તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક હતા હિમાંશુ શુક્લ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિયતિની ચાલ સમજી શકાતી નથી. હમણાં જૂનું ઘર ખાલી કરીને નવા ઘરમાં રહેવા આવ્યા. મનમાં એક નિશ્ચય કરેલો કે નવા ઘરમાં
ડો.હિમાંશુ શુક્લ અને સોનલ શુક્લને ઉમળકાથી નિમંત્રિત કરવા. વિખ્યાત નારીવાદી લેખિકા સોનલ શુક્લના બેટર હાફ હિમાંશુ અમારા માટે અનસંગ હીરો હતા. હિમાંશુ મૃત્યુ પામ્યા એ સમાચાર ટાઇમિંગ તમે જુઓ બપોરનો સમય છે. ફિલાડેલ્ફિયાથી ગાંધીજી સાથે દાંડીકૂચની આગેવાની લેનાર છગનલાલ જોશીનાં પુત્રી સૂચિ વ્યાસ અને ગિરીશ વ્યાસ નવા ઘરે પહેલાં અતિથિ બન્યાં એ જ વખતે મોબાઇલ રણક્યો : ‘હિમાંશુ ગયા’. હિમાંશુ પોતે વ્યવસાયે વિખ્યાત તબીબ હતા, પણ આ નોખી માટીના તબીબની વિશેષતા એ હતી કે પોતે દર્દીઓ માટે વિના મૂલ્યે દવાખાનું ચલાવતા હતા. પોતે એક બહુ ઉમદા ઇન્સાન હતા. હિમાંશુ-સોનલનું ઘર એટલે વિખ્યાત ઇન્ટેલેક્ચ્યુલસનું સરનામું હતું. વિખ્યાત નાટ્યકારો પણ આવે, વિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવી પણ આવીને બેઠક જમાવે, ભારતરત્ન ભૂપેન હઝારિકાનું સરનામું પણ હિમાંશુ-સોનલનું ઘર જ હોય. સોનલ શુક્લ સાંતાક્રૂઝમાં વાચા નામે લાઇબ્રેરી પણ ચલાવે. લાભવંચિત દીકરીઓને દત્તક લઈ લે. હિમાંશુ સ્વભાવે બહુ શાંત લાગે, પણ એનું મૌન વધારે બોલતું હોય. ગૌર ચહેરો, ઘરમાં સાદો પાયજામો અને કુર્તા, પણ દવાખાને જાય ત્યારે એવાં કપડાં પહેરે કે જાણે ચારધામની યાત્રાએ જતો હોય. મૃત્યુ પહેલાંના આગળના દિવસે પણ ટાપટીપ કરીને દવાખાને જાય. સાહિત્યમાં હિમાંશુની સમજ બહુ ઊંચી હતી. વિદેશી સાહિત્ય બહુ વાંચે. મીડિયોક્રિટીથી બહુ દૂર ભાગે. મારા ફાકામસ્તીના દિવસોમાં હિમાંશુ-સોનલનું ઘર એક આશ્રયસ્થાન હતું. સોનલ શુક્લ મહેનતુ ગૃહિણી અને સતત વિચારશીલ મહિલા. સેન્સ ઓફ હ્યુમર પણ જોરદાર. સોનલને હું મા કહેતો. નિયતિ એટલી બધી ક્રૂર છે સોનલની તબિયત પણ સારી નથી. ઓક્સિજનના બાટલા ઉપર રહેવું પડે છે. સોનલને આશ્વાસન દેવાની મારી કોઈ ઔકાત નથી. હિમાંશુ વિનાના સોનલબહેનને હું કલ્પી શકતો નથી સોનલનો આખો પરિવાર સંગીતમય પરિવાર છે. નીનુ મજુમદારના દીકરી એટલે સંગીતના જીન્સ તો આવે જ. ઉદય મજુમદાર, મીનળ પટેલ અને ઉત્કર્ષ મજુમદાર તેમજ રાજુલ મહેતાની ઓળખ ગુજરાતને આપવાની જરૂર નથી. આ પરિવાર મને મારો જ પરિવાર લાગ્યો છે. હિમાંશુ બહુ પ્રસિદ્ધ મનુષ્ય નહોતા, પણ સોનલના આખા પરિવારનું ધીમે ધીમે વાગતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું. મુંબઈમાં એક વાતવિસામો હતો. લાભશંકરના શબ્દોમાં કહું તો હિમાંશુનું મૃત્યુ એ મારી ઇચ્છા વિરુદ્ધની ઘટના છે. મૃત્યુ એ રિયાલિટી છે એ જાણું છું, પણ ગમતીલા મનુષ્યની વિદાય અસ્વસ્થ કરી મૂકે છે. અનસંગ હીરો જેવા હિમાંશુની વિદાયથી વિલે પાર્લે શૂન્ય થઈ ગયું છે
જેમ પક્ષી મરે છે એમ કવિઓ મરે છે , માત્ર ઉડાનો જ બચી જાય છે. દુનિયામાં આવતાંવેંત જ ઇન્તઝાર વધારે છે અને સાથ ઓછો છે. હવે શું એવી દુનિયા આવી રહી છે કે જ્યાં ક્યારેય નહીં કવિ અને પક્ષી આવે? જેમ્સ જોયસને એક પ્રશ્ન વારંવાર થતો હતો કે બધા જન્મે છે એક જ રીતે, પણ સહુ અલગ અલગ રીતે કેમ મરે છે? દર શનિ-રવિ ચર્ચગેટથી મારી ઓફિસથી હિમાંશુ-સોનલના ઘરે જતો ત્યારે રાત રોકાવાનું થઈ જતું. એટલે મારી પાસે નાઇટ ડ્રેસના લેંઘા-ઝભ્ભા ન હોવાથી હિમાંશુ મને પાયજામો અને કુરતો કાઢી આપતા. આજે હિમાંશુ પોતે જ નવાં વસ્ત્રો શોધવા માટે ચાલી ગયો છે. શરીર પણ એક વસ્ત્ર જ છે ને!{
joshi.r.anil@gmail.com
અન્ય સમાચારો પણ છે...