Home » Rasdhar » અજય નાયક
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિમાં એક્ઝિક્યુટિવ એડિટર છે.

હેપી સિસ્ટર ડે : કાયદાએ સંબંધો બગાડ્યા

  • પ્રકાશન તારીખ26 Aug 2018
  •  

હેડિંગ વાંચીને ચોંકશો નહીં. વિદેશમાં ઊજવાતા કોઈ તહેવારની આ વાત નથી. પશ્ચિમના વાયરામાં હેપ્પી મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશિપ ડે, વેલેન્ટાઇન ડે ઊજવીએ છીએ. પણ વિદેશમાં ભાઈ-બહેન માટે કોઈ ડે નથી ઊજવાતો. એ સંસ્કૃતિ જ એવી છે કે તેમને આવા કોઈ સંબંધને ઊજવવાનું મન ન થાય! વળી તેઓ આવા ડેઝ પણ વર્ષમાં એકવાર જ ઊજવે છે. આપણે ત્યાં રક્ષાબંધન અને ભાઇબીજનું અદકેરું મહત્ત્વ છે. ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધો રામાયણને બાદ કરતાં મહાભારતના માર્ગે જ જોવા મળે છે. પરંપરાગત ભાઈબહેનનાં સંબંધોની વાત તેમાં નથી આવતી. હકીકતમાં આ બન્ને પાત્રો એકબીજાને પૂરક હોય છે. નાના હોઈએ ને ભાઈબહેન વચ્ચે ઝઘડા થાય એ અલગ વાત છે અને જીવનમાં માતા કે પિતાની ગેરહાજરીમાં એકબીજાને હૂંફ આપવી એ અલગ વાત છે. બહેન નાની હોય કે મોટી પણ એ માતાની ગરજ સારતી હોય છે.

લાલચથી પ્રરાઈને પ્રેમ, લાગણી કે હૂંફ જેવી વસ્તુને તુચ્છ ગણવામાં આવે છે, પણ પૈસાથી આ મળી શકે નહીં એ વાસ્તવિકતા સમજવી જોઈએ

માતા પછી કુટુંબમાં કોઈ વ્યક્તિ હોય કે જેની સાથે ઈમોશનલી ભાઈ જોડાયેલો હોય તો તે બહેન છે. ઘણા એવા કિસ્સા જોવા મળે છે કે બહેન પોતાના ભાઈને આર્થિક, સામાજિક અને તમામ વિકટ પરિસ્થિતિમાં ઢાલ બનીને હૂંફ આપતી હોય છે. તેવી જ રીતે ભાઈ પણ બહેન માટે કોઇ પણ હદ સુધી જવા તત્પર હોય છે. સમગ્ર જીવન દરમિયાન ભાઈબહેન એકબીજાને મદદ માટે તત્પર રહેતાં હોય છે. ભાભી અને નણંદના સંબંધો હંમેશાં મધુર જ હોય જરૂરી નથી છતાં ભાઈને કારણે બહેન બધું ચલાવી લેતી હોય છે તો બીજીબાજુ ભાઈ પણ બહેન સામે જોઈને બનેવીની બધી ગુસ્તાખી ચલાવે છે.


સુરત જિલ્લાના માંડવીની શાળાના આચાર્ય અશોક પટેલનો કિસ્સો અનોખો છે. બહુ નાની ઉંમરમાં પિતા ગુમાવનાર ભાઈબહેને એકબીજાને ભણાવવા વારાફરતી નોકરી કરી. અશોકભાઈએ હીરા ઘસવા માંડ્યા અને બહેનને પીટીસી કરાવ્યું. બહેનને નોકરી મળી એટલે અશોકભાઈને ભણવા કહ્યું. તેઓ બી.એ, બી.એડ થયા ને શાળામાં આચાર્ય બન્યા. હવે તો તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી છે. આ ભાઈબહેનના સંબંધો છે.


જોકે 2005માં કરાયેલા કાયદામાં ફેરફારને કારણે હવે આ સંબંધો બગડવાના શરૂ થયા છે. આપણી સદીઓ જૂની કહેવત- જર, જમીન ને જોરુ, કજિયાના છોરું, એ ન્યાયે જમીનના વધેલા અસ્વાભાવિક ભાવોએ ભાઈબહેનને સામસામે લાવી દીધાં છે. જ્યારે કાયદો નહોતો ત્યારે પણ ભાઈ દરેક વ્યવહાર કરતો જ હતો. પણ જ્યારથી પુત્રીને પણ પૈતૃક સંપત્તિમાં બરાબરનો હિસ્સો મળે તેવું નક્કી થયું ત્યારથી આ સંબંધો વણસી ગયેલા જોવા મળે છે. એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં આ કારણે જ ભાઈબહેનના સંબંધો પૂરા થઈ ગયા હોય! કેટલાક કિસ્સામાં તો એવું પણ નોંધાયું છે કે ભાઈએ બહેનને પૂછ્યું હોય કે ભાઈ જોઈએ છે કે પૈસા? અને બહેનનો જવાબ હોય કે ભાઈ તો મળી રહેશે, પૈસા આપી દો!


સંબંધો રાખવા માટે ફરજ પડાતી હોય તો એવા સંબંધોનું કોઈ મૂલ્ય હોતું નથી. જેમ પ્રેમ, લાગણી નૈસર્ગિક હોય એવો જ આ સંબંધ છે. માતાપિતાને રાખવા માટે પણ કાયદો બન્યો છે. પ્રેમ, લાગણીની ગેરહાજરીમાં કાયદાની કડપને કારણે કે ફરજ પડવાને કારણે ઘરનાં વડીલને સાથે રાખવા પડે તે સમજી શકાય તેવી બાબત છે કે તેનું પરિણામ શું આવી શકે?


સવાલ એ નથી કે પૈસાને સંબંધથી ઉપર ગણવામાં આવે છે પણ વિચારવું એ જોઈએ કે આવું શા માટે થાય છે? મૂળ વાત એ છે કે લાલચ વધી ગઈ છે. બધાને ઝડપથી પૈસાવાળા થવું છે. એટલે આવા શોર્ટકટ શોધવામાં આવે છે અને અન્યો તેમને સહયોગ પણ આપે છે. પ્રેમ, લાગણી કે હૂંફ જેવી વસ્તુને તુચ્છ ગણવામાં આવે છે. પણ પૈસાથી આ મળી શકે નહીં એ વાસ્તવિકતા સમજવી જોઈએ. પૌરાણિક કથામાં કંસ અને દેવકીના સંબંધો કેમ બગડ્યા એ સહુ જાણે છે. જેવો કંસને ભય ઉત્પન્ન થયો એટલે તે એની બહેનનો દુશ્મન બની ગયો. રાવણ અને શૂર્પણખાનો કિસ્સો પણ જાણીતો છે. ભલે આપણે તેને પ્રતીક તરીકે ગણતાં હોઈએ પણ રાવણ બહેનનું અપમાન સહન કરી શકતો નથી.


રક્ષા માટે રાખડી બાંધવી એ તો એક પ્રતીક છે. મૂળ ભાવના પ્રેમ જળવાય તેની છે. કેટલીક બહેનોને ભાઈ ઘણુંબધું આપે છતાં સંતોષ થતો નથી અને કેટલીક બહેનોને થોડું કરે તો પણ સંતોષ થઈ જાય છે.

ajaynaik63@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP