બુધવારની બપોરે- અશોક દવે / મને ડાન્સ કરતા આ‌વડતો નથી

article by ashok dave

Divyabhaskar.com

Jan 09, 2020, 06:00 PM IST
બુધવારની બપોરે- અશોક દવે
ફ્રેન્કલી... ગુજરાતીઓને ડાન્સ સાથે કોઈ લેવાદેવા નથી (સિવાય કે, જેણે તાલીમ લીધી છે), બાકી તો હમણાં 31 ડિસેમ્બર, 2019ની ડાન્સ પાર્ટીઓ જોઈ, એ સ્ટેન્ડ-અપ કોમેડીથી વધુ હસાવનારી હતી. નાનકડા પેટવાળા કે વાળી છોકરીઓ ડાન્સ કરે એ તો સમજાય, પણ કમર ઉપર મમરાનો થેલો લટકાવ્યો હોય એવા તોતિંગ પેટવાળા અને વાળીઓ ફ્લોર પર ગયા પછી ભૂલી જાય છે કે, બીજા એમને જુએ છે! રેલવેયાર્ડમાં ભારે વજનદાર થેલાઓ મજૂરો ખસેડતા હોય, એમ ડાન્સ ફ્લોર ઉપર આપણા દેશી ગોરધનો એમની WWEના દેશી પહેલવાન ‘ખલી’ની સાઈઝની વાઈફોને ખસેડવામાં અધમૂવા થઈ જાય છે. છાતીને બદલે પેટથી શ્વાસ લેવાનો હોય અને પથારીમાં પાથરેલું ગોદડું ઊંચુનીચું થતું હોય, એવું એમનું પેટ ધબકે જાય છે. જગતભરની જાડીઓ ઘરના અરીસામાં કેવળ પોતાના ધરખમ બોડીનો પેટની ઉપરનો ભાગ જ જોઈને ખુશ થાય છે. એ નીચે જતી જ નથી. આવતી વખતે ગાડીમાં ય માંડમાંડ ગોઠવાઈ હોય ને બેનને ફ્લોર પર આવીને ડાન્સ કરવો હોય. અરે બાબ્બા... એમાં ય આ ગાંસડી જે મેકઅપ કરીને આવી હોય છે એ તમે ફ્લોર પર જુઓ ત્યારે ખબર પડે કે, એનો મેકઅપ ઊખડી ઊખડીને ફ્લોર પર ઢોળાયો છે.
90 અંશના કાટખૂણે કોણીઓ આગળ-પાછળ હલાવતા રહીને વારાફરતી એક એક પગ આઘોપાછો કરતા રહેવાની મુદ્રાને આ લોકો ડાન્સ કહે છે. વર્ષો પહેલાં અમિતાભ બચ્ચને રિક્ષાવાળાઓ રિક્ષા સ્ટાર્ટ કરે, એ પદ્ધતિનો ડાન્સ (એક જમાનાના મશહૂર કોમેડિયન માસ્ટર ભગવાનને જોઈ જોઈએ) શીખ્યો હતો. બસ, પછી એની કોઈ પણ ફિલ્મનો ડાન્સ જુઓ. સ્ટેપ્સ એના એ જ રહે. કમરેથી આઠ-દસ ઈંચ વાંકા વળવાનું, રિક્ષાનું એક્સિલરેટર અને ગિયર પકડ્યા હોય અને રિક્ષામાં બેઠા પછી જે મુદ્રાઓથી તમે હલતા હો, એ મુદ્રાને બચ્ચને ડાન્સ બનાવી દીધો. રાજેશ ખન્ના વાંકો વળીને પાછલા બંને હાથે કૂતરું ભગાડતો હોય, એવી અદાઓ પેશ કરતો. ગોવિંદભ’ઈ ડાન્સર સારા પણ સૌથી પહેલા એમના દાંત દેખાય ને પછી કાંઈ વધ્યુંઘટ્યું હોય તો ડાન્સ જોવા મળે. નાનું છોકરું હોડીમાં બેઠું બેઠું પાણીમાં હાથ બોળીને બહાર કાઢતું હોય એમ રાજેન્દ્ર કુમાર વારાફરતી આખો હાથ નીચેથી ઉપર લઈ આવે. અને આ બાજુ 31 ડિસેમ્બરની આપણી ડાન્સ પાર્ટીવાળા ગુજ્જુઓ આ બધાનું છુટકછુટક ભેગું કરીને ડાન્સ(!) કરતા હોય, એ જોયા પછી ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવી ગયા હો, ને દર્દીઓ ઘોડીના સહારે આમથી તેમ ભાંગ્યું-તૂટ્યું ચાલતા હોય, એવા લાગે.
અલબત્ત, જંગલમાં કે તમારા ફ્લેટના ધાબા ઉપર મોર કળા કરીને ફૂલ ફોર્મમાં નાચતો હોય, એ ય ઝાંખો પડે એવો ડાન્સ જોવો હોય તો શશી કપૂરને ફિલ્મ ‘આમને સામને’માં ‘નૈન મિલાકર ચૈન ચુરાના કિસ કા હૈ યે કામ...’માં જુઓ. અલબત્ત, શશીને તો કોઈ પણ ગીતમાં નાચતો જુઓ, આપણે ઈન્ટરવ્યૂ મોરનો લેવો પડે કે ‘ભ’ઈ, તું શશીબાબા પાસેથી ડાન્સ શીખ્યો હતો?’ શમ્મી, રણધીર, રિશી કે રણવીર કપૂરે ય વારસામાં મનોરમ્ય ડાન્સ લઈને આવ્યા હતા.
મેરેજની સંગીતસંધ્યાઓમાં સંગીત તો નામનું હોય, પણ ફેમિલીના બધાઓએ સ્ટેજ પર આવીને ડાન્સ કરવો હોય, ગીતડાં ગાવા હોય અને ડાન્સમાંય એક ગીતની બધા રાહ જોઈને બેઠા હોય. ‘જબ કોઈ બાત બીગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે, તુમ દેના સાથ મેરા, ઓ હમનવા...’ આમાં તો ગોરધન અને એની વાઈફ એકબીજાની આંખમાં આંખ નાખીને ઝીણકા સ્માઈલ સાથે એવા મંડ્યા હોય કે ઘડીભર તો આપણે ડરી જઈએ કે આ લોકો એકબીજા સાથે બીજી વાર તો નહીં પૈણે ને? શ્રી હનુમાન ચાલીસા ગવાતી હોય એવા ભક્તિભાવથી ગોરધન એની વાઈફને લઈને આ ગીત પર થતો બોલ-ડાન્સ કરવા આવી જાય. તારી ભલી થાય ચમના... સારંગપુર રણછોડરાયજીના મંદિરે સાઈકલ પર બેસવાને બદલે સાઈકલ પકડીને ચાલે જતા કાકાની જેમ આણે વાઈફને શ્રી અંબાજીનો ગબ્બર ચઢાવવાનો હોય એવી જાળવી જાળવીને પકડી રાખી હોય, ત્યારે પેલી માંડ હાલે.
શ્રી ઠાકોરજીની કૃપા કે હજી આપણા દેશમાં ઈંગ્લેન્ડ-અમેરિકાની જેમ બોલ-ડાન્સમાં, બીજો તમારા ખભે નાનકડી ટપલી મારે, એટલે તમારેય ‘ઓહ શ્યોર...’ કહીને આઘું ખસી જવાનું. આપણી જગ્યાએ પેલો આવી જાય. દરમિયાનમાં તમારે તમારો ટપલીવાળો ગોતવાનો, જે ખસી જાય ને તમને જગ્યા કરી આપે. ભોગ લાગ્યા જ હોય ને પાછું તમારી વાઇફ પાસે જવું હોય તો પેલાને ખસેડવા માટે એના ખભે તમારે ટપલી મારવાની, પણ એ તો તમે કમનસીબ હો તો ચાન્સ લાગે... (કેવાં પાપ કર્યાં હશે કે એની એ જ સાથે ફરી ગરબે ઘૂમવાના દહાડા આયા...!) પણ 98 ટકા ગોરધનોનું ગોડાઉન જોઈને સાલું કોઈ ટપલી મારવા આવતું જ નથી અને જો વાઇફ સાચ્ચે જ ઘરની બહાર કાઢવા જેવી ન હોય એટલી સુંદર હોય તો ગોરધન પહેલાં, બીજા 16-17 ઉમેરવારો ટપલી મારવાની લાઇનમાં ઊભા હોય.
ફ્રેન્કલી કહું તો મને બોલ-ડાન્સ તો શું, એકેય ડાન્સ આવડતો નથી. જોવામાં મને ફક્ત ‘સાલસા-ડાન્સ’ ગમે, જે આપણે ત્યાં ભાગ્યે જ કોઈ કરે છે. એવું નથી કે, મેં ડાન્સ શીખવાનો પ્રયત્ન જ કર્યો નથી. પણ જ્યારે જ્યારે પ્રયત્ન કરવા ગયો છું ત્યારે જોનારાઓ સલાહ આપી દે છે કે, ‘આટલા પ્રોબ્લેમો છે તો કોઈ સારા હાડવૈદ્યને બતાવતા કેમ નથી?’ એક નાચવાની અને બીજી ગાવાની, મેં કદી હિંમત કરી નથી અને એટલે જ સમાજ સાથે મારા સંબંધો સારા રહ્યા છે. પપ્પા કહેતા ગયા છે કે, ‘કોઈની સાથે સંબંધો બગાડવા નહીં.’ પપ્પાનું માનવામાં ને માનવામાં આપણા દેશે એક ઢીલો ડાન્સર અને નબળો ગાયક ગુમાવ્યો..!
હું બાલમંદિરમાં હતો (હા ભ’ઈ... એટલું તો ભણ્યો છું...!) ત્યારે એક નૃત્યનાટિકામાં મને મહાબલિ રાવણનો રોલ આપવામાં આવ્યો હતો. મને એનો વાંધો નહોતો, કારણ કે રાવણ બધું કરે, પણ ડાન્સ ન કરે, એની મને ખબર. પણ આ તો નૃત્યનાટિકા! એમાં રાવણ તો શું, એના ફાધરનેય નાચવું પડે! રોજેરોજના રિહર્સલોથી મને પર્સનલ લાઇફમાંય લટકામટકા કરીને બોલવાની આદત પડવા માંડી હતી. પપ્પા પાણી મગાવે તો સ્માઇલ સાથે ડોકી હલાવી-પાછી લાવીને ગ્લાસ આપતો. મમ્મીને એમ કે છોકરો બહુ આગળ વધી રહ્યો છે, પણ પપ્પા ખીજાતા ને હું ન હોઉં ત્યારે મમ્મીને પૂછી જોતા, ‘છોકરો આમ તો... બરાબર છે ને?’
અલબત્ત, એ નૃત્યનાટિકામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી એ જ અંગમુદ્રાઓમાં વાત કરતા થઈ ગયા હતા. ઘેર પપ્પાઓ ખીજાતા પણ ટીચરજી મનમાં મલકાય કે ‘કેવી પરફેક્ટ તાલીમ આપી છે...!’
ટીચરજી મને કહે, ‘તું ઊભો છે ત્યાં જ બે-ચાર ઘુમરી લઈને હવામાં તલવાર ફેરવી, કમરેથી વાંકા વળી એક પગ ઢીંચણ પર રાખીને બૂમ પાડવાની છે, હું રામને જીવિત નહીં છોડું...’
જોકે, કોના ઢીંચણ ઉપર પગ મૂકીને આ સંવાદ બોલવાનો છે, એ કહેવાનું ટીચરજી ભૂલી ગયા હતા, એટલે ગભરામણમાં મેં સીધો બાજુમાં ઊભેલા સીતામૈયાના ઢીંચણ ઉપર જ પગ મૂકીને પગથિયાં ચડવાના હોય એવું જોર માર્યું...
… એ ફક્ત મારું જ નહિ, સીતાનું પણ છેલ્લું સ્ટેજ-પરફોર્મન્સ બની ગયું! આજે 66મા વર્ષેય એ લંગડી ચાલે છે.
સિક્સર
- હેલ્મેટ પાછી આવી રહી છે!
- આપણે જૂની જેને વેચી દીધી હતી, એની પાસેથી નવીના ભાવમાં પાછી લેવાની!
[email protected]
X
article by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી