તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોહાનીસની ધરપત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોનટિકિના છ અસવારોને માનવસમુદાયથી વિખૂટા પડીને મહિના ઉપરનો સમય થઈ ગયેલો અને એટલા સમયથી તેમણે સાતમા માણસને નહોતો જોયો. આ કારણે તેમણે સમુદ્રનાં જીવો અને પક્ષીઓ સાથે આત્મીયતા કેળવેલી. સમુદ્રી જીવો સાથેની મૈત્રીના પ્રસંગો તો થોર હાયરડાલે ‘કોનટિકિ’માં ઘણા વિસ્તારથી લખ્યા છે, પરંતુ એક કરચલા સાથેની દોસ્તી વિશે વાંચ્યું ત્યારે ઘણું અચરજ થયું કે માણસને તેની એકલતા કઠે ત્યારે તે કરચલા સાથે પણ દોસ્તી કરી શકે.


થોર હાયરલડાલ કોનટિકિમાં માહિતી આપે છે કે મધદરિયે પણ કેટલાંક સમુદ્રી પક્ષીઓ જોવા મળતાં અને એ પક્ષીઓ કંઈ કિનારે નહીં પહોંચતા, પરંતુ સમુદ્રના પાણી પર જ ઊંઘી જતાં. આવાં પક્ષીઓનાં પીંછાં પેસિફિક મહાસાગરની જળસપાટી પર તરતાં અને એ પીંછાંઓ પર નાના નાના કરચલા પણ બાઝેલા રહેતા. એ કરચલાઓને જાણે પેસિફિક મહાસાગરની સ્વચ્છતાનું કામ સોંપાયું હોય એમ તેમની આસપાસ કોઈ પણ મૃતજીવ આવે તો તેનો તેઓ ખાતમો બોલાવતા અને મહાસાગરને ગંદકીથી બચાવતા. એ નાના કરચલા લાકડાનો સહારો લઈને કોનટિકિ પર પણ ચડી બેસતા, જેમાંના કેટલાકનો કોનટિકિના અસવારો મુખવાસ તરીકે ઉપયોગ કરતા.


કોનટિકિ પર ચડી આવતા એ કરચલા સ્વભાવે અત્યંત ચંચળ હતા એટલે કોનટિકિ પરના માણસો નજીક આવે કે માણસોનો જરા સરખો સળવળાટ થાય તો કરચલા નાસભાગ મચાવતા અને નજીકમાં જે કાણું હોય એમાં ઘૂસી જતા, પરંતુ એક મોટો કરચલો હંમેશાં શાંત રહેતો અને એ કરચલા સાથે જ કોનટિકિના અસવારોને અત્યંત લાગણી બંધાઈ ગયેલી.

 

એ દિવસોમાં જોહાનીસ પણ કોનટિકિના અસવારોની વાતોનો મુદ્દો રહેતો અને તેણે ખાધું હશે કે નહીં તેની સૌ કોઈ ચિંતા કરતું

એ મોટા કરચલાનું નામ તેમણે જોહાનીસ પાડેલું. જોહાનીસ સુકાન પાસેના એક બાકોરા પાસે પડી રહેતો અને સમયના આઠેય પ્રહરમાં તે સુકાન સંભાળનારને કંપની આપતો. હાયરડાલ લખે છે કે જો જોહાનીસ ક્યાંક આમતેમ થયો હોય અને સુકાન પાસેના તેના બાકોરાની બહાર તે ન હોય તો સુકાન સંભાળનાર માણસને ઘણું એકલું લાગતું અને જોહાનીસ ક્યાં ગયો હશે તેની એ શોધ આદરતો.


એ દિવસોમાં સાથે લઈ ગયેલા પોપટની જેમ જોહાનીસ પણ કોનટિકિના અસવારોની વાતોનો મુદ્દો રહેતો અને તેણે ખાધું હશે કે નહીં તેની સૌ કોઈ ચિંતા કરતું. સામે છેડે જોહાનીસ પણ ભૂખ્યો થયો હોય તો સુકાન સંભાળનાર માણસની રાહ જોતો અને સુકાન સંભાળનાર તેને માછલીનો એકાદ ટુકડો કે નાનાં બિસ્કિટ આપે તો નાના બાળકની જેમ ઠેકડા મારતો મોંમાં ટુકડો નાખીને ભાગતો.


આ લખનારે પણ ત્રણેક વર્ષ પહેલાં લેહનો ચાદર ટ્રેક કરેલો ત્યારે સાત-આઠ દિવસ સુધી બરફની ચાદર અને માઇનસ ટેમ્પરેચર વચ્ચે પોતાના જ ગ્રૂપના માણસોને જોયા કરેલા. એક દિવસ અચાનક ક્યાંકથી એક પીળી ચાંચવાળો કાગડો થીજેલી ઝંસ્કાર નદીના ચકરાવા લેતો હતો ત્યારે કાગડાને જોઈને આ લખનારની આંખોમાં પાણી આવી ગયેલાં. આ અખિલાઈમાં આપણે એકલા નથી એનો અહેસાસ એ કાગડાને જોઈને થયેલો. ત્યારે માણસ મહિનાઓ સુધી અગાધ મહાસાગરમાં જનસંપર્ક વિના રહે ત્યારે જોહાનીસ નામના કરચલાનો સાથ ઝંખે જ ને? 
ankitdesaivapi@gmail.com

અન્ય સમાચારો પણ છે...