ઓફબીટ- અંકિત ત્રિવેદી / માણસોની વાતો, વાતોના માણસો

article by ankit trivedi

Divyabhaskar.com

Oct 16, 2019, 03:45 PM IST
ઓફબીટ- અંકિત ત્રિવેદી
​​​​​​​કાર્યક્રમોના કારણે અનેક લોકોના સંપર્કમાં આવવાનું બને છે, કાં તો એ સ્ટેજ પર બેઠેલા કે બેસવા આતુર એવા મિત્રો હોય, કાં તો સ્ટેજની સામે બેસીને પોતાના અભિનયમાં મસ્ત એવા બેખબર જાણગાંડા માણસો હોય! લોકોને મળવાની અને મળીને પોતાની ખૂબી-ખામી કહીને ‘દાદ’ મેળવવાની એમની પાસે અજબ-ગજબની કલા હોય છે. ક્યારેક આપણી ઉપર જ હસવું આવતું હોય છે. એમની ઇચ્છાઓ, જિજીવિષાઓ, અપેક્ષાઓ સાંભળીને ઘણી વાર મનમાં ધનુરનું ઇન્જેક્શન લેવું પડે એવું લાગે છે. એવા લોકોના પ્રકાર પાડ્યા વગર આપણે એમને મળીએ. તમને એમના વિશે સાંભળવાની, વાંચવાની મજા આવશે.
કેટલાક લોકો તડકા-છાંયડા જેવા હોય છે. વાતની શરૂઆત ‘નથી ગમતું’થી કરે પછી આપણે એમાં સંમતિનો સૂર પુરાવીએ એટલે એમને ‘કેમ ગમે છે?’ એનાં ઉદાહરણ આપવા માંડે! સૂરજ સામે વાદળું આવે અને પ્રકાશ ઢંકાઈ જાય એવો સ્વભાવ હોય છે એમનો!
કેટલાક લોકો માત્ર ફરિયાદો જ કર્યા કરે! એમના પોતાના કાર્યક્ષેત્રની અધૂરપ એમનાથી સહન થતી નથી હોતી! એમના પછીની પેઢીના મિત્રો કે જે ક્યારેક એમની આંગળી પકડીને આગળ આવ્યા હતા એ બધા આજે એમનાથી ક્યાંય આગળ વધી ગયા હોય છે અને પેલા ફરિયાદીઓને માત્ર એમનો સ્વભાવ જ નડે છે. એ લોકો માત્ર શંકાથી જ વાતનાં ભજિયાં તળે છે. શ્રદ્ધાથી સંતોષને ઓડકારનું સરનામું નથી આપતા! વાતોનાં ભજિયાંથી પેટ નથી ભરાતું! એવા લોકો તરબૂચને ‘ટેટી’ માનીને પોતાની વાત બીજા ઉપર થોપવાના આગ્રહી હોય છે. હવે લોકો વારંવાર તરબૂચને ટેટી શું કામ માને?
કેટલાક લોકો એમના કાર્યક્ષેત્ર સિવાયની વ્યક્તિઓને મળીને એમાં ફાટફૂટ પડાવવાના શોખીન હોય છે. એમના કાર્યક્ષેત્રની દખલ એમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડે એટલી જીવલેણ હોવા છતાં વિચાર્યા વગર નિંદાનું વેવિશાળ કરે છે! એમને બધાને પોતાનાથી થઈ શકે એટલા ‘અાગળ’ લાવવામાં આનંદ આવતો હોય છે. અંતે પોતે જ્યાં છે ત્યાંથી પણ ‘પાછળ’ જતા રહ્યા હોય છે! એમના શરીર ઉપર ધ્યાન આપ્યું હોત તો તે પણ સુડોળ બનવામાં મદદરૂપ બન્યું હોત. આવા લોકો ઘડા વગર છલકાતા હોય છે.
કેટલાક લોકો અભિપ્રાયના નિષ્ણાત હોય છે. કેટલાક વળી માત્ર દેખાડો કરવાના શોખીન હોય છે. કેટલાક પોતાની પ્રતિભાનું મૂલ્યાંકન જાતે જ કરીને જગતને ન્યાય આપવા બેસે છે. કેટલાક પોતાના જ હાજરીપત્રકમાં ગેરહાજર હોય છે. કેટલાક બોલવાની બાબતે ઉદારદિલ હોય છે. બોલીને બગાડે નહીં અને મૌન રહીને સુધરે નહીં એવા હોય છે. કેટલાક પોતાના જ કેન્દ્રબિંદુની ત્રિજ્યા અને વ્યાસ હોય છે.
તો વળી, કેટલાક લયની લપસણીમાં, ચિંતાના ચકડોળમાં અને રીસની રેલવેમાં સફર કરતા હોય છે. ત્યાં આનંદમેળો નથી હોતો. ત્યાં તો માત્ર ‘મૂંઝારા’નો મેળો હોય છે. આવા લોકોને મળવાનું નથી હોતું છતાં એવા લોકો સામેથી મળીને આપણાં મગજને પોતાનું સમજીને અત્યાચાર કરે છે.
આ બધાની વચ્ચે કેટલાક એવા માણસો પણ મળે છે જેમને મળતાં જીવવાનું ‘ટોનિક’ મળે છે! એ લોકો આપણી હયાતીનો ‘સ્માર્કપ્લગ’ હોય છે. એમને મળીએ છીએ અને ઝાડના છાંયડા નીચે જીવનના વટેમાર્ગુનો અહેસાસ થાય છે. એવા લોકો પોતાનાથી સભર હોય છે. શાંત નદીમાં તરતી હોડી વહેણને પણ વમળ ઊભાં કરવાની ના પાડે છે. એવા લોકો આપણા ‘પાણી’માં વધારો કરે છે. તેમનું મૌન પણ સાંભળવું ગમે છે. એમના શબ્દો પણ ટીકાથી ‘પર’ અને ટિપ્પણીથી ‘દૂર’ હોય છે. એ તો પોતાની કવિતા જીવનારા શબ્દયાત્રિક જેવા મિલનસાર હોય છે. એવા લોકો સમય અને સમાજ બંનેનું માન રાખે છે. એવા લોકોને પોતાની વાહવાહની ‘તાજપોશી’ ગમતી નથી! સમાજનું દર્પણ બનવા માટે વેઠવાની પ્રક્રિયાની એ બધા જ ‘રેસિપી’ હોય છે. એ દૂરથી નજીકનું અને નજીકથી દૂરનું જુએ છે અને પછી વર્તુળની બહાર રહીને પોતાના કેન્દ્રબિંદુમાં ખોવાઈ જતા હોય છે.
જીવનમાં એવા માણસોને વધારે મળવું, જે ઓછા નવરા હોય અને વાતો ઓછી કરે. બધાનો ટેલિફોન ઉપાડનારા માણસો વધારે ‘ખતરનાક’ છે. કોમ્યુનિકેશન થોડી વાર પછી વાત કરીને થઈ શકે છે. તરતમાં મળીને ‘સસ્તા’ થઈ જવાનો આ જમાનો નથી. એ તો તરતમાં તમને ‘ખસતા’ મૂકી દે તેવો છે. એવા લોકોને મળવું જેમની પાસેથી દરિયાનો ખળભળાટ હાથ ઉછીનો મળે. એમને સાંભળીએ ત્યારે રોમરોમના દરવાજા અને બારીઓ ખૂલી જાય! નિંદા, સ્પર્ધા અને દુ:ખો એમની પાસે આવતા વિરોધીઓની જેમ ગભરાતાં હોય. કોઈને નાનો કે મોટો નહીં, ‘સમદૃષ્ટિ’થી કેળવાયેલ આંખોથી દરેકના હૃદયને ઝંખતો હોય. એ શિકારીની જેમ આપણો ‘શિકાર’ ન કરે માત્ર આપણો ‘સ્વીકાર’ કરે એવો હોય. જીવનને પ્રત્યેક પળે માણવા માટે આપણે આવા માણસ બનવાની શરૂઆત કરવી પડશે. આપણું વિશ્વ કમ્પ્યૂટરની ‘એન્ટર કી’થી શરૂ થઈ જાય છે અને ભાવવિશ્વ વચ્ચે જ અટવાઈને આપણી રાહ જોતું હોય છે. આપણે આપણા આગંતુક થવાની જગ્યાએ આપણા આત્મીય થઈશું તો આપણને મળ્યા પછી બીજાનો અભિપ્રાય તો બદલાતા બદલાશે, પરંતુ આપણને મળવાથી ‘સામેના’ને અને સામેનાને મળવાથી ‘આપણ’ને સામસામે આનંદનો ‘ઓડકાર’ આવશે!
અંદરથી ખાલી હોય એવા માણસનાં હવાતિયાં બહુ જોખમી હોય છે. એની તરાપ ભર્યાભાદર્યા માણસોને ન્હોર મારે છે, પણ ભર્યાભાદર્યા માણસો આ ‘ન્હોર’ ચૂપચાપ સહન કરે છે, કારણ કે કાળની થપાટ ન્હોર નથી મારતી. એને પોતાને તહસનહસ કરી નાખે છે. સચ્ચાઈ દરેકના ખૂણેથી જુદી લાગવાની, પણ એનો તાગ મેળવીને જોશો તો એમાં સંબંધોની આપકમાઈ રહેંસાઈ ગઈ હશે. જ્યાં સાચવવાનું આવશે ત્યાં સત્ય પ્રગટ નહીં થાય. જ્યાં સત્ય પ્રગટશે ત્યાં બધું આપોઆપ સચવાઈ જશે. માણસ અહીંયાંથી ‘ઈશ્વર’ બનવાની શરૂઆત કરે છે.
ઓન ધ બીટ્સ :
જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.- વેણીભાઈ પુરોહિત
[email protected]
X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી