Home » Rasdhar » અજય નાયક
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિમાં એક્ઝિક્યુટિવ એડિટર છે.

મરાઠા આંદોલન તો એક બહાનું છે?

  • પ્રકાશન તારીખ29 Jul 2018
  •  

હવે મહારાષ્ટ્ર અનામતની આગમાં ફસાયું છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અગાઉ અનામત આંદોલનનો ભોગ બની ચૂક્યાં છે. મરાઠા મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતોની આત્મહત્યામાં પણ મોટાભાગના મરાઠા હોવાનો દાવો કરાય છે. આથી તેઓ અનામત માંગી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મરાઠાની વસ્તી 33% જેટલી છે. રાજ્યની 80 બેઠકો પર મરાઠાનું વર્ચસ્વ છે. આથી દરેક પક્ષ માટે આ સમુદાય મહત્ત્વનો છે. ભાજપને પરંપરાગત રીતે મરાઠા મત નથી મળતા. મરાઠા મોટાભાગે એનસીપી, કૉંગ્રેસ કે શિવસેનાને મત આપે છે. બીજું એક કારણ પણ એવું છે કે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી ફડણવીસ છે. આથી કેટલાક મરાઠા નેતાઓને તે પસંદ નથી, એટલે આંદોલનને વેગ મળ્યાનું કહેવાય છે.

મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. આથી કેટલાક મરાઠા નેતાઓને તેઓ પસંદ નથી, એટલે આંદોલનને વેગ મળ્યાનું કહેવાય છે

ગોવામાં મુખ્યમંત્રી પછી બીજા પણ બીમાર પડ્યા
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર કેન્સરની બીમારીમાંથી હાલમાં જ ઊભા થયા છે. ભારત પરત ફર્યા છે, પણ બધું સમુંસૂતરું નથી. 15 ઑગસ્ટ બાદ ફરી તેઓ અમેરિકા જશે. એટલું ઓછું હોય તેમ તેમના ઊર્જા મંત્રી પાંડુરંગ મડકૈકરને બ્રેઈન સ્ટ્રોક આવતાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ઑપરેશન કરાયું છે ને તેમને ઠીક થતાં હજી એક મહિનો લાગશે. આ અગાઉ પીડબલ્યુડી મંત્રી સુધીન ધવલીકરને પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. બીજા બે ધારાસભ્યો પણ બીમાર છે. આ સ્થિતિમાં વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે?


રાહુલ ગાંધીની નવી ટીમમાંથી ધૂરંધરો બાકાત
રાહુલ ગાંધીએ કૉંગ્રેસ પ્રમુખ થયાના સાત મહિના બાદ ટીમ જાહેર કરી. અપેક્ષા મુજબ છાપેલાં કાટલાંને સ્થાન મળ્યું નથી તો જે રાજ્યોમાં કૉંગ્રેસ કશું ઉકાળી શકતી નથી તેવાં રાજ્યોને પણ બાકાત રખાયાં છે. ઉત્તર પ્રદેશને ખૂબ મહત્ત્વ અપાયું છે. બિહાર, બંગાળ અને આન્ધ્રપ્રદેશમાં તેનો કોઇ જનાધાર નથી એટલે ત્યાંથી કોઈનો કારોબારી સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં જ્ઞાતિને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. બિહારમાં જો આરજેડી સાથે સમજૂતી થાય તો પણ તેને ફાળે વધુ બેઠક આવે તેમ નથી. બંગાળમાં મુખ્ય લડાઇ ભાજપ અને તૃણમુલ વચ્ચે થશે. આન્ધ્રમાં ટીડીપી અને વાયએસઆર અને ભાજપનો જંગ જામશે. આથી રાહુલે સમજી વિચારીને જ સોનાની જાળ પાણીમાં નાંખી નથી.


ચૂંટણીનો જંગ જીતવા માટે શિવરાજસિંહની ખેરાત
મધ્યપ્રદેશમાં ચૂંટણી હવે ઢૂંકડી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે રાજ્યમાં જાણે વહેલી નાતાલ લાવી દીધી છે. સાન્તાક્લોઝની જેમ અઢળક વચનો અને નાણાં આપી રહ્યાં છે. રાજ્ય સરકારની તિજોરીની શું દશા છે કે થશે તેનો વિચાર કર્યા વિના એક પછી એક જાહેરાત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 20000 કરોડ વહેંચી દીધા છે અને હવે ગરીબોને ચંપલ, સાડી આપવાની જાહેરાત કરી છે. અગાઉ બાળકોને એવું કહ્યું હતું કે ધો.12 સુધીની બધી ફી તેમના મામા એટલે કે શિવરાજ ભરશે. 75% લાવનારને લેપટોપ આપવાની જાહેરાત કરી છે. ખેતી પર 38000 કરોડ ખર્ચવાની વાત કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં 4000 કરોડનું દેવું કર્યું છે. જે પણ સરકાર આવશે તેને વારસામાં દેવું જ મળવાનું છે. આને કહેવાય દેવું કરીને પણ ઘી પીવુ!


દેવગૌડા પરિવારની અનોખી રાજ-લીલા
કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર ભલે બની ગઈ હોય પણ બધું સમુંસૂતરું ચાલતું નથી. હવે નવી વાત આવી છે કે દેવગૌડા પરિવાર સમયપાલનની બાબતે બદનામ છે મતલબ કે તેઓ સમયપાલનમાં હંમેશાં માનતા નથી. અધિકારીઓ પણ આ ફરિયાદ કરે છે. એટલું જ નહીં ગયા સપ્તાહે તો હદ કરી નાખી. ટોચના ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીને કુમારસ્વામીએ દોઢ કલાક રાહ જોવડાવી. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દર વર્ષે હજારો કરોડ રૂપિયા કર્ણાટકમાં કલ્યાણ યોજનાઓ માટે આપે છે અને એવી જ કોઈ ચર્ચા કરવા પ્રેમજી મુખ્યમંત્રીને મળવા ગયા હતા. પણ કુમારસ્વામીને તેનો કોઈ ફરક પડતો નથી!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP