હું ક્યારેય ફિલ્મોમાં કામ માંગવા નથી ગયો

  • પ્રકાશન તારીખ07 Sep 2018
  •  

ગુજરાતી આર્ટિસ્ટ સંજય ગોરડિયા

પહેલી ગુજરાતી ફિલ્મ કરો છો. કેવો રહ્યો અનુભવ?
આજે તો કાસ્ટિંગ એજન્ટો આવી ગયા છે. અમારા વખતે એવું હતું કે ફોટા લઈને જવું પડે. જોકે, મારા સદ્્નસીબે હું ક્યારેય એવી રીતે ફિલ્મોમાં કામ માગવા નથી ગયો. મને જેટલી પણ ફિલ્મો મળી છે, એ તમામ મિત્રતાના નાતે કે ઓળખાણના કારણે મળી છે. જેમ કે, ‘ઇશ્ક’, ‘મન’ વગેરે. અલબત્ત, ‘વેન્ટિલેટર’ માટે મને જ્યારે ખ્યાલ આવ્યો, તો મેં સામેથી ફોન કરીને ડાયરેક્ટરને કહ્યું કે આ રોલ મારે કરવો છે.


અગાઉની ફિલ્મોમાં અને આ ફિલ્મમાં શું ફરક લાગ્યો?
મેં અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેમાં મોટા ભાગે મારા કૅમિયો રોલ હતા એટલે એક કે બે સીન હોય અને બેથી ત્રણ ડાયલોગ બોલવાના હોય. જ્યારે નાટકની ટ્રીટમેન્ટ અલગ હોય છે. તેમાં લાંબા લાંબા સીન એકસાથે ભજવવાના હોય છે. જ્યારે અહીં વાત જુદી હતી. અહીં એક ટૅક પૂરો થાય એટલે કટ થાય અને ફરીથી બીજો ટૅક આપવાનો. એટલે મારા માટે આ સાતત્ય જાળવવું અઘરું હતું.

સંજય ગોરડિયાનું નામ આજે ગુજરાતી નાટકોમાં જાણીતું છે. આગામી અઠવાડિયે તેમની ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’ આવી રહી છે, ત્યારે પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના કેટલાક અંશ

ખુદનાં નાટકો કરવાં અને કોઈ ડાયરેક્ટરની અંડરમાં એક્ટ કરવાં વચ્ચે શો ફરક છે?
નાટક હું જાતે જ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરું છું, એટલે કહોને કે એ મારી પોતાની દુનિયા છે, તેમાં મારી પોતાની સ્ટાઇલ છે. જેની સામે ફિલ્મમાં મારે કોઈ ડાયરેક્ટર કહે એમ કરવાનું હોય છે. નાટકના અભિનયની આદતના કારણે મારે અનેક વખત ડાયરેક્ટરને પૂછવું પડતું કે ક્યાંક મારો અભિનય લાઉડ તો નથી થઈ ગયો ને?


અચ્છા, તો અભિનયની આ લગની કેમ લાગી?
અમારે આયુર્વેદિક દવાની દુકાન હતી. હું અગિયારમા ધોરણમાં નાપાસ થયો એટલે ભણવાનું છોડીને ત્રણસો રૂપિયામાં દવાબજારમાં દવાની દુકાનમાં નોકરી કરવા લાગ્યો. મારું કામ પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવાનું નામ જોરથી બોલવાનું હતું. એટલે અંદર રહેલો માણસ એ દવા કાઢીને મને આપે. આ એક પ્રકારનું મેસેન્જર જેવું કામ હતું, પણ એ હું એટલી કલાત્મકત રીતે કરતો કે મને અંદરથી જ એવું થયું કે મારે નાટકોમાં અભિનય કરવો જોઈએ અને બસ આ રીતે આવી ગયો નાટકોમાં.


નાટકનો પહેલો અનુભવ કેવો રહ્યો?
આ 1978-79ની વાત છે. હું ત્યારે મારું પહેલું નાટક ‘મારો છેલ અને છબો’ કરતો હતો. તે એક બાળનાટક હતું. મેં અનેક વખત રિહર્સલ્સ કર્યાં હતાં. છતાં, જ્યારે પહેલી વખત સ્ટેજ પર ગયો, ત્યારે ત્યાંની લાઇટો જોઈને અંજાઈ ગયો હતો. જોકે, પરફોર્મ તો બરોબર જ થયું હતું.


અર્બન-ટર્બનની બાબતમાં શું કહેશો?
આજે ભાષાનો સિક્કો ઘસાઈ ગયો છે. અર્બન-ટર્બનની બાબતમાં એવું છે કે, જો અર્બનના નામે વૉટ્સએપના ચવાયેલા જૉક, ચીલાચાલું એક્ટિંગ, ફોટોગ્રાફી જ દર્શાવવાના હોય તો એ અર્બનાઇઝેશન નથી. એના કરતાં તો વર્ષો પહેલાં ખૂબ સારા વિષયોવાળી ગુજરાતી ફિલ્મો આવી જ છે.


આટલાં વર્ષોમાં રંગભૂમિ કેટલી બદલાઈ છે?
પહેલાં લોકો નાટકો પાર્ટટાઇમ કરતા. જ્યારે આજે પ્રોફેશનલિઝમ આવી ગયું છે. એ સમયે બેન્કની નોકરી પૂરી કરીને રિહર્સલ્સ કરવા આવતા. આજે નાટકો પણ ફુલટાઇમ પ્રોફેશન બની ગયાં છે. મુંબઈમાં આજે મહિનામાં 25 દિવસ નાટકોના શો ચાલે છે, તો આ આખો ફરક આવ્યો છે રંગભૂમિમાં.


અત્યારે અનેક ફિલ્મોની ગુજરાતીમાં રિમેક થઈ રહી છે. તેને કેટલી હદે યોગ્ય માનો છો?
રિમેક કરવામાં કંઈ જ ખોટું નથી. જરૂરિયાત એટલી છે કે તે ગુજરાતી ઑડિયન્સને ધ્યાનમાં રાખીને લખાયેલી હોવી જોઈએ. અમુક ફિલ્મોના વિષયો યુનિવર્સલ હોય છે. મારા મતે આવા વિષયોને ભાષાનાં બંધનો ન હોવાં જોઈએ. આ સિવાય અન્ય ભાષાની ફિલ્મનું ગુજરાતીકરણ કરવું એ પણ એક નવી ગુજરાતી ફિલ્મ લખવા જેટલું જ અઘરું કામ છે. ઇન શોર્ટ, દર્શક સો રૂપિયા ખર્ચીને સિનેમા જોવા જાય છે, તો તેને મજા આવવી જોઈએ એ જરૂરી છે.


હાલ કોઈ પ્રોજેક્ટ પર કામ કરો છો?
હાલ હું ‘મેડ ઇન ચાઇના’ નામની એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. જેમાં મારી સાથે રાજકુમાર રાવ છે અને તેનું ડિરેક્શન મિખિલ મૂસળે કર્યું છે. આ સિવાય મારું એક નાટક પણ ચાલી રહ્યું છે.
amit.radia99@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP