તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાને હોઠ તો આપ્યા છે, પણ ઉપયોગ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

⬛    ‘એન્કાઉન્ટર’માં સીધા સવાલોના આડા જવાબો આપવાનું કેમ વિચારો છો?
- રિતિક ભાવસાર, સુરત
-    હું વિચારીને જવાબ આપતો નથી, માટે.
⬛    ‘અશોક દવે’ની બાયોપિક બનવાની હોય તો તમારું પાત્ર કોણ ભજવે એવું ઇચ્છો છો?
- શ્રદ્ધા જયેશ રાવળ, વડોદરા
-    નરેન્દ્ર મોદી.
⬛     તમને સારા વક્તા કોણ બનાવી શકે? સારા શ્રોતાઓ કે સારી તૈયારી?
- મધુકાંત હરિહર દેસાઈ, નડિયાદ
-    કોઈપણ બ્રાન્ડની પત્ની! દરેક વાત બબ્બે વખત સમજાવવી પડે છે માટે.
⬛     હું આકરા ડાયટ પર જવા માગું છું. કોઈ ટિપ?
- બિનીતા જી. કપૂર, વડોદરા
-    ઘરમાં ચરબીવાળી જેટલી હોય એ બધી વાનગીઓ કાઢી નાખો, એ પહેલાં જોઈ લેજો, ‘સ્વાદિષ્ટ’ છે કે નહીં!
⬛     હોલમાં પ્રવચનોનો કંટાળો દૂર કરવાનો કોઈ ઉપાય ખરો?
- નિરંજન કેશુભાઈ પટેલ, વલસાડ
-    હું સાહિત્ય પરિષદના સમારંભોમાં જતો, ત્યાં ‘તડાક-છીંકણી’ સાથે લઈ જતો ને આજુબાજુ બેઠેલાઓને સ્નેહપૂર્વક વહેંચતો.
⬛     જુઠ્ઠાણાનો આટલો વિરાટ પ્રભાવ કેમ છે?
- ધીરજલાલ નીઠાભાઈ ભગત, જામનગર

-    મૌન માટે એક શ્રોતા કાફી છે. જુઠ્ઠું લાખો શ્રોતાઓને ય ઓછું પડે છે.
⬛     તમારી પથારી કોણ કરી આપે છે? ચોક્કસપણે ભાભી તો નહીં જ હોય!
- સલમા વઝીર મોહમદ, નાલાસોપારા, મુંબઈ
-    તમે સાચાં છો. હું તાડપત્રી પાથરીને સૂવું છું.
⬛     તમારે તો રવિવારે રજા ખરી કે નહીં?
- કિરીટકુમાર જે. લશ્કરી, મુંબઈ
-    હા. ઘરનાં બધાં કામો પતાવતા સાંજના સાતેક વાગી જાય. પછી રજા જ છે!
⬛     રોજ નિયમિત ચાલનારાઓનું વજન કેમ ઓછું થતું નથી?- ડો. નિધિષ સુરાજીવાલા, સુરત
-    મને સમજણ છે ત્યાં સુધી, વજન ઉતારવાને ચાલવા સાથે કોઈ સંબંધ નથી. શરીર સશક્ત ચોક્કસ થાય છે.
⬛     તમારી દૃષ્ટિએ ગુજરાતીઓમાં ગોરધનનું વધુ ચાલે કે વાઇફોનું?
- કિશોરભાઈ એફ. ઠક્કર, રાજકોટ
-    મારા ફ્લેટની નીચે શાકવાળાની દુકાન છે. રેગ્યુલર ગ્રાહકોમાં 80 ટકા ગોરધનો હોય છે. એ બધા પતી જાય, પછી જ હું મારા ઘરની સબ્જી લેવા જઉં છું.
⬛     સાચો દાનવીર કોને કહેવાય?
- ધનંજય ડી. બ્રહ્મભટ્ટ, પાલિતાણા
-    જે પોતાનું 100-ટકા રક્તદાન કરે.
⬛     કોઈ સારો જોક હોય તો કહો ને!
- નીલિમા ગી. ગોર, પોરબંદર
-    ડોક્ટરે પૂછ્યું, ‘ઘણા વખતથી તમને જોયા નથી!’
‘હા, સર. હું માંદો છું.’
⬛     તમને ખૂબ ગમતો ક્રિકેટર કોણ?
- ભરત ત્રિવેદી, અમદાવાદ
-    મહેન્દ્રસિંહ ધોની.
⬛     તમને તમારા બર્થડે ઉપર તમારો પુત્ર કઈ ગિફ્ટ આપે તો ખૂબ ગમે?
- મધુબહેન રાયચંદ પટેલ, મહેસાણા
-    મારી કારની ચાવી.
⬛     આજ સુધીમાં તમે કેટલાં એન્કાઉન્ટરો કર્યાં હશે?- વંદના એ. શુકલ, અંજાર-કચ્છ
-    મારાં પાપોનો હિસાબ તો રાખું છું, પણ આવાં પુણ્યોનો હિસાબ તો કોણ રાખે?
⬛     ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની પ્રચંડ સફળતાનું કારણ શું બધા ક્રિકેટરોએ વધારેલી દાઢી હતું?
- પ્રયાગ પુષ્પવદન દેસાઈ, જામનગર
-    ઓહ! મારું ધ્યાન તો ક્રિકેટમાં હતું.
⬛     મારે પ્રેમમાં પડવું છે. શું કરવું?
- જયપ્રકાશ વીરચંદ શાહ, વડોદરા
-    તમને ખબર પડતી ન હોય કે, તમે શું કરવા માગો છો... ત્યારે એ પરફેક્ટલી કરો.
⬛     સ્ત્રીઓ પુરુષની સમોવડી કેમ બનવા માગે છે?
- શ્રીનાથ હરદયાલ ગોસ્વામી, મુંબઈ
-    મહત્ત્વાકાંક્ષાનો અભાવ.
⬛     પ્રકાશની ગતિ કેટલી હોય છે?
- ભરત ફુલચંદભાઈ સ્વામિનારાયણ, વડોદરા
-    અંધકારની ગતિ કરતાં અડધી.
⬛     અહીં સવાલ પૂછનારા માટે કોઈ ફ્રી ગિફ્ટ નથી?
- મનસ્વી રાજેન્દ્રભાઈ શાહ, અમદાવાદ
-    અમે ગિફ્ટોના પૈસા લેતા નથી. ફ્રીમાં આપીએ છીએ.
⬛     તમને કીધેલી કોઈ ખાનગી વાત તમારા પેટમાં ટકે?- પ્રકાશચંદ્ર વી. સાપુતારાવાલા, સુરત
-    મારા પેટમાં તો ટકે, પણ જેને જેને કહું છું, એમના પેટોમાં ટકતી નથી.
⬛     આ લોકો પાસે મોદીને હટાવવા સિવાય બીજો કાંઈ ધંધો નથી?
- કેશવલાલ છોટાભાઈ પારેખ, નડિયાદ
-    હટાવવા માટે પૂરા દેશમાં મોદીથી વધારે શક્તિશાળી છે ય કોણ?
⬛     ગુજરાતના જંગલમાં વાઘ દેખાણો!
- શિરીષ જયરામ ભટ્ટ, જામનગર
-    તમારી મોમ કહેતી નથી, જ્યાં ને ત્યાં ફરફર ન કરો.
⬛     તમે ફિલ્મ ‘ઉરી’ વિશે રાષ્ટ્રભક્તિ જાગૃત કરતો અદ્્ભુત લેખ લખ્યો છે, પણ એમ રાષ્ટ્રભક્તિ આવશે?- નીલા જે. ઠક્કર, સુરત
-    રાષ્ટ્રભક્તિ વિનાનો મેં તો એકેય ભારતીય જોયો નથી.
⬛     ગુજરાતમાંથી દારૂબંધી કયારે હટશે?
-  કૌશિક લાલભાઈ ત્રિવેદી, જામખંભાળિયા
-    હુંય એ જ પૂછું છું.
⬛     ગોરધન (પતિ) અને પાળેલા ડોગી વચ્ચે શું ફર્ક?- ઇશિતા નારણભાઈ પટેલ, મહેસાણા
-    ડોગી વધુમાં વધુ 14-15 વર્ષ જીવે છે.
⬛     મારી પત્નીનું મગજ અહીંતહીં ભટક્યા પછી પાછું નથી આવતું. કોઈ ઉપાય?
- મો. કરીમ અબ્દુલ હાફીઝ શેખ, મુંબઈ
-    ઓહ! કેવા નસીબદાર છો!
⬛     શું ફક્ત ડુંગળી જ એવું ફ્રૂટ છે, જે રડાવી શકે?
- તત્વમ પીયૂષ મહેતા, અમદાવાદ
-    કોઈના મોઢા ઉપર નારિયેળ પછાડી જુઓ.
⬛     હવે તો અમદાવાદમાં રોડ ઉપર નીકળાય નહીં, એટલો ટ્રાફિકજામ છે. કોઈ રસ્તો?
- ઉમેશભાઈ રાયચંદ શાહ, અમદાવાદ
-    ઉફ્ફ... ટ્રાફિકજામ તરફ જવાના બધા રસ્તા ખુલ્લા છે.
⬛     શું સુંદર સ્ત્રીને જોવી પાપ છે?
- દિનેશચંદ્ર મુખી, નડિયાદ
-    જોયા પછી પાપમાં પડું...

‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇમેલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર  લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: ashokdave52@gmail.com

 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો