં યે મસ્ત મસ્ત બીન પીએ’ (ફિલ્મ ‘તુમસા નહીં દેખા’), ‘દિલ દે કે દેખો’ (ટાઇટલ સોંગ), ‘બિન દેખે ઔર બિન પહેચાને, તુમ પર હમ કુરબાન’ (દેવ આનંદ-‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’), ‘લાખોં હૈં નિગાહ મેં, ઝિંદગી કી રાહ મેં’ (‘ફિર વો હી દિલ લાયા હૂં’-જોય મુખર્જી), ‘યેે ખુશ નઝારે યે ખુશ નઝારે’ (‘પ્યાર કા મૌસમ’-શશી કપૂર). દરેક હીરો ખભે સ્પેનિશ ગિટાર લઇને નીકળ્યો હોય પણ હરામ છે, એમાંના એકેયે વગાડી હોય! બધા હીરો શહેરની બહાર આઉટ-હાઉસમાં રહે. બધાની વિધવા મમ્મીઓને ગોળ રીમના ચશ્મા પહેર્યાં હોય અને મોંઘીદાટ કશ્મિરી શોલ ઓઢે. નાસિર હુસૈનની ફિલ્મોની હીરોઇનો હીરોને નફરત કરતી હોય, પણ વિલનને પ્રેમ કરે, જે હીરોઇનની ‘દૌલત’ પચાવી પડાવવા કાવાદાવા કરતો રહે. જોકે, એ વખતની નાસિરની મોટાભાગની ફિલ્મોમાં કોમેડી અને કોમેડિયન (રાજેન્દ્રનાથ) લાજવાબ હોય. રાજેન્દ્રનાથનું પરમેનન્ટ નામ ‘પોપટલાલ’ દેવ આનંદવાળી ફિલ્મ ‘જબ પ્યારા કિસીસે હોતા હૈ’થી પડી ગયું. નાસિર હુસૈનની ફિલ્મોનું સંગીત બેમિસાલ, છતાં એની તમામ ફિલ્મોમાં ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ તદ્દન બજારૂછાપ ગીતો લખ્યા છે. હિન્દી ફિલ્મોમાં આજ સુધી સાહિર લુધિયાનવી જેવો ગીતકાર થયો નથી. નાસિરની દરેક ફિલ્મમાં સંગીતકારોય બદલાય, પેલા લોકોનું સંગીત સુપરહિટ હોવા છતાં! જેમ કે, ‘દિલ દે કે દેખો’- ઉષા ખન્ના. ‘તુમસા નહીં દેખા’- ઓપી નૈયર, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’-શંકર-જયકિશન, ‘ફિર વો હી દિલ લાયા હૂં’ -ઓપી નૈયર, ‘પ્યાર કા મૌસમ’- રાહુલદેવ બર્મન. જે એ પછીની નાસિરની (બર્મન અને નાસિર બંને ફ્લોપ જવા માંડ્યા ત્યાં સુધી) ફિલ્મોમાં બર્મન જ ચાલ્યો.
આજની ફિલ્મ ‘કારવાં’એ, એ વખતે ટિકિટબારી ઉપર સારું તોફાન મચાવ્યું હતું. લોકોને આવી હળવી ફિલ્મો ગમતી હતી. ફિલ્મની વાર્તામાં ફિલ્મ બનાવનારાઓય બહુ પડ્યા નહોતા, એટલે આપણેય મહેનત કરવી નથી. છતાં જેમણે આ ફિલ્મ જોઇ હતી, એમને થોડુંઘણું યાદ આવે માટે ઝડપથી વાર્તાનો ટૂંકસાર કહી દઇએ: આશા પારેખના ઉદ્યોગપતિ બાપ (મુરાદ)નું ખૂન કંપનીનો જનરલ મેનેજર (કૃષ્ણ મહેતા) ચોથા માળની બારીમાંથી ફેંકી દઇને કરે છે, જેની સાક્ષી એની પ્રેમિકા ક્લબ ડાન્સર હેલન છે. આશાને ખબર ન હોવાથી, પેલા બંનેની જાળમાં ફસાઇને આશા કૃષ્ણ સાથે લગ્ન કરી લે છે. આશાની હત્યા કરવાના ઇરદાથી એની કારની બ્રેક-ફેલ કરાવી દે છે અને એક્સિડન્ટમાં આશા પોતાને બચાવી લે છે અને ભાગી જાય છે. કૃષ્ણ એને શોધતો ફરે છે, પણ ગામેગામ મનોરંજનના શો કરીને રઝળપાટ કરતાં બનજારાઓના કારવાં (કાફિલા)માં જીતેન્દ્ર એ લોકોના સામાનની હેરફેર કરવા ટ્રક રાખે છે, જેમાં સંતાઇને આશા પણ વાર્તામાં ઘૂસ મારે છે. પ્રેમ તો થવાનો જ, પણ વિલન વગર સ્ટોરી આગળ ન ચાલે, એટલે અરૂણા ઇરાનીને (વિલનનું સ્ત્રીલિંગ) વેમ્પ બની છે. છેલ્લે મારામારી પછી સત્યનો વિજય.
આશા પારેખ અને હું વર્ષો પહેલાં સુરતના એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર સાથે હતા. મારી આદત મુજબ, સ્ટેજ પરથી આશા પારેખ માટે નાનકડી મજાક કરી. પ્રોગ્રામ પછી મેં પૂછ્યું, ‘બેન, કાંઇ વધારે પડતું તો બોલાઇ ગયું નથી ને?’ આ ખેલદિલ સ્ત્રીએ એવું જ હસતાં કહ્યું, ‘No Ashokbhai, everything in good honour is enjoyable.’
જીતેન્દ્ર એના જમાનાના કોઇ પણ હીરો કરતા વધુ સફળ હતો. એક્ટિંગમાં મીંડુ, પણ એ જમાનામાં એક્ટિંગ જોઇતી હતીય કોને? આ ભઇ વધુ સફળ થયા એની ડાન્સિંગ-સ્કિલ્સને કારણે, જે એ સમયના અન્ય હીરો ધર્મેન્દ્રો, જોય મુખર્જીઓ કે મનોજકુમારોના કોર્સ બહારનો વિષય હતો. જીતુભઇને ડાન્સ કરવાની ‘કારવાં’ જેવી ફિલ્મો ઘણી મળતી. જીતેન્દ્રનો ચમચો બનતો (કહેવાતો)કોમેડિયન રવીન્દ્ર કપૂર પંજાબી ફિલ્મોમાં હીરો તરીકે આવતો. લતા મંગેશકરના ચાહકોએ જ સાંભળ્યું હોય, એ ફિલ્મ ‘કુંવારી’નું ગીત ‘પ્યાર કે પલછીન બીતે હુએ દિન, હમ તો ન ભૂલે તુમ ભૂલ ગયે...’ એ 1966ની આ ફિલ્મનો હીરો રવીન્દ્ર કપૂર હતો.
કસાયેલા સ્નાયુબદ્ધ શરીરવાળા હેન્ડસમ વિલન કૃષ્ણ મહેતાએ ફિલ્મના શરૂઆતમાં મુરાદ સાથેના દૃશ્યોમાં ‘ટક્સિડો’ પહેર્યો છે. આ કૃષ્ણ મહેતા ગુલાબી સ્કિન, પરફેક્ટ સ્નાયુબદ્ધ શરીર અને સુંદર ચહેરાને કારણે હિન્દી ફિલ્મોમાં આવ્યો તો ખરો, પણ ખાટલે મોટી ખોડ. એક્ટિંગ કે હાવભાવ દર્શાવવાના ઠેકાણાં નહીં, એમાં ન ચાલ્યો. એ પંજાબી હતો! એ પરણ્યો હતો ગાયનેક ડો. કેટી ઇરાનીને. ભારત છોડીને આખું ફેમિલી અમેરિકામાં સ્થાયી થયું, જ્યાં કૃષ્ણ મહેતા અલ્બાનીમાં જ 22 ડિસેમ્બર, 2017ના રોજ હાર્ટ એટેકમાં ગુજરી ગયો. અમેરિકન ટેલિવિઝન પર કૃષ્ણ ‘યોગ’ના નિયમિત પ્રોગ્રામો આપતા. યુ.પી. કે મુંબઇ બાજુ બધાને ‘કૃષ્ણ’નો ઉચ્ચાર ફાવ્યો નથી, એટલે ‘કૃષ્ણ’નું કિસન, કિસન, ક્રિષ્ણા, કિસના કરી નાખ્યું. આપણા ગુજરાતમાં પણ ભણતર બહુ મોડું ચઢ્યું અને જે ઉચ્ચાર ન ફાવતો હોય, એની ‘મધર મેરી’ કરાવી નાખવાની, એટલે ગુજરાતમાં ‘કરસન’ બની ગયો. ઓછું ભણેલાઓ રફી સાહેબનો ઉચ્ચાર આજેય ખોટો કરે છે, ‘મોહમદ’ કે ‘મોહમ્મદ’ જેવો કોઇ શબ્દ ઊર્દૂ-હિન્દીની માન્ય ડિક્શનરી કે પવિત્ર કુરાનમાં પણ નથી. સાચો સ્પેલિંગ અને ઉચ્ચાર ‘મુહમ્મદ’ છે. રફી સાહેબ પોતે પણ પોતાનો ઉચ્ચાર અને જોડણી ખોટી લખતા હતા, ‘મોહમદ રફી’. (વધુ આવતા અંકે)
ફિલ્મ: ‘કારવાં’ (’71)
નિર્માતા: તાહિર હુસૈન
નિર્દેશક: નાસિર હુસૈન
સંગીત: રાહુલદેવ બર્મન
ગીતકાર: મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ: 17-રીલ્સ
થિયેટર: લાઇટ હાઉસ (અમદાવાદ)
કલાકારો: જીતેન્દ્ર, આશા પારેખ, અરૂણા ઇરાની, મદન પુરી, કૃષ્ણ મહેતા, રવીન્દ્ર કપૂર, મનોરમા, મુરાદ, અનવર અલી, સંજના, દુલારીબાઇ, શિવરાજ, ચાંદબાલા, બાજીદ ખાન, શ્યામ બિહારી, અપ્પી ઉમરાણી, હેલન, મહેમૂદ (જુ.) અને આતમ પ્રકાશ.
ગીતો:
1. હમ તો હૈ રાહી દિલ કે, પહોંચેંગે રુકતે ચલતે... કિશોર કુમાર
2. પિયા તૂ, અબ તો આજા ... - આશા ભોંસલે
3. દિલબર હાં દિલબર, દિલ કી સુનતા જા રે... - લતા
4. ચઢતી જવાની, મેરી ચાલ મસ્તાની... લતા-મુહમ્મદ રફી
5. અરે હો, ગોરીયા કહાં તેરા દેસ રે... આશા-મુહમ્મદ રફી
6. દૈયા રે મૈં કહાં આ ફંસી...- આશા ભોંસલે
7. અબ જો મિલે હૈં તો બાંહોં કો બાંહોં મેં... આશા ભોંસલે
8. કિતના પ્યારા વાદા હૈ... - લતા-મુહમ્મદ રફી

x
રદ કરો

કલમ

TOP