Home » Rasdhar » અજય નાયક
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિમાં એક્ઝિક્યુટિવ એડિટર છે.

મૈત્રી અને પ્રેમ

  • પ્રકાશન તારીખ05 Aug 2018
  •  

ફરી પાછો ફ્રેન્ડશિપ ડે આવ્યો. વિદેશી કોન્સેપ્ટ આપણે ત્યાં વધુ ને વધુ સ્વીકારાઇ રહ્યા છે. ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેન્ડશિપ ડે, વેલેન્ટાઇન ડે વગેરે વગેરે. ભારતીય સંસ્કૃતિ મુજબ આ બધું જ આપણે ત્યાં છે જ. કદાચ નામ નથી અપાયાં. આપણે તો એમનાથી પણ આગળ છીએ. ભાઈ-બહેનનો ડે પણ આપણે ઊજવીએ છીએ જે આ મહિનાના અંતે જ આવે છે. આપણે માતાપિતાને સાથે જ રાખીએ છીએ એટલે કદાચ આપણે આવા ડે ઊજવવા પડતા નથી.

કર્ણ દુર્યોધનના તમામ અવગુણ છતાં તેને છોડતો નથી. જોકે, ખરો મિત્ર તો એ ગણાય જે મિત્રને તેના અવગુણ બતાવે અને તેને સમજાવે

મૈત્રી તો આપણે રોજ ઊજવીએ છીએ. એમની જેમ એક દિવસ પૂરતી ઉજવણી નથી હોતી. પૌરાણિક કથાના આપણા બે મુખ્ય ગ્રંથ- રામાયણ અને મહાભારતમાં મૈત્રીનો અલગ અલગ પ્રકારે ઉલ્લેખ આવે છે. મહાભારતની શ્રીકૃષ્ણ- દ્રૌપદી, શ્રીકૃષ્ણ-અર્જુન, દુર્યોધન-કર્ણ, દ્રુપદ-દ્રોણાચાર્ય (જે પાછળથી દુશ્મનીમાં પરિણમી) તથા રામાયણમાં ભગવાન શ્રી રામ- વિભીષણ, શ્રી રામ- હનુમાનજી (તે ભલે પોતાને સેવક ગણાવે)ની મૈત્રી ચર્ચિત રહી છે. દુર્યોધન પ્રત્યે કર્ણની નિષ્ઠાનું કારણ તેને અપાયેલું સન્માન છે. આથી કર્ણ દુર્યોધનના તમામ અવગુણ છતાં તેને છોડતો નથી. આ મૈત્રીને ખરેખર સાચી મૈત્રી કહી શકાય? જ્યાં સ્વાર્થ હોય તેને મૈત્રી કેમ કહેવી? મિત્ર તો એ છે કે જે મિત્રને તેના અવગુણ બતાવે અને તેને સમજાવે. અવગુણ પોષનાર મિત્ર હોઈ શકે નહીં. દ્રુપદ અને દ્રોણાચાર્યની મૈત્રીમાં સ્વાર્થ ભળ્યો એટલે મૈત્રી તૂટી.


મૈત્રીની પૂર્વશરત જ સ્વાર્થ અને અપેક્ષાની ગેરહાજરી. પ્રેમમાં તો અપેક્ષા અને સ્વાર્થ બન્ને હોય છે. વિજાતીય પ્રેમમાં તો એકબીજાને પામવાની અપેક્ષા હોય જ છે એટલે નિર્વ્યાજ પ્રેમની વાતનો તો છેદ જ ઊડી જાય છે. એટલે પ્રેમ કરતાં પણ મૈત્રી ઊંચી કહી શકાય. ઘણી મૈત્રી સામાજિક અને ધંધાકીય સંબંધોમાં ફેરવાતી જોવા મળે છે. તેમાં પણ ક્યાંક સ્વાર્થનું તત્ત્વ હોય છે. આપણે ત્યાં વિજાતીય મૈત્રી હજી પરિપક્વ બની નથી. તેને હંમેશાં શંકાની નજરે જ જોવાય છે. તેમાં આપણી માનસિકતા જવાબદાર છે.


વિશુદ્ધ મૈત્રી કેવી હોય? સાદી ભાષામાં કહેવું હોય તો જ્યાં ભાણા વ્યવહાર હોય ત્યાં નાણાં વ્યવહાર નહીં અને જ્યાં નાણાં વ્યવહાર હોય ત્યાં ભાણા વ્યવહાર નહીં. કેટલા મિત્રો આ રીતે દોસ્તી નિભાવે છે એ દરેક મિત્રોએ પોતાની જાતને પૂછવું જોઈએ.


અન્ય એક પૂર્વશરત આપતા રહેવાની છે. એટલે કે સતત મિત્રોને આપતા રહો. સલાહ કે પ્રેમની વાત નથી પણ એક ભરોસો. કોઈ એક વ્યક્તિ કે જેના પર તમે આંખ મીંચીને ભરોસો કરી શકો. કોઇ પણ મુશ્કેલી કે મડાગાંઠમાં કે ખુશીના પ્રસંગે તે વ્યક્તિ તમારી પાસે હોય એટલું જ નહીં, સાચું માર્ગદર્શન પણ આપે.


બોલિવૂડમાં અનેક ફિલ્મો મૈત્રી પર બની છે. ‘સંગમ’થી લઈ ‘દોસ્તી’, ‘નમકહલાલ’,‘દો ઔર દો પાંચ’, ‘દિલ ચાહતા હૈ’, યે જવાની હૈ દિવાની’, ‘જિંદગી મિલે ના દુબારા’ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ દરેકમાં મૈત્રીમાં સ્વાર્થ જોવા મળે છે એટલે દોસ્તી પણ તૂટતી જોવા મળે છે.

મૈત્રીની ગાથા બહુ અનંત અને અકળ છે. તેને મૂલવી શકાય તેમ નથી. મૈત્રીનો અનુભવ થઈ શકે. તેને ફીલ કરવાની હોય. આ કોઇ વસ્તુ નથી કે ગમે ત્યાં સુધી રાખીએ અને ગમે તો ફેંકી દઈએ.

વાસ્તવિક જીવનમાં આપણી આજુબાજુ ઘણા મિત્રો જોવા મળશે કે જેઓ કોઈ પણ સ્વાર્થ વગર ચાર-પાંચ દાયકાથી દોસ્તી નિભાવતા હોય છે. નાની-મોટી નાણાભીડમાં મિત્ર મદદ કરે એ મોટી વાત નથી અને જે તે મિત્ર તે અંગે કોઈને કહેતા પણ નથી હોતા.


સુરતના પ્રસિદ્ધ હીરાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતે કહેલી વાત મુજબ ત્રણ મિત્રો સાથે તેમણે ધંધો શરૂ કર્યો હતો. થોડા જ સમયમાં ત્રીજા મિત્રને કેન્સર થયું હોવાનું બહાર આવ્યું. સારવાર કરી પણ અંતે તેમના મિત્રનું અવસાન થયું. આ ભાગીદારનાં સંતાનો નાનાં હતાં અને તેમનાં પત્ની પણ અભણ. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે ભાગીદારી છૂટી કરીને તેમનો હિસ્સો આપી દીધો હશે. પણ બન્યું તેનાથી ઊલટું. ભાગીદારી વર્ષો સુધી ચાલુ રહી. અવસાન પામેલા ભાગીદારના પુત્રો ભણ્યા-ગણ્યા. ધંધો શીખવાડ્યો. આ દરમિયાન ભાગ પણ આપતા રહ્યા. છેવટે ભાગીદારી છૂટી કરી. ગોવિંદભાઈ કહે છે કે ભાગીદારી છૂટી કરવાનો નિર્ણય લીધો ત્યારે આ ભત્રીજાઓ રડે અને ના પાડે કે અમારે છૂટાં નથી થવું. પણ સારા ભવિષ્ય માટે આ નિર્ણય લીધો હોવાનું ગોવિંદભાઈ કહે છે.


મૈત્રીની ગાથા બહુ અનંત અને અકળ છે. તેને મૂલવી શકાય તેમ નથી. મૈત્રીનો અનુભવ થઈ શકે. તેને ફીલ કરવાની હોય. આ કોઇ વસ્તુ નથી કે ગમે ત્યાં સુધી રાખીએ અને ગમે તો ફેંકી દઈએ. જે સાચા મિત્રો છે તેઓ અનુભવ કરી રહ્યા હશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP