તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડ V/S મીડિયા!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ શમશુદ્દીન સિદ્દીકીએ એક જાણીતા હિન્દી અખબાર પર સો કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. તેણે આ દાવો એટલા માટે માંડ્યો છે કે તેની વિરુદ્ધ એ અખબારે એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે શમસુદ્દીન સિદ્દીકીને એટિટ્યૂડ પ્રોબ્લેમ છે અને તેનું વર્તન એક્ટ્રેસીસ સાથે ખરાબ હોય છે. શમશુદ્દીન સિદ્દીકી તેના ભાઈ નવાઝુદ્દીન સિદ્દીકી અને હિરોઇન મૌની રોયને મુખ્ય ભૂમિકામાં લઈને ‘બોલે ચૂડિયાં’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે.
આ તેની પ્રથમ ફિલ્મ છે.
નવાઝુદ્દીનના ભાઈએ સો કરોડનો દાવો માંડ્યો છે ત્યારે ફિલ્મ પર્સનાલિટીઝ અને મીડિયા વચ્ચેના ઝઘડાઓની બીજી અનેક ઘટનાઓ યાદ આવે છે. આવા ઘણા બધા કિસ્સાઓ બની ચૂક્યા છે, જેમાં પત્રકારોને ફિલ્મસ્ટાર્સ અને કોઈ ફિલ્મ પર્સનાલિટીને પત્રકાર સાથે વાંધો પડ્યો હોય. બોલિવૂડ અને મીડિયા વચ્ચે હંમેશાં લવ-હેટ રિલેશનશિપ ચાલતી આવી છે. આવા કેટલાક રસપ્રદ કિસ્સાઓની વાત કરવી છે. સાડા ત્રણ દાયકા અગાઉ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના મિત્ર રાજીવ ગાંધીને કારણે રાજકારણમાં ગયા હતા અને અલાહાબાદથી સંસદસભ્ય તરીકે બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. એ પછી બોફોર્સ કૌભાંડમાં તેમનું અને તેમના ભાઈ અજિતાભનું નામ ગાજ્યું. એ વખતે મીડિયામાં અમિતાભ બચ્ચન વિશે ખૂબ જ ઘસાતું છપાતું હતું એટલે અમિતાભને મીડિયા સાથે વાંધો પડ્યો હતો. એ વખતે મીડિયાએ અમિતાભનો બહિષ્કાર કર્યો હતો. એ પછી અમિતાભે મીડિયાનો વળતો બહિષ્કાર કર્યો હતો. એ વખતે કેટલાંક વર્ષ સુધી અમિતાભ અને મીડિયા વચ્ચે દુશ્મની ચાલી. જોકે, સુપરસ્ટાર હોવા છતાં છેવટે થોડા વર્ષ બાદ તેણે મીડિયા સાથે સમાધાન કરી લેવું પડ્યું હતું.  

  • નવાઝુદ્દીન સિદ્દીકીના ફિલ્મમેકર ભાઈએ એક અખબાર પર સો કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઝીંકી દીધો છે ત્યારે જાણીએ મીડિયા અને ફિલ્મ પર્સનાલિટીઝના ઝઘડાઓના કેટલાક રસપ્રદ કિસ્સાઓ

અમિતાભ તો હવે મીડિયા સાથે સારા સંબંધ રાખતા થઈ ગયા છે, પણ જયા બચ્ચનને મીડિયા સાથે બહુ ફાવતું નથી. જયા બચ્ચન અનેક વખત મીડિયા સાથે બાખડ્યાં છે. એક વાર જયા બચ્ચન ઐશ્વર્યા રાય સાથે કોઈ ઇવેન્ટમાં ગયાં હતાં ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક પત્રકારોએ ઐશ્વર્યાને ‘એશ’ કહીને સંબોધન કર્યું ત્યારે જયા બચ્ચન ઉશ્કેરાઈ ગયાં હતાં અને તેમણે કહ્યું હતું કે તેનું નામ ‘એશ’ નહીં ઐશ્વર્યા છે, તેને ‘એશ’ કહીને બોલાવવાનો તમને કોઈ અધિકાર નથી! એ વખતે તેમનો ઉશ્કેરાટ ફોટોઝ અને વિડિયોમાં ઝિલાઈ ગયો હતો અને એ વિડિયો કરોડો લોકો સુધી પહોંચ્યો હતો.
રિતિક રોશન તેની એક ફિલ્મ અગાઉ શિરડીના સાંઈબાબા મંદિરમાં દર્શને ગયો હતો. તે તેના પિતા રાકેશ રોશન અને પત્ની સુઝેન સાથે શિરડી પહોંચ્યો એ વખતે ડઝનબંધ પત્રકારો અને કેમેરામેન તેને ઘેરી વળ્યા હતા. એ વખતે પત્રકારો તેને સવાલો પૂછવા લાગ્યા. રિતિકે કહ્યું કે મારી પ્રાઇવસીની આમન્યા રાખો, પ્લીઝ. જોકે, પત્રકારોએ સવાલો પૂછવાનું ચાલુ રાખ્યું ત્યારે તે ઊકળી ઊઠ્યો હતો. તેણે કેટલાક પત્રકારોને ધક્કા માર્યા હતા અને પછી પત્રકારોને અભદ્ર ભાષામાં ચોપડાવી દીધું હતું!
આલિયા ભટ્ટની મીડિયામાં ખૂબ જ મજાક ઉડાવાતી હોય છે. મોટે ભાગે તો તે એવી વાતોની પરવા નથી કરતી, પરંતુ આલિયા ભટ્ટે પણ મીડિયાની સામે આક્રોશ ઠાલવ્યો હોય એવી ઘટનાઓ બની છે. એક વખત આલિયા ભટ્ટ એક ઇવેન્ટમાં ગઈ હતી ત્યારે પત્રકારો તેને ઘેરી વળ્યા. એ વખતે એક પત્રકારે પૂછ્યું કે હોળી શા માટે ઊજવાય છે એની તને ખબર છે? હોળી ઊજવવાનું કારણ શું છે એ તને ખબર છે? એ સાંભળીને આલિયા ઉશ્કેરાઈ ગઈ. તે થોડાં ડગલાં આગળ નીકળી ગઈ હતી ત્યાંથી પાછી આવી મીડિયા અને પત્રકારો સામે બરાડા પાડીને પૂછવા લાગી કે તમને લોકોને ખબર છે કે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ કોણ છે? સિંગાપુરના પ્રેસિડેન્ટ કોણ છે? ચાયનાના પ્રેસિડેન્ટ કોણ છે? તમને આ બધી ખબર ન હોય તો આવી રીતે મને કોઈ પણ સવાલો ન પૂછવા! એ વખતે પત્રકારો શાંત સ્વભાવની આલિયાનો ગુસ્સો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. એ વિડિયો હજી યુટ્યૂબ
પર છે.
દીપિકા પદુકોણ પણ શાંત સ્વભાવની છે, પરંતુ તેણે પણ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિત્તો ગુમાવી દીધો હતો. દીપિકાની ક્લીવેજ દેખાતી હોય એવી વિડિયો ક્લિપ ફરતી થઈ હતી અને એ વિડિયો ક્લિપ વિશે મીડિયામાં ખૂબ પ્રસારિત થયું હતું. એ પછી દીપિકા એક પ્રેસ કોન્ફરન્સમાં ગઈ ત્યારે એક મહિલા પત્રકારે તેને તેનાં સ્તનનો હિસ્સો દેખાતો હોય એવા વીડિયોના વિવાદ વિશે સવાલ પૂછ્યો એથી ત્યારે દીપિકા ઊકળી ઊઠી હતી. એ સવાલ પૂછનારી પત્રકાર યુવતી પર રોષ ઠાલવતાં દીપિકાએ કહ્યું હતું કે તું પોતે સ્ત્રી છે છતાં આવો સવાલ કરવામાં તને શરમ નથી
આવતી?
પરિણીતિ ચોપરા પણ આમ શાંત પ્રકૃતિની છે, પરંતુ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે પણ ઉશ્કેરાઈ ગઈ હતી. તેને એક પત્રકારે પૂછ્યું હતું કે છોકરીઓ યુવાન હોય ત્યારે તેમને સેક્સ ગમે છે, પણ મોટી થયા પછી સ્ત્રીઓ સેક્સનો વિરોધ કરે છે. એ સાંભળીને પરિણીતિ ભડકી ગઈ હતી. તેણે તે પત્રકારને ખખડાવી નાખ્યો હતો. તેણે કહ્યું હતું કે તમે કહેવા શું માગો છો? સ્ત્રીઓને માન આપતા શીખો. સ્ત્રીઓ માટે આ રીતે હલકી ભાષામાં વાત ન કરો. સલમાન ખાન તો આક્રમક સ્વભાવ માટે જાણીતો છે જ. તે તો મીડિયા સાથે અનેક વાર પંગો લઈ ચૂક્યો છે.  એક વખત કોઈ પત્રકારે તેને અળવીતરો સવાલ કર્યો એથી અકળાઈ ઊઠેલા સલમાને કહ્યું હતું કે માન, મર્યાદા, સંસ્કૃતિ આ બધું તો તમારા પત્રકારો પાસે જ છે ને? તમારા સિવાય કોઈને તેમનાં મા-બાપ સંસ્કાર આપતાં જ નહીં હોય ને? પછી તેણે પત્રકારો પર બળાપો ઠાલવતાં કહ્યું હતું કે તમારાં મા-બાપે તમને આવા જ સંસ્કાર આપ્યા છે ને? વિવેકભાન જાળવતા શીખો! શાહરુખ પણ અનેક વાર મીડિયા સાથે ઝઘડી ચૂક્યો છે. એક પત્રકારે તેને તેના અંગત જીવન વિશે કોઈ સવાલ કર્યો એથી રોષે ભરાઈ ગયેલા શાહરુખે તેને કહ્યું કે મારા અંગત જીવન વિશે વાત કરવાનો તમને અધિકાર નથી. પેલા પત્રકારે કહ્યું કે તો પછી ટ્વિટર પર તમે તમારી અંગત વાતો શા માટે શેર કરી છે? શાહરુખ ભડકી ગયો. તેણે કહ્યું કે ટ્વિટર મારું છે, મારા બાપનું છે! એમાં હું કંઈ પણ મૂકું એનાથી તને શું લેવાદેવા છે? એ વખતે તેનો ગુસ્સો જોઈને પત્રકારો સ્તબ્ધ થઈ ગયા હતા.
આવા તો ઘણા બધા કિસ્સાઓ બનતા રહેતા હોય છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે અફેર ચાલતું હતું એ દરમિયાન તે બંનેના રેકોર્ડ થયેલા એક કોલનું કન્વર્સેશન મુંબઈના એક જાણીતા અંગ્રેજી અખબારે છાપ્યું હતું, જેમાં પ્રીતિ ઝિન્ટાનો સેક્સ્યુઅલ રિલેશનના સંદર્ભમાં ઉલ્લેખ થયો હતો (એ ફોન કોલમાં સલમાને અન્ડરવર્લ્ડ સાથેના પોતાના સંબંધોની પણ વાતો કરી હતી અને ઐશ્વર્યાને ડોન અબુ સાલેમ માટે વિદેશમાં શો કરવા માટે ધમકી આપી હતી!). એથી ઉશ્કેરાઈને પ્રિટી ઝિન્ટાએ એ અંગ્રેજી અખબાર પર કેસ ઠોકી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...