એન્કાઉન્ટર / ગુજરાતીઓની વિશેષ ખાસિયત કઇ?

article by ashok dave

અશોક દવે

Jun 04, 2019, 02:36 PM IST

⬛ જરાક અમથો ઝઘડો થયો એમાં સસુરજી મારી પત્નીને એના પિયર લઇ ગયા. આ ક્યાંનો ન્યાય?
- એમ.એસ. ચુનાવાલા, સુરત
- મારે ત્યાં તો સાળીઓ ય જમા કરાવી જાય છે.
⬛ અમારી સોસાયટીમાં ગાડીઓ ઉપર રોજ કૂતરાં ચઢી બેસે છે, કોઇ ઉપાય?
- નૃપેશ પટેલ, નડિયાદ
- આવી ફરિયાદ મોદી કરતા હોય, એ સમજી શકાય! ઓહ! બાત યહાં તક પહુંચી હૈ?
⬛ ઘરે વગર આમંત્રણે ટપકી પડતા મહેમાનોને બંધ કરવાનો કોઇ ઉપાય?
- દક્ષેશ પિનાકિન દવે, અમદાવાદ
- જમવા બોલાવો અને રસોઇ વાઇફ પાસે કરાવો.
⬛ તમને દરિયામાં તરતા આવડે છે?
- શ્રૃતિ છાબવાલા, સુરત
- ભૂસકો મારવાના હો, એના એક દિવસ પહેલાં કહેવડાવી દેજો.
⬛ તમે જૈન ધર્મ કે ઇસ્લામમાં માનો છો?
- સેવન્તીલાલ ચુ. શાહ, પાલિતાણા
- એકલો એકલો એમ હું આદર ન માનું. એ લોકો મારા હિન્દુ ધર્મને સંસ્કારી રીતે માન આપવાના હોય તો જ.
⬛ વ્હિસ્કીવાળો પાર્ટનર દર ત્રીજી સેકન્ડે હેડકી ખાતો હોય તો શું કરવું?
- વિશાળ મનુચંદ્ર શાહ, રાજકોટ
- પાર્ટી એણે ગોઠવી હોય તો કાંઇ ન બોલાય. આપણે ગોઠવી હોય તો ઉબેરનું ભાડું પકડાવી એની બાને સીધી આપણા ઘેર બોલાવવી જોઇએ.
⬛ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ અને બાલાકોટ હવાઇ હુમલાને ભારતનું નાટક કહેતા દેશદ્રોહીઓને શું જવાબ આપવો?
- ઇલિના જ્યોર્જ ક્રિશ્ચિયન, સુરત
- નાટક કરીને એક વાર બંદૂક જાતે ફોડી તો જુઓ, બધી ઠેંગડી નીકળી જશે.
⬛ કહે છે કે, રાજસ્થાનના ડુંગરપુર જેવા સ્વચ્છ અને સુઘડ રસ્તા દેશમાં અન્યત્ર જોવા નહીં મળે.
- ચંદુભાઇ અગરવાલજી, ડુંગરપુર-રાજસ્થાન
- તમારા સુધી પણ ‘એન્કાઉન્ટર’ પહોંચે છે ને વાંચીને પોતાના રાજ્યનાં વખાણ પણ કરો છો. તમે એક કામ કરો, ગાંધીનગર કે અમદાવાદ શિફ્ટ થઇ જાઓ.
⬛ પહેલાં મરઘી આવી કે ઇંડું?
- વજાભાઇ લાંબરિયા, વડોદરા
- પહેલાં વજાભાઇ આવ્યા કે લાંબરિયા?
⬛ એક પરિણીત ભારતીય નારી પાસે એવું શું છે, જે પોતાના પતિને કદી બતાવતી નથી ને આખા શહેરમાં બતાવતી ફરે છે?
- સિદ્ધેશ્વરી શાહ, મોરબી
- ભેજું.
⬛ ચોરાયેલા મોબાઇલની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં, અનુભવ એવું કહે છે, ‘આજ સુધી એકેયનો મોબાઇલ પાછો મળ્યો નથી.’ પોલીસ સ્ટેશનમાં નજર સામે પડ્યો હોય તો ય લઇ ન શકાય!
- ભરતકુમાર શાંતિલાલ પટેલ, મહેસાણા
- અમારી તો ચાદરો અઠ્યાવીસ વર્ષથી પડીને સુકાઇ ગઇ છે. 28 વર્ષ પહેલાંનું બિલ લાવો, પછી વાત.
⬛ કોઇની સાથે મોટો ઝઘડો થઉં-થઉં કરી રહ્યો હોય, તો જીતવાનો ઉપાય શું?
- ધ્વનિ કુમારભાઇ પટેલ, મહેસાણા
- એ હેડકી ખાવા ઉપર ચઢી જાય ત્યાં સુધી રાહ જુઓ.
⬛ પત્ની ગુમાવવી ઘણું અઘરું પડે છે. કેટલાક તો એ તદ્દન ‘અશક્ય’ જ માને છે.
- પરેશ જયંતભાઇ વિરાણી, ભાવનગર
- એ ન જતી હોય તો આપણને વહેલા ઉપડવામાં શું વાંધો છે?
⬛ બે ગોકળગાયો રસ્તો ક્રોસ કરતી હતી. પહેલાવાળી કહે, ‘ચલ ને જલદી નીકળી જઇએ.’- જુમ્માદ્દીન સંખડીવાળા, જમાલપુર
- પહેલીએ જવાબ આપ્યો, ‘એમ ઉતાવળ ન કર. બીજી બસ કલાકમાં આવતી જ હશે.’
⬛ આઇ.પી.એલ.ની બધી મેચો છેલ્લી ઓવર સુધી જતી હતી. ફિક્સિંગ જેવું કાંઇ હશે?
- દિવ્યરાજ ડાભી, ભાવનગર
- ને તો ય, આપણે જોતા હતા ને? આપણને શું ફર્ક પડે છે, જે તે મેચ ફિક્સ હતી કે નહીં?
⬛ હંમેશાં સાચું બોલનારને જ સજા કેમ થાય છે?
- વનરાજસિંહ બારડ, કોડિનાર
- તમે આટલા ‘ઇમોશનલ’ ન થઇ જાવ. આમાં તો હું ય રડી પડીશ!
⬛ આજના યુવાનોને ફિલ્મોને બદલે ડાયરા કેમ વધુ ગમે છે?- હિતેશસિંહ ઝાલા, કોડિનાર
- ‘ડાયરો’ સૌરાષ્ટ્રની બોલીની સિદ્ધિ છે. ગુજરાતની અન્ય બોલીઓમાં ક્યાંય ડાયરા થતા સાંભળ્યા?
⬛ ઓ બાપા! આપ અમારા મોરબી આવીને વિયા ગિયા, એની ખબરું જ નો પડવા દીધી. કેવરાવ્યું હોત તો અમારા મોરબીના ગાંઠિયા ખવડાવત કે નંઇ?- સુરેશ ત્રિવેદી, મોરબી
- ‘અમારું’ મોરબી નો કિયો. ‘આપણું’ મોરબી કિયો, હારે ઠેરીવારી સોડા પીવરાવશો, તો અબઘડી હાઇલો આવું?
⬛ ક્રિકેટનો વર્લ્ડકપ જીતવાના ઇન્ડિયાના ચાન્સીઝ કેટલા?- કપિલ પરજિયા, અમદાવાદ
- એક ચોક્કસ દિવસે કોઇ બેટ્સમેન કે બોલરના દેખાવ ઉપર વર્લ્ડકપનું ભાવિ હોય છે. જગતની ક્રિકેટની જાણકાર પણ કોઇ વ્યક્તિ પરિણામની આગાહી કરી ન શકે.
⬛ ડાકોરના ગોટા તો સમજ્યા, પણ નડિયાદના લોટા એટલે શું?
- હરેશ બી. લાલવાણી, વણાકબોરી
- મને બેમાંથી એકેયનો અનુભવ નથી.
⬛ સત્ય અને અસત્ય વચ્ચે અંતર કેટલું?
- વિપુલ પ્રતાપજી સુંઢેશા, માલગઢ-ડિસા
- ‘શોક’ અને ‘અશોક’ જેટલું.
⬛ નવું પરણેલું કપલ પોતાને તો વર્લ્ડ-બેસ્ટ જ માનતું હશે ને?- જીતેન્દ્ર કેલા, મોરબી
- તે એમાં આપણને ક્યાં ખરાખર કરવાનો ચાન્સ મળવાનો છે!
⬛ કોંગ્રેસે મહિલાઓ માટે 33 ટકા આરક્ષણની વાતો કરી, પણ ચૂંટણીમાં કેટલી મહિલાઓને ટિકિટ આપી?- ધવલકુમાર સોની, ગોધરા
- રાજકારણમાં બધા પક્ષોના દાવાઓને જોક્સ સમજીને લેવા જોઇએ.
⬛ ‘એન્કાઉન્ટર’માં નોર્મલી કેવા સવાલોને સ્થાન અપાય છે?- વિજય પ્રજાપતિ, ઊંઝા
‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇમેલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: [email protected]

- જેના જવાબો મને આવડતા હોય!
⬛ મોદી કે સામને પાર્ટિયાં ક્યા સોચકે ગઠબંધન કર રહી થી?-અનેશ ગણાવા, દાહોદ
- મુઝે માલૂમ નહીં.

X
article by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી