‘બુધવારની બપોરે’ અને ‘એન્કાઉન્ટર’ જેવી કોલમોથી જાણીતા હાસ્યકાર અશોક દવે વરિષ્ઠ હાસ્યકારોમાં સમાવિષ્ટ છે.

અમિતાભ જેવો બીજો કોઇ એક્ટર થયો નથી

  • પ્રકાશન તારીખ02 Dec 2019
  •  
ફિલ્મ ઈન્ડિયા- અશોક દવે
એ લોકો એને ‘સિક્વલ’ કહે છે. એક ફિલ્મ સુપરહિટ થઇ તો તરત એનો ભાગ બીજો બનાવાય. જેમ કે, આજની ફિલ્મ ‘સરકાર રાજ.’ ફિલ્મ ‘જુડવાં’ પછીય એની સિક્વલ બની હતી. કારણ ગમે તે હોય પણ મૂળ ફિલ્મની સરખામણીમાં એની સિક્વલ ભાગ્યે જ સારી કે વધુ સારી બનતી હોય છે. ‘સરકાર રાજ’ સારી હોવા છતાં પહેલાં જેવી તો નહીં, ભઇ! બંને વચ્ચેનો તોતિંગ ફરક વાર્તા કહેવાનો છે. પહેલીવાળીમાંં ઘટનાઓ તાબડતોબ બદલાય છે ને ફિલ્મનો કોઇ શોટ મેક્સિમમ પાંચ-સાત સેકંડ સુધીનો ચાલે છે. અહીં બિલકુલ ઊંધું થયું છે. અમિતાભ સામેના પાત્ર સાથે બેઠો હોય ત્યારે એની સામે જોતા રહેવાની સાડા ત્રણ સેકંડ ગણીએ તો એની દૃષ્ટિ દાર્જિલિંગની ઠીબુક-ઠીબુક ટ્રેન ધીમે ધીમે આગળ ખસતી જાય, એમ બચ્ચને પેલાની સામે જોઇ લીધા પછી બારીમાં જોવાનું હોય. એ બધું મળીને ડિરેક્ટરે બાર-પંદર સેકંડ વાપરી નાખી છે. યસ, એ વાત અને એ અર્થઘટન પાછું જુદું કે, દૃષ્ટિના આટલા પ્રવાસમાંય ફિલ્મનું પાત્ર મૌન રહીને પણ બીજા પાંચ-સાત સંવાદો બોલતું હોય છે. ક્યાંય કંટાળો ન આવે કે, ‘કેમ આટલું બધું લાંબુ ચાલ્યું?’ એવું પૂછવાની જરૂર ન પડે!
મૂળ તો પહેલા પાર્ટનું આ એક્સ્ટેન્શન જ છે, એટલે ‘સરકાર’નો મોટો પુત્ર વિષ્ણુ (કેકે મેનન) મરી જાય છે, એ પછી પૂરા મહારાષ્ટ્ર ઉપર દાદાગીરીનો સઘળો વહીવટ સરકારના નાના પુત્ર શંકર (અભિષેક બચ્ચન) સંભાળે છે, પણ એ તો કહેવાય એવું! જ્યાં સુધી સીનિયર બચ્ચન હાજરાહજૂર હોય ત્યાં બચ્ચનોની આવનારી સાત પેઢીઓમાંથી કોઇનું કામ નહીં! અસલી બોસ તો એ જ હોય.
કેટરીના કૈફને વિદાય કર્યાં બાદ જુ. બચ્ચન તનિષા મુખર્જી સાથે લગ્ન કરે છે. એ દરમિયાન મહારાષ્ટ્રના એક નાનકડા ગામ ઠાકુરવાડીમાં દેશનો સૌથી વિરાટ વીજળી પ્લાન્ટ નાખવા માટે અનિતા રાજન (ઐશ્વર્યા રાય બચ્ચન) અને તેના પિતા (માઇક રાજન) વિક્ટર બેનર્જી, એમના બે પોલિટિકલ માફિયાઓ હસન કાઝી (ગોવિંદ નામદેવ) અને રાજ્યના મુખ્યમંત્રી (શિશિર શર્મા) નેક્સ્ટ મુખ્યમંત્રી બનવાનું સપનું લઇને બેઠેલા અને ‘મગજના ફરેલા’ (કરૂણેશ કાંગા) સયાજી શિંદે સાથે મળવા જાય છે. 40,000 લોકોની વસ્તી ઊજડી જવાના ભયે સરકાર આ પ્રોજેક્ટ નહીં થવા દેવાની સ્પષ્ટતા કરી દે છે ને આ બાજુ આ ટોળકી સરકારને ‘પતાવવાના’ પ્લાન શરૂ કરી દે છે. પણ શંકર (જુ. બચ્ચન) સરકારને એમનો જ ડાયલોગ ઊલટો કરીને સંભળાવે છે કે, ‘ક્યારેક દૂરનો ફાયદો જોવાને બદલે નજીકનું નુકસાન પહેલાં જોવું જોઇએ.’ શંકર એ જ વાત ઊલટી કરે છે કે, ‘નજીકના નુકસાન કરતાં દૂરનો ફાયદો પહેલાં જોવો જઇએ.’ સરકારને આ વાત ગળે ઊતરી જાય છે અને પ્લાન્ટમાં સહભાગી થવાની શંકરને છૂટ આપે છે. અનિતા મેનન દ્વારા શંકરને ખબર પડે છે કે, હસન કાઝી હલકો માણસ છે અને એને લાંચ આપવાની ઓફર કરે છે. અનિતા હસનને તાત્કાલિક કાઢી મૂકે છે, જે કાંગા ઉપરાંત ગુજરાતી ઉદ્યોગપતિ કાંતિલાલ વોરા (ઉપેન્દ્ર લિમયે) સાથે મળીને સરકાર રાજને ખતમ કરવાની કસમ ખાય છે, જેના માટે (આ ફિલ્મવાળા અન્ના હઝારેનો) ડુપ્લિકેટ દિલીપ પ્રભાવલકર લઇ આવ્યા છે. જે પોતાને ગાંધીવાદી સાબિત કરવાની જખ માર્યે રાખે છે, પણ વાસ્તવમાં એ એના પાલક પુત્ર સંજય સોમજી (રાજેશ શ્રીંગારપુરે)ને મહારાષ્ટ્રનો ચીફ મિનિસ્ટર બનાવવાની ફિરાકમાં છે. બધું વાર્તામાં ફિટમફિટ બેસે એવું તો ન બનાવી શકાય, એટલે અહીં સોમજીને રાજ ઠાકરેને ડુપ્લિકેટ બનાવ્યો છે. આ ટોળકી સરકાર કે શંકર ઉપર હુમલામાં નિષ્ફળ જાય છે, પણ કારમાં બોમ્બ ગોઠવ્યો હોવાથી એમાં બેઠેલી શંકરની પત્ની અવંતિકા (તનિષા મુખર્જી) ગુજરી જાય છે, જેનો શક શંકરને નાનપણથી એના સૌથી વફાદાર અંગરક્ષક ચંદર (રવિ કાલે) ઉપર જાય છે અને એને કાઢી મૂકે છે.
બસ, અહીં સુધી તો ગોઠવ્યા મુજબનંુ બધું બરોબર ચાલે છે, પણ અહીંથી આગળ જવામાં વાર્તાલેખક અને રામગોપાલ વર્મા ખરેખર ફસાયા છે કે, હવે વાર્તા પૂરી કરવી કે આગળ વધારવી! સૌથી પહેલાં આ ટોળકી શંકરને ઉડાડે છે, એ પછી વન-બાય-વન આ ટોળકી ઊઠે છે, ધોખેબાજ સાબિત થઇને કાઢી મુકાયેલો ચંદર પોતાની વિશ્વસનીયતા સાબિત કરીને પાછો શંકરનો અંગરક્ષક બની જાય છે. જેને પણ પ્રધાનપદાની લાલચ મળી હોવાથી શંકર એનેય ઉડાવતો જાય છે અને શંકરનો સત્યાનાશ કરાવવા રાવસાહેબ (દિલીપ પ્રભાવલકર) પુત્ર સંજય સોમજીના અપહરણનું નાટક કરે છે, પણ સરકારને બધી ખબર પડી જતા એ પોતે જ સોમજીની ઘાતકી હત્યા કરીને રાવસાહેબને બતાવી બદલો લે છે.
બસ, ભૂલેચૂકેય, ‘સરકાર-3’ ન જોતા... નહીં તો ખુદ મને ઊડાડવાની તમે લોકો સાઝિશો શરૂ કરી દેશો. રામગોપાલ વર્માને ઉચ્ચ દિગ્દર્શક હોવા ઉપરાંત પોતે એક અચ્છા સિનેમેટોગ્રાફર હોવાની ઇમ્પ્રેશન ઊભી કરવી હોવાથી આ ફિલ્મ પણ બને ત્યાં સુધી અંધારામાં અને સુંદર મજાના શેડ-લાઇટ્સ વચ્ચે ઉતારવાની શરૂ કરી દીધી હતી. અફકોર્સ, કેટલાક શોટ્સ તો ઉત્તમ આવ્યા છે, પણ પછી રામગોપાલના મનમાં ઠસી ગયું હશે કે, ઉત્તમ ફિલ્મ કરતાં ફોટોગ્રાફી વધુ ઉત્તમ હોવી જોઇએ, એટલે ‘સરકાર-3’ આખી અંધારામાં બનાવી છે. અર્થાત્ આખા રૂમમાં બચ્ચન એકલો બેઠો હોય ને એના ચહેરા પર પોણી બંધ બારીમાંથી સૂરજનું એક નાનું કિરણ પડતું હોય તો એ જ ઝીલવાનું, બાકીનો પૂરો પડદો અંધારોઘોર... અને આવું પૂરી ફિલ્મમાં ચાલે રાખે છે. એને એય કોઇ જાણભેદુએ કહી દીધું હશે કે, ઉત્તમ ફિલ્મોમાં ઘટનાઓ તરત તરત નથી બદલાતી. એક પાત્ર ઊભું થઇને દરવાજાની બહાર જાય તો કેમેરાનો શોટ મિનિમમ આઠ-વીસ સેકંડ ચાલવો જોઇએ.. અને એય અંધારામાં!
જસ્ટ થિંક ઓફ ઇટ...! સોફામાંથી ઊભા થઇને દરવાજે પહોંચવામાં આટલો લાંબો સમય ઘોર અંધારામાં ખેંચવાનો હોય તો પૂરી ફિલ્મ પૂરી... (મને માહિતી છે, ત્યાં સુધી ‘સરકાર-3’ રીલિઝ થયા પછી પહેલો શો જ પૂરો થયો નથી. બધું મળીને 33 હજાર પ્રેક્ષકો સિનેમાઓની અંદર બેભાનાવસ્થામાં પડ્યા છે.) આ સાથે તમારા ખતરનાક દુશ્મનો માટે મને પણ એક જીવલેણ વિચાર આવ્યો છે. કોઇ દુશ્મને તમારું ખરાબ કર્યું હોય, વર્ષોથી તમારા લાખો રૂપિયા દબાવીને બેઠો હોય કે, એની છોકરી તમારી સાથે પરણાવતો ન હોય કે કોઇ પણ કારણે એને સીધો કરવો હોય તો તમારા ખર્ચે એને ‘સરકાર-3’ જોવા બેસાડી દો. થિયેેટર હોય તો બહુ સારું, નહીં તો ગિફ્ટમાં પેનડ્રાઇવ મોકલાવીને પણ આ ફિલ્મ બતાવો. તમે જિંદગીભર મારો આભાર માનશો.
એ જ અમિતાભને ટીવી પર રોજેરોજ ફાલતુ અને ગૌરવહીન એડમાં મોડલિંગ કરતો જુઓ, એના કરતાં ‘સરકાર-3’ જોવી તબિયતને ઓછી નુકસાનકારક. યસ, એક તબક્કો અફકોર્સ હતો એની લાઇફમાં, કે પાઇ-પાઇનો એ મોહતાજ થઇ ગયો હતો. એની પોતાની કંપની ‘એબીસીએલ’ તારાજ થઇ ગયા પછી. પણ હવે શું છે? ઐશ્વર્યા, અભિષેક અને જયા પણ... તગડું કમાય છે. અભિષેક ફિલ્મોમાં બહુ દેખાતો નથી, એનો મતલબ એ નથી કે, એ ઘરે બેઠો છે. બચ્ચન ફેમિલીના મૂડીરોકાણો ઘણા છે.
ફિલ્મ : ‘સરકાર રાજ’ (2)
નિર્માતા : રામગોપાલ વર્મા:પ્રવીણ નિશ્ચલ
દિગ્દર્શક : રામગોપાલ વર્મા
સંગીત : અમર મોહિલે
ગીતો : બાપુ:તુતુલ
રનિંગ ટાઇમ : 8 રિલ્સ (125 મિનિટ)
થિયેટર : મલ્ટિપ્લેક્સ થિયેટર્સ
કલાકારો : અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, ગોવિંદ નામદેવ, તનિષા મુખર્જી, રવિ કાલે, વિક્ટર બેનર્જી, સયાજી શિંદે, સુપ્રિયા પાઠક, દિલીપ પ્રભાવળકર, સુમિત નિઝાવન, રાજેશ શ્રીંગારપુરે, ઉપેન્દ્ર લિમયે, શિશિર શર્મા અને જાવેદ અન્સારી.
x
રદ કરો

કલમ

TOP