આપણી વાત- વર્ષા પાઠક / લડવાની સ્થિતિમાં ન રહ્યા હોય એવા નબળાને મારવામાં કોઈ બહાદુરી છે?

article by varsha pathak\

Divyabhaskar.com

Oct 16, 2019, 03:47 PM IST
આપણી વાત- વર્ષા પાઠક
રૂઢિચુસ્ત પરિવારના દીકરાએ લવમેરેજ કર્યાં, ત્યારે ધાર્યા મુજબ માતા-પિતા સખત નારાજ થયાં. બંને પક્ષે નાની પણ વ્યવહારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કહેવાય એવી રાહત એટલી હતી કે છોકરો વર્ષોથી શહેરમાં અને વડીલો એમના ગામમાં રહેતા હતા. આને કારણે રોજિંદા જીવનમાં કોઈ બબાલ થવાની શક્યતા નહોતી. શરૂઆતમાં તો વારતહેવારે પણ પુત્રવધૂને ગામના ઘરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. સમયની સાથે માતા-પિતાનો દીકરા પરનો રોષ ઓછો થયો. એની પત્ની પર પ્રેમ તો ન ઉપજ્યો, પણ ‘હવે આવી જ ગઈ છે તો ચલાવી લો’વાળો અટિટ્યૂડ ઘરના લોકોએ અપનાવી લીધો, પરંતુ એમના માટે હંમેશાં આ એક પુત્રવધૂ આઉટસાઈડર જ રહી. પુત્રવધૂ વારતહેવારે ઘરે આવે ત્યારે સાસુમા મેણાંટોણાં મારવાનું ચૂકે નહીં. એની સાથે ભેદભાવવાળું વર્તન કરતા રહે. સામે પક્ષે આધુનિક ગણાય એવી વિચારસણી ધરાવતા ઘરમાં ઉછરેલી વેલ એજ્યુકેટેડ યુવતીએ સમજપૂર્વક આ બધું સ્વીકારી લીધું હતું. એનું કહેવું હતું કે વર્ષે બે-ત્રણ વાર મળવાનું, સાથે રહેવાનું થાય તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેવામાં શું વાંધો? વર્ષમાં માત્ર 15 દિવસ સાસુનો ત્રાસ ભોગવવો પડતો. બાકીનો સમય એ પોતાના ઘર અને ઓફિસના કામમાં વ્યસ્ત અને ખુશ રહેતી હતી.
વર્ષો વીતી ગયાં. એંસીની ઉંમર વટાવી ગયેલાં માતા-પિતાની તબિયત થોડી કથળવા લાગી છે. એક સમયે બહુ સ્ટ્રોંગ, અક્કડ ગણાતો એમનો સ્વભાવ હવે નરમ પડ્યો છે. એમની ઉંમરનાં સગાંવહાલાં, મિત્રો ઓછાં થવા લાગ્યાં છે. હવે એ કોઇ કોઇવાર શહેરમાં દીકરાઓને ઘેર ચાર-પાંચ દિવસ રહેવા આવી જાય છે અને જોવાનું એ કે બીજાઓ કરતાં એમને હવે પેલી વર્ષો સુધી આઉટસાઈડર માનેલી પુત્રવધૂ સાથે રહેવું વધુ ગમે છે, ફાવે છે. બહુ સારી જગ્યાએ ખાસ્સા મોટા પગારવાળી નોકરી કરતી સ્ત્રી પોતે હવે પચાસની ઉંમર વટાવી ગઈ છે, પરંતુ સામેવાળાની બદલાઈ રહેલી મેન્ટાલિટી પણ એણે સહજભાવે સ્વીકારી લીધી છે. બીજાં સંતાનોની વર્તણૂકથી થોડા અપસેટ થતાં સાસુ-સસરાને એણે કહી દીધું છે કે કોઈ વાતે ચિંતા નહીં કરતાં, હું તમને સાચવીશ.
આ સાંભળીને મારાથી એકવાર સહજભાવે પુછાઈ ગયું કે પેલા લોકોએ તને કેટલી હેરાન કરેલી, એ બધું તું ખરેખર ભૂલી ગઈ? ત્યારે એ સ્ત્રીએ આપેલો જવાબ મને હંમેશ માટે યાદ રહેશે. એણે કહ્યું, ‘ઝઘડો કે બળવો તો મારે મારી યુવાનીમાં કરવાની જરૂર હતી. એ વખતે એમનામાં પણ મારી સામે લડવાની તાકાત હતી, પણ એ વખતે હું ચૂપ રહી. કદાચ ભૂલ હતી, પણ થઇ ગઈ. હવે આટલાં વર્ષે એ ઘરડાં, નબળાં પડ્યાં છે, મારી સાથે લડવાની સ્થિતિમાં નથી, અમુક હદે લાચાર છે, ત્યારે એમને નીચા પાડીને કે હડધૂત કરીને મને શું સંતોષ મળવાનો? લડવાનો સમય વીતી ગયો. નબળાં પડેલાં લોકો સાથે બદલો લેવાની વાત કરું તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં.’
અલબત્ત, ઉંમરની સાથે સ્વભાવ કંઈ સાવ બદલાય નહીં. સાસુજી મળે ત્યારે કોઈવાર આદત મુજબ થોડું ઘણું બબડી લે, પણ આ સ્ત્રી હસી કાઢે. એ કહે છે કે ભૂતકાળમાં વડીલોનો થોડો ડર લાગતો હતો, થોડું મનેકમને માન આપીને ચૂપ રહેતી હતી, પણ હવે એમની દયા આવે છે. જોકે, હવે મારી પણ ઉંમર થઇ એટલે કોઈવાર સહનશક્તિ ખૂટી જાય અને સામે જવાબ આપી દઉં, પણ પછી અફસોસ થાય કે હવે નેવું વરસની ઉંમરે એમને થોડું બબડીને સંતોષ મળતો હોય તો ભલે મળે. બાકી તો બીજું શું કરી લેવાનાં?’ આ બધું એ બહુ સહજભાવે કહે છે. વાતચીત દરમ્યાન સ્પષ્ટતા પણ કરી લે છે કે આનો અર્થ બિલકુલ એવો નહીં કે સ્ત્રીઓએ ચૂપચાપ અન્યાય સહન કરી જ લેવો જોઈએ. એ કહે છે કે બસ, એટલું યાદ રાખવાનું કે બંને પક્ષમાં તાકાત હોય ત્યારે લડી લેવું જોઈએ. સામેવાળા નબળા પડે ત્યારે ઘા મારવાની સ્ટ્રેટેજી કદાચ બિઝનેસમાં, પોલિટિક્સમાં કે બીજા કોઈ ફિલ્ડમાં વપરાય, પણ પર્સનલ રિલેશનશિપમાં આવું કરવું એ નરી ક્રૂરતા છે અને એવું કરવામાં કોઈ બહાદુરી નથી.’
પરંતુ આવી બહાદુરી બતાવનારા લોકોયે મળે છે. ‘વર્ષો સુધી મેં સહન કર્યું, હવે એની ખેર નથી’ આવું બોલીને ઘરડાં બીમાર ફેમિલી મેમ્બરની દુર્દશા કરતી વ્યક્તિઓને જોઈ છે. આવું કરતી વખતે એમને બદલો લીધાનો સંતોષ મળતો હશે, પરંતુ એવું કરીને આખરે એ પણ સામેવાળી વ્યક્તિની કક્ષાએ જ ઊતરે છે.
[email protected]
X
article by varsha pathak\

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી